ભગવાનરાવ ફ્લૅટની બહાર નીકળ્યા અને મૈત્રીના ફ્લૅટ પાસે પહોંચીને ડોરબેલ મારવા જતા જ હતા ત્યાં મિક્સરનો અવાજ બંધ થયો. ભગવાનરાવ એમ જ સ્ટૅચ્યુ બનીને ફ્લૅટ નંબર ૬૦૧ પાસે ઊભા રહ્યા
ઇલસ્ટ્રેશન
સવારના છ વાગ્યા હતા અને ભગવાનરાવ આપ્ટેની આંખો ખૂલી ગઈ હતી. આમ તો તે આખી રાત સૂતા જ નહોતા. સુસાઇડનો તેમનો પ્લાન સામે નવી રહેવા આવેલી છોકરીએ બગાડી નાખ્યો હતો.
દર અડધા કલાકે કોઈ ને કોઈ વસ્તુ માટે ફ્લૅટનો દરવાજો ખખડાવતી મૈત્રીને એક તબક્કે તો તેમણે રીતસરની ખખડાવી નાખી હતી અને કહી દીધું હતું કે જો હવે મારા ઘરનો દરવાજો ખખડાવીશ તો હું સોસાયટીના પ્રેસિડન્ટને ફરિયાદ કરીશ.
ADVERTISEMENT
‘ભગવાન તો બધાને હેલ્પફુલ બને અને તમે એનું નામ રાખો છો પછી પણ કેવું રાક્ષસ જેવું વર્તો છો...’
રાતે મૈત્રીએ મોઢા પર ચોપડાવેલા શબ્દો અત્યારે પણ ભગવાનરાવના કાનમાં ગુંજવા માંડ્યા અને ભગવાનરાવની આંખોમાં નવેસરથી ગુસ્સો ઉમેરાવો શરૂ થયો. ઉમેરાયેલા આ ગુસ્સાને વદી આપવાનું કામ અચાનક શરૂ થયેલા મિક્સરના અવાજે કર્યું.
ઘરરર...
ભગવાનરાવે કાન પર તકિયો મૂકી દીધો. એકધારો અવાજ ચાલુ રહ્યો એટલે ભગવાનરાવ થોડી સેકન્ડ પછી તકિયો ફેંકીને ઊભા થયા અને મેઇન ડોર તરફ આગળ વધ્યા. ભગવાનરાવનું દિમાગ ફાટ-ફાટ થતું હતું.
‘આજકાલની છોકરી... સંસ્કાર જ નહીં, વડીલો સાથે કેમ વાત કરવી એનું ભાન નથી. આજે તો હું બરાબરનો પાઠ ભણાવીશ.’ દરવાજો ખોલતાં ભગવાનરાવના હોઠ ફફડતા હતા, ‘અત્યારમાં કોનો કાકો આવો દેકારો કરે... આટલો અવાજ...’
ભગવાનરાવ ફ્લૅટની બહાર નીકળ્યા અને મૈત્રીના ફ્લૅટ પાસે પહોંચીને ડોરબેલ મારવા જતા જ હતા ત્યાં મિક્સરનો અવાજ બંધ થયો. ભગવાનરાવ એમ જ સ્ટૅચ્યુ બનીને ફ્લૅટ નંબર ૬૦૧ પાસે ઊભા રહ્યા. મનમાં હતું કે ફરી અવાજ શરૂ થાય એટલે ડોરબેલ વગાડી મૈત્રી પર વરસી પડે, પણ ફરી અવાજ આવ્યો નહીં અને ભગવાનરાવ ભારે મન સાથે પોતાના ફ્લૅટ તરફ પાછા ફર્યા.
‘આજે તો નક્કી કર્યા મુજબ સાંજે જાતનો ખેલ પાડી જ દેવો છે...’
બબડતાં ભગવાનરાવ પોતાના ઘરમાં દાખલ થયા અને એ જ વખતે તેમની પીઠ પાછળથી અવાજ આવ્યો.
‘કંઈ જોઈએ છે અંકલ?’
‘ના...’
એકાક્ષરી જવાબ અને મૈત્રીના ફેસ પર ફરી દરવાજો જોરથી બંધ થયો.
