કચ્છ યુવક સંઘ છેલ્લાં ૩૨ વર્ષથી કચ્છી નાટ્યોત્સવના માધ્યમથી કચ્છી ભાષા, સંસ્કૃતિ, મૂલ્યોનું જતન કરવાનું કામ કરી રહ્યો છે
‘ખટ મિઠ્યૂં લાગણીયૂં’ નાટક ભજવતા કલાકારો.
કચ્છ યુવક સંઘ છેલ્લાં ૩૨ વર્ષથી કચ્છી નાટ્યોત્સવના માધ્યમથી કચ્છી ભાષા, સંસ્કૃતિ, મૂલ્યોનું જતન કરવાનું કામ કરી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી નવ વર્ષ એટલે કે અષાઢી બીજ નિમિત્તે ૩૨મું કચ્છી નાટક ‘ખટ મિઠ્યૂં લાગણીયૂં’ રજૂ કરવામાં આવ્યું છે. કચ્છી બોલીને જીવંત રાખવા કચ્છ યુવક સંઘે અત્યાર સુધી આઠથી ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ખાસ વાત એ છે કે દર વર્ષે આ નાટક વિનામૂલ્ય દેખાડવામાં આવે છે
અંગ્રેજી માધ્મયમાં ભણતી નવી પેઢી તેમની માતૃભાષા કચ્છીને ભૂલી ન જાય એ ઉદ્દેશ સાથે કચ્છી નવ વર્ષ અષાઢી બીજની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી નાટકની રજૂઆત કરવામાં આવે છે. મુંબઈ, ગુજરાત તેમ જ દેશનાં બીજાં શહેરોમાં અને વિદેશોમાં રહેતા કચ્છી સમાજના લોકો સુધી આ નાટકને પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરાય છે. આ નાટક વિનામૂલ્ય દેખાડવામાં આવે છે. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ કચ્છી ભાષા, સંસ્કૃતિનાં બીજ કચ્છી સમાજની નવી પેઢીમાં રોપવાનો છે.
ADVERTISEMENT
વસંત મારુ
કચ્છી નાટ્યોત્સવ શું છે?
કચ્છ યુવક સંઘ અને એના દ્વારા કરવામાં આવતા નાટ્યોત્સવની માહિતી આપતાં નાટકોના દિગ્દર્શક અને લેખક વસંત મારુ કહે છે, ‘દર વર્ષે અમે કોઈ સામાજિક વિષય સાથે એક નવું કચ્છી નાટક લઈને આવીએ છીએ. કચ્છી સમાજના લોકો મુંબઈ અને ગુજરાત સિવાય પણ દેશનાં બીજાં શહેરો જેમ કે બૅન્ગલોર, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આવેલાં શહેરોમાં મોટી સંખ્યામાં રહે છે. એટલે આખા વર્ષ દરમિયાન આ બધી જ જગ્યાએ અમારા કચ્છી નાટકના ૫૦-૫૫ જેટલા શો થાય છે. મુંબઈની વાત કરીએ તો દરેક શોમાં ઍવરેજ ૮૦૦ પ્રેક્ષકો હોય અને ગામડાંઓમાં શો થાય ત્યારે તો વધારે પબ્લિક હોય. એ હિસાબે વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ લોકો આ કચ્છી નાટક માણે છે. આમાં અમારો એક હેતુ એવો પણ છે કે નાટક જોવાને બહાને બધી જ જ્ઞાતિના કચ્છીઓ ભેગા થાય અને તેમનું સ્નેહમિલન થાય, સામાજિક એકતા જળવાય એટલું જ નહીં; US, યુરોપના દેશોમાં રહેતા કચ્છીઓ માટે પણ તેમને અનુકૂળ પડે એ રીતે કચ્છ યુવક સંઘની યુટ્યુબ ચૅનલ પર વન ટાઇમ વિડિયો ટેલિકાસ્ટ કરીએ. ખાસ વાત એ છે કે અમારા નાટકના બધા જ શો ફ્રી હોય છે. એ માટે પ્રેક્ષકો પાસેથી ટિકિટના કોઈ પૈસા લેવામાં આવતા નથી. અમે ફ્રીમાં પાસ વહેંચીએ છીએ. એનો હેતુ પણ એટલો જ છે કે સામાન્ય નોકરિયાત પણ પરિવાર સાથે આ કચ્છી નાટકને માણી શકે. નવી પેઢીમાં કચ્છી બોલીને જીવંત રાખવા માટે છેલ્લાં ૩૨ વર્ષમાં કચ્છ યુવક સંઘ તરફથી આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોઈ સંસ્થા તરફથી ભાષા માટે થઈને આટલું મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું હોય એવું કદાચ બન્યું નહીં હોય. આ જ અમારું સૌથી મોટું જમા પાસું છે.’
‘ખટ મિઠ્યૂં લાગણીયૂં’ નાટકના કલાકારોની ટીમ.
શરૂઆત અને યોગદાન
કચ્છી નાટ્યોત્સવની શરૂઆત અને એના દ્વારા કઈ રીતે સમાજમાં પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે એ વિશે વાત કરતાં વસંત મારુ કહે છે, ‘કચ્છી ભાષાના પ્રસાર માટે આ રીતે કચ્છી નાટકો પ્રસ્તુત કરવાનો વિચાર મારો જ હતો. હું અગાઉ અંધેરીની ચિનાઈ કૉલેજમાં ગુજરાતીનો લેક્ચરર હતો. હું જોતો કે વિદ્યાર્થીઓ ગુજરાતી-કચ્છી પરિવારમાંથી આવતા હોવા છતાં તેમને તેમની માતૃભાષા બોલતાં આવડતી નહોતી. એ લોકો હિન્દી કાં તો અંગ્રેજીમાં જ વાતચીત કરે. એ વખતે ગુજરાતી ભાષા માટે તો ઘણા લોકો કામ કરતા, ગુજરાતીમાં ઘણાં નાટકો રજૂ થતાં; પણ કચ્છી નાટકો નહોતાં. એટલે ભાષાના પ્રચાર માટે મને કચ્છી નાટકો શરૂ કરવાનો વિચાર આવ્યો અને એમાં કચ્છ યુવક સંઘનો મને સહકાર મળ્યો. છેલ્લાં ૩૨ વર્ષમાં જેટલાં પણ નાટકો થયાં છે એને ડિરેક્ટ મેં કર્યાં છે, જ્યારે એનું રૂપાંતર ડૉ. વિશન નાગડા કરતા આવ્યા છે. અમારો ઉદ્દેશ નાટકો દ્વારા કચ્છી ભાષાની મીઠાશને જીવિત રાખવાનો, નવા યુવા કલાકારોને રંગભૂમિ માટે તૈયાર કરવાનો તેમ જ સમાજિક વિષયો પર નાટકના માધ્યમથી પ્રકાશ પાડવાનો છે. જેમ કે અગાઉ એવી માન્યતા હતી કે દેહદાન કરી દઈએ તો આત્મા ભટક્યા કરે એટલે અમે અમારાં નાટકોમાં દેહદાનના મહત્ત્વની વાતો આવરી લઈએ. ઘણી વાર આપણે જોતા હોઈએ કે માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી સંતાનો તેમની સેવા કરવામાં પાછીપાની કરતાં હોય, પણ તેમના મૃત્યુ પછી ભવ્ય રીતે પ્રાર્થનાસભાનું આયોજન કરતાં હોય છે. તો એવા મુદ્દાનો નાટકમાં સમાવેશ કરીને કટાક્ષ કરીએ. ઘણા યુવકો એવા હોય છે જેઓ ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી બનાવતા હોય છે પણ ૩૦-૩૫ વર્ષ સુધી લગ્ન કરતા નથી કારણ કે જીવનસાથીને લઈને તેમની અપેક્ષાઓ બહુ બધી હોય છે. એ મુદ્દો પણ અમે નાટકમાં દર્શાવીને સમજાવીએ કે વધુ વિલંબ કર્યા વગર સારું પાત્ર મળે એમાં સેટ થઈ જાઓ. આજકાલના યંગસ્ટર્સ સોશ્યલ મીડિયાને જ પોતાની દુનિયા માને છે અને સામાજિક સંબંધોથી તેઓ એટલા ડિસકનેક્ટ થઈ ગયા છે કે સગાંસંબંધીના લગ્નપ્રસંગમાં જવાનું થાય તો પણ ના પાડી