Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પેઇન્ટિંગ રામનું પણ અરીસામાં જુઓ તો દેખાય હનુમાન, ચિત્ર નરેન્દ્ર મોદીનું પણ આયનામાં દેખાય અમિત શાહ

પેઇન્ટિંગ રામનું પણ અરીસામાં જુઓ તો દેખાય હનુમાન, ચિત્ર નરેન્દ્ર મોદીનું પણ આયનામાં દેખાય અમિત શાહ

Published : 30 November, 2025 03:45 PM | IST | Mumbai
Laxmi Vanita

વડીલ કલાકાર અકબર મોમિન સોશ્યલ મીડિયા પર પોતાની 3D આર્ટ માટે છવાઈ ગયા છે

રામ-હનુમાન પેઇન્ટિંગ અકબર મોમિનનું સૌથી વધારે જોવાયેલાં પેઇન્ટિંગ્સમાંનું એક છે. રામના પેઇન્ટિંગને પાણીમાં જોતાં એમાં હનુમાનની છબિ દેખાય છે.

રામ-હનુમાન પેઇન્ટિંગ અકબર મોમિનનું સૌથી વધારે જોવાયેલાં પેઇન્ટિંગ્સમાંનું એક છે. રામના પેઇન્ટિંગને પાણીમાં જોતાં એમાં હનુમાનની છબિ દેખાય છે.


અમેરિકાનાં લોકકલાકાર ઍના મૅરી રૉબર્ટસન મોઝિસે ૭૮ વર્ષની ઉંમરે બ્રશ હાથમાં લીધું અને વિશ્વપ્રસિદ્ધ પેઇન્ટર બન્યાં. જપાનના મહાન આર્ટિસ્ટ હોકુસાઈએ કહ્યું હતું કે ૭૦ વર્ષ પહેલાં કરેલું બધું ભૂલી જવાનું, કારણ કે તેમની સૌથી અદ્ભુત કૃતિઓ ૭૦ અને એંસીની ઉંમરમાં વિશ્વવિખ્યાત બની. એ જ રીતે ઇંગ્લૅન્ડના આલ્ફ્રેડ વૉ​લિસને પણ તેમની કલાકૃતિ માટે વૃદ્ધાવસ્થામાં ખ્યાતિ મળી. અમેરિકાના બિલ ટ્રેલરે તો ૮૦ વર્ષની ઉંમર પછી ચિત્રો બનાવીને ઇતિહાસ રચ્યો અને આપણા ભારતમાં ચંડીગઢનું વિખ્યાત રૉક ગાર્ડન બનાવનારા નેક ચંદ સૈનીને જીવનનાં અંતિમ વર્ષોમાં જ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. આવા દુર્લભ કલાકારોની આ શ્રેણીમાં હવે શાંતિપૂર્વક પરંતુ તેજસ્વી રીતે એક વધુ નામ ઉમેરાઈ રહ્યું છે ગુજરાતના સિદ્ધપુરના વડીલ ચિત્રકાર અકબર મોમિનનું. દાયકાઓ સુધી એકાંતમાં મહેનત કરીને, રંગો અને પ્રતિબિંબના અજાયબ વિશ્વમાં તલ્લીન રહેનાર આ કલાકાર આજે ૬૯ વર્ષની ઉંમરે માન્યતા મેળવી રહ્યા છે જેને જોઈને લાગે કે કલાને પણ ક્યારેક પોતાનો સમય પસંદ કરવો ગમે છે. તેમના રામ–હનુમાન પ્રતિબિંબ ચિત્રે કરોડો આંખોને ચકિત કરી છે એટલું જ નહીં, એક એવી સત્યતા ફરી સાબિત કરી કે સર્જનશક્તિનો સૂર્ય ક્યારેય સાંજ નથી જાણતો. આજે આ પીઢ કલાકારના જીવનના તડકા-છાયા અને તેમની પેઇન્ટર તરીકેની સફળતાને જાણીએ.

