વડીલોને ડિસેમ્બરમાં ફરી વાજતેગાજતે, ધમાલ-મસ્તી અને રીતરિવાજ સાથે પરિવારજનોએ પરણાવ્યાં એની તસવીરો સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થઈ છે.
કંસાર ખવડાવીને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી મનાવતું ન્યુલી મૅરિડ કપલ.
હર્ષદ શાહ અને મૃદુલા દવેને જ્ઞાતિભેદને કારણે ૧૯૬૧માં પરિવારથી વિરુદ્ધ જઈને, સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં. આ વડીલોને ડિસેમ્બરમાં ફરી વાજતેગાજતે, ધમાલ-મસ્તી અને રીતરિવાજ સાથે પરિવારજનોએ પરણાવ્યાં એની તસવીરો સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થઈ છે. આવો આ અનોખા વિવાહને માણીએ
અમદાવાદમાં એક લગ્નસમારોહમાં ગુજરાતી ગીત વાગ્યું : ‘સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો...’
ADVERTISEMENT
આ ગીત વાગ્યું એની સાથે લગ્નમંડપમાં ૮૬ વર્ષની કોડભરી કન્યાએ એન્ટ્રી કરી અને જાન લઈને લગ્ન કરવા આવેલા ૮૯ વર્ષના વરરાજા મલકાઈ ઊઠ્યા અને કન્યાને જોતા રહ્યા. કન્યા પણ તેમને જોઈને ખુશ થઈ ગઈ. ઍક્ચ્યુઅલી, કોડભરી કન્યાની સ્પેશ્યલ ડિમાન્ડ પર તેમની પૌત્રીએ લગ્નમંડપમાં કન્યા આવી ત્યારે આ ગીત વગાડ્યું હતું. આ ગીત વાગ્યું ત્યારે કોડભરી કન્યા એવાં દાદી સાથે તેમનાં પૌત્રો અને પૌત્રીઓ પણ ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં.
ઓરિજિનલ લગ્નપ્રસંગે હર્ષદ શાહ અને મૃદુલા દવે.
વાત જાણે એમ છે કે અમદાવાદમાં ડિસેમ્બર ૨૦૨૪માં આ લગ્ન થયાં હતાં જે સોશ્યલ મીડિયામાં હમણાં વાઇરલ થયાં છે. અમદાવાદમાં રહેતાં ૮૬ વર્ષનાં મૃદુલા શાહ અને ૮૯ વર્ષના હર્ષદ શાહનાં ભાણિયા, ભાણેજ વહુ અને દીકરા-દીકરીએ ૬૩ વર્ષ પછી ધામધૂમથી આ રીમૅરેજ કરાવ્યાં હતાં. મેંદીથી લઈને કન્યાવિદાય સુધીની તમામ વિધિ વાજતેગાજતે કરાવીને બન્ને સાઇડની ફૅમિલીએ દાદા-દાદીને સ્પેશ્યલ ફીલ કરાવ્યું હતું. સૌથી વધુ ખુશી તો એ વાતની હતી કે દાદા-દાદીનાં આ રીમૅરેજને પરિવારની ચાર પેઢી સહિત યંગ જનરેશને ખૂબ માણ્યાં હતાં અને ખુશીઓ વહેંચી હતી.
માસી અને માસાનાં લગ્ન કરાવવા બેઠેલા દર્શન જાની.
દાદા-દાદી આ ડિઝર્વ કરતાં હતાં
દાદા-દાદીનાં લગ્નમાં પોતે પણ હાજર રહીને ખૂબ એન્જૉય કર્યું એની વાત કરતાં હર્ષદ શાહના મોટા દીકરાની દીકરી એટલે કે પૌત્રી અનેરી શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘દાદા-દાદીનાં લગ્ન અમે પહેલી વાર જોયાં. અમે બહુ જ લકી ફીલ કરીએ છીએ કે દાદા-દાદીનાં ફરી લગ્ન થયાં એમાં અમે ૬ ગ્રૅન્ડચિલ્ડ્રન અને ૩ ગ્રેટ-ગ્રૅન્ડચિલ્ડ્રન પણ હાજર હતાં. અમે બહુ જ ખુશી અનુભવીએ છીએ. આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. આવો પહેલો એક્સ્પીરિયન્સ થયો અને એ પણ મારાં દાદા-દાદીનાં લગ્નનો. હું માનું છું કે મારાં દાદા-દાદી આ ડિઝર્વ કરતાં હતાં. વધુ ખુશી એ વાતની હતી કે તેમને જે મળ્યું નહોતું એ તેમને મળ્યું. દાદા-દાદીના બે દીકરા અને એક દીકરીના પરિવાર સાથે ચોથી જનરેશન આ રીમૅરેજમાં હાજર હતી. મારા બે કઝિન અમેરિકાના શિકાગો અને કૅલિફૉર્નિયાથી આવ્યા હતા. ફૅમિલીના એક પણ સભ્યે આ મૅરેજ મિસ નથી કર્યાં.’
મેંદી મુકાવતાં મૃદુલાબા.
બાળકોએ મીઠી મસ્તી કરી
લગ્ન હોય એટલે સંગીતપાર્ટી અને જાન લઈને જવાનું હોય એટલે નાચગાન તો થવાનાં જ. જાનૈયાઓ કન્યાપક્ષવાળા પાસે જાત-જાતની ડિમાન્ડ કરે એમ અહીં પણ બાળકોએ દાદા-દાદીનાં લગ્નમાં આવી જ ધીંગામસ્તી કરી અને સૌ ખૂબ મહાલ્યા એ વિશે અનેરી શાહ કહે છે, ‘લગ્નમાં અમે ખૂબ ગરબા ગાયા. દાદા-દાદીનાં લગ્નમાં જે બાકી રહી ગયું હતું એ બધું જ અમે સાથે મળીને આ લગ્નમાં કર્યું અને દાદા-દાદીને બ્રાઇડ અને ગ્રૂમની ફીલિંગ આવી. ઍક્ચ્યુઅલી, દાદા-દાદીએ એ સમયે લગ્ન કર્યાં ત્યારે ફૅમિલીના કોઈ સભ્યો સાથે નહોતા, પણ રીમૅરેજમાં તો ચોથી પેઢી સુધીની આખી ફૅમિલી સાથે હતી અને બધાએ બહુ જ મજા કરી. મૅરેજના આગલા દિવસે મેંદી અને સંગીત રાખ્યું હતું. અમે છોકરાઓએ દાદા-દાદી માટે તેમનાં મેરૅજથી લઈને તેમની સ્ટ્રગલ સહિત લાઇફની જર્ની પર પ્રેઝન્ટેશન કર્યું હતું. અમે બધા છોકરાઓ દાદાની જાન લઈને ગયા હતા. માંડવે પહોંચીને અમારી ડિમાન્ડ શરૂ થઈ ગઈ હતી કે અમારે તો દાદી જોઈએ, શેરડીનો રસ આપો, આઇસક્રીમ ખાવો છે. આવીબધી ડિમાન્ડ કરીને મજાકમસ્તી સાથે તોફાન કર્યું હતું. અત્યારે લગ્નમાં થાય છે એવી ધમાલમસ્તી પણ કરી હતી.’
દાદા અને દાદીના લગ્નપ્રસંગે ચાર પેઢીના સભ્યો.
દેશ-પરદેશમાં ડંકો
જેમનાં ફરી લગ્ન થયાં એ મૃદુલાબાને કેવી અનુભૂતિ થઈ એ વિશે વાત કરતાં તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘મને ૮૬મું વર્ષ રનિંગ છે અને દાદાને ૮૯મું વર્ષ ચાલે છે. અમારાં ફરી લગ્ન કરાવ્યાં એનો એટલો બધો આનંદ થયો છે કે એને શબ્દમાં વર્ણવી શકતી નથી. લૉટ્સ ઑફ લવ આ ઉંમરે અમને આપ્યો છે. મારા ભાણા દર્શન અને તેની પત્ની સ્તુતિના મનમાં અમારાં ફરી લગ્ન કરાવવાનો વિચાર આવ્યો અને એને મારાં દીકરા-દીકરી સમક્ષ રજૂ કરતાં તેમણે પણ એને સ્વીકારી લીધો હતો. મારાં દીકરા, દીકરી અને ભાણો તેમ જ ભાણાની પત્નીએ આ ઇવેન્ટને દીપાવી દીધી. અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે આ પ્રસંગે અમે ચાર પેઢીને જોઈ શક્યાં. અમારાં લગ્નમાં મારા સંતાનોનાં સંતાનો અને તેમનાં સંતાનો ખુશીથી નાચતાં હોય અને અમારાં લગ્ન માણે એવું તો ક્યારેય વિચાર્યું નહોતું, પણ આ રિયલિટી જોઈ. હું ખુશનસીબ છું કે આ ચાર પેઢીએ નાચો-ઝૂમો કરીને આખો પ્રસંગ કરીને દેશ-પરદેશમાં ડંકો વગાડી દીધો.’