દે. વિદેશમાં જઈને શિક્ષણ, નોકરી કરવાનું ચલણ પણ એટલું વધ્યું છે કે સંતાનો ફૉરેનમાં સેટલ થઈ જાય છે અને ઘરડાં માતા-પિતા ઘરમાં એકલવાયાં પડી જાય છે. એ સિવાય પણ જૉઇન્ટ ફૅમિલીનું મહત્ત્વ, છૂટાછેડાની પરિવાર પર પડતી અસરો, પરિવારમાં સ્ત્રીનું મહત્ત્વ વગેરે મુદ્દે નાટકના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. અમે અમુક નાટકના શો ફક્ત યંગસ્ટર્સ માટે પણ રાખવાના છીએ જેથી તેઓ OTT પ્લૅટફૉર્મ અને થિયેટરમાં પિક્ચર જોવા જાય છે એમ નાટકો જોવા માટે પણ આવતા થાય.’
ગુરુવારે મીરા રોડમાં નાટ્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરતા કચ્છ યુવક સંઘના પ્રમુખ રાહુલ દેઢિયા.
તૈયારી કઈ રીતે થાય?
આ વર્ષના નાટકના વિષયને લઈને તેમ જ નાટકની તૈયારી કઈ રીતે કરવામાં કરવામાં આવે છે એ વિશે માહિતી આપતાં વસંત મારુ કહે છે, ‘આ વર્ષે અમે જે નાટક પ્રસ્તુત કર્યું છે એનું નામ ‘ખટ મિઠ્યૂં લાગણીયૂં’ છે. એમાં અમે ચાલી-સિસ્ટમનું જે કલ્ચર હતું એની વાત કરી છે. ચાલીમાં કેવા અલગ-અલગ પ્રકારના લોકો હોય, કઈ રીતે એ લોકોમાં ઝઘડા થતા હોય પણ કામ હોય ત્યારે એકબીજા સાથે ઊભા રહી જાય. અમે નાટકના માધ્યમથી સમૂહજીવન પર ભાર મૂક્યો છે. એ બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સમૂહજીવનમાં કઈ રીતે વ્યક્તિ ફક્ત પોતાનું વિચારવાના બદલે બધાના કલ્યાણનું વિચારે છે. બે કલાકનું આ નાટક છે. અમારા આ નાટકમાં ૧૩ જણ છે. એમાં બે જણને બાકાત કરતાં બધા જ યંગસ્ટર્સ છે. આ યંગસ્ટર્સ ટ્રેઇન્ડ ઍક્ટર્સ નથી હોતા. એટલે તેમને રિહર્સલ કરાવવું પડે. ઘણા અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હોય એટલે કચ્છી ભાષા સરખી રીતે આવડતી ન હોય. અમુક કચ્છી તળપદા શબ્દો હોય એનો ઉચ્ચાર આવડતો ન હોય. એ બધું શિખવાડવું, સમજાવવું પડે. ડાયલૉગ ગોખાવવા પડે. ડાયલૉગ-ડિલિવરી શિખવાડવી પડે. કેવી રીતે એક્સપ્રેશન આપવાનાં, સ્ટેજ પર કઈ રીતે ઊભા રહેવાનું એ બધું ઝીરોથી શિખવાડવું પડે. આ વખતે વર્કશૉપ માટે અમે પ્રીતેશ સોઢાને બોલાવ્યા હતા. તેમણે એક પણ પૈસો લીધા વગર બે દિવસની થિયેટર ઍક્ટિંગની વર્કશૉપ લીધી હતી. કચ્છ યુવક સંઘની દાદરમાં ઑફિસ છે એમાં અમે