બાળપણથી રંગો પ્રત્યે પ્રેમ



સવારે ૩ વાગ્યે ઊઠીને મન શાંત રાખવા માટે નિયમિત એક કલાક ઇબાદતમાં પસાર કરતાં અકબર મોમિન ‘મિડ-ડે’ને કહે છે, ‘હું પાટણ, સિદ્ધપુરના બહુ જ ગરીબ પરિવારમાંથી આવું છું. અમારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી પરંતુ મને બાળપણથી જ રંગો પ્રત્યે બહુ જ લગાવ હતો. મારા ચિત્રકામના શિક્ષકે મારી કળાને પારખી લીધી હતી. તેમનું મને બહુ પ્રોત્સાહન રહેતું. તેમણે જ મને સલાહ આપી કે મોટા શહેરમાં જઈને આ કળાને વિકસાવું. તો આવી રીતે યુવા વયે હું મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પહોંચ્યો. આ વિશ્વની બહુ જ જાણીતી કૉલેજમાં ભણવાનું પૂરું કર્યા પછી પણ મને કોઈ ખાસ કામ નહોતું મળતું. પછી પોતાને સપોર્ટ કરવા માટે બૉલીવુડની ફિલ્મોનાં પોસ્ટર્સ, સેલિબ્રિટી-પોર્ટ્રેટ બનાવતો હતો અને અનેક પ્રકારના ઑર્ડર લેતો હતો. દાયકાઓ સુધી આ કામ કર્યું. જોકે આ કામ કરવામાં મને મજા નહોતી આવતી એટલે આજે જ્યારે આ પ્રસિદ્ધિ મળી છે ત્યારે મારી અંદરના કલાકારનો જીવ જરૂર સંતૃપ્ત થાય. જોકે બાળપણમાં ક્યારેય કલ્પના નહોતી કે એક દિવસ સમગ્ર દેશ મારી કળાને ઓળખશે. આ બધું ભગવાનની કૃપા અને મારા ડ્રૉઇંગ ટીચરને આભારી છે. લોકોનો સ્નેહ અને મારી સતત મહેનતનું પરિણામ છે. આજે પણ હું દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાની કોશિશ કરું છું.’  



મુંબઈથી પોતાના વતન સિદ્ધપુર પાછા ફર્યા બાદ અકબર મોમિને સૌપ્રથમ 3D પેઇન્ટિંગ નરેન્દ્ર મોદી-અમિત શાહનું બનાવ્યું હતું જે તરત જ વાઇરલ થતાં તેમનાં બાકીનાં પેઇન્ટિંગ્સ લોકોના ધ્યાનમાં આવ્યાં હતાં.

મુંબઈ છોડી વતન પાછા ફર્યા


અકબર મોમિન સિદ્ધપુરમાં પત્ની સાથે રહે છે. તેમના બે દીકરા છે, જેમાંથી એક મુંબઈમાં પપ્પાએ શરૂ કરેલો બિઝનેસ સંભાળે છે અને બીજો દીકરો અમેરિકામાં સ્થાયી થયો છે. સિદ્ધપુરના આ વડીલ કલાકાર આજે અચાનક સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે. વર્ષો સુધી નમ્રતાપૂર્વક અને શાંતિથી ચિત્રકામ કરનાર આ કલાકારને જીવનમાં આટલી મોડી મળેલી પ્રસિદ્ધિ એક ફિલ્મી કહાની જેવી લાગે છે. તેઓ કહે છે, ‘જીવનનાં મુખ્ય વર્ષો કહો તો મેં મુંબઈમાં વિતાવ્યાં. લગભગ ૪૫ વર્ષ વિતાવ્યાં. દાયકાઓ સુધી શાંતિથી પોતાના સ્ટુડિયોમાં બેઠાં-બેઠાં પોર્ટ્રેટ બનાવતો હતો, પરંતુ પછી 3D આર્ટ અને પ્રયોગાત્મક ચિત્રો તરફ વળ્યો. એમાં એક જ ચિત્રે મારી કિસ્મત બદલી નાખી. આ ચિત્ર મેં મારા ઘરે સિદ્ધપુર પાછા ફર્યા પછી બનાવ્યું. મુંબઈ છોડવાનું કારણ એ જ હતું કે બહુ જ ઘોંઘાટ, ભાગદોડ હતાં. ઉપરાંત મારાં માતા-પિતા અહીં હતાં એટલે મારે પાછા આવવું હતું. મારે હવે એકદમ શાંત જગ્યાએ જવું હતું જ્યાં હું પોતાની કલાને નવી દિશા આપી શકું. સિદ્ધપુર એક એવી જ શાંત અને રચનાત્મક જગ્યા છે. ૭ વર્ષ પહેલાં મેં 3Dમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનું પેઇન્ટિંગ બનાવવાનું નક્કી કર્યું. એનું કારણ એટલું જ કે વધુ ને વધુ લોકો સુધી મારી કલા પહોંચે.’ 

