તું જ બોલ, તને શું જોઈએ? અતુલ્યની કીકીમાં ગંભીરતા ઊપસી, તારા માટે તો જાન આપવા સુધીની મારી તૈયારી છે
ઇલસ્ટ્રેશન
દૂર ક્યાંક ગુંજતા લતાના ચિરંજીવ સ્વરે તેના હોઠ અનાયાસ મલકી પડ્યા : આ તો મારું પ્રિય ગીત! કૉલેજના પહેલા વરસની મ્યુઝિકલ ઈવમાં મેં આ ગીત ગાયેલું. એને વન્સ મોરની સાથે પહેલું ઇનામ તો મળ્યું જ હતું, એનાથી સુંદર ઘટના બીજા દિવસે ઘટી હતી...
આગલી રાતનો અજંપો ખંખેરાઈ ગયો હોય એમ રેવાના ચહેરા પર મુગ્ધતા છવાઈ. બાલ્કનીના હીંચકાને ઠેસી મારીને તે મીઠું સંભારણું વાગોળી રહી:
ADVERTISEMENT
સરકારી ગ્રાન્ટ ધરાવતી ચર્ની રોડની ધરમદાસ મહેતા (ડી. એમ.) કૉલેજના કૅમ્પસમાં મધ્યમ વર્ગના સ્ટુડન્ટ્સ ભેગા શ્રીમંત ઘરના વારસદારો પણ દાખલો લેતા. મૅનેજમેન્ટનાં ચુસ્ત ધારાધોરણોને કારણે વર્ગભેદ વર્તાતો નહીં. અન્ય મહાવિદ્યાલયોમાં સામાન્ય થઈ પડેલા રૅગિંગ જેવા દૂષણનો ચોખ્ખો અભાવ. એટલે તો પોતે પામતા પહોંચેલા હોવા છતાં વિકાસભાઈએ એકની એક દીકરીનું ઍડ્મિશન ડી. એમ.માં કરાવ્યું હતું. માતા અચલાબહેનની એમાં સાહેદી હતી : રૂપગુણના સમન્વય જેવી મારી રેવા માટે ફિકર કરવાની હોય જ નહીં. બધી પરિસ્થિતિને પહોંચી વળવા જેટલી હોશિયારી અને આત્મવિશ્વાસ તેનામાં છે જ. છતાંય દીકરી ઊડે એ આકાશ શિકારી બાજોથી ખાલી હોય એની નિરાંત તો માવતર જ જાણી-સમજી શકે!
જાણીતી ફાર્મા કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્તિ પામેલા મૂળ કાઠિયાવાડના વિકાસભાઈનો પ્રભાવ સમાજમાં પથરાયો હતો. વાલકેશ્વરમાં મોટો બંગલો હતો, આઉટહાઉસ ઉપરાંત પાંચ કારનું અલાયદું પાર્કિંગ હતું અને છતાં પતિ-પત્નીની સાદગી આંખે વળગે એવી હતી. એમાં દંભ નથી એ પરખાયા પછી મોટી થતી રેવામાં પણ એ ગુણ આત્મસાત્ થતો ગયો.
બસમાં અપડાઉન કરતી કન્યા કેટલી અમીર છે એની કૉલેજમાં તો બહુ મોડે-મોડે સૌને ખબર પડી! રેવા પોતાની આર્થિક સ્થિતિ છુપાવતી એવું નહીં, પણ પૈસાના દેખાડામાં તે માનતી નહીં. આમ પણ રેવાના વ્યક્તિત્વના તેજને કારણે તેને સિસોટી મારીને બોલાવવાની કે તેના પર કાગળનું તીર ફેંકવાની હરકત કરવાની કોઈની હામ નહોતી થતી.
આવામાં કૉલેજની ઇવેન્ટમાં પોતાનું મનગમતું ગીત ગાઈ પહેલું ઇનામ મેળવીને રેવાએ પોતાની વધુ એક ટૅલન્ટનો પરિચય આપ્યો એના બીજા દિવસે જે થયું એ તો રેવાની પણ કલ્પના બહારનું હતું...
અત્યારે મીઠી મુસ્કાનભેર રેવા ૩ વરસ અગાઉની એ ઘટના વાગોળી રહી:
‘હાય રેવા!’
બીજી સવારે કૉલેજ પહોંચેલી રેવાને તેણે ગેટ પર જ આંતરી.
ના, રેવાથી તે જુવાન અજાણ્યો નહોતો. વીત્યા છ-આઠ મહિનામાં તેની સાથે ક્યારેય સીધું હાય-હલો પણ ભલે થયું નથી છતાં કૅમ્પસનો સૌથી સોહામણો જુવાન રેવાથી પણ અજાણ્યો કેમ રહે! આર્ટ્સમાં માસ્ટર્સ કરતો તે રેવાથી સહેજે પાંચેક વરસ મોટો હશે.
તે આજે એકદમ મને કેમ આવકારે છે? રેવાની કીકીમાં સહેજસાજ અચરજ છવાયું.
‘માયસેલ્ફ અતુલ્ય જાની.’
તેણે કહેતાં રેવાથી બોલી જવાયું, ‘જાણું છું. તમે અમારા સુપરસિનિયર છો.’
સાંભળીને તે આંખના ખૂણે મલક્યો. એવો તો આકર્ષક લાગ્યો!
‘થૅન્ક્સ.’ તે મુદ્દે આવ્યો, ‘કાલે તમારું ગીત સાંભળ્યું. તમે લતાજીની કક્ષાનું ગાયું એવું કહીશ તો-તો કોઈ બધિર પણ નહીં માને; પણ હા, તમે તમારું શ્રેષ્ઠ ગાયું એટલું જરૂર કહીશ.’
રેવાને તેની સાચું કહેવાની નિખાલસતા ગમી.
‘સાચું કહું તો મને તમારા ગાયન કરતાં ગીત ગાતી વખતના હાવભાવ વધુ ગમ્યા. બોલો, તમારે સ્ટેજ પર અભિનય કરવો છે?’
હેં! અણધાર્યા પ્રસ્તાવે રેવા ચોંકી ગઈ.
પછી જાણ્યું કે ભાયખલાની ચાલમાં રહેતો અતુલ્ય વરલીના કાલિદાસ ઑડિટોરિયમના સંચાલક તરીકે પાર્ટટાઇમ જૉબ કરે છે અને સાંજ-રાત્રિના શો તે જ હૅન્ડલ કરતો હોય છે. એ હિસાબે ગુજરાતી-મરાઠી રંગભૂમિ સાથે તેના ઘણા કૉન્ટૅક્ટ્સ છે. ઇન ફૅક્ટ, ભવિષ્યમાં તે નાટ્યનિર્માણમાં ઝંપલાવવાનું પણ વિચારે છે જાણીને અભિભૂત પણ થવાયું : અતુલ્ય કેવો દીર્ઘદ્રષ્ટા છે! તેના સંકલ્પમાં શક્તિ છે, પથ્થરમાંથી પાણી કાઢવાની દૃઢતા છે. તેની આજ ભલે સાવ સાધારણ હોય, આવતી કાલ ઊજળી છે એમાં સંશય નથી!
અલબત્ત, અભિનયમાં રેવાને રસ નહોતો એટલે તેણે અતુલ્યને ઇનકાર ફરમાવ્યો એથી માઠું લગાડવાને બદલે તે મલક્યો હતો : આજે ભલે ના કહે છે, મારા પહેલા નાટકમાં તારે કૅમિયો તો જરૂર કરવો પડશે...
તેના આગ્રહમાં મૈત્રીનો કૉલ હતો. રેવાએ એને ઝીલ્યો.
- અને થોડા મહિનામાં એ મૈત્રી પ્રણયના દાયરામાં ક્યારે પહોંચી ગઈ એની ગત પણ મને ક્યાં રહી? રેવાએ હળવો નિ:શ્વાસ નાખીને કડી સાંધી:
કેવળ અતુલ્યના દેખાવથી ખેંચાય એવું તો રેવાનું બંધારણ જ ક્યાં હતું? માબાપની છત્રછાયા ગુમાવી ચૂકેલો અનાથ જુવાન ભાડાની ખોલીમાં રહેતો હોવા છતાં કેટલો સ્વમાની છે, મોજીલો છે. તેનાં સપનાં ઊંચાં છે અને એને સાકાર કરવાનું કૌવત તેની વાતોમાં પડઘાય છે... પરિણામે અતુલ્યની કૉલેજ પત્યા પછી પણ બેઉનો સંપર્ક રહ્યો. તેના આગ્રહે એક-બે વાર વરલીના થિયેટર પર નાટક જોવાનું બન્યું ત્યારે તેણે આગલી હરોળમાં બેઠકની વ્યવસ્થા કરી આપેલી એ VIP વેલકમ રેવાના કુંવારા હૈયાને ગલીપચી કરાવી ગયું હતું! અતુલ્ય જોકે વ્યવસ્થામાં વ્યસ્ત હતો તોય મધ્યાંતરમાં રેવા માટે અહીંની બહુ વખણાતી કૅન્ટીનનાં વડાપાંઉ વિના ઑર્ડર કર્યે આવી ગયાં. નીકળતી વેળા રેવાએ આભાર માન્યો તો તેણે ડોક ધુણાવી : એમ આભારથી નહીં ચાલે, આ તો મારું ઇન્વેસ્ટમેન્ટ છે. બદલામાં તારા કૅમિયોથી ઓછું આપણને નહીં ખપે, કહી રાખું છું!
બે-ચાર વાર આવો ઉલ્લેખ થયો એ પછી એક વાર રેવાએ પણ મજાક છેડી : એક વડાપાંઉના બદલામાં તમારે કૅમિયો કરાવવો છે? ખરા કંજૂસ.
‘તું જ બોલ, તને શું જોઈએ?’ અતુલ્યની કીકીમાં ગંભીરતા ઊપસી, ‘તારા માટે તો જાન આપવા સુધીની મારી તૈયારી છે.’
એ એક વાક્ય... એને કહેવાની લઢણ... અને એ કહેતી વેળા બોલનારની આંખોમાં પડઘાતો ભાવ... એ પ્રણય સિવાય બીજું તો શું હોય!
રેવા છૂઈમૂઈ થઈ. અતુલ્યએ તેનો હાથ પકડ્યો ને બસ, મુલાયમ એ સ્પર્શે પ્રણય સીધો રેવાના રુદિયે પહોંચી ગયો!
આની જાણ માવતરને કરવાની જ હોય, પણ અતુલ્યએ સમજાવ્યું : પહેલાં તું ગ્રૅજ્યુએટ થઈ જા, ત્યાં સુધીમાં હું પણ ચાલીમાંથી ફ્લૅટ સુધી તો પહોંચી જાઉં.
તેની વાણીમાં ખુદ્દારીનો પડઘો હતો. અલબત્ત, પૈસાથી વધુ ખાનદાનીને પોંખતાં પોતાનાં માવતર અતુલ્યની આર્થિક સ્થિતિ નહીં, તેની કાબેલિયત જોઈ-તાણીને ખુશી-ખુશી અશીર્વાદ આપશે એવી રેવાને શ્રદ્ધા હતી જ એમ અતુલ્યનો અભિગમ પણ સ્વીકારવો પડ્યો : તે ફાઇનૅન્શિયલી થોડો વધુ સ્ટેબલ થવા માગતો હોય તો એનો ઇનકાર પણ કેમ હોય? આખરે લગ્ન પછી સંસારની જવાબદારીઓ વધવાની એટલે પણ અતુલ્યની મુદત વ્યવહારુ લાગે છે...
ત્યારે ક્યાં જાણ હતી કે માબાપથી છુપામણી મને દુવિધામાં મૂકી દેશે?
રેવાએ નિસાસો ખાળીને સ્મરણયાત્રાને ધક્કો માર્યો:
રેવા ગ્રૅજ્યુએટ થઈ રહી ત્યાં સુધીમાં પ્રણય પુરબહાર પાંગરી ચૂક્યો, જેની ત્રીજા કોઈને ગંધ નહોતી. સપનાંમાં આવીને અતુલ્ય કેવું સતાવી જતો!
અને હજી ગઈ કાલે યુનિવર્સિટીની ઑફિસમાંથી બી.એ.નું ડિગ્રી સર્ટિફિકેટ કલેક્ટ કરીને ઉલ્લાસભેર ઘરે વળતી રેવા વરલીના થિયેટરનો લાંબો ચકરાવો લઈ પ્રીતમ સાથે પાકું કરીને નીકળી હતી : ઘરે જઈ પપ્પા-મમ્મીને આપણો ભેદ કહીને આશીર્વાદ મેળવી લેવાની છું... ત્રણ-ત્રણ વરસથી મેં તેમનાથી છાનું રાખ્યું એ બદલ વઢશે તો ખમી લઈશ, પણ છેવટે તો મારા પેરન્ટ્સ મારી ખુશીમાં જ ખુશ હોવાના! હમણાં તમે તમારા પહેલા નાટકના પ્રી-પ્રોડક્શન વર્કમાં બહુ વ્યસ્ત રહો છો એ જાણું છું; પણ તમને જોવા-મળવા પપ્પા કૉલ કરે તો આવી રહેજો, આજે આપણું મારા ઘરે પહેલું સજોડે ડિનર હશે!
ગલત.
ઘરમાં પગ મૂકતાં જ રેવાની ધારણાનો પરપોટો ફૂટી ગયો. ઘરે મહેમાન હતા. પિતાના બાળપણના મિત્ર વરસો પછી અમેરિકાથી ભારત આવ્યા હતા. સાથે તેમનાં પત્ની અને યુવાન પુત્ર હતો અને પુત્ર પણ કેવો – જાણે પરીકથાનો કોઈ રાજકુમાર ચીતર્યો હોય એવો!
‘આ અમારી દીકરી રેવા.’ અચલાબહેને હોંશભેર પરિચય આપીને દીકરીને કહ્યું, ‘તું બિહારીકાકાને નહીં જાણતી હોય... તારા પિતાના ગામના તે બાળપણના ભેરુ. તેમનાં ફોઈ અમેરિકા રહેતાં. તેમણે બિહારીભાઈને હાઈ સ્કૂલમાંથી અમેરિકા તેડાવી લીધા. પછી તારા પિતા પણ ભણી-ગણીને મુંબઈમાં થાળે પડ્યા... આમાં સંપર્ક ભલે ન રહ્યો, પણ હૈયેથી બાળપણની મિત્રતાની ઉષ્મા કદી ઓસરતી હશે!’
‘બિલકુલ સાચું.’ બિહારીઅંકલનાં ધર્મપત્ની નીરુબહેને વાત ઊંચકી લીધી, ‘વરસો પછી બિહારીના મામાને ત્યાં લગ્નપ્રસંગે અમારે ત્રણેએ સાથે કાઠિયાવાડ આવવાનું થયું એટલે બિહારીને પહેલાં તારા પિતાની યાદ આવી. આજના સોશ્યલ મીડિયાના જમાનામાં એકબીજાની ભાળ મેળવવી સરળ છે. તમે સૌ મુંબઈ છો એ જાણીને તેણે ગયા મહિને જ તારા પિતાને ફોન કરી કહી રાખેલું કે ઇન્ડિયા લૅન્ડ થઈને પહેલું ખાણું તારી સાથે ખાવાનો છું!’
‘ઓ...હ યા, અફકોર્સ!’ રેવા બીજું તો શું બોલે?
‘આજે બપોરે અમે લૅન્ડ થયા, તાજમાં રૂમ રાખીને થાક ઉતાર્યો અને તમને મળવા આવી પહોંચ્યા...’ નીરુબહેનનો મલકાટ ઓસરતો નહોતો, ‘કલાકથી બેઠા છીએ એમાં મારી અને તારી મમ્મીની ફ્રેન્ડશિપ પણ જામી ગઈ છે. આમ પણ પરણવાલાયક સંતાનોનાં માવતર વચ્ચે મૈત્રી હોય તો એ ગ્રીન સિગ્નલ બરાબર જ ગણાય!’
વડીલો મોઘમ હસ્યા, યુવાન સહેજ શરમાયો. રેવાએ ભીંસ અનુભવી. પપ્પાના મિત્ર અમેરિકાથી આવે છે એવું કંઈક મમ્મીએ થોડા દિવસ પહેલાં કહેલું ખરું. આજે બહાર જમીને ન આવીશ, ઘરે મહેમાન છે એવું સવારે પણ તેણે કહેલું એ ડિગ્રી લેવાના ઉમંગમાં ભુલાઈ જ ગયેલું. આમ પણ અતુલ્યના સહવાસમાં હું બધું ભૂલી જાઉં છું... પણ આ કેવળ મિત્રોનો વરસો પછીનો સામાન્ય મેળ નથી, એમાં કોઈ બીજી દાનત પણ છુપાઈ છે એવું મને કેમ લાગે છે!
‘મને તો આરવ ગમી ગયો...’
જમી-પરવારી, ગામગપાટા હાંકીને મહેતા પરિવાર વિદાય થયો કે અચલાબહેન બોલી ઊઠ્યાં...
‘રેવા તેમને ગમી ગઈ છે એવો ઇશારો બિહારી પણ આપી ગયો...’ વિકાસભાઈ મલક-મલક થતા હતા.
ખરેખર તો બિહારીઅંકલે કરેલા પહેલા ફોનમાં દીકરા-દીકરી બાબત સ્વાભાવિક વાત થઈ. અમે આરવ માટે કન્યા ગોતીએ છીએ એવું તે ત્યારે તો એમ જ બોલી ગયા, પણ બાદમાં બેઉને સ્ટ્રાઇક થઈ ને હવે લાગે છે કે બેઉ પક્ષે આજની મુલાકાતનો મુખ્ય હેતુ આરવને મારી સાથે મેળવવાનો હતો!
રેવા સમસમી ગઈ.
‘રેવા, તને આરવ કેવો લાગ્યો?’
કેવો લાગ્યો! રેવાની છાતીમાં ઘમસાણ ઊઠ્યું. નૅચરલી, વડીલોનો આયાસ એવો જ રહ્યો જેથી બે જુવાનિયાને ખૂલવાની પૂરતી તકો મળી રહે.
અમેરિકાના ન્યુ જર્સીમાં ઊછરેલા આરવને જુઓ તો મનાય નહીં કે તે અમેરિકામાં જન્મ્યો, ઊછર્યો હશે એટલી હદનું ભારતીયપણું તેનામાં અનુભવાયું. યુએસમાં વેપાર જમાવી ચૂકેલા બિહારી અંકલની સ્થિતિ પાંચમાં પુછાય એવી છે, વયમાં રેવાથી ત્રણ વરસ મોટો આરવ આઇટીનું ભણીને સિલિકૉન વૅલીમાં કરોડોનું પૅકેજ રળે છે અને લક્ષ્મી ભેગી સરસ્વતીની કૃપા ધરાવતા કુટુંબના કુળદીપક માટે ઇનકારનું કોઈ કારણ નથી. લતાજીનાં ગીતોથી ફિક્શન બુક્સના વાંચન સુધીની અમારી પસંદ મેળ ખાય છે. બીજા સંજોગોમાં મેં લજાઈને હકાર ભણ્યો હોત, પણ હવે ઇનકાર કયા બહાને કરવો?
રાતે તો હું જવાબ ટાળી ગઈ અને આખી રાત પડખાં ઘસ્યા પછીયે આનો જવાબ મારી પાસે અત્યારે પણ નથી!
રેવાએ આભમાં મીટ માંડી : જે સાંજે મારે પ્રણયભેદ ખોલવો હતો ત્યારે જ માબાપ મુરતિયો દેખાડે એ જોગાનુજોગ હવે શું રંગ દેખાડશે એ તો વિધાતા જ જાણે!
(ક્રમશ:)