મહેમાનોને પ્રેમથી જમાડી રહેલાં મૃદુલાબા.
સાંવરિયો ગીત જ કેમ વાગ્યું?
આજકાલનાં લગ્નોમાં કન્યા ચોરીમાં આવે ત્યારે ગીત વાગે છે અને કન્યાની એન્ટ્રી થાય છે એવું અહીં પણ થયું અને ગુજરાતી ગીત વાગ્યું એ વિશે મૃદુલાબા કહે છે, ‘સાંવરિયો રે મારો સાંવરિયો ગીત એટલા માટે મારી એન્ટ્રી પર વગાડ્યું કેમ કે મારા મિસ્ટર પહેલેથી જ એવા છે કે હું ડિમાન્ડ કરું તો એટલું બધું આપી દે કે વાત ન પૂછો. એટલે મારે સાંવરિયો ગીત જ વગાડવું હતું. આ ગીત મને બહુ ગમે છે અને મારા મિસ્ટરને સેટ થાય એવું છે. આ ગીત મેં ગાયું પણ હતું.’
‘સાંવરિયો...’ ગીત વાગ્યું અને મૃદુલાબાની ચોરીમાં પધરામણી થઈ.
ડાન્સિંગ દાદીએ હાર પહેરાવ્યો
માંડવે જાન આવે ત્યારે વરવધૂ એકબીજાને વરમાળા પહેરાવે છે અને એમાં પણ થોડી મસ્તી થાય છે એમ અહીં પણ થયું. આ ઉપરાંત ધામધૂમથી થયેલાં આ લગ્નમાં એક-એક વિધિ પર બારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું હતું એ વિશે વાત કરતાં મૃદુલાબા કહે છે, ‘આ ઉંમરે એ જ વ્યક્તિ સાથે ફરી ફેરા ફર્યા અને લગ્નની બધી વિધિ કરી હતી. માંડવે જાન આવી ત્યારે હું નાચતી-નાચતી દાદાને હાર પહેરાવવા ગઈ હતી. આ પહેલાં આગલા દિવસે મારી ગ્રૅન્ડડૉટરે મેંદી અને હલ્દીની રસમ કરાવી હતી. એમાં સૌ ગીતો ગાતા હતા અને ડાન્સ કરતા હતા. છોકરાઓએ અમારા જીવન વિશે એક પિક્ચર બનાવ્યું હતું એ બતાવ્યું. પિયર પક્ષે દર્શન હતો એટલે આગલા દિવસે રાતે આવીને તે મને તેના ઘરે લઈ ગયો. તેણે તેના ઘરે મારાં લગ્નને લઈને સુપર્બ ડેકોરેશન કર્યું હતું. લગ્નના દિવસે ગ્રહશાંતિ કરી હતી જેમાં ૨૪ કપલને બેસાડ્યાં હતાં. એને કારણે આખું વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું અને એક અલગ માહોલ ઊભો થયો હતો. માંડવો બંધાવ્યો, માણેકસ્તંભ રોપ્યો, માંડવે જાન આવી, એને પોંખી, દર્શનના પિતાએ મારો હાથ પકડીને માયરામાં બેસાડી, લગ્નવિધિ શરૂ થઈ અને ફેરા ફર્યા. મારાં ફોઈજીનો દીકરો અજિત મુંબઈથી આવ્યો હતો તેણે જવતલ હોમ્યા. અમે એકબીજાને કંસાર ખવડાવ્યો, જમણવાર યોજ્યો અને ગીતો સાથે કન્યા વિદાય થઈ. એક પણ વિધિ મિસ નથી કરી.’
દાદા-દાદીનાં લગ્નમાં ફૅમિલી મેમ્બર્સ મન મૂકીને ઝૂમ્યા હતા.
તેરે ઘર કે સામને
આજે પણ ઘણાં પ્રેમલગ્ન એવાં જોવા મળે છે જેમાં યુવતી કે યુવકના ઘરવાળા રાજી ન હોય ત્યારે ૧૯૬૧માં તો પ્રેમલગ્ન વિશે વિચારવું એ કેવી વાત હશે એની કલ્પના કરવી જ રહી. એમ છતાં દાદા-દાદી વચ્ચે એ જમાનામાં પ્રેમ પાંગર્યો હતો એ વિશે હળવા મૂડમાં વાત કરતાં મૃદુલાબા કહે છે, ‘અમે પહેલાં ધના સુથારની પોળમાં રહેતાં હતાં અને ‘તે’ તેરે ઘર કે સામને એટલે કે મારા ઘરની સામે જ રહેતા હતા. અમારા બન્નેના ઘર વચ્ચે માંડ પચીસ ફુટનું ડિસ્ટન્સ પણ નહીં હોય. અમારી આંખો મળી અને અમે હિન્દુ વિધિથી આર્ય સમાજમાં મૅરેજ કર્યાં હતાં.’
