૭૩ વર્ષના કિશોર ભટ્ટ ૫૦ કરતાં વધુ વર્ષોથી એવા અજાણ્યા લોકોની અંતિમક્રિયા કરી રહ્યા છે જેમની આગળ-પાછળ કોઈ નથી
કિશોર ભટ્ટ
૭૩ વર્ષના કિશોર ભટ્ટ ૫૦ કરતાં વધુ વર્ષોથી એવા અજાણ્યા લોકોની અંતિમક્રિયા કરી રહ્યા છે જેમની આગળ-પાછળ કોઈ નથી. મોટા ભાગનો ખર્ચ તેઓ જાતે જ કરે છે. અજાણી વ્યક્તિના મૃત્યુનો મલાજો જાળવીને તેને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં નિમિત્ત બનતા આ વડીલ ઘણી હૉસ્પિટલોમાં ઍડ્મિટ દરદીઓને અને વૃદ્ધાશ્રમના બીમાર લોકોને તમામ પ્રકારની સહાય પણ કરે છે. આ કાર્યની શરૂઆત પછી તેમને થયેલા અનુભવો તાજુબ જગાડનારા છે
જીવન આખું ભલે ગમે એવી દરિદ્રતા સાથે વીત્યું હોય અને જીવતેજીવ ભલે ગમે એવો સંઘર્ષ કરવો પડ્યો હોય એ સ્વીકાર્ય છે, પરંતુ મૃત્યુ પછીનું જે સન્માન છે એ ન મળે એનાથી ખરાબ કંઈ નથી. જીવનની સમાપ્તિ સાથે દેહને સન્માનપૂર્વક અગ્નિદાહ પણ નસીબ ન થાય અથવા તો દફનવિધિ ન થાય એ વધુ દયનીય સ્થિતિ છે. ભૂખ્યાને ભોજન આપનારા ઘણા છે, પરંતુ જેનું કોઈ નથી એવી વ્યક્તિના જીવનની સમાપ્તિ પછી તેના મોતનો મલાજો પાળનારા જૂજ છે. સાઉથ મુંબઈમાં રહેતા અને થ્રી-ડી ફ્રેમના બિઝનેસ સાથે સંકળાયેલા ૭૩ વર્ષના કિશોર ભટ્ટ એ બહુ જ જૂજ લોકોમાંના એક છે. નધણિયાતી બૉડીનો ધર્મને જાણીને એની આસ્થા અનુસાર એ શરીરની અંતિમક્રિયા કરવાનું કામ આ યંગ વડીલ છેલ્લાં ૫૦ કરતાં વધારે વર્ષોથી કરી રહ્યા છે. મુંબઈની અગ્રણી સરકારી હૉસ્પિટલો, મુર્દાઘર અને પોલીસ-સ્ટેશનોએ કિશોરભાઈનો નંબર સેવ કરી લીધો છે. જેમના સંબંધીઓનો કોઈ અતોપતો ન હોય અને મહિનાઓથી મુર્દાઘરમાં જે પાર્થિવ દેહ પડ્યા હોય અને હવે તેમની અંતિમક્રિયા કરનાર કોઈ નથી એવી પોલીસને ખાતરી થાય એટલે કિશોરભાઈને ફોન જાય. જે કામથી બધા જ દૂર ભાગે કે સાંભળીને પણ ભયની લહેરખી શરીરમાંથી પસાર થતી હોય એવા કામને નાની ઉંમરમાં શરૂ કરવાનો વિચાર કિશોરભાઈને આવ્યો કઈ રીતે અને છેલ્લાં ૫૦ વર્ષમાં તેમને કેવા-કેવા અનુભવો થયા છે એ જાણવું રોમાંચક રહેશે.
ADVERTISEMENT
શરૂઆત કેવી રીતે?
મહાલક્ષ્મીના ફેમસ સ્ટુડિયો પાસે રહેતા કિશોરભાઈ ૧૯૬૩ના સમયના પોતાના જીવનની સંઘર્ષની વાત કરતાં કહે છે, ‘ઘરની સ્થિતિ નબળી હતી એટલે બહુ ભણી ન શક્યો. મને યાદ છે કે હું બુલેટિન પેપર વેચતો. ત્યારે પગમાં ચંપલ પણ નહીં. એક પેપર વેચું એટલે બે નવા પૈસા મળે. પચાસ કૉપી વેચું એટલે એક રૂપિયો મળે. પંદર પૈસામાં ઉસળ-પાઉં ખાઉં અને પછી પાંચ પૈસાનું શરબત પીઉં. એમાં પણ યાદ છે કે શરબતમાં છેલ્લે બરફ વધે એટલે શરબતવાળા પાસે માત્ર પાણી નખાવું એટલે પાંચ પૈસામાં દોઢ ગ્લાસ પાણી મળી જાય. ખૂબ કટોકટીનો સમય હતો. એ દરમ્યાન સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો. ત્યારે મુંબઈના કાન્તિલાલ જૈન મારી પાસેથી છાપું ખરીદતા એટલે મને ઓળખતા હતા. તેમણે મને પૂછ્યું કે સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો છે અને ત્યાંના પીડિત લોકોને નાસ્તાનાં પૅકેટ આપવા જવાનું છે, તું જઈશ? મેં હા પાડી દીધી. ઘરે પૂછ્યું નહીં, કારણ કે પૂછું તો ના પાડે. હું સીધો જ સુરત જવા ટ્રકમાં બેસી ગયો. લોકોના દરવાજા પર જઈને નાસ્તાનાં પૅકેટ આપ્યાં. એ સમયે જોયું કે ઢોર અને માણસોનાં મૃત શરીર આમ જ રઝળતાં ઠેર-ઠેર પડ્યાં હતાં. એ જોઈને મારું કાળજું કંપી ગયું. ઘરે આવ્યો ત્યારે મનમાં દુખી હતો. પહેલાં તો મારાં બા ખૂબ વઢ્યાં કે પૂછ્યા વિના ક્યાં જતો રહ્યો હતો. જોકે જ્યારે તેમને લોકોના મૃતદેહો રઝળતા હતા એ કહ્યું ત્યારે તેઓ પણ દુખી થયાં. તેમણે જ મને કહ્યું કે મૃત્યુ પામેલી વ્યક્તિની સહાય કોઈ નથી કરતું, તું કરજે, ભગવાન તને પૂરો સપોર્ટ કરશે; ક્યારેક પાછો પડે તો મારી પાસે આવજે અને હું તને પૈસા આપીશ. હું નાની ઉંમરનો હતો ત્યારે કહેલી આ વાત મારા મનમાં રમવા માંડી અને એક વાર એવું બન્યું કે એક ભિખારી મૃત અવસ્થામાં મળ્યો. મેં પોલીસને ફોન કર્યો તો પહેલાં તો ખૂબ ઊલટતપાસ કરી. એ પછી પોલીસ આવી અને ખૂબ જ ખરાબ રીતે તેના શરીરને ગાડીમાં નાખ્યું અને મારા પર અકળાયેલી સ્થિતિમાં હતા એટલે મને પોલીસ-સ્ટેશનમાં સાથે લઈ ગયા અને અન્ય પૂછપરછ કરી. બીજી વાર જ્યારે આવું બન્યું ત્યારે મેં કફનનું સફેદ કપડું લાવીને એ પાર્થિવ દેહને ઓઢાડી દીધું અને આ ડેડ-બૉડીનું કોઈ સગુંવહાલું ન હોય તો હું એના અંતિમ સંસ્કાર કરીશ એવી તૈયારી દેખાડી તો પોલીસને રાહત થઈ. એ તો તરત બૉડીનો નિકાલ ન કરાય, પરંતુ અન્ય મુર્દાઘરમાં મહિનાઓથી પડેલી ડેડ-બૉડી વિશે મને વાત કરી. ત્યારે તો મારી પાસે આવક નહોતી, પણ જે હતી એ બધી જ આ કાર્યમાં વપરાવાની શરૂ થઈ.’
