લોન, ક્રેડિટ કાર્ડ અને સારા વ્યાજદરોનો ઍક્સેસ મળશે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ એપ્રિલ ૨૦૨૬થી ક્રેડિટ સ્કોર્સની અપડેટ મહિનામાં બે વારના હાલના ચક્રને બદલે દર સાત દિવસે રીફ્રેશ કરવાની યોજના તૈયાર કરી છે. દર સાત દિવસે ક્રેડિટ સ્કોર્સ અપડેટ થવાથી લોન, ક્રેડિટ કાર્ડ અને વધુ સારા વ્યાજદરોનો ઍક્સેસ મળી રહેશે. આનાથી લોનની મંજૂરીની શક્યતા વધશે અને વ્યાજદર પણ ઘટી શકે છે, કારણ કે ઘણી બૅન્કો ક્રેડિટ સ્કોર-આધારિત દર-પદ્ધતિ અપનાવે છે. વધુમાં અચોક્કસ રિપોર્ટિંગ અથવા ડેટા મેળ ખાતો ન હોય એવા મુદ્દાઓ વધુ ઝડપથી શોધી કાઢવામાં આવશે, જેનાથી વિવાદો અને ફરિયાદો ઓછી થશે.
ડ્રાફ્ટ-નિયમો સૂચવે છે કે આ પદ્ધતિ અમલી બનતાં બૅન્કોને વધુ સચોટ અને અદ્યતન ડેટા પણ મળી રહેશે. નિષ્ણાતો કહે છે કે આ ફેરફાર ભારતીય ક્રેડિટ ઇકોસિસ્ટમને પહેલાં કરતાં વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવશે. RBIના ડ્રાફ્ટ મુજબ ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ (CICs)ને દર મહિનાના ૭, ૧૪, ૨૧, ૨૮ અને છેલ્લા દિવસે ડેટા રીફ્રેશ કરવાની જરૂર પડશે. જો બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ સાથે સંમતિ થાય તો અપડેટ્સ વધુ વારંવાર કરી શકાય છે.


