Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૧૨ કિલોમીટરનો દરિયો તરી આવ્યો ૧૫ વર્ષનો આ ઑટિસ્ટિક ટીનેજર

૧૨ કિલોમીટરનો દરિયો તરી આવ્યો ૧૫ વર્ષનો આ ઑટિસ્ટિક ટીનેજર

19 April, 2024 10:57 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

દુનિયામાં દર ૮૦ બાળકે એક બાળકને ઑટિઝમ હોય છે. આ ડિસઑર્ડરમાં બાળકની કમ્યુનિકેશન સ્કિલ પર અસર થાય છે.

આદિ ગોસરની તસવીર

આદિ ગોસરની તસવીર


ઑટિસ્ટિક બાળકોને સ્પેશ્યલ કિડ્સ કહે છે, કારણ કે આ બાળકો ઘણાં ખાસ હોય છે. ૧૫ વર્ષના આદિ ગોસરે હાલમાં એલિફન્ટાથી ગેટવે સુધીનો ૧૨ કિલોમીટરનો દરિયો લગભગ સાડાત્રણ કલાકમાં તરીને પાર કર્યો હતો. તેની આ સિદ્ધિ ચોક્કસપણે તેને ડબલ સ્પેશ્યલ બનાવે છે. આજની તારીખે તે ડીપ-સી સ્વિમિંગમાં સામાન્ય બાળકો સાથે હરીફાઈ પણ કરે છે અને જીતે પણ છે

એલિફન્ટાથી ગેટવે ઑફ ઇન્ડિયાની ફેરી-રાઇડ પર તો તમે ઘણી વાર બેઠા હશો. ફેરીમાં તો માંડ ૨૦-૨૫ મિનિટનો સમય લાગે છે, પરંતુ આ બન્ને જગ્યાઓ વચ્ચે ૧૨ કિલોમીટરનો મોટો સમુદ્રપટ છે. કોઈ દિવસ આ સમુદ્રને ખેડવાની ઇચ્છા થઈ છે ખરી? સ્વિમિંગ તો ઘણા લોકો કરતા હોય છે, પરંતુ સમુદ્રમાં સ્વિમિંગ કરવું એ દરેકના ગજાની વાત નથી. સમુદ્રમાં તરનારા લોકો જૂજ હોય અને એમાં પણ ઑટિસ્ટિક બાળક તરીકે સમુદ્ર ખેડી શકનાર તો એના કરતાં પણ જૂજ જ હોવાના. હાલમાં ગોરેગામમાં રહેતા ૧૫ વર્ષના ઑટિસ્ટિક બાળક આદિ ગોસરે એલિફન્ટાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનો ૧૨ કિલોમીટરનો સમુદ્ર ૩ કલાક અને ૩૫ મિનિટમાં પાર કર્યો. સવારે ૩.૫૫ વાગ્યે તેણે ત્યાંથી શરૂ કર્યું અને પરોઢિયે તે ગેટવે પહોંચ્યો હતો, જે બદલ રાજ્ય સરકારે તેનું સન્માન કર્યું હતું. 