ધડામ...
મૈત્રીના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તે ફરી અંદર ગઈ અને લૅપટૉપ પર કામ કરવા બેસી ગઈ. મૈત્રી એક સૉફ્ટવેર કંપનીમાં ડેટા ઍનલિસ્ટ હતી અને વર્ક-ફ્રૉમ-હોમ કરતી હતી. એકલાં રહેવું, પ્રેગ્નન્સીના આઠમા મહિનાના શારીરિક ફેરફારો સહન કરવા અને સાથે આઠ કલાકની કૉર્પોરેટ શિફ્ટ સાચવવી, આ બધું સહેલું નહોતું. પણ મૈત્રીને કોઈની સહાનુભૂતિ નહોતી જોઈતી. તેણે પોતાનાં આંસુઓને પોતાની તાકાત બનાવી હતી.
lll
સોસાયટીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલી બેન્ચ સાંજના સમયે ન્યુઝચૅનલનું આઉટપુટ સ્ટેશન બની જતી. અત્યારે પણ એ જ માહોલ હતો અને સોસાયટીમાં રહેતાં મિસિસ કુલકર્ણી, રંજનાબહેન મહેતા અને મિસિસ દેસાઈ આવીને એ બેન્ચ પર ગોઠવાઈ ગયાં હતાં. આજે તેમની પાસે નવો ટૉપિક હતો, મૈત્રી શાહ અને જાણે કે મૈત્રીને તેમની વાતોને કારણે હેડકી આવવાની શરૂ થઈ હોય એમ મૈત્રી તેમને દેખાઈ.
રોજ મિનિમમ અડધો કલાક વૉક કરવાની સૂચના ડૉક્ટરે મૈત્રીને આપી હતી અને મૈત્રી ડૉક્ટરની દરેક વાત અત્યંત ચીવટપૂર્વક પાળતી. સાંજે છ વાગ્યે અડધો કલાક કમ્પાઉન્ડમાં વૉક કરવાનો તેણે નિયમ બનાવ્યો હતો. અનિવાર્ય હોય અને પોતે બહાર વૉક માટે જઈ ન શકે તો ટાઇમર સેટ કરીને મૈત્રી ઘરમાં પણ વૉક કરી લેતી.
વાતાવરણમાં ભીની માટીની સુગંધ હતી અને નવી સોસાયટીમાં આવ્યાની ખુશી પણ મૈત્રીના મનનાં હતી. ઇયર-પ્લગમાં ગીતો સાંભળતાં વૉક કરતી મૈત્રીની નજર અનાયાસે જ બૅન્ચ પર બેઠેલી આન્ટીઓ પર પડી અને એમાં એક આન્ટીના ફેસ પર સ્માઇલ આવ્યું એટલે ફૉર્માલિટી માટે મૈત્રીએ મ્યુઝિક બંધ કર્યું અને તેમની પાસે ગઈ.
‘બેટા, તું જ ને, જે કાલે રહેવા આવી?’
‘જી આન્ટી...’
મિસિસ કુલકર્ણીએ મોબાઇલમાંથી નજર ઊંચી કરી.
‘તારા હસબન્ડ નથી દેખાતા? એકલી જ રહેવા આવી છે?’ મૈત્રીએ જેવી હા પાડી કે તરત મિસિસ દેસાઈ બોલ્યાં, ‘આ અવસ્થામાં... કદાચ સાતમો મહિનો ચાલતો હશે. કોઈ છોકરી એકલી આમ રહેવા આવે એ તો સારું ન કહેવાયને...’
હવે વાતમાં રંજનાબહેન ઉમેરાયાં.
‘હવે તો ડિલિવરીનો સમય નજીક છે, પિયર જવાનું હોયને... કે પછી...’ રંજનાબહેને બાજુમાં બેઠેલી પોતાની બહેનપણીઓ સામે જોયું, ‘ઘરનાઓ સાથે બનતું નથી. શું છે, આજકાલ તમારા લોકો માટે તો આ ફૅશન થઈ ગઈ છેને... લગ્ન પહેલાં જ આવું બધું કરી લેવાનું અને પછી છૂટાં પડી જવાનું...’
મૈત્રીના ફેસ પરથી સ્માઇલ અલોપ થયું, પણ કૉન્ફિડન્સ નહીં. તે આત્મવિશ્વાસથી બે ડગલાં આગળ આવી અને બેન્ચ પર બેઠેલી ત્રણેય આન્ટી સામે જોયું અને પછી મિસિસ કુલકર્ણી સામે નજર માંડી.
‘આન્ટી, મેં શું કર્યું અને મારા હસબન્ડ ક્યાં ગયા એની ચિંતા કરવાને બદલે તમે જરા એટલું જુઓ કે તમારો દીકરો રોજ રાતે સ્ટેશનની પાછળની ગલીમાં ઊભો રહીને કેવી સિગારેટ પીએ છે?’ મૈત્રીએ હવે રંજનાબહેન સામે જોયું, ‘આન્ટી, તમે તમારા હસબન્ડ પર ધ્યાન રાખો. ઓવર-ટાઇમના નામે એ કેવી-કેવી જગ્યાએ જાય છે એની તમને ખબર પડશે તો તમે તમારી આ ફ્રેન્ડ્સને મોઢું પણ નહીં દેખાડી શકો.’
રંજનાબહેન અને કુલકર્ણીના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ અને મૈત્રીએ મિસિસ દેસાઈ સામે જોયું.
‘તમારી વાત કહેવામાં મને કોઈ વાંધો નથી, એટલા માટે કે તમે તો તમારી દીકરીને લઈને જે ગાયનેક પાસે આવ્યાં હતાં એ ગાયનેકને હું કન્સલ્ટ કરું છું... પણ વાત તમારી દીકરીની છે એટલે હું વધારે કશું બોલતી નથી.’ આછા નિસાસા સાથે મૈત્રીએ ફરીથી વારાફરતી ત્રણેય આન્ટી પર નજર કરી, ‘વાત રહી મારી, તો મને તમારા સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. હું એકલી એટલે છું, કારણ કે મને તમારા જેવી મેન્ટાલિટી ધરાવતા લોકો વચ્ચે મારા બાળકને મોટું નથી કરવું. હવે પછી ફરી ક્યારેય જો મારી પર્સનલ લાઇફ વિશે વાત કે ગૉસિપ કરી છે તો અત્યારે જે કહ્યું એ બધું સોસાયટીના વૉટ્સઍપ ગ્રુપમાં જાહેર કરીશ, જે મને ગમશે નહીં...’
મૈત્રી ત્યાંથી નીકળી ગઈ. પેલી ત્રણેય આન્ટીઓ અવાક્ હતી.
lll
‘પોરગી મધે દમ આહે...’
ભગવાનરાવના મોઢામાંથી
નીકળી ગઈ.
સોસાયટીમાં દાખલ થતાં તેણે મૈત્રી અને બધી મહિલાઓને જોઈ અને તે ઊભા રહી ગયા હતા. ઇચ્છા તો તેમની સવારના મિક્સરના અવાજને કારણે મૈત્રીને ખખડાવવાની હતી, પણ મૈત્રીએ જે રીતે આન્ટીઓનો વારો કાઢ્યો એ જોઈને ભગવાનરાવના મનમાં તેના પ્રત્યે એક અજીબ પ્રકારનું માન જાગી ગયું હતું. અલબત્ત, તે આ વાત ક્યારેય સ્વીકારવાના નહોતા, જેની તેમને સુપેરે ખબર હતી.
‘પોરગી મધે દમ આહે...’ ભગવાનરાવના ચહેરા પર સ્માઇલ હતું, ‘આ કૂથલીખોર બાઈઓને આમ જ ચોપડાવવી પડે... હવે આ બધી બાઈઓ સીધી થઈ જશે.’
ભગવાનરાવને ક્યાં ખબર હતી કે આ બાઈઓ પણ કંઈ ઓછી ઊતરે એમ નહોતી. એ મૈત્રી પર એવો વળતો ઘા કરવાની હતી, જેની કલ્પના મૈત્રી સુધ્ધાંએ કરી નહોતી.
lll
ડિંગ ડોંગ...
ડોરબેલ વાગી અને મૈત્રીએ દરવાજો ખોલ્યો. સામે સોસાયટીના સેક્રેટરી રણજિત બક્ષી હાથમાં ફાઇલ લઈને ઊભા હતા.
‘મિસ મૈત્રી...’ બક્ષીને કોઈ પૂર્વભૂમિકાની જરૂર નહોતી, ‘તમારે આ ફ્લૅટ ખાલી કરવાનો છે, આ નોટિસ. સાત દિવસમાં ફ્લૅટ ખાલી કરી નાખજો. મારે ઓનર સાથે વાત થઈ ગઈ છે.’
‘શું કામ?’ ગભરાટ વચ્ચે પણ મૈત્રીએ શાંતિથી સ્પષ્ટતા કરી, ‘મારું અગિયાર મહિનાનું લીવ ઍન્ડ લાઇસન્સ ઍગ્રીમેન્ટ છે. ખાલી કરવા માટે કોઈ રીઝન...’
‘હા, તમે ઍગ્રીમેન્ટમાં મેન્શન નથી કર્યું કે તમે સિંગલ છો અને પ્રેગ્નન્ટ છો.’ બક્ષીએ જવાબ આપ્યો, ‘અમારી સોસાયટીના રેઝોલ્યુશન મુજબ, કોઈ પણ સિંગલ વુમનને, ખાસ કરીને આવી હાલતમાં, અમે ફ્લૅટ રેન્ટ પર નથી આપતા. તમારે ત્યાં આ સિચુએશનમાં કોઈ ઇમર્જન્સી આવે તો જવાબદારી કોની?’
‘અરે પણ...’
‘લિસન ટુ મી કૅરફુલી...’ બક્ષીએ સહેજ દાદાગીરી સાથે કહ્યું, ‘અમારે કોઈ ટેન્શન જોઈતું નથી અને અમે પોલીસકેસમાં પણ પડવા નથી માગતા. ઓનર સાથે મારી વાત થઈ ગઈ છે, સાત દિવસમાં ફ્લૅટ ખાલી કરજો, નહીંતર અમારે નાછૂટકે લીગલ ઍક્શન લેવી પડશે અને તમને અહીંથી કાઢવાં પડશે...’
‘સર પ્લીઝ...’ મૈત્રી પહેલી વાર સહેજ મૂંઝાઈ, ‘મારે લીધે કોઈ હેરાન નહીં થાય. અને... અને મને કોઈની હેલ્પ પણ નથી જોઈતી. તમે ટેન્શન નહીં કરો.’
‘રૂલ્સ આર રૂલ્સ. સૉરી...’
બક્ષીના ચહેરા પર ભારોભાર નિષ્ઠુરતા હતી. તેણે નોટિસનો ઘા કર્યો અને જવા માટે ટર્ન થયા કે તેની પીઠ પર અવાજ અથડાયો.
‘થાંબા...’
બક્ષીએ પાછળ જોયું, પાછળ ભગવાનરાવ આપ્ટે ઊભા હતા, તેની આંખોમાં જે આગ હતી એ બક્ષીને બાળી નાખવા માટે પૂરતી હતી.
‘તું સોસાયટીનો સેક્રેટરી છે, સુપ્રીમનો જજ નહીં. આ નોટિસ ગેરકાયદે છે.’
બક્ષી થોડો ગભરાયો, પણ પોતાની સત્તા તેણે અકબંધ રાખી.
‘વડીલ, તમે વચ્ચે નહીં પડો. સોસાયટીનો કાયદો છે...’
‘તું મને કાયદો શીખવીશ...’ ભગવાનરાવે હાથમાં રહેલું પુસ્તક બક્ષીને ધર્યું, ‘મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટી ઍક્ટ, ૧૯૬૦, સેક્શન ૨૨ અને ૨૩ વાંચ! ભાડૂતને કોઈ સોસાયટી તેની જાતિ, ધર્મ, વૈવાહિક સ્થિતિ કે લિંગના આધારે ભેદભાવ કરી શકે નહીં. જો આ છોકરી રજિસ્ટ્રાર ઑફિસમાં ફરિયાદ કરશે તો સોસાયટીની કમિટી બરખાસ્ત થશે ને તારે જેલમાં જવું પડશે!’
