રેલવે સુરક્ષા બળો પહોંચે અને નજીકના સ્ટેશન પર ગાડી રોકવામાં આવે એ પહેલાં મહિલાએ ટ્રેનમાં જ એક બાળકને જન્મ આપી દીધો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઓડિશાની રાઉરકેલા-ગુનુપુર રાજ્યરાણી એક્સપ્રેસમાં સફર કરતી એક ગર્ભવતી મહિલાને રવિવારે સાંજે અચાનક જ પ્રસવની પીડા શરૂ થઈ ગઈ હતી. આસપાસના પૅસેન્જરોએ રેલવે અધિકારીઓને જાણ કરી હતી. જોકે રેલવે સુરક્ષા બળો પહોંચે અને નજીકના સ્ટેશન પર ગાડી રોકવામાં આવે એ પહેલાં મહિલાએ ટ્રેનમાં જ એક બાળકને જન્મ આપી દીધો હતો.
સહપ્રવાસીઓની મદદથી એક બાળકની ડિલિવરી થઈ ગઈ હતી. જોકે હજી બીજું બાળક અવતરવાનું બાકી હતું એટલે કટક સ્ટેશન પર મહિલાને ઉતારીને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે અહીં પણ ફરી પ્રસવની પીડા એટલી જોરથી ઊપડી કે ઍમ્બ્યુલન્સમાં જ બીજા બાળકનો જન્મ પણ થઈ ગયો. ટૂંકમાં એક માની કૂખે ૧૦ મિનિટના અંતરે બે બાળકો જન્મ્યાં, પરંતુ એક ટ્રેનમાં જન્મ્યું અને બીજું ઍમ્બ્યુલન્સમાં.
