Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમચી મુંબઈની પહેલી સુપરમાર્કેટ છે અપના બઝાર

આમચી મુંબઈની પહેલી સુપરમાર્કેટ છે અપના બઝાર

21 May, 2022 02:40 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આ કન્સેપ્ટ ભલે આજનો અને અત્યાધુનિક લાગે, પરંતુ એ તો ૭૫ વર્ષ જૂનો છે

૪૧૨ કર્મચારીઓ અને ૧૦૦૦ અન્યોને અપના બઝાર થકી રોજગાર મળ્યો છે.

૪૧૨ કર્મચારીઓ અને ૧૦૦૦ અન્યોને અપના બઝાર થકી રોજગાર મળ્યો છે.


દરેક વસ્તુ એક જ છત નીચે, તમારી ચૉઇસ પ્રમાણે અને એમઆરપીથી પણ ઓછી કિંમતે વેચવાનો આઇડિયા ભલે આપણને નવો લાગે; પરંતુ એ તો ૭૫ વર્ષ જૂનો છે જેના થકી અપના બઝારની શરૂઆત થઈ હતી. ભારત જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે ત્યારે અછત અને મોંઘવારીથી મુંબઈવાસીઓને આઝાદી અપાવવાના નોબલ હેતુથી શરૂ થયેલા અપના બઝારના અમૃત મહોત્સવને પણ યાદ કરી લઈએ

એક એવી દુકાન જ્યાં બધું જ એક છત નીચે મળતું હોય, જ્યાં તમારે કશું માગવાની જરૂરત નથી પણ જોઈને તમે જાતે પસંદ કરીને લઈ શકો છો, જ્યાં બજાર કરતાં કે એમઆરપી કરતાં સસ્તા ભાવે વસ્તુ વેચાય એ જગ્યા એટલે સુપરમાર્કેટ. આ કન્સેપ્ટ ભલે આજનો અને અત્યાધુનિક લાગે, પરંતુ એ તો ૭૫ વર્ષ જૂનો છે. મુંબઈગરાઓ તો છેલ્લાં ૭૫ વર્ષથી સુપરમાર્કેટ કન્સેપ્ટ જાણે પણ છે અને એ જ રીતે વસ્તુઓ ખરીદે છે એમની પોતાની બજારમાંથી એ છે અપના બઝાર. હાલના અપના બઝારના ચૅરમૅનની વાત માનીએ તો મુંબઈની જ નહીં, ભારતની સૌથી પહેલી એવી સુપરમાર્કેટ અપના બઝાર છે. મુંબઈની આ રીટેલ ચેઇનને હાલમાં ૯ મેના દિવસે ૭૪ વર્ષ પૂરાં થયાં અને ૭૫મા વર્ષમાં એનો મંગલ પ્રવેશ થયો છે, જેની ઉજવણી રૂપે તેમના નાયગાંવવાળા સ્ટોર પરથી જે એમનો સૌથી પહેલો સ્ટોર છે શોભાયાત્રા નીકળી હતી જેમાં અપના બઝારના તમામ કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. અપના બઝારના હાલના તમામ સ્ટોર્સમાં અમૃત મહોત્સવની ઉજવણી આખું વર્ષ ચાલશે. આખું વર્ષ ગ્રાહકો માટે કોઈને કોઈ ઑફર્સ અને જુદી-જુદી પ્રતિયોગિતા સાથે એની ઉજવણી ચાલુ રાખશે. આજે કમર્શિયલી ખૂબ નફાકારક મૉડ્યુલ ગણાતું સુપરમાર્કેટનું મૉડ્યુલ ૭૫ વર્ષ પહેલાં કોઈ સહકારી મંડળી દ્વારા જન્મ પામ્યું હોય એ વાત જ અચરજ પમાડે એવી નથી?
શરૂઆત સહકારી ધોરણે
૧૯૪૮ના મે મહિનાની ૯મી તારીખે દાદાસાહેબ સરફારે અને સાથીઓ દ્વારા શરૂઆત થઈ એક કો-ઑપરેટિવ સંસ્થાની એટલે કે સહકારી મંડળીની. મૂળભૂત રીતે આ લોકો કૉટન મિલમાં કામ કરતા હતા. એ સમયની વાત કરતાં અપના બઝારના ચૅરમૅન શ્રીપાદ ફાટક કહે છે, ‘એ સમયે ફક્ત સરકારી અનાજ એટલે કે રૅશન કાર્ડ પર જે અનાજ મળતું એ જ સસ્તું મળતું. પણ એમાં પણ જ્યારે એનો સ્ટૉક પૂરો થઈ જતો તો અછત આવી જતી. માણસને અનાજ કે ખોરાક જેવી વસ્તુઓ તો સરળતાથી અને સસ્તી મળવી જ જોઈએ એટલું જ નહીં, આઝાદી પછી ગરીબાઈ એટલી હતી કે કપડાંની પણ શૉર્ટેજ હતી. આ સમયે મુંબઈના લોકોને અનાજ અને કપડાં બન્ને વગર અછતે અને સસ્તા ભાવે મળી રહે એ સિદ્ધાંત સાથે નાયગાંવ કન્ઝ્યુમર કો-ઑપરેટિવ સોસાયટીની શરૂઆત થઈ. નાના સાહેબ ગોરે અને એસ. એમ. જોશી જેવા દૂરદૃષ્ટા લોકોના માર્ગદર્શન હેઠળ આ સોસાયટી શરૂ થઈ. રામ મ્હાડી અને તુકારામ તાવડે જેવા લોકો એ સમયના ફાઉન્ડર મેમ્બર્સ હતા. પહેલાં એમણે અનાજની દુકાન શરૂ કરી, પછી એમાં જ કપડાંનો વેપાર પણ ચાલુ કર્યો.’
સમાજવાદી વિચારધારાના આધારે અપના બઝારનો પાયો નખાયો હતો એમ ઉમેરતાં શ્રીપાદ ફાટક કહે છે, ‘એટલે જ વધારે નફો રળી લેવો કે ખૂબ પૈસા કમાઈને બિઝનેસને મોટો કરી લેવો એવું એમના મગજમાં નહોતું. ઊલટું સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ વિચાર જ હતો. એટલે જ કદાચ અપના બઝાર બીજી બ્રૅન્ડ્સના રીટેલ સ્ટોર જેટલું કમાઈ નથી શકી પરંતુ અમે જે કમાયા છીએ એ છે અમારા ગ્રાહકોનો વિશ્વાસ. એ જ અમારી ખરી પૂંજી છે.’ 
વિકાસનાં વર્ષોમાં 
શરૂઆતનાં વર્ષો છૂટક ધંધો કર્યા પછી બૅન્ક પાસેથી લોન લઈને ૧૯૬૮માં ઇન્ડિયાનો સૌથી પહેલો મૉલ બન્યો જે ચાર માળનો હતો. આ સમયે આ સંસ્થાનું નામ બદલીને મુંબઈ કામગાર મધ્યવર્તી સહકારી સંસ્થા કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રૅન્કનું નામ આટલું મોટું એમને રાખવું નહોતું એટલે એ સમયના મંડળીના સદસ્યોની સહમતીથી એનું નામ અપના બઝાર રાખવામાં આવ્યું. એ સમયે સાથે દૂધનું રીટેલિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. એ વખતે કોલ્હાપુરના વારણાથી દૂધ મગાવવામાં આવતું. ધીમે-ધીમે લાલબાગ, દાદર અને અંધેરીમાં પણ સ્ટોર ખૂલવા લાગ્યા. દરેક જગ્યાએ સંસ્થાએ બૅન્કથી લોન લીધી. જગ્યાઓ ખરીદી અને સ્ટોર ઊભા કર્યા. હાલમાં એમના કુલ ૮ સ્ટોર છે જેમાંથી ૬ સ્ટોર ચારકોપ, વાશી, મુલુંડ, અંધેરી, ફોર્ટ, નાયગાંવમાં છે; જેમાંથી એક ફોર્ટનો સ્ટોર જ એ લોકો રેન્ટ પર ચલાવે છે. બાકી બધી પ્રૉપર્ટી અપના બઝારની ખુદની છે. બાકીના બે સ્ટોર રત્નાગિરિ જિલ્લાના ખેડ ગામમાં અને એક અમદાવાદમાં છે. આ સ્ટોર્સ ઍવરેજ ૫૦૦૦ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યાઓમાં ફેલાયેલા છે. આ સિવાય નાની સુપર બજાર એટલે કે ઍવરેજ ૧૫૦૦ સ્ક્વેર ફીટની જગ્યા રોકતી મિની બ્રાન્ચ જેને કહી શકાય એવી તો સમગ્ર મુંબઈમાં ૫૦૦-૬૦૦ હશે. 
એક સમયે દેવામાં ઊતરી
એવું નથી કે અપના બઝાર ૭૪ વર્ષોથી સતત ફૂલતી-ફળતી જ રહી છે. એક બિઝનેસમાં જેમ ઉતાર-ચડાવ આવે એમ અહીં પણ આવ્યા જ છે. ઘણા બદલાવો પણ આવ્યા છે. એ વિશે વાત કરતાં શ્રીપાદ ફાટક કહે છે, ‘આર્થિક દૃષ્ટિએ અમારે મોંઘાં ભાડાં નથી ભરવાનાં સ્ટોરનાં, કારણ કે એ સ્ટોર અમારા જ હતા એટલે એ રીતે કટોકટી ઓછી સરજાઈ છે. વળી આર્થિક દૃષ્ટિએ અમારું ફોકસ ક્યારેય નફો રળી લેવાનું નહોતું. એને લીધે ઘણી મુશ્કેલીઓ આવી, કારણ કે દેવું ઘણું થઈ ગયેલું અમારા પર. ૧૯૯૮થી ૨૦૦૮નો સમય અમારા માટે ઘણો કપરો હતો, જેને લીધે અમારે વાશીનો સ્ટોર વેચી દેવો પડ્યો. અમારા માથે ૫૭ કરોડનું દેવું હતું. બૅન્કમાં એ સમયે આટલાં વર્ષોની અમારી મહેનતના ૩૪ કરોડ રૂપિયા હતા ફિક્સ ડિપોઝિટ તરીકે. એ બધા આપીને અને વધુ મહેનત કરી અમે એ લોન ચૂકવી દીધી. આ મુસીબતમાંથી એ સમયના અપના બઝારના ચૅરમૅન અનિલ ગંગરે પાર લગાવ્યા હતા.’
મોટા ભાગની ફૂડ પ્રોડક્ટ્સ તેઓ એપીએમસી, વાશીથી ખરીદે છે. એક સમય એવો પણ હતો જ્યારે મહારાષ્ટ્રમાં શાકભાજી અને ફળોની તંગી થઈ ગઈ હતી ત્યારે મહારાષ્ટ્ર સરકારે અપના બઝાર પાસેથી માલ લીધો હતો. એ માટે ગર્વ અનુભવતાં શ્રીપાદ ફાટક, જે ખુદ આ સંસ્થાને ઓનરરી સર્વિસ આપે છે તેઓ કહે છે,  ‘અમને એ વાતનો આનંદ છે કે અમે લોકોને જ નહીં, સરકારને પણ સમયે-સમયે મદદ આપી શકીએ છીએ. અપના બઝારમાં ૧૯૪૮થી જ ગ્રાહકોને એમઆરપીથી નીચે જ સામાન મળે, ઉત્કૃષ્ટ ક્વૉલિટી મળે અને બહારની બ્રૅન્ડ કરતાં મહારાષ્ટ્રના પોતાના કારીગરો અને ગૃહિણીઓને કામ મળે એ અમે ખાસ ધ્યાન રાખતા અને હજી પણ રાખીએ છીએ. અમારે ત્યાં હાલમાં ૪૧૨ કર્મચારીઓ છે અને એ સિવાય બહારના ૧૦૦૦ જેટલા લોકોનું ભરણપોષણ અમારી સાથે જોડાયેલું છે. અમારે ત્યાં ૯૦ ટકા સ્ટાફ એવો છે જે છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી કામ કરે છે.’ 
અડીખમ 
શરૂ કર્યું ત્યારની વાત જુદી હતી. આજની તારીખે ઑનલાઇન સ્ટોર્સ, મોટી પ્રાઇવેટ કંપનીની સુપરમાર્કેટ, અઢળક કહી શકાય એવા ગ્રોસરી સ્ટોર્સ વચ્ચે અપના બઝાર ટકી શક્યું છે એટલું જ નહીં, સારી રીતે ચાલે છે એનું શું કારણ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં શ્રીપાદ ફાટક કહે છે, ‘સ્પર્ધાઓ વચ્ચે ટકવું સરળ તો નથી જ. સમયની સાથે અને ગ્રાહકની જરૂરત મુજબ અમે પણ બદલાઈએ છીએ. હોમ ડિલિવરી, અઢળક ચૉઇસિસ, પેમેન્ટનાં જુદાં-જુદાં માધ્યમો અને થોડા-થોડા સમયે ગ્રાહકોના હિતમાં આવતી ઑફર્સ એનો જ એક ભાગ છે. પરંતુ એક જ વસ્તુ છે જે અમને બીજાથી જુદા બનાવે છે, એ છે અમારી ગુણવત્તાનો દુરાગ્રહ. અમે જલદી એક્સપાયર થઈ જવાની હોય એવી પ્રોડક્ટને ઓછા ભાવે વેચતા નથી. અમારી સાથે જોડાયેલા ગ્રાહકો વર્ષોથી અમારી પાસે જ આવે છે, કારણ કે એમને એ વિશ્વાસ છે કે અહીં સારું જ મળશે. અમે શરૂઆતથી લઈને હજી પણ નફો રળી લેવા માટે ધંધો નથી કરતા એ અમારા ગ્રાહકોને પણ ખબર છે. એટલે તેઓ અમારી સાથે છે.’



માર્કેટની સ્પર્ધાઓ વચ્ચે ટકવું સરળ તો નથી જ. સમયની સાથે અને ગ્રાહકની જરૂરત મુજબ અમે પણ બદલાઈએ છીએ, પરંતુ એક જ વસ્તુ છે જે અમને બીજાથી જુદા બનાવે છે. એ છે અમારી ગુણવત્તાનો દુરાગ્રહ. - શ્રીપાદ ફાટક, ચૅરમૅન, અપના બઝાર


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 02:40 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK