બમને મારિયાના માથા પર પથ્થર ઝીંકી દીધો અને પહેલા જ ઘામાં મારિયાનો જીવ નીકળી ગયો
ઇલસ્ટ્રેશન
‘રુસ્તમ, તમે આ ખોટું કર્યું...’ ડૉક્ટર સુબોધ મહેતા હજી પણ ઊભા જ હતા, ‘તમને ખબર છે કે ત્યાં તમારી માનો આત્મા રહે છે, એ કોઈને શાંતિથી રહેવા નથી દેતો એ પછી પણ તમે બે છોકરીઓને એ ફ્લૅટ રહેવા માટે આપી દીધો.’
‘જો હું એને ભોગ આપતો રહીશ તો જ હું જીવતો રહીશ...’ રુસ્તમના અવાજમાં દારૂની અસર સ્પષ્ટ દેખાતી હતી, ‘મારા જીવતા રહેવા માટે પણ મારે કોઈને ને કોઈને એ ફ્લૅટમાં મોકલતા રહેવાનું છે.’
ADVERTISEMENT
‘એવું શું કામ?’
‘લાંબી વાત છે.’ રુસ્તમે ચૅર તરફ ઇશારો કર્યો, ‘તમે બેસો...’
‘અત્યારે બેસવું નથી. આપણે ફ્લૅટ પર જવું છે.’ સુબોધ મહેતાએ હાથ લંબાવ્યો, ‘ચાલો, રસ્તામાં વાત કરીશું.’
‘અરે પણ...’
રુસ્તમનો ખચકાટ જોઈને સુબોધ મહેતાએ ચીમકી આપી દીધી.
‘ખબર છેને, દર અઠવાડિયે મારી પાસે આવવાનું છે. ડાયાલિસિસ બીજા પણ કરી આપશે પણ પૈસા લીધા વિના નહીં થાય. પૈસા વિના માત્ર મારી પાસે થશે. ચાલો...’
ડૉક્ટર રુસ્તમને કેવી રીતે ઓળખે એ સવાલ અહમદે રસ્તામાં ત્રણ વખત પૂછ્યો હતો અને સુબોધ મહેતાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે હવે અહમદને જવાબ મળી ગયો હતો.
lll
મોઢામાં પોતાનો હાથ લઈ આગળ વધતાં વૈભવની આંખો મરચા જેવી લાલ હતી. જેમ-જેમ વૈભવ આગળ વધતો એમ-એમ કથા અને પલક પાછળ હટતાં. આગળ વધવામાં વૈભવને ઉતાવળ નહોતી પણ જીવનું જોખમ કથા-પલકનું હતું અને એ બન્ને જલદી અહીંથી નીકળવા માગતાં હતાં.
ઉતાવળા પગલે પાછળ જતાં કથા-પલક મેઇન ડોર સુધી પહોંચી ગયાં. પલકે ફ્લૅટનો દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો સજ્જડ બંધ હતો. કથાનું ધ્યાન વૈભવ પર હતું અને પલક દરવાજો ખોલવા માટે મથતી હતી. બહારથી મદદ મળે એવા ભાવથી તેણે બૂમ પાડી.
‘કોઈ છે...’ પલકે અંદરથી દરવાજો ખખડાવ્યો, ‘હેલ્પ... હેલ્પ...’
વૈભવ હવે પલકથી માત્ર પાંચ ફુટ દૂર હતો. જે પ્રકારની વૈભવની વર્તણૂક હતી એ જોતાં સમજી શકાતું હતું કે વૈભવ હવે તે બન્નેને જીવતી નહીં છોડે. કથાએ આજુબાજુમાં નજર કરી. ખૂણામાં લાકડાનું પોતાં કરવા માટેનું મૉપ પડ્યું હતું જેનું હૅન્ડલ લોખંડનું હતું. કથાએ ફરી વૈભવ સામે અને પછી મૉપ સામે જોયું. વૈભવ હવે ત્રણ ફીટ દૂર હતો અને એટલું જ દૂર મૉપ પડ્યું હતું.
કથાએ ઊંડો શ્વાસ લીધો અને તરાપ મારી.
lll
‘અહમદ, રુસ્તમની સ્ટોરી જાણવા જેવી છે.’ ગાડીની સ્પીડ વધારતાં સુબોધ મહેતાએ વાત શરૂ કરી, ‘આ જે જગ્યા છે એ જગ્યાએ રુસ્તમનું ઘર હતું. રુસ્તમના પેરન્ટ્સ એ ઘરમાં રહેતા.’
lll
‘આ બચ્ચું મારું નથી.’
‘જો તારામાં ત્રેવડ ન હોય બાપ બનવાની તો માની લે, આ બચ્ચું બીજાનું છે.’ મારિયાએ ચીસ પાડીને કહ્યું, ‘હૅપી?’
‘આ તારા યારનું બચ્ચું છે.’
‘તારું મન સડી ગયું છે.’ મારિયા ઊભી થઈ ગઈ, ‘આઇ ડોન્ટ વૉન્ટ ટુ ટૉક ટુ યુ.’
‘એય...’ મારિયાનો હાથ પકડતાં બમને કહ્યું, ‘હું વાત કરતો હોઉં ત્યારે અહીં રહેવાનું, વાત કાપવાની નહીં, ક્યાંય જવાનું નહીં.’
‘હું તારી વાઇફ છું, સર્વન્ટ નહીં કે આવા ઑર્ડર મારે માનવા પડે.’
‘તું વધારે પડતું બોલે છે મારિયા.’
‘શરૂ તેં કર્યુંને?’ મારિયાએ કહ્યું, ‘મારો હાથ છોડ...’
‘નહીં મૂકું...’ બમને એટલી જ દૃઢતા સાથે કહ્યું, ‘શું કરી લઈશ?’
‘બમન, હાથ છોડ...’
‘નહીં છૂટે... તારાથી થાય એ...’
સટાક...
બમન હજી તો બોલવાનું પૂરું કરે એ પહેલાં તેના ગાલ પર મારિયાએ થપ્પડ જડી દીધી. બમને હાથ તો ન છોડ્યો પણ હા, તેનો ઈગો વધુ મજબૂતીથી પકડાઈ ગયો.
‘મારિયા, તું... તું ભૂલ કરે છે.’
‘હજી કહું છું, તું હાથ છોડ...’ મારિયાએ દાંત ભીંસ્યા, ‘જો તું હાથ નહીં છોડે તો હું, હું આ વખતે તને મારી નાખતાં નહીં ખચકાઉં.’
‘એમ? મને મારી નાખીશ...’ બમનના મોઢે ગાળ આવી ગઈ, ‘સાલ્લી... મને મારીશ તું?’
સટાક. સટાક. સટાક.
બમન અને મારિયા વચ્ચે એ રાતે રીતસર ઝૂંપડપટ્ટીનાં પતિ-પત્ની વચ્ચે થાય એવી ને એટલી મારામારી થઈ અને એક તબક્કે મારિયાએ બમનના કાંડા પર બટકું તોડી લીધું. બમનની ચીસ નીકળી ગઈ. ચીસ પણ અને જીભ પરનો કન્ટ્રોલ પણ.
મા-બેન સમાણી ગાળો ભાંડતો બમન કિચનમાં ગયો. કિચનમાં તેણે નજર દોડાવી પણ ક્યાંય છરી મળી નહીં એટલે ગુસ્સામાં પાગલ થઈ ગયેલા બમને મસાલા વાટવા માટે વપરાતો પથ્થર ઉપાડ્યો અને ફરી હૉલમાં મારિયા પાસે આવ્યો.
‘બોલ, પેટમાં બચ્ચું કોનું છે?’
‘તારું હોય તો પણ હવે હું તેને તારું નામ નહીં આપું.’ મારિયાએ જવાબ આપ્યો, ‘સાલ્લા નપુંસ...’
શબ્દો પૂરા થાય એ પહેલાં બમને મારિયાના માથા પર પથ્થર ઝીંકી દીધો અને પહેલા જ ઘામાં મારિયાનો જીવ નીકળી ગયો.
lll
‘આશીર્વાદ કહો તો આશીર્વાદ ને અભિશાપ કહો તો અભિશાપ... આઠમા મહિનાનો રુસ્તમ મરેલી માના પેટમાં જીવતો રહ્યો અને મારિયાના પોસ્ટમૉર્ટમ દરમ્યાન તેને પ્રી-મૅચ્યોર્ડ બેબી તરીકે બહાર લાવવામાં આવ્યો.’ ડૉક્ટર સુબોધ મહેતાએ કહ્યું, ‘જન્મ્યો ત્યારથી રુસ્તમ ડાયાલિસિસ પર છે. કદાચ એ પેલી રાતની મારામારીના કારણે ઊભી થયેલી તકલીફ હોય એવું બને.’
‘તમને આ બધું કોણે કહ્યું?’ અહમદે સવાલ કર્યો, ‘રુસ્તમઅંકલે?’
‘હા અને એ પણ રુસ્તમે જ કહ્યું કે એ જગ્યા પર મારિયાનો આત્મા રહે છે.’ ગાડી પાર્ક કરતાં સુબોધ મહેતાએ કહ્યું, ‘રુસ્તમના કહેવા પ્રમાણે આ જગ્યા પર જે રહે છે એને તેની મા મારી નાખે છે. આ ફ્લૅટ, આ જગ્યા શાપિત છે.’
‘ડૉક્ટર, એક વાત કહું...’ દારૂના નશામાં પાછળની સીટ પર ઑલમોસ્ટ સૂઈ ગયેલા રુસ્તમે આંખો ખોલી, ‘મા એવા લોકોને મારે છે જે કૅરૅક્ટરના લૂઝ છે. મને ખબર નથી પણ મેં સાંભળ્યું છે કે મારી માને કોઈ સાથે ક્યાંય અફેર નહોતું, પણ મારો બાપ ઐયાશ હતો એટલે તેને બધામાં કૅરૅક્ટરલેસ લોકો જ દેખાતા.’
‘રુસ્તમ પહેલાં બહાર આવો, આપણે ઉપર જઈએ.’ સુબોધે અધૂરા એવા બિલ્ડિંગ પર નજર કરી, ‘પેલી બે છોકરીઓ ઉપર એકલી છે.’
lll
કથાએ વીજળીવેગે તરાપ મારી મૉપ હાથમાં લીધું. વૈભવમાં રહેલા આત્માએ પણ એ જોયું અને વૈભવના ચહેરા પર સ્માઇલ આવી ગયું. કથા હાથમાં મૉપ સાથે એવી રીતે ઊભી રહી ગઈ હતી જાણે કે તે પલકને પ્રોટેક્ટ કરતી હોય.
વૈભવ આગળ વધ્યો અને કથાએ મૉપ પર પોતાની પકડ મજબૂત કરી.
‘વૈભવ નહીં... પ્લીઝ.’ કથાની પાછળ ઊભેલી પલકની આંખમાં આંસુ હતાં, ‘પ્લીઝ, વૈભવ નહીં.’
ગરદન એક બાજુએ ઝુકાવી વૈભવે કથાની પાછળ છુપાયેલી પલકની સામે જોયું અને પછી હાથમાં રહેલા પોતાના જ કપાયેલા હાથને અવળો કરીને આંગળીઓ ખાવાનું શરૂ કર્યું. બારીમાંથી આવતા પ્રકાશને કારણે વૈભવની આ વિકૃત હરકત સ્પષ્ટ દેખાતી હતી. વૈભવનો ચહેરો પણ ચંદ્રના પ્રકાશમાં ચળકતો હતો. વૈભવના હોઠની બન્ને બાજુના ગાલ અને હડપચી લોહીથી ખરડાયેલાં હતાં.
પલકને ઊબકા આવવા માંડ્યા અને એ જ સમયે વૈભવે તેના મોઢામાંથી આંગળીનું હાડકું જમીન પર થૂંક્યું. ક્ષણવાર માટે વૈભવનું ધ્યાન જમીન પર ગયું અને એ તકનો લાભ લઈને કથાએ આખા શરીરની તાકાત એકઠી કરી મૉપનું સ્ટીલનું હૅન્ડલ વૈભવના માથા પર ઝીંક્યું.
વૈભવ એક તરફ ઝૂક્યો. જેવો તે ઝૂક્યો કે બીજી જ સેકન્ડે પલકનો હાથ પકડી કથા વૈભવની ડાબી બાજુએથી ભાગી. છટકી જવામાં કથા સફળ રહી પણ પલકનો હાથ વૈભવના હાથમાં આવી ગયો અને પલક પાછળની સાઇડ ખેંચાઈ. વૈભવમાં સાંઢ જેવી તાકાત આવી ગઈ હતી.
કથાએ પલકનો હાથ ખેંચવાની કોશિશ કરી પણ વૈભવની પકડમાંથી તે છોડાવી શકી નહીં. પલકનો હાથ પકડીને ઊભેલા વૈભવે જાણે કે તાકાત પણ ન વાપરવી પડતી હોય એવી સહજતા સાથે તે ઊભો હતો. વૈભવના ચહેરા પર લોહી થીજી જાય એવું સ્માઇલ હતું.
કથાએ મૉપનો ફરી ઉપયોગ કર્યો અને જે હાથથી વૈભવે પલકને પકડી હતી એ હાથ પર મૉપ માર્યું. અલબત્ત, આ વખતે એની કોઈ અસર થઈ નહીં. કથાએ વૈભવની સામે જોયું. વૈભવની આંખો પલક પર હતી અને તે હોઠ પર જીભ ફેરવતો હતો. ક્ષણવારમાં કથાના મનમાં વિચાર ઝબકી ગયો અને તે પલકનો હાથ છોડી કિચન તરફ ભાગી.
સવારે જ સામાન ગોઠવતી વખતે કથાના ધ્યાનમાં આવ્યું હતું કે કિચનમાં મટન-ચિકન કાપવાની મોટી બ્લેડવાળી નાઇફ હતી.
lll
‘આ તું ક્યારે લાવી?’
ઑફિસ જતાં પહેલાં કથાએ પલકને પૂછ્યું હતું.
‘હું નથી લાવી. આની મારે શું જરૂર?’ પલકે નાઇફ હાથમાં લીધી હતી, ‘છે સરસ. ક્યારેક કોઈ ઘરમાં ઘૂસી જાય તો ખાચખૂચ-ખાચખૂચ કરીને મારવામાં કામ લાગશે.’
‘સ્ટુપિડ, એવું ન બોલાય...’
ત્યારે તો કથા નીકળી ગઈ હતી પણ રસ્તામાં તેના મનમાં સતત નાઇફ ચાલતી રહી હતી. જો એ નાઇફ એમ જ ઘરમાં પડી હોય તો એની બ્લેડ પર સમયની અસર ચોક્કસ દેખાય. કથાનું કેમિસ્ટ્રી-નૉલેજ કહેતું હતું કે મુંબઈની ભેજવાળી હવામાં તો લોખંડ પર ફેરસ ઑક્સાઇડ બનતાં વાર લાગે નહીં, પણ જે નાઇફ કિચનમાં હતી એ નાઇફ એકદમ નવીનક્કોર હતી.
આવું કેમ બને?
આ એક જ નાઇફ એવી હતી જેની ચમક, જેની ધાર નવી નાઇફ જેવાં જ હતાં. ધ્યાન ખેંચે એવી વાત એ પણ હતી કે કિચનમાં એ નાઇફ સિવાય બીજી કોઈ નાઇફ હતી પણ નહીં. ધારો કે નાઇફનો આખો સેટ હોય તો પણ અજુગતું લાગે નહીં પણ અહીં તો એક જ નાઇફ અને એ પણ...
lll
કિચનમાં દાખલ થઈ ત્યારે કથાના મનમાં એક જ વિચાર ચાલતો હતો.
કાશ, પલકે એ નાઇફ ક્યાંય આડીઅવળી ન મૂકી દીધી હોય!
નસીબજોગે નાઇફ ત્યાં જ હતી જ્યાં સવારે પડી હતી.
નાઇફ લઈને કથા દોડતી બહાર આવી.
બહાર આવી ત્યારે વૈભવના હાથમાંથી છૂટવા માટે પલક રીતસર મથતી હતી અને વૈભવ બાઇટ ભરવા માટે તેને પાસે ખેંચવા મથતો હતો.
‘પલક...’
કથાએ રાડ પાડી અને પછી તાકાત સાથે તેણે પલકને ફરીથી ખેંચવાની કોશિશ કરી પણ વૈભવના હાથમાંથી પલકને છોડાવવાની તાકાત તેનામાં નહોતી. હવે કથાએ નાછૂટકે એ જ સ્ટેપ લેવાનું હતું જેનો વિચાર તેના મનમાં ઝબકી ગયો હતો.
કથાએ ફરી પલકનો હાથ છોડ્યો અને પછી તે વૈભવ અને પલકની વચ્ચે આવી.
કથાએ આંખ બંધ કરી અને શરીરમાં હતી એ તમામ તાકાત એકઠી કરી પલકના હાથ પર ઘા કર્યો.
ખટ...
કાંડા પાસેથી પલકનો હાથ કપાયો અને કોણીના તૂટતા હાડકાનો અવાજ રૂમને ખળભળાવી ગયો.
વૈભવના હાથમાં પલકનો હાથ રહી ગયો અને ઝાટકા સાથે પલક પાછળ ફંગોળાઈ.
lll
‘બેટા, તેં જે કર્યું એ પલકને બચાવવા માટે કર્યું. તારે કોઈ ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી.’ ડૉક્ટર સુબોધ મહેતાએ કથાના માથા પર હાથ ફેરવ્યો, ‘મારિયા પણ એ જ કરતી આવી છે. બમને તેના પર ડાબા હાથે પ્રહાર કર્યો હતો એટલે ઘરમાં રહેનારા અને મારિયાને જે કૅરૅક્ટરલેસ લાગે એનો તે ડાબો હાથ જ કાપે અને પછી ઓવર-બ્લીડિંગના કારણે તેનું મોત થાય...’
‘હા, પણ મેં મારી જાતે મારી ફ્રેન્ડનો હાથ...’
‘બન્નેના ઇરાદામાં ફરક છેને?’ સુબોધ મહેતાએ કહ્યું, ‘મારિયા જીવ લેવા માટે હાથ કાપતી ને તેં પલકનો જીવ બચાવવા માટે તેનો હાથ કાપ્યો.’
કથાની આંખનાં આંસુ ગાલ પર ધસી આવ્યાં.
સુબોધ મહેતાએ આંસુ સાફ કર્યાં અને એ જ સમયે કથાએ ઝાટકા સાથે તેના કાંડા પર પોતાના દાંત બેસાડી દીધા.
ડૉક્ટરની ચીસ નીકળી અને કથાના મોઢામાં માંસનો લોચો આવી ગયો.
‘મા...’
રુસ્તમના ચહેરા પર સ્માઇલ આવ્યું.
સંપૂર્ણ