હરીફાઈ 
આદિ ગોરેગામની યશોધામ સ્કૂલમાં ચાલતા GAET કાઉન્સેલિંગ સેન્ટરમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગનો સ્પેશ્યલ કોર્સ ભણે છે. તે આ વર્ષે દસમાની એક્ઝામ આપશે. આદિ નાનપણથી ફિઝિકલ ઍક્ટિવિટીઝમાં ઘણો જ આગળ રહ્યો છે. તે હાઇપર-ઍક્ટિવ બાળક હતો એટલે તેના માટે ફિઝિકલ ઍક્ટિવિટી કરવી અત્યંત જરૂરી હતી. આ પરિસ્થિતિમાં યોગ, માર્શલ આર્ટ્સ, જિમ્નૅસ્ટિક્સ, સ્કેટિંગ જેવી ઘણી-ઘણી જુદી-જુદી ઍક્ટિવિટી સાથે તેણે શરૂ કર્યું સ્વિમિંગ. આદિ નાનપણથી જ સ્વિમિંગનો શોખીન છે. પાણીમાં પડતાં જ તે ખીલી ઊઠે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી તે સ્વિમિંગ શીખે છે અને ત્યારથી સ્વિમિંગના અલગ-અલગ પડાવ તે પાર કરતો રહ્યો છે. દર વર્ષે મહારાષ્ટ્ર સ્ટેટ ઍમેટર ઍક્વાટિક અસોસિએશન દ્વારા ડિસેમ્બરમાં સિંધુદુર્ગમાં માલવણ પાસે ચીવલા બીચ છે ત્યાં સ્પેશ્યલ નીડનાં બાળકો અને વયસ્કોની ડીપ-સી સ્વિમિંગ કૉમ્પિટિશન યોજાય છે. હવે તો સામાન્ય બાળકો પણ એમાં ભાગ લે છે, જેમાં આદિ દર વર્ષે ભાગ લે જ છે. આ કૉમ્પિટિશનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હોય છે, જેમાં દરિયાકાંઠેથી બોટમાં બાળકોને અંદર લઈ જાય. ઉંમર પ્રમાણે એક કિલોમીટર કે બે કિલોમીટર જેટલું અંતર કાપવાનું હોય છે. જે પહેલાં તરીને પહોંચે તે જીતે છે. વળી આમાં એજ-લિમિટ નથી હોતી. કોઈ પણ ઉંમરના લોકો એમાં ભાગ લેતા હોય છે. એ વિશે જણાવતાં આદિનાં મમ્મી હેતલ ગોસર કહે છે, ‘૨૦૧૯ના ડિસેમ્બરમાં માલવણમાં સ્પેશ્યલ બાળકો માટે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેટ લેવલ પર તેનો નંબર આઠમો આવ્યો હતો, જે તેની હરીફાઈઓની શરૂઆત હતી. હાલમાં ૨૦૨૩માં આ જ હરીફાઈમાં તેનો ચોથો નંબર આવ્યો હતો, જે દર્શાવે છે કે તેનો પર્ફોર્મન્સ દર વર્ષે વધુ ને વધુ સારો થતો જાય છે. આ જ હરીફાઈમાં માછલીને હોય એવા ફિન્સ પગમાં પહેરાવી દે અને પછી બાળકોને સ્વિમિંગ કરવાનું કહે, જેમાં સામાન્ય બાળકોએ પણ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં આદિ પાંચમા નંબરે આવ્યો હતો.’  



કોશિશમાં સફળતા 
આ હરીફાઈમાં તેનો પર્ફોર્મન્સ ઓપન વૉટર સી-સ્વિમિંગ અસોસિએશનના ઓનરરી જનરલ સેક્રેટરી સંતોષ મનોહર પાટીલે જોયો અને તેને પોતાનો રેકૉર્ડ બનાવવા માટે પ્રેરણા આપી. આદિના હેડ કોચ સી-સ્વિમિંગ મહારાષ્ટ્ર સ્ટેટ ઍમેટર ઍક્વાટિક અસોસિએશનના સેક્રેટરી રાજેન્દ્ર પાલકરની પરવાનગી સાથે નક્કી થયું કે ૧૩ એપ્રિલના આદિ આ ૧૨ કિલોમીટરના સ્વિમિંગના રેકૉર્ડ માટે તૈયાર થશે. મોટા ભાગના ઍથ્લીટ પોતાની આવડત મુજબ આ રીતે રેકૉર્ડ માટે કાર્યરત હોય છે. આ કોઈ સ્પર્ધા નથી, ખુદની આવડત ચકાસવાની વાત છે. એ વિશે વાત કરતાં હેતલ ગોસર કહે છે, ‘આ એક મોટી તક હતી. અમને આદિની કાબેલિયત પર પૂરો વિશ્વાસ હતો. આદિએ તેની શક્તિ મુજબ એક કોશિશ તો કરવી જ જોઈએ એવું અમે માનતા હતા. છતાં માનું હૃદય થોડું ચિંતામાં પણ હતું અને સતત પ્રાર્થનાઓ કરતું હતું કે બધું ઠીક રહે. કિનારેથી અંદર જઈને સીધું દરિયામાં ઝંપલાવવાનું અને પછી ૧૨ કિલોમીટર સતત તરીને કાંઠા સુધી આવવાનું. આ પોતાનામાં ખૂબ અઘરો ટાસ્ક હતો, જે આદિએ ખૂબ સફળતાપૂર્વક પાર કર્યો. આ બાબતની અમને ખૂબ ખુશી છે.’ 


ભારોભાર ગર્વ 
જે નૉર્મલ બાળકો પણ ન કરી શકે એવા ફિઝિકલ ટાસ્ક કરતા આદિ માટે હેતલ માને છે કે તે ભવિષ્યમાં એક ખૂબ સારો ઍથ્લીટ બનશે અને આગળ જતાં તે બીજા લોકોને કોચિંગ પણ આપી શકે છે. પોતાના દીકરા વિશેનાં ઇમોશન્સ ઠાલવતાં હેતલ કહે છે, ‘એક મા તરીકે તમે તમારા બાળકને અખૂટ પ્રેમ કરતાં હો પરંતુ જ્યારે આદિ જેવું બાળક તમારા જીવનમાં હોય ત્યારે પેરન્ટ્સ તરીકે મનમાં તમને ફક્ત પ્રેમ નહીં પરંતુ ભારોભાર ગર્વ પણ છલકાતો હોય છે. દિવ્યાંગ બાળકો માટે તેઓ શું નથી કરી શકતાં એના કરતાં પણ સૌથી વધુ મહત્ત્વનું એ બની જતું હોય છે કે તેઓ શું કરી શકે છે. તે જે કરી શકે છે એમાં તેમને આગળ વધતાં જોઈએ ત્યારે તે જે નથી કરી શકતાં એ બધું ગૌણ બની જતું હોય છે. અમને એ વાતનો પણ ભરપૂર આનંદ છે કે આદિ બીજાં ઘણાં બાળકો માટે હાલમાં પ્રેરણા બની રહ્યો છે. લોકો તેને જોઈને પોતાનાં બાળકોને ફિઝિકલ ઍક્ટિવિટીમાં આગળ વધવાનો એક મોકો આપી રહ્યા છે.’

ઑટિઝમ એટલે શું?
ઑટિઝમ એક ડેવલપમેન્ટલ ડિસીઝ છે. એ કોઈ એક નહીં, ઘણી બધી કન્ડિશનનો સમૂહ છે જેથી એને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (ASD) પણ કહે છે. દુનિયામાં દર ૮૦ બાળકે એક બાળકને ઑટિઝમ હોય છે. આ ડિસઑર્ડરમાં બાળકની કમ્યુનિકેશન સ્કિલ પર અસર થાય છે. લોકો સાથે વાત કરવામાં, લોકોની વાત સમજવામાં, લાગણીને વાચા આપવામાં, લોકોને ઓળખવામાં, બીજાની લાગણીઓને સ્વીકારવામાં, બીજા લોકોને પોતાની તકલીફ સમજાવવા જેવી અનેક બાબતોમાં આ બાળકોને ઘણી તકલીફ પડે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઑટિઝમનો સંપૂર્ણ ઇલાજ છે જ નહીં, એટલે કે જે બાળક ઑટિસ્ટિક છે તે જીવનભર ઑટિસ્ટિક જ રહે છે. જોકે ઇલાજ અને ટ્રેઇનિંગ દ્વારા તેના જીવનને સરળ બનાવવાનું કામ શક્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 10:57 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK