૨૦ વર્ષની સિયા ગોયલને અરેન્જ્ડ મૅરેજ નહોતાં કરવાં એટલે પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને ફિયૉન્સેને ૪૦૦ ફુટ ઊંડી ખીણમાં ધક્કો મારીને પાડી દીધો
ખીણમાંથી બહાર કાઢવામાં આવેલી ડેડ-બૉડી.
લોનાવલા નજીક આવેલા ઐતિહાસિક લોહગડ કિલ્લા પરથી પગ લપસી જવાથી ૧૮ જૂને સવારે પુણેના ૨૪ વર્ષના કેતન અગ્રવાલના થયેલા મોતના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કોઈ અકસ્માત નહોતો પરંતુ કેતનની ભાવિ પત્ની થનારી ૨૦ વર્ષની સિયા ગોયલે તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને ઘડેલું અત્યંત ક્રૂર અને ઠંડા કલેજાનું કાવતરું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. શરૂઆતમાં લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનમાં અૅક્સિડેન્ટલ ડેથનો અકસ્માત મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે કેતન નિયમિત ટ્રેકર હોવાથી તેનું આ રીતે અચાનક પડી જવું પોલીસને શંકાસ્પદ લાગ્યું હતું. આ ઉપરાંત ઘટનાસ્થળ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં ભયંકર ગરમીમાં પણ એક યુવાન જૅકેટ અને હૂડી પહેરીને એ વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં કેતનના પરિવારે પણ આ વિશે આશંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસની તપાસમાં તમામ ચોંકાવનારી માહિતીનો ખુલાસો થયો હતો. આ કેસમાં સિયા અને તેના પ્રેમી ચેતનની પોલીસે ધરપકડ કરી છે.

ADVERTISEMENT
કેતન અગ્રવાલ, સિયા ગોયલ, ચેતન ચૌધરી
એક ઇશારાને કારણે ઊભી થઈ શંકા
લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનેશ તાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની માહિતી આરોપી યુવતીએ પોતે જ પોલીસના કન્ટ્રોલ-રૂમને આપી હતી. એની જાણ થતાં જ તાત્કાલિક અમારા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એ સમયે કેતન નીચે કેવી રીતે પડ્યો એની માહિતી આપતી વખતે મહિલાએ એક-બે વખત પોતાનું સ્ટેટમેન્ટ બદલ્યું હતું જેને કારણે તેના પર શંકા જવાની શરૂઆત થઈ હતી. તેથી અમે આવા કેસમાં જે કામ સૌથી છેલ્લે કરીએ છીએ એ સૌથી પહેલાં કર્યું હતું. અમે નીચેથી ઉપર આવવા માટે જ્યાંથી ટિકિટ લેવી પડે છે એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં કેતન અને સિયા સામાન્ય રીતે ચાલીને આવતાં જોવા મળ્યાં હતાં, પણ તેમની પાછળ ચહેરો ઢંકાઈ જાય એ પ્રકારની હૂડી પહેરીને એક યુવાન દોડતો આવતો દેખાયો હતો. તે યુવાન સિયાની પાછળ આવીને એક જગ્યાએ બેસી ગયો હતો અને તેણે સિયાને એક વાર ઇશારો પણ કર્યો હતો જે CCTV કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટ દેખાયું હતું. આનાથી અમારી બીજી શંકા ઊભી થઈ હતી. ત્યાર બાદ અમે કિલ્લા તરફ આવવાના રસ્તાના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં, જેમાં સિયા કેતન સાથે ચાલી તો રહી હતી પણ દર બે મિનિટે તે પાછળ જોઈ રહી હતી. એ જોઈને અમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે દાળમાં કંઈક કાળું છે.’
લવ-ટ્રાયેન્ગલનો પર્દાફાશ
લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેતનના પરિવારની ફરિયાદના આધારે અમે ખાનગી બાતમીદારો, સાક્ષીઓ, કૉલ ડીટેલ્સ રેકૉર્ડ્સ (CDR), ઇન્ટરનેટ પ્રોટોકૉલ ડીટેલ રેકૉર્ડ (IPDR) ઍનૅલિસિસ જેવા ટેક્નિકલ પુરાવાઓની મદદથી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે સિયા ગોયલને પુણે માર્કેટયાર્ડ વિસ્તારમાં દુકાન ધરાવતા ચેતન ચૌધરી નામના યુવક સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. સિયા આ લગ્ન કરવા ઇચ્છતી નહોતી અને કેતન તેમના પ્રેમસંબંધોમાં અડચણરૂપ બની રહ્યો હોવાથી સિયા અને ચેતને તેને રસ્તામાંથી હટાવવાનો પૂર્વઆયોજિત પ્લાન બનાવ્યો હતો.’
પાસપોર્ટની ચોરી
લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે કેતનની હત્યા કરવા માટે આ પહેલાં પણ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જૂનના પ્રથમ અઠવાડિયામાં કેતન અને સિયા પ્રી-વેડિંગ શૂટ માટે ઇન્ડોનેશિયાના બાલી જવાનાં હતાં. તેઓ પુણેથી મુંબઈ ઍરપોર્ટ જવા નીકળ્યાં પણ હતાં, પરંતુ ઍરપોર્ટ પહોંચતાં જ ખબર પડી કે કેતનનો પાસપોર્ટ ગાયબ છે. આ કારણે પ્રવાસ રદ કરીને તેમણે પાછા ફરવું પડ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે સિયાએ પોતે જ કેતનનો પાસપોર્ટ ચોરીને ક્યાંક સંતાડી દીધો હતો જેથી તે બાલી ન જઈ શકે અને તેનો પ્લાન સફળ ન થાય.’
કિલ્લા પર હત્યાનો બીજો પ્રયાસ
લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘બાલીની ટ્રિપ કૅન્સલ કરાવ્યા બાદ ૧૪ જૂને સિયા કેતનને લોહગડ કિલ્લા પર લઈ ગઈ હતી, પરંતુ એ દિવસે સંજોગો અનુકૂળ ન હોવા ઉપરાંત હિંમત ન ચાલવાને કારણે તેમનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બાદ ૧૯ જૂને સિયાનો જન્મદિવસ હોવાથી પરિવારે મહાબળેશ્વરમાં મોટી ઉજવણીનું આયોજન કર્યું હતું, પરંતુ સિયાએ જીદ કરીને ૧૮ જૂને જ કેતનને લોહગડ ટ્રેકિંગ માટે રાજી કર્યો. નક્કી કરેલા પ્લાન મુજબ તેનો પ્રેમી ચેતન ચૌધરી કિલ્લા પર પહેલેથી જ હાજર હતો. કિલ્લા પર ફરતી વખતે તક મળતાં જ સિયા અને ચેતને પાછળથી આવીને કેતનને ૪૦૦ ફુટ ઊંડી ખીણમાં ધકેલી દીધો, જ્યાં તેનું મોત થયું હતું.’
હૂડી પહેરેલા યુવકે ખોલ્યું રહસ્ય
લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘કેતન ખીણમાં પડી ગયો હોવાની માહિતી મળતાં અમે સ્થાનિક શિવદુર્ગ રેસ્ક્યુ ટીમની બચાવટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ખીણમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પરિવાર તેમ જ શિવદુર્ગ રેસ્ક્યુ ટીમના સભ્યોએ શંકા વ્યક્ત કરતાં કિલ્લા પરના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે ૧૮ જૂને સવારે સાડાદસ વાગ્યે ભારે ગરમી અને તડકો હોવા છતાં એક યુવક મોટી હૂડી પહેરીને, હેડફોન લગાવીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં આ યુવક બીજો કોઈ નહીં પણ સિયાનો પ્રેમી ચેતન ચૌધરી હોવાનું સાબિત થયું અને પોલીસે આ હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો.’
બન્ને પરિવારો પ્રતિષ્ઠિત
કેતન અગ્રવાલ પિંપરી-ચિંચવડના જાણીતા કન્સ્ટ્રક્શન બિઝનેસમૅન વિશાલ અગ્રવાલનો પુત્ર હતો, જ્યારે સિયા અને ચેતનનો પરિવાર પણ પુણેના માર્કેટયાર્ડ વિસ્તારમાં મોટો વેપાર ધરાવે છે. પુણે ગ્રામીણના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંદીપ સિંહ ગિલે સત્તાવાર માહિતી આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘આ ત્રણેય પરિવારો પ્રતિષ્ઠિત વ્યાપારી ક્ષેત્રના છે. સિયા અને ચેતને આ ઘટનાના એક અઠવાડિયા પહેલાંથી જ લોહગડ કિલ્લા પર જઈને રેકી કરી હતી.’
શાહી લગ્નની તૈયારીઓ વચ્ચે માતમનો માહોલ
કેતન અને સિયાનાં લગ્ન નવેમ્બર મહિનામાં રાજસ્થાનના ઉદયપુર ખાતે ખૂબ જ ધૂમધામથી શાહી અંદાજમાં થવાનાં હતાં. આ ભવ્ય લગ્ન માટે મોટા પ્રમાણમાં પૈસા ખર્ચવામાં આવી રહ્યા હતા, જેમાં આખો પૅલેસ અને મહેમાનો માટે પ્રાઇવેટ જેટ પણ બુક કરવામાં આવ્યું હતું. બન્ને પરિવારો આ લગ્નને લઈને ભારે ઉત્સાહમાં હતા અને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જોકે સિયાના આ ખોફનાક કાવતરાએ બન્ને પરિવારોની ખુશીને પળવારમાં માતમમાં ફેરવી દીધી છે.
સિયાની ભાવુક ઇન્સ્ટાગ્રામ-પોસ્ટ પાછળ છુપાયેલું હતું હત્યાનું કાવતરું
કેતન અગ્રવાલની હત્યાના મામલામાં તેની મંગેતર સિયા ગોયલની ૧૯ જૂનની ઇન્સ્ટાગ્રામ-પોસ્ટ સોશ્યલ મીડિયા પર ગઈ કાલે ભારે વાઇરલ થઈ હતી. કેતનના રહસ્યમય મૃત્યુ પછી સિયાએ પોતાના જન્મદિવસ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે ‘હું તને ખૂબ જ પ્રેમ કરતી હતી, તું મને કેમ છોડી ગયો?’ શરૂઆતમાં આ ઘટનાને લોહગડ કિલ્લા પર ટ્રેકિંગ દરમ્યાન થયેલો અકસ્માત માનીને લોકો સિયા તરફ સહાનુભૂતિ દર્શાવતા હતા. જોકે પોલીસતપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સિયાએ તેના પ્રેમી સાથે મળીને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને એને અકસ્માતનું રૂપ આપ્યું હતું.
