આગમાં કાચની ૩ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી અને લાખો રૂપિયાનો માલ બળી ગયો હતો. સદ્ભાગ્યે આ આગમાં કોઈને ઈજા થઈ નહોતી.
આગ લાગેલી જોઈને ફાયર-બ્રિગેડને જાણ કરનાર ૧૬ વર્ષનો ધનરાજ ગાલા.
બોરીવલીમાં આવેલા શિંપોલી ગાંવમાં શનિવારે રાતે ઊડીને આવેલા એક સળગતા રૉકેટને કારણે લાગેલી આગમાં કાચની ૩ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી અને લાખો રૂપિયાનો માલ બળી ગયો હતો. સદ્ભાગ્યે આ આગમાં કોઈને ઈજા થઈ નહોતી.
આગ લાગ્યાની આ ઘટના નજરે જોનાર અને ત્યાર બાદ એની જાણ ફાયર-બ્રિગેડને કરનાર ૧૬ વર્ષના ધનરાજ ગાલાએ ‘મિડ–ડે’ને કહ્યું હતું કે ‘ગોખલે કૉલેજની બાજુમાં દ્વારકા હોટેલ પાસે આ આગ લાગી હતી. બેઠા ઘાટની એ દુકાનો છે. એક દુકાનને લાગીને જ ઍક્ટિવા પાર્ક કરેલું હતું. ઊડીને આવેલું સળગતું રોકેટ ઍક્ટિવા પાસે પ્લાસ્ટિકની થેલી પર પડ્યું એમાં આગ લાગી. એ પછી પહેલાં ઍક્ટિવામાં ધડાકો થયો હતો અને એ ફાટ્યું હતું. એ પછી દુકાનમાં આગી લાગી હતી. આ જોઈને મેં તરત જ ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. ફાયર-બ્રિગેડ ૧૫-૨૦ મિનિટમાં આવી પહોંચી હતી. એ દરમ્યાન આગ વધુ ફેલાઈ હતી. એક કલાકની અંદર એ લોકોએ આગ ઓલવી નાખી હતી.’
ADVERTISEMENT
આ આગમાં દુકાન ગુમાવનાર સુલતાન ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દુકાનમાં આગ લાગી હોવાની જાણ થતાં હું તરત જ દોડી આવ્યો હતો. મારા આવવા પહેલાં જ આગમાં દુકાન ખાખ થઈ ગઈ હતી. મારો બધો જ સ્ટૉક, ડિઝાઇનર ગ્લાસ, સાઉન્ડપ્રૂફ પૅનલ્સ, કલર ગ્લાસ બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. મને અંદાજે ૬ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.’ ઊડતા આવેલા એક રૉકેટને કારણે લાગેલી આગમાં ૩ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી એટલે ફાયર-બ્રિગેડે લોકોને ફટાકડા સાવચેતીથી ફોડવાની અપીલ કરી છે.

