રેકૉર્ડબ્રેક ૧૬ સિક્સર અને ૮ ફોરનો વરસાદ, ૧૨ બૉલમાં હાફ-સેન્ચુરી, ૩૨ બૉલમાં સેન્ચુરી સાથે બાવન બૉલમાં ૧૪૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ
અભિષેક શર્મા
T20 ફૉર્મેટની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગઈ કાલે હૈદરાબાદમાં અભિષેક શર્મા નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. T20ના નંબર વન બૅટર અભિષેક શર્માએ ૧૨ બૉલમાં હાફ-સેન્ચુરી અને ૩૨ બૉલમાં સેન્ચુરી સાથે બાવન બૉલમાં ૧૬ સિક્સર અને ૮ ફોર સાથે ૧૪૮ રનની લાજવાબ ઇનિંગ્સ રમીને પંજાબને ૧૧૨ રનથી મસમોટી જીત અપાવી દીધી હતી. અભિષેક અને સાથી-ઓપનર પ્રભસિમરન સિંહના ૭૦ રન સાથે ૧૨.૩ ઓવરમાં ૨૦૫ ઓપનિંગ પાર્ટનરશિપના જોરે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા. એના જવાબમાં બંગાળ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૯ રન જ બનાવી શક્યું હતું. ત્રીજી મૅચમાં બીજી જીત સાથે પંજાબ હવે ગ્રુપ Cમાં ટૉપ પર પહોંચી ગયું છે.
અભિષેકે કરી ગુરુ યુવરાજની બરોબરી
ADVERTISEMENT
અભિષેક શર્માએ માત્ર ૧૨ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારીને તેના ગુરુ યુવરાજ સિંહની બરોબરી કરી લીધી હતી. જોકે આ મામલે ઓવરઑલ રેકૉર્ડ ૯ બૉલનો નેપાલના દીપેન્દ્ર સિંહ ઐૈરીના નામે છે જે તેણે ૨૦૨૩ની એશિયન ગેમ્સમાં મૉન્ગોલિયા સામે ફિફ્ટી ફટકારી હતી.
8
T20 ફૉર્મેટમાં અભિષેકની આટલામી સેન્ચુરી હતી. હવે વિરાટ કોહલીના રેકૉર્ડ ૯ સેન્ચુરીથી માત્ર એક ડગલું તે દૂર છે.
અભિષેક શર્માનાં અન્ય કારનામાં
અભિષેકે ઇનિંગ્સ દરમ્યાન ૧૬ સિક્સર સાથે એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૯૧ સિક્સર સાથે પોતાનો રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ગયા વર્ષે તેણે ૮૭ સિક્સરનો રેકૉર્ડ કર્યો છે.
૩૨ બૉલમાં સેન્ચુરી એ T20 ફૉર્મેટમાં ભારતીયોમાં થર્ડ ફાસ્ટેટ છે. ૨૮ બૉલમાં ફાસ્ટેસનો રેકૉર્ડ પણ સંયુક્ત રીતે તેના અને ગુજરાતના ઉર્વિલ પટેલના નામે છે.
અભિષેકના ૧૪૮ રન T20 ફૉર્મેટમાં એક ઇનિંગ્સમાં ભારતીય બૅટરના સેકન્ડ હાઇએસ્ટ છે. હાઇએસ્ટ ૧૫૧ રન તિલક વર્માના નામે છે.
એક ઇનિંગ્સમાં ૧૬ સિક્સર T20માં અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઈ અને ન્યુ ઝીલૅન્ડના ફિન ઍલન સાથે સંયુક્ત રીતે થર્ડ હાઇએસ્ટ બની હતી. હાઇએસ્ટ ૧૮ સિક્સરનો રેકૉર્ડ ભારતીય મૂળના ઇસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે જે તેણે ગયા વર્ષે જૂનમાં સાયપ્રસ સામે ફટકારી હતી.