બધા મળીને પ્રૅક્ટિસ કરીએ. એ પછી અમે વિક્રોલીમાં જ્યાં અમારો સેટ બને છે ત્યાં છેલ્લાં દસ-બાર દિવસ રિહર્સલ કરીએ જેથી તેમને સ્ટેજની ખરી ફીલ મળે. નાટકમાં એવા જ યંગસ્ટર્સ કામ કરે છે જે આખા વર્ષમાં દરમિયાન જ્યાં શો હોય ત્યાં આવી શકે, એ માટે સમય ફાળવી શકે. આ ઍક્ટર્સ પણ કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર સમાજસેવાના ભાગરૂપે નાટકમાં કામ કરે છે. આ લોકોને અમે કચ્છી-ગુજરાતી રંગભૂમિ અને સિરિયલોમાં અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તો એ માટેનું પ્લૅટફૉર્મ પૂરું પાડીએ છીએ. અમે નાટક, ટીવી, ફિલ્મમાં કામ કરતા સુનીલ વિસરાણી, દિશા સાવલા જેવા ૩૫-૪૦ કલાકારો છે તેમને તૈયાર કર્યા છે. ‘ખટ મિઠ્યૂં લાગણીયૂં’ નાટકની વાત કરીએ તો એનું લેખન અને દિગ્દર્શન મેં કર્યું છે. રૂપાંતર ડૉ. વિનેશ નાગડાએ કર્યું છે. એના સૂત્રધાર કવન સાવલા છે. સંગીત હાર્દિક પાસડે આપ્યું છે. નાટ્ય-સંયોજક તેજસ સંગોઈ છે. એના સ્પૉન્સર SPM ગ્રુપ છે. નાટ્યોત્સવની આ ૩૨ વર્ષની જર્નીને સફળ બનાવવામાં કચ્છ યુવક સંઘનો પ્રમુખ ફાળો છે અને એ બદલ એના મૅનેજિંગ ટ્રસ્ટી હેમંત કારાણી અને પ્રમુખ રાહુલ દેઢિયાનો આભાર માનવો રહ્યો.’
કચ્છી નાટ્યોત્સવના માધ્યમથી છેલ્લાં ૩૨ વર્ષમાં એક પણ ગૅપ પાડ્યા વગર ૧૯૯૩થી લઈને ૨૦૨૪ સુધી કચ્છ યુવક સંઘ દ્વારા પ્રસ્તુત થયેલાં કચ્છી નાટકો
ગઢા ગડા વારીએ, મેની મેની નોંધરા, ઓલિંટો ગોલિંટો, વર વેગરજો વરઘોડો, આયખેજો ઓચ્છવ, પોતર શેર ત પે સવાશેર, પૈસો મુંજો પરમેશ્વર, અસીં રાંધીકડા મેટી જા રે, પેડા વાંટે પે પોતર વાંટે મા પે, વારે વહુ તું તા વટવારી, અધા આંકે સો સો સલામીયું, ગઢો ગોલાંટ ખારાયે, લાડો હલે આડો, ધલ ઠારે સે ઘી, વહુ તા વલપ જો દરિયો, રાંધ રમાય જિંદગી, મન જે અંધર સત સમંધર, ખટ-મિઠી જિન્ધગી, કુટુંબ કમાલ ત જિન્ધગી ધમાલ, જિન્ધગી જલસો ભને વઇ, ધી તાં મુંજી ચાગલી, સસ વઉ સોખી તો પોય કેર ડોખી, હલે ત ગડો નકાં ભર લડો, ટોપી ફેરે ટપૂ ને પાઘ પેરે પપૂ, નમે જ નાર ત થીયે બેડો પાર, કેર સગા તે કેર વાલા, હલો! પપ્પા કે પેણાયૂ, સંબંધે જો સરનામું, મન મેલે ત અખીયૂં ખેલેં, કીં અયો? મજામેં?, વા રે વા જિંધગી.

