Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આગ ઝરતો આ ઉનાળો ચાલશે?

આગ ઝરતો આ ઉનાળો ચાલશે?

Published : 04 May, 2025 01:39 PM | IST | Mumbai
Hiten Anandpara

આકાશમાંથી જાણે લૂ વરસતી હોય એવો અહેસાસ થાય. આ ઋતુનું ચક્ર એવું છે કે આપણે AC ચાલુ કર્યા વિના કંઈ કરી ન શકીએ. કૂલિંગ લાગતું નથી એવી ફરિયાદ વારંવાર સાંભળીને કંતાઈ જતું કૉમ્પ્રેસર કંટાળી જાય છે

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


ઉનાળો પૂરબહારમાં નહીં, ક્રૂરબહારમાં બેસી ગયો છે. આકાશમાંથી જાણે લૂ વરસતી હોય એવો અહેસાસ થાય. આ ઋતુનું ચક્ર એવું છે કે આપણે AC ચાલુ કર્યા વિના કંઈ કરી ન શકીએ. કૂલિંગ લાગતું નથી એવી ફરિયાદ વારંવાર સાંભળીને કંતાઈ જતું કૉમ્પ્રેસર કંટાળી જાય છે. વૈશ્વિક તાપમાન વધવાનું છે એ ચેતવણી વૈજ્ઞાનિકોએ વર્ષો પહેલાં આપી દીધી હતી. ડૉ. ભૂમા વશી અનુમોદન કરે છે...


ગરમ હવા છે ગરમ ધરા છે



સૂરજ હવે તો થયો ખફા છે


લીલી ચુનર ધરાની કાપી

ઉપરથી વરસી રહી સજા છે


જાહેર રસ્તા પર મુકાયેલા અને બળબળ તાપમાં સુકાયેલા ક્યારાઓ જોઈ જીવ બળી જાય. નાજુક છોડ પર સીધો જ તાપ પડતો હોય એટલે પાંદડાંમાંથી બધું હીર શોષાઈ જાય. આ જ મોસમમાં વરસાદને ધ્યાનમાં રાખી ઝાડનું આડેધડ ટ્રિમિંગ શરૂ કરવામાં આવે છે. એટલે એક તો તાપ ને ઉપરથી કપાયેલો પડછાયો નસીબ થાય. અંકિતા મારુ ‘જિનલ’ ત્રણ પરિબળને સાંકળે છે...

અમે તરસ લખી, તમે લખ્યું છે રણ

વિધિએ હાથમાં, લખ્યું નહીં ઝરણ

પવન બનીને લૂ દઝાડતો રહ્યો

પછી ત્રણેનું નામ લઈ લખ્યું મરણ

શિયાળામાં તાપણામાં શેકતાં જે ગરમાટો આવે એ ગરમાટો કંઈ કર્યા વગર કુદરત આપણને આપી દે છે. પ્રસ્વેદ બહાર આવીને શરીર ઠંડું રાખવાનો પ્રયાસ કર્યા કરે. ડૉ. માર્ગી દોશી એનો સંદર્ભ અતીત સાથે જોડે છે...

એને પૂછો શું વીતે ખાડો પડે જો પેટે

પ્રસ્વેદ પીધો જેણે બચપણથી હર તરસમાં

મુંબઈમાં પરસેવો થાય, અમદાવાદમાં ન થાય. એ હિસાબે ત્યાં ત્વચા સૂકી અને બળબળ લાગે. આમ તો બપોરે ચા પીવાનું ગમે, પણ ઉનાળામાં જીભ ઠંડું પીણું કે આઇસક્રીમ માગે. છાશ તો સદાબહાર છે જ, પણ શેરડીનો રસ કે કલિંગરનો જૂસ કાળજાને ટાઢક આપે. મોટા શહેરની તરસ તો આખેઆખી નદી બરફ નાખી પી જવાની હોય છે. સ્વાતિ રાજીવ શાહ એક વિરોધાભાસ વ્યક્ત કરે છે...

