તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને ૫૦૦ રૂપિયાની ૧૦૦ નકલી નોટનાં બંડલ અને નોટ છાપવાની સામગ્રી મળી આવ્યાં હતાં.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મધ્ય પ્રદેશના ઇન્દોરની ક્રાઇમ બ્રાન્ચે શહેરના અનુરાગનગરસ્થિત એક હોટેલમાં દરોડો પાડીને નકલી ચલણી નોટોના રૅકેટનો પર્દાફાશ કરીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હોટેલના રૂમ-નંબર ૩૦૧માં ત્રણ લોકો નકલી નોટ છાપી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડીને અબ્દુલ શોએબ, રહીશ ખાન અને પ્રફુલ કુમારની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ અન્ય બે આરોપી આકાશ ધારુ અને શંકર ચૌરસિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને ૫૦૦ રૂપિયાની ૧૦૦ નકલી નોટનાં બંડલ અને નોટ છાપવાની સામગ્રી મળી આવ્યાં હતાં. કુલ ૩.૮૫ લાખની નકલી નોટ અને નોટ છાપવાનાં મશીન જપ્ત કરવામાં આવ્યાં છે.
પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે જલદી અમીર બનવાની લાલચમાં હોટેલમાં સંતાઈને તેઓ નોટો છાપી રહ્યા હતા. આ સાથે તેમણે એજન્ટ દ્વારા નકલી નોટને સપ્લાય કરવાની વાતનો પણ સ્વીકાર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે ‘આ આખા રૅકેટનો માસ્ટરમાઇન્ડ ફક્ત આઠ ચોપડી પાસ છે અને ફેસબુક પરથી જોઈને નકલી નોટ બનાવવાનું શીખ્યો છે. આરોપીઓનો સંપર્ક ફેસબુક દ્વારા છિંદવાડાની નકલી નોટ છાપનારી ગૅન્ગ સાથે થયો હતો.’

