ટેસ્ટ-ક્રિકેટમાં ૫૧ સેન્ચુરી ફટકારનાર સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો બાવનમી વન-ડે સદી સાથે
ગઈ કાલે સેન્ચુરી ફટકાર્યા પછી વિરાટ કોહલીની હવાઈ ઉજવણી
કી હાઇલાઇટ્સ
- સિંગલ ફૉર્મેટમાં સૌથી વધુ સેન્ચુરી નોંધાવવાનો ભારતના જ સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો
- સચિન તેન્ડુલકરનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને ઇતિહાસ રચ્યો વિરાટ કોહલીએ
- ટેસ્ટ-ક્રિકેટમાં સચિનની ૫૧ સદી સામે વન-ડેમાં વિરાટની બાવન
ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી મૅચમાં પોતાની બાવનમી વન-ડે સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલીએ પોતાના આદર્શ સચિન તેન્ડુલકરનો એક મહાન રેકૉર્ડ તોડી નાખ્યો છે. વિરાટ હવે ક્રિકેટના કોઈ એક ફૉર્મેટમાં સૌથી વધુ સદી નોંધાવનારો બૅટર બની ગયો છે. ટેસ્ટ-ક્રિકેટમાં ૫૧ સેન્ચુરી સાથે અત્યાર સુધી આ વિક્રમ સચિનના નામે હતો. ગઈ કાલે વિરાટ કોહલીએ ૧૨૦ બૉલમાં ૧૩૫ રન કર્યા હતા, જેમાં ૧૧ ફોર અને ૭ સિક્સનો સમાવેશ હતો. વિરાટની આ ૮૩મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી છે. ટેસ્ટ-ક્રિકેટમાં તેણે ૩૦ અને T20માં એક સેન્ચુરી નોંધાવી છે. સચિને ટેસ્ટ-ક્રિકેટમાં ૫૧ અને વન-ડે ક્રિકેટમાં ૪૯ મળીને કુલ ૧૦૦ ઇન્ટરનૅશનલ સદી ફટકારી છે.
રોહિત શર્માએ ગાળ આપીનેવધાવ્યો વિરાટ કોહલીને
ADVERTISEMENT

વિરાટ કોહલીએ સેન્ચુરી પૂરી કરી ત્યારે બ્રૉડકાસ્ટ-ટીમનો કૅમેરા ડ્રેસિંગ રૂમ તરફ શિફ્ટ થયો હતો અને એ વખતે રોહિત શર્મા પોતાના સાથીની સદીને જોશથી બિરદાવતો જોવા મળ્યો હતો. તે ઉન્માદમાં ગાળ આપીને ઉત્સાહપૂર્વક તાળી પાડતો દેખાયો હતો.
સચિન તેન્ડુલકરના બીજા કયા રેકૉર્ડ તોડ્યા વિરાટે?
સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ ૬ વન-ડે સેન્ચુરી હવે વિરાટ કોહલીની છે. સચિન તેન્ડુલકર અને ડેવિડ વૉર્નરે સાઉથ આફ્રિકા સામે પાંચ-પાંચ વન-ડે સદી ફટકારી છે. આ ઉપરાંત ઘરઆંગણે વન-ડેમાં સૌથી વધુ ફિફ્ટી-પ્લસ સ્કોર કરવાનો સચિનનો રેકૉર્ડ પણ વિરાટે ગઈ કાલે તોડ્યો. ઘરઆંગણે ગઈ કાલે વિરાટનો ૫૯મો ફિફ્ટી-પ્લસ સ્કોર હતો, જ્યારે સચિને ૫૮ ફિફ્ટી-પ્લસ સ્કોર નોંધાવ્યા હતા.
વન-ડે ક્રિકેટમાં સચિન અને વિરાટ
સચિન તેન્ડુલકર : ૪૫૨ ઇનિંગ્સમાં ૪૯ સેન્ચુરી અર્થાત્ પ્રતિ ૯.૨ ઇનિંગ્સમાં એક સદી
વિરાટ કોહલી : ૨૯૪ ઇનિંગ્સમાં બાવન સેન્ચુરી અર્થાત્ પ્રતિ ૫.૬ ઇનિંગ્સમાં એક સેન્ચુરી
વન-ડાઉન સિક્સર કિંગ પણ બની ગયો વિરાટ કોહલી

વિરાટ કોહલીએ ગઈ કાલે ૧૨૦ બૉલમાં ૧૩૫ રન કર્યા હતા. સદી ફટકાર્યા બાદ વિરાટે અલગ-અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું
વિરાટ કોહલીએ ગઈ કાલે ૭ સિક્સ ફટકારીને નંબર ત્રણની પોઝિશન પર રમતી વખતે સૌથી વધુ ઇન્ટરનૅશનલ સિક્સ ફટકારવાનો રેકૉર્ડ પણ નોંધાવ્યો છે. વન-ડાઉન પોઝિશન પર વિરાટની હવે ૨૨૩ ઇન્ટરનૅશનલ સિક્સ થઈ ગઈ છે અને તે રિકી પૉન્ટિંગ (૨૧૭ સિક્સ) કરતાં આગળ નીકળી ગયો છે. આ યાદીમાં કુમાર સંગકારા (૧૩૧), કેન વિલિયમસન (૧૨૧) અને જૅક કૅલિસ (૧૦૬) ઘણા પાછળ છે.
100
વિરાટ કોહલીએ હવે ઘરઆંગણે ઇન્ટરનૅશનલ મૅચમાં ફિફ્ટી-પ્લસ સ્કોરની સદી પણ નોંધાવી.છે.
સિક્યૉરિટી-કવચ ભેદીને વિરાટ પાસે પહોંચી ગયો ફૅન, પગે પડ્યો

વિરાટ કોહલી ગઈ કાલે પોતાની બાવનમી વન-ડે સેન્ચુરી ફટકારીને એની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે તેનો એક ચાહક સિક્યૉરિટીનું કવચ ભેદીને તેના સુધી પહોંચી ગયો હતો અને તેના પગે પડી ગયો હતો.
વિરાટ કોહલીની સ્પષ્ટતા : ટેસ્ટ-ક્રિકેટમાં પાછો નથી આવી રહ્યો
ગઈ કાલે એવી વાતો વહેતી થઈ હતી કે ભારતીય ક્રિકેટ બોર્ડ વિરાટ કોહલીને ટેસ્ટ-ક્રિકેટનું રિટાયરમેન્ટ પાછું ખેંચી લેવાની વિનંતી કરવાનું છે. આ વાતને બોર્ડે પછી અફવા ગણાવી હતી અને મૅચ પછી વિરાટ કોહલીએ પણ પ્રેઝન્ટેશન સેરેમનીમાં હર્ષા ભોગલેને કહ્યું હતું કે હું ફક્ત એક જ ફાર્મેટમાં રમી રહ્યો છું અને હંમેશાં એવું જ રહેવાનું છે.