૧૯૬૧માં શરદપૂર્ણિમાએ પ્રેમલગ્ન થયાં હતાં
૧૯૬૧નો એ જમાનો. અમદાવાદની ધના સુથારની પોળમાં રહેતા જૈન પરિવારના દીકરા હર્ષદ અને બ્રાહ્મણ પરિવારમાં રહેતી દીકરી મૃદુલાની આંખો મળી ગઈ, પણ ઘરના સભ્યોની મંજૂરી ન મળી એટલે નાછૂટકે ઘરેથી જતા રહીને પ્રેમલગ્ન કર્યાં અને એ માટે ખાસ દિવસની પસંદગી પણ કરાઈ એ વિશે વાત કરતાં દર્શન જાની કહે છે, ‘મારાં મૃદુલામાસી અને હર્ષદમાસા ધના સુથારની પોળમાં સામસામે રહેતાં હતાં. મારાં માસી દવે ફૅમિલીનાં હતાં, જ્યારે માસા શાહ પરિવારના હતા. તેમને એકબીજા પ્રત્યે ફીલિંગ્સ અને ઇમોશન્સ હતાં, પણ માસા જૈન પરિવારમાંથી આવતા હતા અને માસી બ્રાહ્મણ પરિવારનાં હતાં એટલે ઇન્ટરકાસ્ટને કારણે સીધી રીતે તેમનાં મૅરેજ શક્ય નહોતાં. માસાએ લૉનો અભ્યાસ કરી લીધો એ પછી તેમના પર છોકરીઓ જોવાનું પ્રેશર ચાલુ થયું ત્યારે માસા-માસીએ એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કરીને ઘરે વાત કરી, પણ ઘરેથી સપોર્ટ ન મળ્યો એટલે ૧૯૬૧ની ૨૩ ઑક્ટોબરે શરદપૂર્ણિમાના દિવસે આર્ય સમાજમાં લગ્ન કરી લીધાં. મારાં માસી લાઇફ ઇન્શ્યૉરન્સ કંપનીમાં જૉબ કરતાં હતાં. માસા ઍડ્વોકેટ તરીકે પ્રૅક્ટિસ કરતા હતા અને આજે પણ તેઓ પ્રૅક્ટિસ કરે છે. આ પ્રેમલગ્ન થવાથી મારાં નાના-નાની શૉક્ડ થઈ ગયાં અને પોળમાંથી બીજે શિફ્ટ થઈ ગયાં. બીજી તરફ ત્રણ-ચાર મહિના પછી માસાનાં મમ્મીએ તેમને સ્વીકારી લીધાં એટલે માસા અને માસી તેમના ઘરે પોળમાં રહેવા આવ્યાં. જોકે અંદાજે ૬૩ વર્ષ પછી ૨૦૨૪ની ૨૧ ડિસેમ્બરે તેમનાં ફરી લગ્ન કરાવ્યાં. તેમનાં ફરી લગ્ન થયા બાદ થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયામાં તેમનાં રીમૅરેજ વાઇરલ થયાં છે. એક સમયે દુનિયાથી સંતાઈને તેમણે લગ્ન કરવાં પડ્યાં હતાં, પણ આજે હવે દુનિયાની સામે તેમનું પ્રેમપ્રકરણ આવ્યું છે.’
વાલોળનું શાક બન્યું અને માસા-માસીનાં રીમૅરેજનો વિચાર આવ્યો
દાદા-દાદીનાં ફરી મૅરેજ થયાં એની પાછળ વાલોળનું શાક કારણભૂત બન્યું હોવાનું કહી શકાય. મૃદુલાબાના ભાણિયા દર્શન જાની અને તેની પત્ની સ્તુતિ એક વાર માસા-માસીના ઘરે ગયાં ત્યારે વાલોળનું શાક બનાવ્યું હતું. એ શાકને લઈને વાત છેડાઈ અને વાત છેક રીમૅરેજના વિચાર સુધી પહોંચી એની રસપ્રદ વાત કરતાં દર્શન જાની ‘મિડ ડે’ને કહે છે, ‘ગયા વર્ષે માસા-માસીનાં લગ્નની ઍનિવર્સરી હતી એટલે હું અને સ્તુતિ તેમને વિશ કરવા ગયાં હતાં. આ સમયે જોગાનુજોગ માસીને ત્યાં વાલોળનું શાક બન્યું હતું. ઘરમાં વાતચીત ચાલતી હતી એ સમયે વાત-વાતમાં માસીએ કહ્યું કે હું જ્યારે પહેલી વાર મારા સાસરે ગઈ ત્યારે મારાં સાસુએ વાલોળનું શાક બનાવ્યું હતું, મારાં સાસુએ મને આવકારી હતી; જોકે મારાં લગ્ન થયાં ત્યારે પહેરેલાં કપડે ઘરેથી નીકળી ગઈ હતી અને અમારાં મૅરેજમાં બે મિત્ર સિવાય કોઈ નહોતું. માસી આ વાત કરતાં હતાં ત્યારે સ્તુતિને લાગ્યું કે માસીને દિલમાં ક્યાંક એવું રહી ગયું છે કે તેમનાં લગ્ન પ્રૉપર થયાં નથી. એ સમયે ફૅમિલીનું અપ્રૂવલ ન મળ્યું અને સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં. એટલે તેણે મને આ વાત કરી કે આપણે માસા-માસીનાં ફરી લગ્ન કરાવીએ તો. ઍક્ચ્યુઅલી, માસા-માસીનાં લવમૅરેજ પછી બે ફૅમિલી વચ્ચે બોલવાનો વ્યવહાર નહોતો, પણ માસા-માસીના દીકરાની દીકરીએ અઠ્ઠાઈ કરી એનાં પારણાં સમયે માસાએ મારાં પપ્પા-મમ્મીને ફોન કરીને ઇન્વાઇટ કર્યાં હતાં. ત્યારે મારી ફૅમિલીએ નક્કી કર્યું કે આપણે તેમના ઘરે જઈશું, ભલે ૧૯૬૧માં જે બન્યું પણ અત્યારે ૨૦૦૭-’૦૮માં આપણે છીએ એટલે આપણે તેમના ઘરે જઈશું. આમ વિચારીને અમારી ફૅમિલી માસા-માસીના ઘરે વર્ષો બાદ ગઈ હતી. હવે બન્ને ફૅમિલી વચ્ચે સુમેળભર્યા સંબંધો છે એટલે અમને લાગ્યું કે બધા ભેગા થયા છીએ તો શું કામ માસા-માસીનાં ફરી લગ્ન ન કરાવીએ. માસીને પણ આ આઇડિયા ગમ્યો. અમે માસાને તેમ જ તેમનાં દીકરા-દીકરીને આ વાત કરી અને તેઓ પણ આ વાત સાથે કન્વિન્સ થયાં અને પછી તો બે મહિનામાં લગ્નની ડેટ નક્કી કરી દીધી.’
મૃદુલાબા અને હર્ષદદાદાનાં પ્રૉપર રીતે રીમૅરેજ કરાવવા આયોજન હાથ ધરાયું એની વાત કરતાં દર્શન જાની કહે છે, ‘માસા-માસીનાં ફરી લગ્ન પ્રૉપર રીતે થાય એ માટે અમે સૌએ સાથે મળીને કંકુથાપા નામની કંપનીને આ લગ્નની ઇવેન્ટનું કામ સોંપ્યું હતું. અમે દીકરીવાળા હોવાથી માસીને અમારા ઘરે લઈ ગયા હતા અને અમદાવાદના શેલામાં મારા ઘરના આંગણે માસી-માસાનાં ફરી લગ્ન કરાવ્યાં હતાં. મેંદીથી લઈને કન્યાવિદાય સાથે પ્રૉપર રીતે ૧૯૬૦નું એન્વાયર્નમેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરીને લગ્નસમારોહ યોજ્યો હતો. આ લગ્નમાં માસા ૧૨૫ સ્વજનો અને સ્નેહીજનો સાથે જાન લઈને આવ્યા હતા. માંડવા પક્ષ સહિત બધા મળીને ૨૦૦ જેટલા સ્વજનો અને સ્નેહીજનોએ આ લગ્નસમારોહને માણ્યો હતો. આ લગ્નને અમે મહાયજ્ઞ તરીકે લઈને માસી-માસાનું ઋણ ચૂકવ્યું હતું.’