મોદી-શાહ પેઇન્ટિંગ ટર્નિંગ પૉઇન્ટ

કૅન્વસ પેઇન્ટિંગમાં મજા નહોતી આવતી એટલે ૭ વર્ષ પહેલાં 3D પેઇન્ટિંગ શરૂ કરનાર અકબર મોમિન કહે છે, ‘સૌથી પહેલું વાઇરલ પેઇન્ટિંગ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું હતું. નસીબજોગે આ જ પેઇન્ટિંગથી મેં 3D પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. મજાની વાત એ છે કે તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પેઇન્ટિંગને કાચમાં જુઓ તો તમને ગૃહપ્રધાન અમિત શાહ દેખાશે. ૬ મહિનાના સમયમાં બનેલું આ પેઇન્ટિંગ જ્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું તો લોકોને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આવું કંઈક થઈ શકે. લોકોને એમ લાગી રહ્યું હતું કે કોઈ એડિટિંગની કમાલ હશે. આ પેઇન્ટિંગની કમાલ સમજાવું તો એને મેં એક પાતળા દોરા પર બનાવ્યું છે. દોરાની એક બાજુ મોદીસાહેબ અને બીજી બાજુ અમિત શાહ સાહેબને દોર્યા છે. આ કલામાં બહુ બારીકાઈ અને ચીવટથી કામ લેવું પડે છે અને બિલોરી કાચનો ઉપયોગ પણ કરવો પડે છે. દિવસના આઠથી ૧૦ કલાક પાગલની જેમ મથવું પડે છે. આ પેઇન્ટિંગને કારણે મને જે પ્રેરણા મળી છે એ આજ સુધી અકબંધ છે. આ પેઇન્ટિંગ મારે આપણા વડા પ્રધાનને બતાવવું છે. અમારા સિદ્ધપુરના લોકો બહુ જ આશા રાખી રહ્યા છે કે એ દિવસ જરૂર આવશે. લંડનના એક મ્યુઝિયમમાંથી મને આ પેઇન્ટિંગ વેચવા માટે ૧ મિલ્યન ડૉલરની ઑફર આવી હતી, પરંતુ આ મારું પહેલું 3D પેઇન્ટિંગ છે જેણે મને કલાકાર તરીકે લોકોના મન સુધી પહોંચાડ્યો છે અને આગળ પણ કંઈક નવું કરવા માટે પ્રેરે છે; એટલે મેં એ ઑફરનો અસ્વીકાર કર્યો છે. મારે આ પેઇન્ટિંગને વેચવું જ નથી.’ 


સેલિબ્રિટીઝનાં વિવિધ પ્રકારનાં પેઇન્ટિંગ્સ પણ અકબર મોમિન બનાવે છે. એમાં ઐશ્વર્યા રાયનું પેઇન્ટિંગ બટનથી બનાવેલું છે. એ સિવાય પણ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિવિધ પ્રકારનાં કલાકારોનાં પેઇન્ટિંગ્સ જોઈ શકાય છે.

રામ-હનુમાન પેઇન્ટિંગ સૌથી વધુ ફેમસ 

દર રવિવારે સિદ્ધપુરના આ કલાકારનું ઘર એક આર્ટ-ગૅલેરી બની જાય છે કારણ કે લોકો પેઇન્ટિંગ જોવા માટે ધસી આવતા હોય છે. અકબર મો​મિને 3D પદ્ધતિથી રામ-હનુમાનનું જે પેઇન્ટિંગ બનાવ્યું છે એ આમ તો બે વર્ષ પહેલાંનું સર્જન છે, પણ તાજેતરના સમયમાં એ ખૂબ વાઇરલ થયું છે. વિશેષ વાત તો એ છે કે અકબર મોમિન એક મુસ્લિમ કલાકાર છે અને તેમનું હિન્દુ દેવતાઓ પર કરેલું અદ્વિતીય કામ બન્ને સમુદાયો વચ્ચે સકારાત્મક સંવાદનું કારણ બન્યું છે. તેઓ કહે છે, ‘જો મારી કલાએ બે સમુદાય વચ્ચે એકતા બનાવવામાં નાનું યોગદાન આપ્યું હોય તો એથી વધુ ખુશી બીજી શું? કલાકારની કલાને ઢાંચામાં બાંધવી યોગ્ય નથી. કોઈ કલાકાર ક્યારેય ધર્મ વિશે ચર્ચા નથી કરતો. મારે એક જ ધર્મ છે, માનવતા. મને કુદરત જ આ વિચારો આપે છે. રામ-હનુમાન પેઇન્ટિંગ વિવાદોથી ભરેલા સમયમાં એક શાંતિપૂર્ણ સંદેશ છે. આ પેઇન્ટિંગ વાઇરલ થવા લાગ્યું તો મારી હિંમત અને જોશ વધવા લાગ્યાં. મારી પાસે આ પેઇન્ટિંગના ઑર્ડર વધારે આવવા લાગ્યા. જેમ પ્રૅક્ટિસ થવા લાગી તેમ ફાવટ આવવા લાગી છે તો છ મહિના કરતાં ઓછો સમય લાગે છે. અમેરિકાનાં ચાર-પાંચ મંદિરોમાં મારાં પેઇન્ટિંગ્સ લાગેલાં છે. હું પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી. મારા માટે કળા સતત શીખવાની સફર છે. કલા કુદરતની બક્ષિસ છે. કુદરતે આપેલી ભેટનું અભિમાન ન કરાય. લોકો મને ઓળખે છે, વખાણ કરે છે પરંતુ હું આજે પણ પોતાને સામાન્ય કલાકાર માનું છું; કારણ કે નમ્રતા અને સચ્ચાઈ જ કળાને સાચી ઊંચાઈ આપે છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2025 03:45 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK