તમામ કન્સ્ટ્રક્શન-સાઇટ પર પૉલ્યુશન-કન્ટ્રોલનાં પગલાં ફૉલો કરવાનો નિર્દેશ આપ્યો, સૂચનો ન પાળ્યાં તો તાત્કાલિક પગલાંની ચેતવણી આપી
વર્ષા ગાયકવાડે મરીન ડ્રાઇવ પર અન્ય નેતાઓ સાથે આ ઍક્શન-પ્લાનનું લૉન્ચિંગ કર્યું હતું
ઍર પૉલ્યુશનને નાથવા BMCએ ૨૮ મુદ્દાની ગાઇડલાઇન્સ જાહેર કરી- તમામ કન્સ્ટ્રક્શન-સાઇટ પર પૉલ્યુશન-કન્ટ્રોલનાં પગલાં ફૉલો કરવાનો નિર્દેશ આપ્યો, સૂચનો ન પાળ્યાં તો તાત્કાલિક પગલાંની ચેતવણી આપી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ઍર-પૉલ્યુશન ઘટાડવા માટે ૨૮ પૉઇન્ટની ગાઇડલાઇન્સ જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે કન્સ્ટ્રક્શન્સ-સાઇટ્સ ડસ્ટ પૉલ્યુશન માટેનું સૌથી મોટું કારણ છે. નવી ગાઇડલાઇન્સમાં કૉન્ટ્રૅક્ટરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મજૂરોના કૅમ્પમાં રસોઈ માટે લાકડાં જેવી વધુ ધુમાડો કરે એવી સામગ્રીનો ઉપયોગ ન કરે. કન્સ્ટ્રક્શન-સાઇટને લીધે વ્યાપક ડસ્ટ ન ફેલાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ડેવલપર્સની રહેશે. BMCએ મોટા પ્રોજેક્ટ્સની સાઇટ્સ પર સેન્સર-બેઝ્ડ ઍર ક્વૉલિટી સિસ્ટમ્સ ઇન્સ્ટૉલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
ADVERTISEMENT
સ્પ્રિંકલર્સ, ફૉગિંગ મશીનો અને જરૂરી હોય ત્યાં ઓછામાં ઓછાં ૨૫ ફુટનાં બૅરિકેડ્સ સહિતની ડસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ્સ તમામ પ્રોજેક્ટ-સાઇટ્સ પર હોવી જોઈએ એવા નિર્દેશ BMCએ આપ્યા છે. રેતી, માટી અને કાટમાળ જેવી વસ્તુઓનો ખુલ્લામાં ઢગલો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બધી સાઇટ્સ પર આવી વસ્તુઓ ઢાંકેલી રાખવા માટે BMCએ સૂચના આપી છે. ગાઇડલાઇન્સમાં એવું પણ જણાવાયું છે કે કન્સ્ટ્રક્શન-ઍક્ટિવિટી માટે વપરાતાં ટ્રક સહિતનાં વાહનો સાઇટ પરથી બહાર નીકળે એ પહેલાં એનાં ટાયર પાણીથી ધોવાઈ જવાં જોઈશે. એ ઉપરાંત કચરો તથા રેતી લઈ જતાં વાહનો સંપૂર્ણ રીતે ઢંકાયેલાં હોવાં જોઈએ.
BMCએ નાગરિકો, બિલ્ડરો અને ડેવલપર્સને પૉલ્યુશન-કન્ટ્રોલ માટે સૂચવવામાં આવેલાં પગલાં ફૉલો કરવા માટે અપીલ કરી હતી અને કોઈ પણ સ્થળે એવું દેખાય કે જ્યાં સૂચનો પાળવામાં નથી આવ્યાં તો એ વિશે રિપોર્ટ કરવા જણાવ્યું છે. BMCએ જવાબદાર સામે તાત્કાલિક પગલાં લેશે એવું જણાવ્યું છે.
ઍર ક્વોલિટીને સુધારવા માટે મુંબઈ કૉન્ગ્રેસે ઍક્શન-પ્લાન લૉન્ચ કર્યો
મુંબઈ કૉન્ગ્રેસે ગઈ કાલે શહેરની ઍર પૉલ્યુશનની સમસ્યાને પહોંચી વળવા માટે ઍક્શન-પ્લાન લૉન્ચ કર્યો હતો, જેમાં શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ પગલાંઓ દ્વારા શહેરની હવાને શુદ્ધ અને સ્વસ્થ કરવાના ઉપાયો દર્શાવ્યા હતા. મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ પ્રધાન અને મુંબઈ કૉન્ગ્રેસનાં પ્રમુખ વર્ષા ગાયકવાડે મરીન ડ્રાઇવ પર અન્ય નેતાઓ સાથે આ ઍક્શન-પ્લાનનું લૉન્ચિંગ કર્યું હતું.
આ પ્લાનમાં કૉન્ગ્રેસે પ્રૉમિસ કર્યું છે કે કૉન્ગ્રેસની સરકાર આવ્યા પછી પાંચ વર્ષમાં મુંબઈનો AQI ૪૦થી ૬૦ના લેવલ પર આવી જશે. ઍક્શન-પ્લાનમાં પ્રદૂષણ કરતી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ ઉપરાંત AQI ૨૦૦ ઉપર હોય ત્યારે રાતે કન્સ્ટ્રક્શન્સ બંધ કરાવવાનું સૂચન છે. કૉન્ગ્રેસ મજૂરો માટે માસ્કનું વિતરણ કરશે અને પાંચ વર્ષમાં ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરશે. આ ઉપરાંત પ્લાનમાં મુંબઈ માટે એક અલગ ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.