સાત દરિયા તો તરસના પી જઉં

એક આંસુ ક્યાં કદી પિવાય છે

ઉનાળામાં આંસુ આવે તો થર્મોમીટરથી આપણે એનું તાપમાન માપતા નથી પણ એ ગરમ જ હશે એમ સહજ માની લેવાય છે. એક તો દર્દની પોતાની બળતરા હોય ને એમાં ઉનાળો ઉમેરો કરે. એક સમયે સુપરડુપરથીયે ઉપર હિટ નીવડેલી ‘રામાયણ’ ધારાવાહિક રવિવારે સવારે પ્રસારિત થતી ત્યારે રસ્તા ઉપર સોપો પડી હતો. કંઈક એવો જ માહોલ ભરબપોરે ગુજરાત, રાજસ્થાન જેવાં રાજ્યોમાં અનુભવાય. ભારતી ગડા આ માહોલ નિરૂપે છે...

હલચલ, ઘોંઘાટ, રસ્તો દિગંબર

મળે ભરબપોરે ઉનાળો દિગંબર

અસર પાનખરની જુઓ, થઈ ગયાં છે

સળી, ડાળખી, વેલ, વૃક્ષો દિગંબર

તાપમાન વધવાનાં અનેક કારણોમાં કુદરતી ઉપરાંત કૃત્રિમ કરતૂતો પણ સામેલ છે. દાયકાઓથી કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે. ટીપે-ટીપે સરોવર ભરાય એમ કણે-કણે આકાશ ભરાય. વાહનોનો ધુમાડો કંઈ ચંદ્ર પર નિષ્કાસિત થઈ શકતો નથી. એ વાતાવરણમાં જ આમતેમ ફેલાઈને દુશ્મની નિભાવવા તૈયારી કરતો રહે છે. નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ આપણી જ ભૂલ દર્શાવે છે...

આગ ઝરતો ઉનાળો ચાલશે?

ખુદ કરેલો છે ચાળો ચાલશે?

વેડફી નાખ્યું છે પાણી આખરે

જાય પાણી બાદ પાળો ચાલશે?

મેટ્રો શહેરોમાં પાણીનો વેડફાટ જોઈ ગામડાના માણસને હૃદયરોગનો હુમલો આવી શકે. પાણીના વપરાશ પ્રત્યે આપણે સ્વાર્થી છીએ, સંવેદનશીલ નથી. એ માટે તરસનું મહત્ત્વ સમજાવું જોઈએ. ઉનાળામાં પાણી માટે વલખાં મારતાં પંખીઓ ડીહાઇડ્રેશનનો ભોગ બને છે. રસ્તે રઝળતાં પ્રાણીઓ માટે જીવવું દુષ્કર થઈ પડે છે. આપણે અનુભવોમાંથી કશું શીખતા નથી અને ભૂલોનું પુનરાવર્તન કરવામાં માનીએ છીએ. કિરણ જોગીદાસ રોશન વાસ્તવિકતા સાથે આપણું નિંભરપણું આવરી લે છે...

પીડાનું રૂપ બદલાય છે પણ ક્યાં કણસ બદલાય છે

ભીતર હરણ જૂનું રહે હરપળ તરસ બદલાય છે

જૂના તણાવો સાથે જૂની ઉદાસી પણ લઈ આવે

બાકી તો કૅલેન્ડરના પાને બસ વરસ બદલાય છે

લાસ્ટ લાઇન

જ્યાં લખ્યું મેં એક કાગળમાં તરસ

ચીતરી ગયું કોઈ વાદળમાં તરસ

            સાવ કોમળ સ્પર્શ લઈને આવે છે

            સૂર્ય વાંચી લે છે ઝાકળમાં તરસ

એટલે ગાંડી થઈ દોડે નદી

ઉછેરે દરિયો ખળખળમાં તરસ

            કોઈ ચકલુંયે ફરક્યું બારણે

            ઊઘડી છે આજ સાંકળમાં તરસ

ભરબપોરે ચોસલાં રણનાં કરી

ગટગટાવે ઊંટ મૃગજળમાં તરસ

            ધ્રાસકો વનને જનોઈવઢ પડ્યો

            કોણ વાવે છે બાવળમાં તરસ

જાણતલ જોષી કહે છે આખરે

જિંદગી ઉર્ફે પળેપળમાં તરસ

- શૈલેષ પંડ્યા ‘નિ:શેષ’

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2025 01:39 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK