Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મન નામનું પંખી તો જ ઊડી શકે જો અટેન્શનનું પાંજરું ખોલવામાં આવે

મન નામનું પંખી તો જ ઊડી શકે જો અટેન્શનનું પાંજરું ખોલવામાં આવે

Published : 30 November, 2025 02:27 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

જે પ્રવૃત્તિઓ બળજબરીપૂર્વક આપણા અટેન્શનને પકડી રાખે છે અથવા આપણને એકાગ્ર થવા મજબૂર કરે છે એ દરેક પ્રવૃત્તિ આપણા મનમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


કલ્પના કરો કે એક અંધારા ઓરડામાં આપણે એક દીવાલ પર ટૉર્ચ-લાઇટ ફેંકીએ છીએ. ટૉર્ચ-લાઇટથી દીવાલ પર બનેલું વર્તુળ દીવાલની નજીક જવાથી નાનું અને સ્પષ્ટ થતું જશે. દીવાલથી દૂર જઈએ તો એ જ વર્તુળ ઝાંખું, અસ્પષ્ટ અને મોટું થવા લાગશે. ટૉર્ચને દીવાલની સાવ નજીક રાખવામાં આવે તો દીવાલના કોઈ એક ચોક્કસ ભાગ પર સુંદર મજાનું પ્રકાશ-વર્તુળ દેખાશે, પણ બાકીની દીવાલ અને ઓરડામાં અંધારું છવાયેલું રહેશે.
આ ટૉર્ચ-લાઇટ બીજું કશું જ નથી પણ આપણું અટેન્શન છે. ઘરકામ હોય કે ઑફિસનું કામ, સોશ્યલ મીડિયા હોય કે નેટફ્લિક્સ, પુસ્તક વાંચતા હોઈએ કે ડ્રાઇવિંગ કરતા હોઈએ દરેક વખતે આપણું અટેન્શન સતત કોઈ ને કોઈ કામ પર મંડાયેલું હોય છે. સવારથી રાત સુધી આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણા અટેન્શનને ક્યારેય વિરામ જ નથી મળતો. જેટલી વધારે એકાગ્રતાથી આપણે કોઈ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ટૉર્ચ-લાઇટની જેમ આપણું ‘અટેન્શન બીમ’ એટલું જ વધારે સાંકડું અને મર્યાદિત થતું જાય છે. લાંબા સમય સુધી અને અવિરતપણે ચાલતી એકાગ્ર રહેવાની મથામણમાંથી એક નવી સમસ્યાનો જન્મ થાય છે, જેનું નામ છે ‘અટેન્શન ફટિંગ’. થાક, કંટાળો કે આળસ એ બીજું કશું જ નથી પણ દીવાલની સતત નજીક રહેલી ટૉર્ચ-લાઇટની તકલીફો છે.
જે ક્ષણથી આપણે આપણું ફોકસ કોઈ ચોક્કસ પ્રવૃત્તિ કે કામથી દૂર લઈ જઈએ છીએ એ જ ક્ષણથી આપણું ‘અટેન્શન બીમ’ વિસ્તરવા લાગે છે. દીવાલરૂપી જીવતરના એવા-એવા ખૂણા પ્રકાશિત થતા જાય છે જે અંધકારમાં રહેલા હોવાથી આજ સુધી આપણને દેખાયા જ નહોતા. જે પ્રવૃત્તિઓ બળજબરીપૂર્વક આપણા અટેન્શનને પકડી રાખે છે અથવા આપણને એકાગ્ર થવા મજબૂર કરે છે એ દરેક પ્રવૃત્તિ આપણા મનમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે.
ફૅસિનેશન એટલે એ ઘટના જેમાં એકાગ્ર થવાના પ્રયત્ન વગર આપમેળે આપણું ધ્યાન કોઈ પ્રવૃત્તિ પર કેન્દ્રિત થાય. એવી કોઈ પ્રવૃત્તિ જેમાં અટેન્શન ટકાવી રાખવા માટે આપણે મહેનત ન કરવી પડે. એવું કશુંક જે ઑટોમૅટિક આપણું ધ્યાન ખેંચે અને આપણી નજર ચોંટાડી રાખે. ફૅસિનેશનના બે પ્રકાર છે : હાર્ડ અને સૉફ્ટ. ‘હાર્ડ ફૅસિનેશન’ એટલે એવી દરેક પ્રવૃત્તિ જે આકર્ષણ દ્વારા મનને વ્યસ્ત રાખે અને ચિંતન માટેનો સમય ન આપે. ટેલિવિઝન, મોબાઇલ, સોશ્યલ મીડિયા, યુટ્યુબ, વિડિયો ગેમ્સ, વેબસિરીઝ આવું બધું જ હાર્ડ-ફૅસિનેશન છે.
ચીસો પાડીને જગતનું તથ્ય રજૂ કરતા ન્યુઝ-ઍન્કર્સ, ઇન્સ્ટાગ્રામની રીલ્સ, અનંત ચાલતી સોશ્યલ મીડિયાની ન્યુઝ-ફીડ, મનોરંજનના ઓવરડોઝથી છલકાતાં OTT પ્લૅટફૉર્મ્સ, ટ્રાફિક જૅમ અને એક ઇંચના અંતરે ચાલતી ગાડીઓ. અવિરત ચાલતું ઑફિસનું કામ, નૉન—સ્ટૉપ ચાલતા ફોનકૉલ્સ, મેસેજિસ અને વૉટસઍપ ચૅટ્સ. 
ઉફ! 
આપણા અટેન્શનને બ્રેક જ નથી મળતો. મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણા માનસિક સ્વાસ્થ્ય અને શાંતિ માટે એવી જ પ્રવૃત્તિઓ લાભદાયક છે જે આપણા અટેન્શન કે એકાગ્રતાની બિલકુલ ડિમાન્ડ નથી કરતી. આ પરિસ્થિતિને ‘સૉફ્ટ ફૅસિનેશન’ કહેવાય છે.
જે પરિસ્થિતિ, સ્થળ કે પ્રવૃત્તિઓ આપણી કૉન્શિયસનેસ કે ચૈતન્યની ‘ટૉર્ચ- લાઇટ’ને વિસ્તારવામાં મદદ કરે છે એ બધું જ સૉફ્ટ—ફૅસિનેશન છે. ટૂંકમાં, એવું કોઈ સ્થળ જ્યાં આપણું અટેન્શન કોઈ એક જગ્યાએ બંધાયેલું ન હોય અથવા એવી કોઈ પ્રવૃત્તિ જ્યાં મન પર એકાગ્ર થવાનું દબાણ ન હોય. સૉફ્ટ-ફૅસિનેશન એટલે એવું કશુંક જે મનને ચિંતનાત્મક બનાવે. સૉફ્ટ-ફૅસિનેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રકૃતિમાં ગાળેલો સમય. 
ડૂબતા સૂરજને નિહાળવો, ઊંચા પર્વતો કે ઉછાળા મારતા દરિયાનાં મોજાંને ક્યાંય સુધી જોયા કરવાં, કશું જ કર્યા વગર કોઈ બગીચામાં બેસવું અને આસપાસનું જગત નિહાળવું. ડાળી પર બેઠેલાં પક્ષીઓ કે આંગણામાં આવતી ચકલીઓ, આકાશમાં પથરાયેલા સંધ્યાના રંગો, આપણને ‘હાય’ કહીને પસાર થઈ જતાં ગતિશીલ વાદળો, અટેન્શનની ઝંખના વગર રોજ રાતે લગમગતા આકાશના તારા, તાળીઓની અપેક્ષા વગર ખીલી ઊઠેલાં ફૂલો અને અનંત બ્રહ્માંડમાં ફેલાયેલા કુદરતના આવા કેટલાય ચમત્કારો, જે ક્યારેય પણ બળજબરીથી આપણું અટેન્શન પકડી નથી રાખતા એ બધું જ સૉફ્ટ ફૅસિનેશન છે જે મનને એક ખીંટીએ બાંધી રાખવાને બદલે મુક્ત રીતે વિહરવા દે છે.
આ ‘અટેન્શન સીકિંગ’ વિશ્વમાં આપણને યુદ્ધના ધોરણે કોઈ એવી જગ્યાની જરૂરિયાત હોય છે જ્યાં પહોંચ્યા પછી આપણું મન પોતાની મરજીનું માલિક હોય. એવી કોઈ જગ્યા જ્યાં કોઈ ચોક્કસ પ્રવૃત્તિ પર ફોકસ કરવાની એને ફરજ ન પાડવામાં આવે.
એને ‘મન’ ફાવે ત્યાં ફરે, એને જે ગમે એ કરે. એ ધારે તો કલ્પનાઓના વિશ્વમાં ખોવાઈ જાય અથવા કોઈ પ્રિયજનના વિચારોમાં લટાર મારી આવે. કોઈ રોમૅન્ટિક ફૅન્ટસીમાં સરી પડે અથવા ઉજ્જવળ ભવિષ્યનું દિવાસ્વપ્ન જુએ. વિચારવા માટે એને મનગમતો વિષય પસંદ કરવાની છૂટ. કોઈ મનને રોકે નહીં, કોઈ એને ટોકે નહીં. કોઈ નોટિફિકેશન કે રિંગટોન એનો હાથ ખેંચીને બોલાવે નહીં. કોઈ સ્ક્રીન એના પગમાં બેડીઓ ન પહેરાવે. વિચારો, કલ્પનો, દિવાસ્વપ્નો કે પછી સામે રહેલી કુદરતને માણવા માટે મન સંપૂર્ણપણે આઝાદ હોય. એને કોઈ પણ પ્રવૃત્તિ પર સ્થિર થવાની ફરજ પાડવાની નહીં. એને ઊડવું હોય એટલું ઊડી લે.
મન નામનું પંખી તો જ ઊડી શકે છે જો અટેન્શનનું પાંજરું ખોલવામાં આવે. જ્યાં અટેન્શન ટકાવી રાખવાનું ટેન્શન ન હોય એનું નામ સૉફ્ટ ફૅસિનેશન. સમયાંતરે એનો સહારો લેવાનો એકમાત્ર ઉદ્દેશ આપણી એકાગ્રતા વધારવાનો છે. આ પ્રક્રિયાને ‘અટેન્શન રીસ્ટોરેશન થેરપી’ કહેવાય છે. જ્યારે થોડા સમય માટે આપણે મનને સંપૂર્ણપણે મુક્ત કરી દઈએ છીએ ત્યારે ‘ડે-આઉટ’ કરીને ઘરે પાછું આવેલું મન નવસર્જિત ઊર્જા અને એકાગ્રતા સાથે પોતાના રૂટીન કામ પર લાગી જાય છે. ‘અટેન્શન’ની ઑફિસમાં ઓવરટાઇમ કરીને થાકી ગયેલા મનને એક રવિવાર તો મળવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2025 02:27 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK