માર્કેટમાં મળી રહેલાં પીળાં તરબૂચ જોઈને વિચાર આવે કે આ તો હાઇબ્રિડ છે, તો જાણી લો કે પીળાં તરબૂચ જ ઓરિજિનલી ઊગ્યાં હતાં અને આજે પણ આફ્રિકામાં પીળાં તરબૂચ સદીઓથી ઊગી રહ્યાં છે. આ તરબૂચના સ્વાદ અને પોષણ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ
પીળા તરબૂચની ખેતી કરતા ગુજરાતના ખેડૂત સુરેશ ઘિયાળ
ભારતની સબ્ઝી મંડીમાં છેલ્લાં અમુક વર્ષોથી અંદરથી પીળા દેખાતા તરબૂચે પ્રવેશ કર્યો છે. અમુક વર્ષ પહેલાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ખેડૂતોએ પીળાં તરબૂચ ઉગાડ્યાં એવા સમાચાર હતા. છેલ્લાં અમુક વર્ષમાં તો ગુજરાત, મધ્ય પ્રદેશ, તામિલનાડુના ખેડૂતો પણ પીળાં તરબૂચ ઉગાડી રહ્યા છે એવા સમાચારો છે. જ્યારે કૃષિક્ષેત્રે આવું કંઈક થાય તો ખેડૂતોની આંખ ચોંકાવે પરંતુ જ્યારે આ ફળો માર્કેટમાં આવે ત્યારે સામાન્ય માણસની આંખ ચોંકાવે ને સવાલો પણ જગાડે. આ ઉનાળામાં લારીમાં તમને ત્રણ પ્રકારનાં તરબૂચ જોવા મળશે. સુપરમાર્કેટમાં ત્રણ શેલ્ફમાં જુદી વરાઇટીનાં તરબૂચ જોવા મળશે. એમાં અંદરથી પીળા દેખાતા તરબૂચનો ભાવ સૌથી વધારે હશે. બહારથી પીળા દેખાતા તરબૂચનો ભાવ થોડો ઓછો હશે અને સામાન્ય તરબૂચનો ભાવ સરખામણીએ સૌથી ઓછો હશે. હવે ભાવ જોઈને ખરીદવાનો વિચાર ટાળો તો એ વાત જુદી છે પણ એ ગેરમાન્યતા હોય કે હાઇબ્રિડ ફળના વધારે પૈસા શા માટે આપવા? તો ગેરમાન્યતા દૂર કરવા માટે નિષ્ણાતો સાથે વાત કરીએ અને પોષણની દૃષ્ટિએ આ તરબૂચની વરાઇટીઓમાં કેટલો ફરક છે એ પણ જાણીએ.
ADVERTISEMENT
લાલ અને પીળા તરબૂચમાં ફરક શું છે?
છેલ્લાં ૨૦ વર્ષથી ખેતી કરતા રાજકોટના કોઠા પીપળિયા ગામના ખેડૂત સુરેશ ઘિયાળ કહે છે, ‘હું કીટનાશક દવાઓના વ્યવસાય સાથે સંકળાયેલો છું એટલે ખેતીમાં શું નવું આવી રહ્યું છે એનો મને ખ્યાલ હોય છે. પીળા તરબૂચનું બિયારણ થોડા સમયથી ભારતના ખેડૂતો લાવી રહ્યા છે. તો આ વર્ષે મેં વિચાર્યું કે હું પણ પ્રયોગ કરી જોઉં. મારા ખેતરમાં પીળા તરબૂચનું બિયારણ તાઇવાનનું છે. આ વખતે મેં અનમોલ, વિસાળા અને ગોલ્ડમાઇન એમ ત્રણ પ્રકારનાં તરબૂચનું બિયારણ કરેલું છે. અનમોલ તરબૂચ છે એમાં બહાર લીલા રંગનું અને અંદર પાઇનૅપલ જેવા પીળા રંગનો ગર હોય છે. કાપતાંની સાથે જ એકદમ મધ જેવી મીઠી સુગંધ આવે છે. સાદી ભાષામાં પાઇનૅપલ તરબૂચ પણ કહી શકો છો. વિસાળા તરબૂચમાં બહારનું લેયર ટેટીની જેમ ગોલ્ડન પીળા રંગનું હોય છે અને અંદર સામાન્ય તરબૂચની જેમ લાલ ગર હોય છે. ગોલ્ડમાઇન એટલે આપણું સાદું તરબૂચ જે બહારથી લીલું અને અંદરથી લાલ હોય છે. તરબૂચની ખેતીમાં કેરીની ખેતીની જેમ વાતાવરણ બહુ જ મહત્ત્વનું છે. જેવી રીતે આંબામાં વધારે તાપ પડે તો કેરી બગડીને ખરી જાય એવી રીતે તરબૂચને પણ વાતાવરણનો માર લાગતો હોય છે. એટલે જાન્યુઆરીમાં જ પાકની વાવણી થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી થઈ એ પહેલાં પાક સરસ આવી ગયો હતો. આ તરબૂચના પાકમાં વધુમાં વધુ ૬૫ દિવસ લાગી શકે છે. અનમોલ તરબૂચનો રંગ જોઈને લોકો એવું માનતા હોય કે એ હાઇબ્રિડ છે તો એવું નથી, આ તરબૂચ ઑર્ગેનિક છે અને દેશી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. જેમ કે એમાં છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે. સ્વાદમાં લાલ તરબૂચની સરખામણીએ વધારે ગળ્યું હોય છે. ભાવમાં લાલ તરબૂચ કરતાં મોંઘું હોય છે, કારણ કે એનું બિયારણ હાલમાં મોંઘું મળે છે. ખેડૂતોમાં ધીમે-ધીમે પીળા તરબૂચની જાણ થઈ રહી છે અને મને ઘણા લોકોના ફોન આવી રહ્યા છે. પરંતુ આ વર્ષનો સમય તો ગયો એટલે હવે આવતા વર્ષે વધુ ખેડૂતો પીળા તરબૂચની ખેતી કરે એવી શક્યતા છે. એટલે મેં પીળા તરબૂચની ખેતીમાં કઈ દવાનું કેટલું પ્રમાણ હોવું જોઈએ એનું પણ પૅમ્ફ્લેટ છપાવી રાખ્યું છે જેથી ખેડૂતમિત્રોનો પાક બગડે નહીં. આ વખતે મારા આ તરબૂચનો પાક અહીંથી દિલ્હી અને બૅન્ગલોર જેવા મેટ્રો સિટીમાં ગયો છે. આવતા વર્ષે વધુ શહેરોમાં મોકલવાનો વિચાર છે.’
