પલક આગળ વાત કરે એ પહેલાં જ તેના મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન જોઈ પલક ઇરિટેટ થઈ
ઇલસ્ટ્રેશન
‘પલક જો તો...’ ઘસઘસાટ ઊંઘતી પલકને કથાએ રીતસર ઢંઢોળી, ‘જો જલદી...’
‘સૂવા દેને યાર...’
ADVERTISEMENT
કાન પર તકિયો દબાવતાં પલક પડખું ફરી ગઈ પણ કથાને ચેન નહોતું પડતું. તેણે પલકના કાન પરથી તકિયો લઈ લીધો અને ફરી પલકને ઢંઢોળી.
‘તું જો પહેલાં...’
‘ઊંઘ આવે છે. માથું પણ બહુ દુખે છે.’
‘તો રાતે એટલું ડ્રિન્ક્સ ન લેવાય... જો આમ...’
કથાએ પીછો છોડ્યો નહીં એટલે પલકે નાછૂટકે આંખ ખોલવી પડી.
‘શું છે?’
‘આ જો...’ એક દિશામાં હાથ કરતાં કથાએ કહ્યું, ‘આ કાલે નહોતું...’
‘શું નહોતું કાલે?’ પલકને ખરેખર હૅન્ગઓવરની અસર હતી, ‘મને સૂવા દે...’
‘અરે, આ હોલ... આ કાણું કાલે નહોતું. અત્યારે છે.’
‘ભલે રહ્યું... તું આવી જા.’
પલકે કથાને પોતાની પાસે ખેંચી પણ કથાને અત્યારે એ કોઈ લાડમાં, એ કોઈ પ્રેમમાં રસ નહોતો. તેની આંખો દીવાલ પર રહેલા કાણા પર સ્થિર થયેલી હતી.
‘તું મારી વાત સાંભળ, આ જો...’
પલકને સહેજ ધક્કો મારીને દૂર કરતાં કથા ઊભી થઈ. પલકે આંખ નહોતી ખોલી પણ હવે તેની ઊંઘ ઊડી ગઈ હતી, તેના કાનમાં કથાના શબ્દો પહોંચતા હતા.
‘આ કાણું કાલે નહોતું. મને પાક્કું યાદ છે. અહીં, અહીં દીવાલ હતી. નૉર્મલ વૉલ. અને અત્યારે અહીં કાણું છે.’
‘કથા, શું લવારી કરે છે?’
‘લવારી નથી કરતી પલક. આ હોલ જો તું. અહીં પહેલાં દીવાલ જ હતી.’
‘હા, દીવાલ હતી, પણ...’ પલક હવે ઊભી થઈ ગઈ હતી, ‘કાલે એના પર ફોટોફ્રેમ હતી, જે મેં રાતે ઉતારી લીધી એટલે એ કાણું દેખાય છે.’
‘તો, તો એ ફોટોફ્રેમ ક્યાં છે?’ કથાના મનમાં ઉત્પાત મચ્યો હતો, ‘બીજી વાત, શું કામ ઉતારી તેં એ ફોટોફ્રેમ?’
‘ખબર નહીં પણ મને એવું લાગતું હતું કે એમાંથી કોઈ મને જુએ છે.’ પલકે તરત કારણ પણ આપ્યું, ‘મે બી, હૅન્ગઓવરને કારણે એવું લાગતું હોય...’
‘એવું નથી પલક, સાચે જ મને આ ઘરમાં કંઈક અજુગતું લાગે છે. હું, હું... આ ઘરમાં રહેવા રાજી નથી...’ કથાનો અવાજ તરડાવા માંડ્યો હતો, ‘કાલે રાતે મને પણ એવું લાગતું હતું કે જાણે ઘરમાં કોઈ છે. મેં અવરજવર કરતી વ્યક્તિ પણ જોઈ.’
હા... હા... હા...
પલકે અટ્ટહાસ્ય કર્યું.
‘તને રાતે જે વ્યક્તિ દેખાઈ એ હું હતી સ્ટુપિડ...’ જાણે કે વિશ્વાસ અપાવવાનો હોય એ રીતે કથાનો હાથ પકડી પલક એક જગ્યાએ લઈ ગઈ, ‘તેં અહીંથી રૂમમાં જતાં કોઈને જોયા. પછી રૂમનો દરવાજો ખૂલ્યો ને એ વ્યક્તિ અંદર ગઈ. થોડી વારમાં એ વ્યક્તિ તરત પાછી આવી અને પછી તે કિચન તરફ ગઈ. રાઇટ?’
કથાએ હકારમાં મસ્તક હલાવ્યું કે તરત પલકે ફરી હસી પડી.
‘એ હું જ હતી. મને રાતે ઍસિડિટી જેવું લાગ્યું એટલે તને હેરાન કરવાને બદલે હું ટૅબ્લેટ લેવા બહાર આવી. બહાર મને ટૅબ્લેટ મળી નહીં એટલે હું ફરી રૂમમાં આવતી હતી પણ મને થયું કે દવા લઈ લઉં એટલે હું... આ જગ્યાએ ઊભી રહીને પછી યાદ કરતી હતી કે મેં મારું ફર્સ્ટ એઇડ બૉક્સ ક્યાં મૂક્યું? યાદ આવ્યું એટલે હું એ લેવા રૂમમાં ગઈ અને પછી ટૅબ્લેટ લઈને આવી, કિચનમાં જઈને મેં પાણી પીધું.’
‘તું, તું કહે છે એ સાચું હોય તો પણ મને...’ કથાને શબ્દો નહોતા મળતા, ‘મને ખબર નથી કેમ, પણ મને આ ઘરમાં પ્રૉપર વાઇબ્સ નથી આવતી.’
‘નવા ઘરમાં એવું જ હોય.’ વૉશબેઝિન તરફ જતાં પલક બોલી, ‘એવું લાગે તો આજે રાતે આપણે ઘરે વૈભવને બોલાવીએ. એ હશે તો પાર્ટી કરવાની પણ મજા આવશે.’
‘નો વે...’
વાત આગળ વધી હોત પણ એ જ સમયે કથાની મમ્મીનો ફોન આવી ગયો અને કથા રૂમમાં ચાલી ગઈ.
lll
‘મને આવવામાં વાંધો નથી પણ પલક, ખબર છેને તને કથાને હું નથી ગમતો.’
‘કથાને હું મૅનેજ કરવા...’ સુરતી ટોન સાથે પલકે કહી દીધું, ‘મેં કીધું છે એટલે તારે આવવાનું છે.’
‘રાતે પેલી સાથે બબાલ થઈ તો...’
‘તો હું, તું ને મારો રૂમ ઝિન્દાબાદ...’
‘મારો રૂમ મીન્સ...’
‘પોયરા, બે બેડરૂમનો ફ્લૅટ છે આપણી કને...’
પલકે વૈભવ સામે આંખ મિંચકારી અને વૈભવના મનમાં લાડુ ફૂટવા માંડ્યા.
lll
‘સૉરી મૅડમ...’ સોસાયટીના ગેટ પર ઊભા રહેલા ડિલિવરી-બૉયે પલકને કહ્યું, ‘લોકેશન અહીં સુધીનું જ દેખાડે છે.’
‘હું કહું છુંને, તું આગળ આવ. પહેલાં જ અપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોર પર આવવાનું છે.’ પલકે ઇરિટેટ થઈને કહ્યું, ‘કોઈ ગેટ સુધી ડિલિવરી મગાવે?’
‘આવું છું મૅડમ... પણ અહીં મને એન્ટ્રી નથી દેખાતી.’
‘અરે, બને એવું? તું આગળ વધ...’ પલકે ડિલિવરી-બૉયને કહ્યું, ‘ગેટથી અંદર આવ એટલે થોડું સીધું ચાલવાનું અને એ પછી લેફ્ટ સાઇડ ટર્ન લેવાનો. ટર્ન લે એટલે તરત પહેલું જ એન્ટ્રન્સ એ ટાવર A...’
‘ઓકે.’
પલકે ફોન કટ કરી વૈભવની સામે જોયું.
‘બપોરથી તને ખબર છે કે તું આવવાનો છો તો સેફ્ટી સાથે રાખવાનું કેમ યાદ ન આવ્યું?’
‘અરે, મને એમ કે કથા હશે તો હું ફટાફટ નીકળી જઈશ...’
‘કથાથી બહુ ડરે છેને તું તો...’ વૈભવના ગાલ પર પપ્પી કરતાં પલકે કહ્યું, ‘પેલો આવતો જ હશે...’
‘હા પણ કથા ક્યાં અટવાઈ?’
‘લાંબી વાત છે.’
‘ડિલિવરી-બૉય આવે ત્યાં સુધીમાં કહી દે...’
‘થયું એવું કે...’
પલક આગળ વાત કરે એ પહેલાં જ તેના મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન જોઈ પલક ઇરિટેટ થઈ.
‘હદ કરે છે આ બ્લિન્કઇટવાળા...’
‘બહાર ડોરબેલ નથી એટલે ફોન કરતો હશે.’
વૈભવે યાદ કરાવ્યું કે તરત પલકને યાદ આવી ગયું.
‘અરે હા...’
ફોન રિસીવ કરવાને બદલે પલક મેઇન ડોર પર પહોંચી અને તેણે દરવાજો ખોલ્યો, પણ બહાર કોઈ નહોતું અને ફોનની રિંગ હજી પણ ચાલુ હતી.
‘હેલો...’ પલકે ફોન રિસીવ કર્યો અને ડિલિવરી-બૉયનો અવાજ આવ્યો, ‘મૅડમ, ઉપર આવવાનો રસ્તો નથી મળતો. તમે આવીને લઈ જાઓને.’
ફટાકડાના ‘ફ’વાળી ગાળ પલકની જીભ પર આવી ગઈ અને તેણે ફોન કટ કરી વૈભવની સામે જોયું.
‘હું નીચેથી ડિલિવરી લઈ આવું.’
પલક નીચે જવા માટે હજી તો ટર્ન થઈ હશે ત્યાં ફ્લૅટનો દરવાજો બંધ થયો અને પલકને હસવું આવી ગયું.
‘સ્ટુપિડ, આટલી વાર માટે પણ ડોર બંધ કરે છે.’
પલકને ક્યાં ખબર હતી કે દરવાજો વૈભવે નહીં, અંદર રહેલા આત્માએ બંધ કર્યો હતો.
lll
‘હવે મારે જવું જોઈએ.’ કથા ઊભી થઈ, ‘અમે હમણાં જ ઘર શિફ્ટ કર્યું છે ને પલક ઘરે એકલી છે.’
‘તું ઍડ્રેસ મોકલી દેજે...’
‘પાક્કુંને, અત્યારે તમારે ઘરે નથી આવવુંને?’
‘જો કથા, ઑલરેડી મારી ટ્રેનનો ટાઇમ થઈ ગયો છે અને અહીં તને મળવા પણ હું મમ્મીને કહીને નથી આવ્યો. મમ્મી તારા પર ખૂબ ગુસ્સે થયેલી છે. સવારે મેં માંડ તેને મનાવી તને ફોન કર્યો અને તેં ફોન રિસીવ કર્યો નહીં એમાં તે વધારે પડતો બકવાસ કરવા માંડી.’
‘દીદી, તમે તો મને ઓળખો છોને?’
‘ઓળખું પણ છું ને આવી ટાઇમપાસ મસ્તીને પણ ઓળખું છું.’ વિધિએ કથાની આંખમાં જોયું, ‘દરેકની લાઇફમાં આવા ફેઝ આવતા રહે પણ એમાંથી બહાર નીકળવું જરૂરી હોય છે. એક વાર તેં જ મને કહ્યું’તું કે તને છોકરાઓની કંપની પણ એટલી જ ગમે છે તો હું કહીશ કે હવે ટાઇમ આવી ગયો છે, એ દિશામાં ફરી પાછી આગળ નહીં વધતી.’
‘કદાચ અમે બન્ને જિંદગીભર આ રીતે સાથે રહીએ તો...’
‘તારો... કે પછી...’ વિધિએ ચોખવટ કરી, ‘પલકનો લાઇફ-પાર્ટનર તમારી આ રિલેશનશિપ સ્વીકારી શકે?’
‘ધારો કે અમે તેને જાણ જ ન થવા દઈએ તો...’
‘તો એ ચીટિંગ છે અને મૅરેજ પછી આ પ્રકારની ચીટિંગ કરવી એ કેવડી મોટી ભૂલ કહેવાય એની તું કલ્પના પણ નહીં કરી શકે.’ વિધિ ઊભી થઈ, ‘તારે મોડું થાય છે, જે તારા જવાબમાં દેખાય છે. બેટર છે, તું આ બધામાંથી જલદી બહાર આવ અને તારી લાઇફ તરફ ધ્યાન આપ.’
lll
‘હેલો... હેલો...’
ડિલિવરી-બૉય ક્યાંય દેખાયો નહીં એટલે પલકે તેને ફોન કર્યો પણ ગ્રાઉન્ડ ફ્લોર પર નેટવર્કનો ઇશ્યુ હતો, જેની પલકને ખબર પડી ગઈ હતી. પલકે ફોન કટ કર્યો. એક બનતા બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર કેવો હોય એવો જ આ ગ્રાઉન્ડ ફ્લોર હતો. અલબત્ત, હવે ઈંટ, રેતી અને સિમેન્ટના ઢગલા અહીં નહોતા પણ દીવાલોમાંથી ઈંટ અને કપચી નરી આંખે જોઈ શકાતી હતી. લાઇટનું કનેકશન ગ્રાઉન્ડ ફ્લોરને આપવામાં આવ્યું નહીં હોવાથી આ આખા એરિયામાં અંધકાર હતો.
પલકે મોબાઇલ ટૉર્ચ સ્ટાર્ટ કરી અને ગ્રાઉન્ડ ફ્લોર પર LEDની વાઇટ લાઇટ પથરાઈ ગઈ.
ટૉર્ચની લાઇટમાં પલકે જોયું બ્લિન્કઇટ લખેલા બૅકપૅક સાથે ડિલિવરી-બૉય ઊભો હતો. તેનું ધ્યાન મેઇન ગેટ તરફ હતું. મેઇન ગેટ પાસે રહેલી સોડિયમ સ્ટ્રીટલાઇટનો પ્રકાશ છેક અંદર સુધી કેસરી રંગનું આવરણ ચડાવતો હતો.
‘હેલો...’ ડિલિવરી-બૉયનું ધ્યાન પોતાના તરફ ખેંચવા પલકે જોરથી અવાજ કર્યો, ‘એ ભાઈ... હેલો.’
lll
‘આ શું છે વળી?’
વૈભવ ધીમી ચાલે ચાલતો દીવાલ પાસે આવ્યો. તેની આંખો કાણા પર સ્થિર હતી. આટલા સરસ ઘરની એક દીવાલ પર છ ઇંચનું કાણું અકબંધ હોય એ વાત તેને માનવામાં નહોતી આવતી અને એ સ્વભાવિક પણ હતું. વૈભવે કાણાં પાસે જઈને એમાં નજર કરી. કાણામાં અંધકાર હતો પણ એ અંધકારમાં કોઈ અદ્રશ્ય જ આકર્ષણ હતું.
વૈભવ ધીમે રહીને કાણાંની નજીક ગયો અને પછી જાણે કે કલાઇડોસ્કોપ હોય એમ તેણે એમાં નજર કરી.
પહેલાં સાવ અંધકાર અને પછી એ અંધકારમાં ટમટમતી બે લાલ રંગની આંખ!
વૈભવ ઝાટકા સાથે બૅકફુટ થયો.
તેણે આજુબાજુમાં નજર કરી. ઘરનું શાંત વાતાવરણ જોઈને તેને ધરપત થઈ. જરાક શ્વાસે નિરાંત લીધી એટલે વૈભવે ફરી એ જ કાણામાં નજર કરી. આ વખતે અંદર રહેલી પેલી બે આંખ દેખાઈ નહીં પણ હા, વૈભવને એટલો અણસાર આવ્યો ખરો કે કાણું ભલે છ ઇંચનું જ હોય પણ અંદરનું પોલાણ મોટું અને ઊંડું છે.
‘કૌન હૈ?’
કાણા પાસે પોતાના બે હોઠ લઈ જઈ વૈભવે જોરથી અંદર રાડ પાડી, જેના પડઘા છેક બહાર પહોંચ્યા.
lll
‘કૌન હૈ?’
ડિલિવરી-બૉય ધ્રૂજી ગયો. તેની એવી હાલત જોઈને પલકને હસવું આવી ગયું.
‘અરે ભાઈ, હું છું...’ પલકે હાથ લંબાવ્યો, ‘પાર્સલ આપો...’
ડિલિવરી-બૉય હજી પણ ધ્રૂજતો હતો અને એવી જ હાલત A-103માં અત્યારે વૈભવની હતી.
(ક્રમશ:)