અઢળક અનુભવો
એક પાર્થિવ દેહના હિન્દુ વિધિથી અંતિમ સંસ્કાર કરો તો લગભગ ૨૦૦૦ રૂપિયાનો ખર્ચ આવે. મુસ્લિમ વિધિ મુજબ જનાઝા સાથે દફન કરો તો ખર્ચ એથી પણ વધારે હોય અને કૅથલિક પ્રમાણે કરો તો એનાથી પણ વધારે. આ કાર્યમાં વર્ષો સુધી એક પણ રૂપિયો લીધા વિના સ્વખર્ચે બધું પાર પાડનારા કિશોરભાઈ પાસે લોકો બળજબરીપૂર્વક પૈસા મૂકીને જવા માંડ્યા અને એ પૈસાનો હિસાબ-કિતાબ બરાબર રહે એટલે તેમણે ૨૦૦૪માં સદ્ગતિ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ જેવું બનાવ્યું. કિશોરભાઈ કહે છે, ‘સરકારી હૉસ્પિટલમાં ઘણા એવા લોકો મળ્યા જેમનો સંબંધી હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે, પરંતુ તેમની પાસે અંતિમક્રિયા કરવા માટે પૈસા નથી તો તેમને અંતિમક્રિયાના ખર્ચના પૈસા ઉપરાંત વધારાના હજાર-બે હજાર રૂપિયા આપતો હોઉં છું જેથી તેઓ પાછા પોતાના વતનમાં સુખરૂપ જઈ શકે. હિન્દુ વિધિથી અગ્નિદાહમાં બે કિલો ઘી અને એક કિલો તેલ સામાન્ય રીતે વપરાય. મુસ્લિમની દફનવિધિમાં મૃતદેહને નવડાવવાના જ ૫૦૦ રૂપિયા થાય. પછી મૌલવીને બોલાવીને તેમની રીતભાત મુજબ જનાઝાને દાટવાનો ખર્ચ વધુ હોય છે. જોકે હું બધું જ કરું. જે પણ પાર્થિવ દેહ હોય એના સંબંધીની જેમ માથે રૂમાલ બાંધીને ત્યાં તમામ વિધિમાં ઊભો રહું. મનમાં આત્માને સદ્ગતિ મળે એવી પ્રાર્થના કરું. વચ્ચે એક કબ્રસ્તાનમાં ચાર બૉડીની અંતિમક્રિયા માટે ગયો હતો. દૂર બેસીને એક ભાઈ મને જોઈ રહ્યા હતા. બધું પત્યા પછી તેમણે મને પૂછ્યું કે આપ મુસલમાન હૈં? મેં કહ્યું ના. પછી ફરી પૂછ્યું કે તો ઈસાઈ હૈં? મેં કહ્યું ના. પછી મેં જ સામેથી કહ્યું કે મૈં ઇન્સાન હૂં અને ઇન્સાનિયત સે બડા કોઈ ધર્મ નહીં હૈ. ખરેખર, તેમણે ખૂબ આદરપૂર્વક અભિવાદન કર્યું અને ત્યાંથી અમે નીકળ્યા.’
મુસ્લિમવિધિ સાથે લાવારિસ શબની અંતિમક્રિયા કરી રહેલા કિશોર ભટ્ટ.
લોકોની ભલામણ
ઘણીબધી સરકારી હૉસ્પિટલોમાં હવે કિશોરભાઈને બધા નામથી ઓળખે છે. આર્થિક સ્થિતિ સારી ન હોય અને કોઈ દરદીને અંતિમક્રિયા માટે જ નહીં, દવાઓ માટે પણ મદદ જોઈતી હોય તો તેને કિશોરભાઈ પાસે હૉસ્પિટલવાળા મોકલતા હોય છે. તેઓ કહે છે, ‘હૉસ્પિટલના રેફરન્સ થકી અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોય એવા અઢળક લોકો મારી પાસે આવતા હોય છે તો બીજી બાજુ દવામાં પણ લોકોને મદદ કરવામાં નિમિત્ત બન્યો હોઉં અને તેમની સાથે પ્રેમપૂર્વક સંબંધ બન્યો હોય પણ તેમના બચવાના ચાન્સ ઓછા હોય ત્યારે તેઓ જતાં પહેલાં કહેતા જાય કે મારા મૃત્યુ પછી મારા શરીરની અંતિમક્રિયા કિશોરભાઈના હાથે કરાવજો. સંતાનોએ તરછોડી દીધા હોય એવા બીમાર વડીલોનો મારી દુકાનની નજીકમાં આશ્રમ છે. ત્યાં પણ હું નિયમિત વડીલોને ભોજન કરાવવા અને તેમને જરૂરી દવાઓ આપવા માટે જતો હોઉં છું. ત્યાં ઘણા વડીલો પોતાનાં સંતાનોને પત્ર લખીને જાય કે મારી ચિતાને આગ મારો દીકરો નહીં પણ કિશોરભાઈ આપશે. એક મેમણભાઈ હતા. તેઓ હૉસ્પિટલમાં હતા ત્યારે હું તેમને ઓળખતો. તેઓ જતાં-જતાં પત્ર લખી ગયા અને એ પત્ર તેમના દીકરાના હાથે મને મોકલાવ્યો. દીકરો કહે કે અબ્બુને યે આપકો દેને કો કહા થા. એમાં લખ્યું હતું કે કફન કો જેબ નહીં હોતી, કુછ સાથ નહીં લે જા રહા; પર મૈં ચાહતા હૂં કે મેરે ઇન્તેકાલ કે બાદ મેરા સબકુછ આખરી કાર્ય આપ કરેં, મેરે બેટે-બેટી કો મેરે જનાઝે કે પાસ ભી ન આને દેં; કિસી જનમ મેં યે આપકા ઉપકાર મૈં ચુકા દૂંગા.’
વિધિપૂર્વક અને સન્માનપૂર્વક અંતિમક્રિયા વખતે ઘણી વાર નાના જસ્ટ જન્મેલા બાળકોના પાર્થિવ દેહ આવે ત્યારે તેઓ પોતે પણ ઢીલા પડી જતા હોય છે. કિશોરભાઈ કહે છે, ‘એક હૉસ્પિટલમાં જોઈ ન શકતા પેરન્ટ્ન્સનું બાળક જન્મ પછી તરત જ ગુજરી ગયું. તેમને સમજાય નહીં એટલે તે બાળકની અંતિમ વિધિ મને કરવા કહ્યું. હિન્દુ કપલ હતું અને દીકરી જન્મી હતી. આપણામાં તેને જોગમાયા કહેવાય. આવા બાળકની અંતિમક્રિયામાં અગ્નિસંસ્કાર ન હોય પરંતુ તેને ખાસ પ્રકારના કપડામાં બાંધીને ચૉકલેટ, રમકડાં સાથે દાટવાનું હોય. બ્રાહ્મણ હોવાના નાતે ઘણીબધી ખબર પડતી હોય એટલે એને અનુસરીને બધું જ કર્યું. એવી જ રીતે સોળ-સત્તર વર્ષની એક કુંવારી બંગાળી દીકરી હતી તો જરૂરી શણગાર સાથે તેની પણ અંતિમ વિધિ કરી હતી. ઘણા એવા પણ લોકો મળ્યા જેમણે પોતાના મૃત્યુની તારીખ અને સમય પહેલાં જ ભાખી લીધાં હોય અને મને કહેતા ગયા હોય કે પાછળનું તમે જોઈ લેજો. કેઈએમમાં દાખલ એક દરદી હૉસ્પિટલમાંથી મારી દુકાને આવ્યો. ડિસ્ચાર્જ પણ નહોતો મળ્યો. મને કહે કે બસ અબ બુલાવા આયા હૈ, જાના પડેગા; જાને સે પહલે તુમકો મિલના થા. મેં તેમને પાણી અને ચા પીવડાવ્યાં. તુમ ખુશ રહોગે, મેરી દુઆ હૈ તુમ્હારે સાથ એટલું કહીને તેમણે પ્રાણ ત્યાગ્યા અને એ સમયે હાથ ઇબાદતવાળી સ્થિતિમાં હતા. આવા તો ધ્રુજારી છૂટી જાય એવા અઢળક અનુભવો છે.’