પોષણની દૃષ્ટિએ શું ફરક છે?
અમેઝિંગ ડાયટ ફૅક્ટ્સ ઍન્ડ કૅલરી બુકનાં ઑથર, ડાયટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ કહે છે, ‘પોષણની દૃષ્ટિએ લાલ અને પીળું તરબૂચ લગભગ સમાન જ છે. બન્નેમાં ૯૧ ટકા પાણીનું પ્રમાણ હોય છે, બન્ને ફૅટ-ફ્રી છે, બન્ને ઍન્ટિ-ઑક્સિડન્ટ અને વિટામિન્સથી ભરપૂર છે. ફરકની વાત કરીએ તો પીળા તરબૂચમાં બિટા કૅરોટિન છે જે આપણા શરીરમાં વિટામિન Aમાં બદલાય છે. પીળા તરબૂચનાં તત્ત્વો આંખની હેલ્થ માટે તેમ જ ત્વચાને ચમકીલી રાખવા માટે સારાં છે. લાલમાં બિટા કૅરોટિનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. લાલ તરબૂચમાં લાયકોપિન નામનું તત્ત્વ હોય છે એટલે એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમ તો બન્નેમાં વિટામિન K, વિટામિન C, આયર્ન, મૅગ્નેશિયમ રહેલાં છે. એ સિવાય બન્નેમાં લ્યુટિન અને ઝિયાઝેન્થિન નામના કૅરોટિનૉઇડ્સ હોય છે કૅન્સરવિરોધી ગુણધર્મો ધરાવે છે. ભલે ઉનાળો છે, તો પણ વધુ માત્રામાં તરબૂચ ખાવું સલાહભર્યું નથી. દિવસમાં ૨૦૦ ગ્રામ જેટલું તરબૂચ ખાઈ શકાય અને એ પણ લંચ કે ડિનર સાથે ન ખાવું. તરબૂચને લંચ પહેલાંના કાં તો સાંજના નાસ્તાના સમયમાં ખાઈ શકાય. તરબૂચને આઇસ ક્યુબ બનાવીને સ્મૂધીના રૂપમાં કે ફ્રૂટ સૅલડમાં ઉપયોગમાં લઈ શકાય છે. લોકોને નવું ફળ જોઈને એવું લાગતું હોય કે નકલી હશે કે કોઈક પ્રયોગ કરીને બનાવ્યું હશે. જો મનમાં એવું હોય કે હાઇબ્રિડ ફ્રૂટ એટલે કે જનીનોને બદલીને ઉગાડવામાં આવતાં ફળો ન ખાવાં જોઈએ તો એવું નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની સલાહ મુજબ આ ફળો પોષણની દૃષ્ટિએ ઉત્તમ જ હોય છે.’
પીળાં તરબૂચમાંથી જ લાલ તરબૂચ આવ્યાં છે
પીળા તરબૂચનો ઇતિહાસ ૬૦૦૦ વર્ષ જૂનો છે. સામાન્ય રીતે આ તરબૂચનું મૂળ આફ્રિકામાં છે. ઇજિપ્તમાં મમીની સાથે મૂકવામાં આવતા ખાદ્યપદાર્થોમાં તરબૂચનું સ્થાન હતું. ૨૦૨૨માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ તરબૂચનાં બીજના અંશો વેસ્ટ આફ્રિકાના નાઇજીરિયાના એક રણમાં મળી આવ્યાનો અહેવાલ છે. એ સમયે રણમાં ઊગતાં આ તરબૂચ અંદરથી પીળા-સફેદ રંગનાં હતાં પરંતુ લોકો એનો ખાવામાં ઉપયોગ નહોતા કરતા. પરંતુ વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે સમય સાથે ફળોનું ક્રૉસ-બ્રીડિંગ થતાં ૫૦૦૦ વર્ષ પહેલાં લાલ તરબૂચ ઊગ્યાં, જે સ્વાદમાં મીઠાં હતાં. આ તરબૂચની હાજરી હજારો વર્ષ જૂનાં લખાણો અને પેઇન્ટિંગ્સમાં દર્શાવવામાં આવી છે. આજે વિશ્વભરમાં તરબૂચની ૧૦૦૦ જેટલી વરાઇટી ઉગાડવામાં આવી રહી છે.