‘પણ વડીલ, આ એકલી છે, પ્રેગ્નન્ટ છે...’
‘કોણે કીધું આ એકલી છે? હું તેનો ગાર્ડિયન છું!’ ભગવાનરાવના અવાજમાં દૃઢતા હતી, ‘તેની જવાબદારી મારી. આની ઇમર્જન્સીની જવાબદારી મારી. ચાલ, ફૂટ... જા...’
કંઈ પણ બોલ્યા વિના બક્ષી ત્યાંથી નીકળી ગયો.
પૅસેજમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. મૈત્રી સ્તબ્ધ ઊભી હતી. તેની આંખો ભીની થઈ ગઈ. જેને તે ખડૂસ માનતી હતી તે માણસ આજે ઢાલ બનીને તેની સામે ઊભો રહ્યો. મૈત્રીને પહેલી વાર કોઈ પુરુષ પાસેથી આવો સપોર્ટ મળ્યો હતો.
‘થૅન્ક યુ. તમે મારા માટે
આટલું મોટું...’
‘એ ગપ રે...’ ભગવાનરાવ તરત પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગયા, ‘મેં આ તારા માટે નથી કર્યું, સમજ પડી? નિયમો તૂટે એ મને પસંદ નથી. બક્ષી કાયદાની વિરુદ્ધ જતો હતો એટલે હું વચ્ચે પડ્યો. અને હા, પેલું ગાર્ડિયનવાળું તો મેં એને ડરાવવા માટે જ કીધું છે. બાકી તારે અને મારે કોઈ લેવાદેવા નથી. ઘરનું બારણું ઠોકવા આવતી નહીં...’
ધડામ...
મૈત્રીના ફેસ પર ફરીથી દરવાજો બંધ થઈ ગયો.
lll
ઠક... ઠક...
‘આ સાલ્લી રાં...’ પોતાની જ જીભ પર કન્ટ્રોલ મૂકતાં ભગવાનરાવ ઊભા થયા, ‘ના પાડી છે તોય દરવાજો ઠોકે છે. આ જ તો...’
હાથમાં લાકડી લઈને ભગવાનરાવે દરવાજો ખોલ્યો અને દરવાજો ખૂલતાં જ જાણીતી સોડમ તેમના નાકમાં પ્રવેશી ગઈ. બફાયેલી તુવેરદાળ અને એની સાથે મિક્સ કરવામાં આવેલી એલચી, જાયફળ અને ઘીની મધુર સુગંધ.
ભગવાનરાવ કંઈ બોલે એ પહેલાં જ મૈત્રીએ તેમની સામે ડબ્બો ધર્યો.
‘મને ખબર છે, તમે મારા માટે નહીં પણ કાયદા માટે લડ્યા... આ તો જસ્ટ મેં પહેલી વાર પૂરણપોળી બનાવી એટલે આપવા આવી. મારાં દાદી કહેતાં કે પ્રેગ્નન્ટ લેડી કંઈ પણ આપે એની ના ન કહેવી જોઈએ, નહીં તો અપશુકન થાય.’
ભગવાનરાવ હજુ પણ સ્ટૅચ્યુ બનીને ઊભા હતા.
‘લઈ લો... લાઇફમાં છેલ્લી વાર ખાઓ છો એવું સમજીને લઈ લો.’ મૈત્રીએ ભગવાનરાવનો હાથ ખેંચીને તેમના હાથમાં પ્લેટ મૂકી, ‘પેટ ભરેલી હાલતમાં સુસાઇડ કરીએ તો મોક્ષ વહેલો મળે...’
ધડામ...
પ્લેટ સાથે ભગવાનરાવે દરવાજો બંધ કરી દીધો, પણ બે તૂટેલી વ્યક્તિ એકબીજાના ઘા રુઝાવવા અજાણતાં જ એકબીજાની જિંદગીમાં દાખલ થવા માંડી હતી.
(ક્રમશ:)