જીવન બદલાઈ ગયું
કિશોરભાઈએ આરંભેલું આ મહાન કાર્ય તેમના જીવનમાં અનેક પરિવર્તનો લાવ્યું છે. તેઓ કહે છે, ‘શરીર મરે છે પણ આત્મા તો નથી મરતો. જે આત્મા વર્ષો સુધી જે શરીરમાં રહ્યો હોય એનો નિકાલ યોગ્ય રીતે થાય તો જ આત્માને શાંતિ મળે. હું એ કાર્ય કરી રહ્યો છું. આજે ઘણોબધો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરું છું, પરંતુ પહોંચી વળું છું. ઉપરવાળાની કૃપા છે. સ્વાસ્થ્ય પણ સરસ છે અને આર્થિક રીતે ક્યારેય પાછળ જોવાનું નથી થયું. પત્ની અને દીકરીનો સુખી પરિવાર છે. મારાં બાને ૯૪ વર્ષે બ્રેઇન-સ્ટ્રોક આવ્યો. તેમની સાથે મારી વાતો ન થઈ શકી. તેઓ કોમામાં સરી પડ્યાં. મનોમન મેં સંકલ્પ કર્યો કે બા કોમામાંથી બહાર ન આવે ત્યાં સુધી અન્નપાણીનો ત્યાગ. ૧૮ કલાકમાં બા કોમામાંથી બહાર આવ્યાં. નાકમાં નળી નાખી હતી એ કાઢી. વાતો કરી. ધીમે-ધીમે સ્વસ્થ થયાં અને લગભગ બે વર્ષ બાર દિવસ એ પછી જીવ્યાં. જે ડૉક્ટરો આ કેસને અસંભવ માનતા હતા તેઓ પણ તાજુબમાં મુકાઈ ગયા. આવા તો અઢળક ચમત્કાર મેં મારા અને અન્યના જીવનમાં જોયા છે. આ દુઆઓ આપણને ક્યાં ફળે છે એ ખબર નથી. પરમાત્મા શક્તિ આપે ત્યાં સુધી આ કામ કરતા રહેવું છે. જોકે આટલાં વર્ષોના અનુભવોમાં જોયું છે કે જ્યાં સુધી તમારા હાથ-પગ ચાલે છે ત્યાં સુધી જ બધા લોકો તમારાં સગાં છે. તમે પથારીવશ થયા એ પછી તમારી નજીકમાં નજીક રહેલી વ્યક્તિ પણ તમે હવે જાઓ એવું ઇચ્છતી થઈ જાય છે. દુનિયામાં ૧૦૦માંથી ૮૦ લોકો બીજાને છેતરવાના પ્રયાસમાં છે ત્યારે તેમની વચ્ચે આપણાથી બનતું કંઈક સારું આપણે કરતા રહીએ એ જ એક જીવવાનો સાચો માર્ગ છે. મારી એક ફેવરિટ શાયરી છે જે મારે શૅર કરવી છે. કહે છે કે...
નિકલે થે હમ સફર મેં
દિલ મેં કુછ અરમાન થે
એક તરફ સ્મશાન થે
દૂસરી તરફ કબ્રસ્તાન થે
ચલતે-ચલતે ઠોકર લગી એક હડ્ડી કો
ઉસકે યે બયાન થે
ઓ ચલને વાલે ઝરા સંભલ કે ચલો
હમ ભી કભી ઇન્સાન થે
શરીર મરે છે પણ આત્મા તો નથી મરતો. જે આત્મા વર્ષો સુધી જે શરીરમાં રહ્યો હોય એનો નિકાલ યોગ્ય રીતે થાય તો જ આત્માને શાંતિ મળે. હું એ કાર્ય કરી રહ્યો છું. આજે ઘણોબધો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરું છું, પરંતુ પહોંચી વળું છું. ઉપરવાળાની કૃપા છે.
- કિશોર ભટ્ટ

