ફૅમિલીની મુખ્ય વ્યક્તિ અચાનક જતી રહી હોવાથી આ ત્રણેય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
પહલગામમાં મૃત્યુ પામનાર હેમંત જોશી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે પાકિસ્તાનના આતંકવાદીઓએ જે હિન્દુ ટૂરિસ્ટોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા એમાં ડોમ્બિવલીમાં રહેતા હેમંત જોશીનો પણ સમાવેશ થાય છે. ટૂર પર હેમંત જોશીની સાથે તેમનાં પત્ની અને ૧૬ વર્ષનો પુત્ર ધ્રુવ પણ હતાં. ધ્રુવની નજર સામે આતંકવાદીઓએ તેના પિતાને ગોળી મારી હતી. પિતાના અચાનક અવસાનથી જોશી પરિવાર સદમામાં છે ત્યારે ગઈ કાલે આ ફૅમિલીમાં એક નાનકડી ખુશી જોવા મળી હતી. SSCની એક્ઝામનું ગઈ કાલે રિઝલ્ટ જાહેર થયું હતું જેમાં ધ્રુવ જોશી ૮૦ ટકા સાથે પાસ થયો હતો. ધ્રુવના મામા મોહિત ભાવેએ કહ્યું હતું કે ‘ઓમકાર ઇન્ટરનૅશનલ સ્કૂલમાંથી ધ્રુવે SSC પાસ કર્યું છે. પુત્રની સફળતા જોવા માટે પિતા હેમંત આજે અમારી સાથે નથી એનું દુઃખ છે. ધ્રુવ ડૉક્ટર બનવા માગે છે.’
ઉલ્લેખનીય છે કે ડોમ્બિવલીમાં રહેતા મિત્રો હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને ફૅમિલી સાથે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે આતંકવાદીઓએ આ ત્રણેય જિગરજાન મિત્રોની ગોળીઓ મારીને હત્યા કરી હતી. ફૅમિલીની મુખ્ય વ્યક્તિ અચાનક જતી રહી હોવાથી આ ત્રણેય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

