કેરલામાં છેલ્લા પચાસ દિવસથી આશા વર્કરો પગારવધારા ઉપરાંત નિવૃત્તિ બાદ વિવિધ લાભ મળે અને તેમને સ્વાસ્થ્ય-કર્મચારી તરીકે માન્યતા મળે એવી માગણી સાથે હડતાળ પર ઊતરી ગયાં છે.
આશા વર્કરોની હડતાળ
કેરલામાં છેલ્લા પચાસ દિવસથી આશા વર્કરો પગારવધારા ઉપરાંત નિવૃત્તિ બાદ વિવિધ લાભ મળે અને તેમને સ્વાસ્થ્ય-કર્મચારી તરીકે માન્યતા મળે એવી માગણી સાથે હડતાળ પર ઊતરી ગયાં છે. ઘણી આશા વર્કરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ કરી છે અને સોમવારે અનેક મહિલા આશા વર્કરોએ તેમના માથાના વાળ કાપી નાખ્યા હતા, જ્યારે અનેક મહિલાઓએ માથું જ મુંડાવી દીધું હતું અને મુંડાવેલા વાળ હાથમાં લઈને તિરુવનંતપુરમના મહાત્મા ગાંધી રોડ પર મોરચો કાઢ્યો હતો.
કોણ છે આશા વર્કર?
ઍક્રિડિટેડ સોશ્યલ હેલ્થ ઍક્ટિવિસ્ટ (ASHA-આશા) વર્કરોને દેશમાં જાહેર આરોગ્ય સેવાની કરોડરજ્જુ માનવામાં આવે છે. ૨૦૦૫માં નૅશનલ રૂરલ હેલ્થ મિશન (NRHM) હેઠળ આશા વર્કરોની નિમણૂક કરવામાં આવી હતી જેથી વંચિત સમુદાયોને પણ આવશ્યક આરોગ્યસેવા પૂરી પાડી શકાય. તેમનું કામ આરોગ્ય અને સમાજમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનું છે.
૧૦૦૦ લોકોદીઠ એક આશા
સરકારે દર ૧૦૦૦ માણસની વસ્તીએ એક આશા વર્કર આપવાની જાહેરાત કરી હતી અને જૂન ૨૦૨૨માં ભારતમાં ૧૦.૫ લાખ આશા વર્કરો હતી અને એ દુનિયાનું સૌથી મોટું વૉલન્ટિયર વર્કફોર્સ છે.
ગયા અઠવાડિયાથી ભૂખહડતાળ
આશા વર્કરોના એક જૂથે કેરલાના સચિવાલયની સામે વિરોધસ્થળે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરી છે. તેઓ માગણી કરી રહ્યાં છે કે નિવૃત્તિ બાદ તેમને લાભ આપવામાં આવે, તેમના માનદ વેતનમાં વધારો થાય અને વર્કર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવે.
માથું મુંડાવીને મહિલાએ શું કહ્યું?
એક આશા વર્કરે માથું મુંડાવી દીધું હતું અને પછી આક્રોશના સ્વરમાં જણાવ્યું હતું કે ‘વાળ અમારા સૌંદર્યનો ભાગ છે અને એ અમારું જીવન છે, પણ આજે એ મેં કપાવી નાખ્યા છે. અમારો વિરોધ એવા પ્રધાનો સામે છે જેઓ અમારી પીડા અને સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આજના મોંઘવારીના દિવસોમાં માત્ર ૨૩૨ રૂપિયામાં કેવી રીતે જીવી શકાય? જો સરકાર અમારી વિનંતીઓને અવગણવાનું ચાલુ રાખશે તો અમે અમારા જીવનના ભોગે પણ પાછાં નહીં હટીએ.’
વાળ મુંડાવ્યા બાદ વિરોધ-પ્રદર્શન
મહિલા આશા વર્કરોએ માથાના વાળ મુંડાવી દીધા બાદ વ્યસ્ત એવા મહાત્મા ગાંધી રોડ પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને કૂચ કરી હતી. આ સમયે તેમના હાથમાં તેમના મુંડાવી નાખેલા વાળ પણ હતા. આ પ્રકારના વિરોધ-પ્રદર્શન અને કૂચ કેરલાનાં બીજાં શહેરો અલાપુઝા અને અંગમાલીમાં પણ નોંધાયાં હતાં. આ વિસ્તારમાં મહિલા આશા વર્કરોને સાથ આપવા અને એકતા દર્શાવવા માટે ઘણા પુરુષ આશા વર્કરોએ પણ માથાં મુંડાવી નખ્યાં હતાં.
રાજ્ય અને કેન્દ્ર સરકારનું એકબીજા પર દોષારોપણ
આશા વર્કરોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવો શક્ય નથી એવું જણાવીને કેરલાની ડાબેરી પક્ષની સરકારે આ માગણીઓ પૂરી કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમને આશા સહિતના વિવિધ કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ માટે ૨૦૨૩-’૨૪ની કોઈ ગ્રાન્ટ મળી નથી.
જોકે કેન્દ્ર સરકારે આ દાવાઓનો વિરોધ નોંધાવીને કહ્યું હતું કે ‘અમારે જે રકમની ચુકવણી કરવાની હતી એ કરી દીધી છે, પણ રાજ્ય સરકારે આ નાણાં ક્યાં વપરાયાં છે એની જાણકારી આપી નથી. આ બાબતે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા આવી જશે પછી આશા વર્કરો અને બાકીની જે જરૂરી રકમ છે એ આપવામાં આવશે.’
આ મુદ્દે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ સંસદમાં જણાવ્યું હતું કે ‘આશા કાર્યકરો માટે ઇન્સેન્ટિવમાં વધારો કરવા NHM મિશન સ્ટિયરિંગ ગ્રુપે મંજૂરી આપી છે, જોકે એ ક્યારથી અમલી બનશે એની કોઈ સ્પષ્ટ સમયરેખા આપવામાં આવી નથી.’
મુખ્ય માગણીઓ શું છે?
૬૨ વર્ષની ઉંમરે નિવૃત્તિ : દાયકાઓથી કામ કરતી આશા વર્કરોને ૬૨ વર્ષની ઉંમરે કોઈ પણ નિવૃત્તિ-લાભ વિના બળજબરીથી રિટાયર કરી દેવાનો આદેશ પાછો ખેંચો. નિવૃત્તિ-લાભઃ પશ્ચિમ બંગાળની જેમ કેરલામાં પણ આશા વર્કરોને રિટાયરમેન્ટ વખતે એકસાથે પાંચ લાખ રૂપિયા નિવૃત્તિ-લાભ તરીકે ચૂકવવામાં આવે. સ્થાયી કર્મચારીનો દરજ્જોઃ ૧૬ વર્ષની સેવા બાદ આશા વર્કરોને કાયમી આરોગ્ય વિભાગના કર્મચારીનો દરજ્જો આપો. અઠવાડિયે રજાઃ કામનો બોજો ઓછો કરો અને રવિવારે રજા આપો.

