કેટલાંક હાસ્ય શહેરી હાસ્ય હોય છે. એમાં અફાટ સમુદ્ર જેવું ઊંડાણ હોય છે.
પ્રતીકાત્મક તસવીર
હસવું એ સંબંધની ગાઢ અભિવ્યક્તિની એક નિશાની છે. મંદ હાસ્યથી લઈને હાસ્યના ફુવારા સુધી કેટલાય સંબંધોની કસોટી થતી હોય છે. ઘણી વાર કેટલાક લોકો જોર-જોરથી હસીને હસવા સિવાયની બીજી જ કંઈક અભિવ્યક્તિ કરતા હોય છે. તેમનું બનાવટી હાસ્ય કાનમાં વાગે અને બીજાને ઈર્ષા થાય એટલે પોતાનું જડબું ફાડતા હોય છે. આ ઘોંઘાટ પોકળ અને સાવ ખાલી હોય છે. જાણે શિયાળ જેવું એ લુચ્ચું હાસ્ય તેમના હૃદયની મલિનતાને વ્યક્ત કરે છે. તો કેટલાક લોકો મંદ સ્મિત વેરીને પોતાનો સંયમ અને સાધુતા દેખાડતા હોય છે. આ મંદ સ્મિત પાછળ ખબર નથી પડતી કે તેઓ શું વિચારે છે. તેમને તમારી વાત સ્વીકાર્ય છે કે નહીં. પણ એ મંદ સ્મિત મૂંઝવવાની કમાલની ચાવી છે. કેટલાંક સ્મિતમાં મધુરતા હોય છે. તેમના બે હોઠ ખેંચાય અને મધુરતા અને સ્નેહ વર્તાય, એ સ્મિત ભર ઉનાળે ગુલમહોરી છાંયડો આપે છે. આ સ્મિતમાં તમે ખેંચાઈ જાઓ તો પણ તમે ડૂબી નથી જતા પણ તમારી અંદર જીવવાની આશા જાગે છે.
કેટલાંક હાસ્ય શહેરી હાસ્ય હોય છે. એમાં અફાટ સમુદ્ર જેવું ઊંડાણ હોય છે. આ હાસ્ય તમને ભરતી અને ઓટ બન્નેનો અનુભવ કરાવે પણ નીચેના વડવાનલની ગરમી જોવા ન દે. શહેરનો માણસ ગમેતેટલો ભાર વેંઢારી શકે એમ એ હાસ્ય બહુ બધાં આંસુને છુપાવીને બહાર એક માસ્કવાળો ચહેરો લઈને ચાલે છે.
ADVERTISEMENT
ઘણા માણસોને જોઈએ ત્યારે એમ લાગે કે તેઓ હસવાનું ભૂલી ગયા છે અને જ્યારે તમે તેને બળજબરીથી ગલીપચી કરો ત્યારે તે હસે ખરા, પણ એ હાસ્ય તમને ડરાવી દે. જીવનની શુષ્ક ક્ષણોને ભીની કરવા તેમણે મિત્રોના અભાવે અધૂરપનો અનુભવ કર્યો હોય છે પણ જ્યારે થોડું પણ સુખ મળે ત્યારે તેઓ ખૂબ જ જીવી લેતા હોય છે. બહુ ઓછાં હાસ્ય વહેંચવા અને અને વરદાન સમાં લાગતાં હોય છે. જ્યારે તમે કોઈનો હાથ પકડો અને સામેવાળી વ્યક્તિની આંખમાંથી આર્દ્રતા ટપકે અને જે હાસ્ય વહે એ ઉત્તમ અને સુંદર હોય છે, એ હાસ્ય કદી કોઈ શબ્દમાં લખી નથી શકાતું કે નથી એને પૂરેપૂરું બાંધી શકાતું; પણ એ હાસ્ય બિનશરતી, ભરપૂર અને એકમેક માટે સર્જાયેલું હોય એવું હોય છે. એની આયુ પણ ક્ષણિક જ હોય છે પણ એ એક માણસના જીવનને બહુ લાંબા સમય માટે અમૃત સમાન છે. આપણે કોઈને એવું હાસ્ય આપીએ તો આપણું નામ કોઈના હૃદયમાં હંમેશ માટે કોતરાઈ જશે, બિનશરતી એ પાકું. વિચારી જોજો. હસવું આપણી ટાઇમપાસની ઍક્ટિવિટી નથી, એ મનુષ્ય સંબંધની પારાશીશી છે. જે પોતાની જાત સાથે હસી શકે છે તે બીજાને પણ નવપલ્લવિત કરી શકે છે. જેમ નાભિમાંથી બોલવું જોઈએ એમ જ હસવું પણ નાભિમાંથી જ જોઈએ! શું ખરેખર એમ બની શકે? હા, મિત્રો માંહેની પ્રસન્નતા કેળવીને આપણે ભારોભાર હસી શકીએ છીએ, ચાલો હસીએ!
- પ્રા. સેજલ શાહ

