આ બન્ને વિશે વધુ વાત કરતાં પહેલાં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા (GIP) અને બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (BBCI) રેલવેલાઇન પર બંધાયેલા બ્રિજ વચ્ચેના તફાવતો વિશે થોડી વાત
કેનેડી બ્રિજ – પહેલાં અને અત્યારે
મુંબઈની બે પ્રખ્યાત જગ્યા સાથે ‘કેનેડી’ નામ જોડાયેલું છે; પણ ના જી ના, મુંબઈનાં એ બન્ને સ્થળોને અમેરિકાના પ્રેસિડન્ટ જૉન એફ. કેનેડી સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી. આ બન્ને જગ્યા સાથે ‘કેનેડી’ નામ જોડવામાં આવ્યું ત્યારે પ્રેસિડન્ટ કેનેડી (૧૯૧૭-૧૯૬૩)નો તો જન્મ પણ થયો નહોતો. એ બે જગ્યા એ BBCI (આજની વેસ્ટર્ન) રેલવેની લાઇન પર બંધાયેલો પહેલવહેલો બ્રિજ નામે કેનેડી બ્રિજ અને બીજી જગ્યા એ ચોપાટી પછીનો પાળ બાંધેલો દરિયાકિનારો, કેનેડી સી-ફેસ.
આ બન્ને વિશે વધુ વાત કરતાં પહેલાં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા (GIP) અને બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (BBCI) રેલવેલાઇન પર બંધાયેલા બ્રિજ વચ્ચેના તફાવતો વિશે થોડી વાત. બોરીબંદર સ્ટેશનથી ઉત્તરમાં આગળ વધો તો એક જમાનામાં ઘણાં નાનાં-મોટાં બંદર આવે. આ બધાં બંદરોનો દેશ તેમ જ દેશાવરો સાથે વેપાર. આજે પણ મુંબઈનાં બધાં ડૉક, નેવલ એસ્ટૅબ્લિશમેન્ટ પૂર્વ કિનારે જ આવેલાં છે કારણ કે હકીકતમાં આ કિનારો થાણેની ખાડીનો ભાગ છે અને અહીંના કિનારાની રચના જ કુદરતી ડૉક જેવી છે. આજે પણ મુંબઈના ડૉકની ગણના દુનિયાના ઉત્તમ કુદરતી ડૉકમાં થાય છે, જ્યારે પશ્ચિમ કિનારો તો સીધો અરબી સમુદ્રનો કિનારો છે. એ બાજુ ડૉક બાંધવાનું અશક્ય નહીં તોય ઘણું મુશ્કેલ.
ADVERTISEMENT
૧૮૫૩માં બોરીબંદરથી થાણે સુધીની પહેલવહેલી લોકલ લાઇન શરૂ થઈ ત્યારે બંદરો રેલવેલાઇનની પશ્ચિમના મુંબઈથી અલગ પડી ગયાં, કારણ વચમાં રેલવેલાઇન આવી ગઈ. એ વખતે માલસામાનની હેરફેર થાય બળદગાડાં દ્વારા. શરૂઆતમાં તો લેવલ ક્રૉસિંગ (ફાટક)થી ગાડું ગબડ્યું, પણ પછી જેમ-જેમ બે ટ્રેન વચ્ચેનો સમયગાળો ઘટતો ગયો એમ-એમ મુશ્કેલી વધવા લાગી કારણ કે માલ ભરેલાં ગાડાંઓએ લાંબા વખત સુધી ફાટક ખૂલે એની રાહ જોવી પડે. આ મુશ્કેલી દૂર કરવા માટે GIP રેલવેની લાઇન પર ઘણી જગ્યાએ પુલ બંધાયા.
BBCIની ટ્રેન શરૂ થઈ ત્યારે સૌથી પહેલું ટર્મિનસ હતું ગ્રાન્ટ રોડ. એ પછી ચર્ની રોડ, મરીન લાઇન્સ અને ચર્ચગેટ સ્ટેશન બંધાયાં. જૂના ફોટો અને નકશા જોઈએ તો જણાય કે ગ્રાન્ટ રોડ પછીનાં ત્રણે સ્ટેશન લગભગ દરિયાકિનારે બંધાયાં હતાં. આજના મરીન ડ્રાઇવનું તો અસ્તિત્વ જ એ વખતે નહોતું. અને બીજું, આ બાજુના કિનારા પર બંદરો નહોતાં એટલે માલસામાનની હેરફેર ભાગ્યે જ થતી. તેથી શરૂઆતનાં કેટલાંક વરસ લેવલ ક્રૉસિંગથી કામ ચાલ્યું ગયું. રાહદારીઓ અને ગાડાં કે ઘોડાગાડી થોડી વધુ વાર રાહ જુએ તો એ જમાનામાં કંઈ આભ ફાટી ન પડે.
આવું એક ફાટક ચર્ની રોડ સ્ટેશનથી ઉત્તર દિશામાં થોડે દૂર આવેલું હતું એ આ લખનારે નજરોનજર જોયું છે એટલું જ નહીં, એ ફાટકમાંથી પસાર થઈને દરિયાકિનારે જવાનું અનેક વાર થયું છે. પછી એ ફાટક બંધ થયું અને એની જગ્યાએ રાહદારીઓ માટે ફુટ ઓવર બ્રિજ (FOB) બંધાયો જે ‘અંબાલાલ પટેલ બ્રિજ’ તરીકે ઓળખાતો. બીજા ઘણા બ્રિજ કરતાં આ બ્રિજ કેટલીક રીતે જુદો પડતો હતો. એ બાંધવા માટેનું ડોનેશન એક ખાનગી કંપનીએ આપ્યું હતું. બ્રિજનો રસ્તા ઉપરનો ભાગ મુંબઈની મ્યુનિસિપાલિટીએ બાંધ્યો હતો, પણ એ એવી રીતે કે એનો એક છેડો વેસ્ટર્ન રેલવેના FOB સાથે જોડાઈ જાય. એટલે એનો ઉપયોગ બે રીતે થઈ શકતો. એક, રેલવેલાઇન ઓળંગીને પૂર્વ તરફથી પશ્ચિમના દરિયાકાંઠે આવવા માટે અને બીજું, ટ્રેનમાંથી ઊતરેલા મુસાફરો રસ્તો ક્રૉસ કર્યા વગર છેક દરિયાકિનારા સુધી પહોંચી શકે એ માટે. બ્રિજ એવી રીતે બાંધેલો કે એના એક છેડાથી બીજા છેડા સુધી રાહદારીઓ અને ટ્રેનના પ્રવાસીઓની આવ-જા એકબીજાથી અલગ રહે. ૧૯૫૩માં બંધાયેલો આ પટેલ બ્રિજ વખત જતાં ઠેર-ઠેરથી કટાઈ ગયો, ખવાઈ ગયો એટલે ૨૦૨૩માં એને તોડી પાડવામાં આવ્યો. જોકે એ પહેલાં જાહેરાત એજન્સીઓ માટે આ પુલ સોનાનાં ઈંડાં આપતી મરઘી જેવો બની રહ્યો હતો, કારણ કે સવાર-સાંજ આ પુલ નીચેથી હજારો વાહનો પસાર થાય એટલે લાખો લોકો એના પરની જાહેરખબર જુએ એમ મનાતું. છેક ૨૦૦૬માં પણ આ બ્રિજ પર ૧૦ દિવસ માટે જાહેરખબર મૂકવાનું ભાડું હતું ૨૦ લાખથી ૨૪ લાખ રૂપિયા! એ જમાનામાં જાહેરખબર માટે આટલું ભાડું આખા દક્ષિણ-પૂર્વ એશિયામાં બીજે ક્યાંય લેવાતું નહોતું.
મુંબઈના પૂર્વ કાંઠે બંદરો આવેલાં હતાં એટલે એ બાજુ દરિયો પૂરીને જમીન મેળવવાની શક્યતા ઓછી. ૧૮૬૫માં મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ તોડી પડાયો એ પછી શહેર એટલું ઝડપથી વિકસતું ગયું કે જગ્યાની ઓછપ વર્તાવા લાગી. દરિયો પૂરીને જમીન મેળવવા માટે અનેક કંપનીઓ રાતોરાત ફૂટી નીકળી હતી. બીજી બાજુ એ જ વર્ષે અમેરિકન સિવિલ વૉર પૂરી થતાં કપાસના ભાવ ગગડ્યા, બૅન્કો ડૂબી, રેક્લેમેશન કંપનીઓ પાણીમાં ગઈ.
એટલે ઘણાં વરસ સુધી ક્વીન્સ રોડ (આજનો મહર્ષિ કર્વે રોડ) મુંબઈનો પશ્ચિમકાંઠો બની રહ્યો. સાંજ પડ્યે ગોરા અમલદારો (મોટા ભાગે પોતાની) પત્ની સાથે બે ઘોડાની ગાડીમાં ‘હવા ખાવા માટે’ ક્વીન્સ રોડ પર આવતા. બે પાંદડે સુખી હોય એવા ‘દેશીઓ’ પણ પોતાની બગીમાં બેસીને અહીં આવતા (મોટા ભાગે પત્નીને ઘરે મૂકીને). છેવટે છેક ૧૯૧૫માં પશ્ચિમ કિનારે દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું. એ વખતે એ વિસ્તાર ‘બૅક બે’ તરીકે ઓળખાતો. (યાદ છે, એક જમાનામાં આજના ચર્ચગેટ અને મરીન લાઇન્સ સ્ટેશન વચ્ચે બૅક બે નામનું એક સ્ટેશન હતું.) જોકે આ કિનારાને ‘બૅક બે’ એટલે કે ‘પાછલો કિનારો કેમ કહ્યો? બંદરોથી ભરેલો પૂર્વ કિનારો એ ‘ફ્રન્ટ બે’ અને એટલે આ ‘બૅક બે’. પશ્ચિમ કિનારે ૧૯૧૫માં શરૂ થયેલું દરિયો પૂરવાનું કામ ૧૯૨૦માં પૂરું થયું. આ નવા કિનારાને નામ અપાયું સર માઇકલ કેનેડી સી ફેસ. તેમનો જન્મ ૧૮૨૪માં, અવસાન ૧૮૯૮માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ‘બૉમ્બે એન્જિનિયર્સ’ વિભાગમાં ૧૮૪૧માં જોડાયા. ૧૮૬૧માં તેમને લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મળી અને ૧૮૬૩માં તેમની નિમણૂક બૉમ્બે ગવર્નમેન્ટના PWD ખાતાના સેક્રેટરી તરીકે થઈ. વખત જતાં તેઓ ‘સર સાહેબ’ પણ બન્યા અને ૧૮૮૦માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. આજના બિરલા ક્રીડા કેન્દ્ર પાસે એક સુશોભિત થાંભલો આજે પણ ઊભો છે. એના ઉપરના ભાગમાં લાઇટની વ્યવસ્થા છે અને નીચેના ભાગમાં મોટા અક્ષરે ‘કેનેડી સી-ફેસ’ નામ લખ્યું છે અને આ કિનારાની જમીન મેળવવાનું કામ ક્યારે શરૂ અને ક્યારે પૂરું થયું એની તારીખો કોતરી છે. જોકે આ નામ ક્યારેય લોકજીભે તો ચડ્યું જ નહીં. આ કિનારો મરીન ડ્રાઇવ અને ‘ક્વીન્સ નેકલેસ’ તરીકે જ આજે પણ ઓળખાય છે. જોકે આ રસ્તાનું સત્તાવાર નામ હવે નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડ છે.
સરખાં નામને કારણે ઘણા માને છે કે આ કેનેડી સી-ફેસ અને કેનેડી બ્રિજ બન્ને નામ એક જ વ્યક્તિ પરથી પડ્યાં છે; પણ ના, ઑપેરા હાઉસ વિસ્તારને નાના ચોક વિસ્તાર સાથે જોડતા કેનેડી બ્રિજનું નામ પડ્યું છે બીજા એક કેનેડી પરથી. કર્નલ જૉન પિટ કેનેડી BBCI રેલવેના સ્થાપકોમાંના એક હતા. વ્યવસાયે એન્જિનિયર. BBCI રેલવેની લાઇનો નાખવામાં, એમાં વચમાં આવતી નદીઓ પર પુલ બાંધવામાં, સ્ટેશનો બાંધવામાં તેમનો મોટો ફાળો. ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશનો વચ્ચે આ પુલ બાંધવામાં આવ્યો એનું મુખ્ય કારણ એ કે અગાઉ અહીં જે ફાટક હતું એ ઘણા રાહદારીઓનો ભોગ લેતું હતું. આ કેનેડી બ્રિજ ક્યારે બંધાયો એ અંગે ખાતરીપૂર્વક જાણવા મળતું નથી, પણ કેટલાકના મતે એ ૧૮૬૬માં બંધાયો હતો. જોકે એટલું તો નક્કી કે BBCI રેલવેના મુંબઈ વિભાગમાં આ પહેલવહેલો પુલ બંધાયો હતો અને એ બંધાયો હતો મુખ્યત્વે માલસામાનની હેરફેર માટે નહીં પણ લોકોની આવનજાવન માટે. એટલે જેમ-જેમ મુંબઈના વિસ્તારોમાં વસ્તી વધતી ગઈ એમ-એમ વેસ્ટર્ન રેલવેલાઇન પર નવા-નવા પુલ બંધાતા ગયા.
એક જમાનામાં મધ્યમ વર્ગનાં ઘણાંખરાં ઘરોમાં ફાટેલું કપડું સાંધીને કે થીગડું મારીને પણ પહેરવાનો રિવાજ હતો. આજે તો ફાટ્યું ન હોય પણ એક-બે ડાઘ પડ્યા હોય તોય એ કપડાને નાખો કચરામાં અને લઈ આવો નવું, મોંઘુંદાટ કપડું. એવી જ રીતે આજના મુંબઈમાં રીડેવલપમેન્ટ યુગ ચાલે છે. મકાન, રસ્તા, બ્રિજ જૂનાં થઈ ગયાં છે? રિપેર કરીને એનું આયુષ્ય વધારવાની વાત તો જુનવાણી થઈ ગઈ. તોડો, ફોડો અને એની જગ્યાએ નવું બાંધો. ૧૯૭૫ના અરસામાં અંધેરીનો ગોખલે બ્રિજ બંધાતો હતો એ આ લખનારે નજરોનજર જોયું છે. ૨૦૧૮માં તો આ બ્રિજનો થોડો ભાગ તૂટી પડ્યો! તપાસણી, મોજણી વગેરે કર્યા પછી ‘નિષ્ણાતોએ’ જાહેર કર્યું કે હવે આ પુલ કામનો રહ્યો નથી. તો? તોડો. તોડ્યો. નવો પુલ બાંધો. બાંધ્યો. ત્યારે એને બરફીવાલા બ્રિજ સાથે જોડવાની યોજના બનાવેલી. ગોખલે બ્રિજ બંધાઈ ગયા પછી ધ્યાનમાં આવ્યું કે આ બન્ને બ્રિજની ઊંચાઈમાં તો દોઢ-બે ફુટનો ફરક છે. એ બેને જોડવા કઈ રીતે? પછી જેમતેમ કરીને તોડ કાઢ્યો અને બન્ને બ્રિજ જોડાયા.
૧૮૬૬માં બંધાયેલો કેનેડી બ્રિજ જૂનો થઈ ગયો છે એ વાત ૧૯૭૦ની આસપાસ સમજાઈ ગઈ, પણ એટલે કાંઈ એ પુલને તોડી પડાય? એનું માળખું લોઢાના ગર્ડરનું બનેલું હતું અને એના પર બાંધકામ થયું હતું. એ જમાનામાં અસલ પુલને તોડ્યા વગર જૂના સડેલા ગર્ડર કાઢીને એની જગ્યાએ નવા ગર્ડર ફિટ કરવામાં આવ્યા. એના પરના ચણતરનું અને રસ્તાનું પણ સમારકામ કરવામાં આવ્યું. અને ૧૮૬૬માં બંધાયેલો કેનેડી બ્રિજ ગોખલે બ્રિજની જેમ તૂટી પડ્યો નથી, ટટ્ટાર ઊભો છે. બ્રિજના બન્ને છેડે ઘણું બદલાયું છે, પણ બ્રિજ બહુ ઓછો બદલાયો છે. આ કેનેડી બ્રિજ આવ્યો છે ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશન વચ્ચે.
હવે પછી કયું સ્ટેશન, કયો બ્રિજ? ૭ દિવસની રાહ જોવી પડશે તમારે, પ્રિય વાચક.
