Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જોગાનુજોગ દિલ દીવાના... (પ્રકરણ ૨)

જોગાનુજોગ દિલ દીવાના... (પ્રકરણ ૨)

Published : 01 July, 2025 12:09 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આરવને જાણવો-પારખવો પડશે, એટલે મેં તેની સાથે થોડો સમય વિતાવવાનો પ્રસ્તાવ મમ્મી સમક્ષ મૂક્યો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


અતુલ્ય અને આરવ.


રેવાનું હૈયું ઝોલાં ખાય છે.



બેશક, હૈયે અતુલ્ય ન હોત તો રેવાએ ઊલટભેર આરવને હૃદયમાં આવકાર્યો હોત.


રેવાએ વાગોળ્યું : કદી ધાર્યું જ નહોતું કે મારા જીવનસાથી બાબત મારી અને મારા પેરન્ટ્સની પસંદ ટકરાશે... કાશ, મેં પહેલેથી મમ્મી-પપ્પાને અતુલ્ય બાબત કહી રાખ્યું હોત તો? પણ અતુલ્યએ મને વારેલી. ભાયખલાની ખોલીમાંથી ફ્લૅટમાં જવા જેટલી સધ્ધરતા પોતે રળી લેશે એવી શ્રદ્ધાભેર તેણે મને હું ગ્રૅજ્યુએટ થઈ જાઉં ત્યાં સુધી ધીરજ ખમી ખાવા કહ્યું, એમાં તે ખોટો નહોતો જ... ભલે હજી ફ્લૅટમાં જવાનું શક્ય નથી બન્યું, પણ કૉલેજ પછી થિયેટરની ફુલટાઇમ નોકરી દરમ્યાન તે રંગમંચના માંધાતાઓ સાથે રિલેશન કેળવી નાના પાયે પોતાનું પ્રોડક્શન શરૂ કરવા મથતો રહ્યો છે. એના જ પરિણામ સ્વરૂપે તેનું પહેલું નાટક ફ્લોર પર જવાના સંજોગ ઊભર્યા પણ છે ખરા. અલબત્ત, એ ટોચના કસબીઓ સાથેનું A ગ્રેડ નાટક નહીં હોય, પણ ડબલ મીનિંગની ગલીગલી કરાવતો ડ્રામા છે જેમાં બિન્દાસ ગણાતી રંભારાણીની મુખ્ય ભૂમિકા રહેશે. ખરેખર તો બત્રીસ વર્ષની રંભારાણી નાટકની સહનિર્માત્રી પણ છે.

રેવા સાંભરી રહી :


પાછલા છ-આઠ મહિનાથી આ બધી વાતો થાય છે. અતુલ્ય ‘ચીપ’ નાટક સાથે સંકળાય એ જોકે રેવાને નહોતું રુચ્યું : સસ્તું મનોરંજન પીરસનારા સમાજના ધારાધોરણમાં છીંડાં પાડે છે એવુ હું દૃઢપણે માનતી આવી છું, તમને એવું કરતા કેમ જોઈ શકું? મને ફ્લૅટનો મોહ નથી અત્તુ, હું ભાડાની ખોલીમાં સુખેથી રહીશ. તમારું નામ બી ગ્રેડના નાટક સાથે સંકળાય એ મારાં પપ્પા-મમ્મીને પણ નહીં ગમે, નૅચરલી.

‘જાણુ છું પ્રિયે, પણ આટલું મથ્યા પછી પહેલી વાર તક હાથ લાગી છે અને મારે ક્યાં કાયમ બી ગ્રેડનું કામ કરવું છે? બલકે આના રસ્તે હું વધુ સારાં નાટકો આપવાને કાબેલ બની શકતો હોઉં તો સમાજ માટે એ સાટું વળ્યા બરાબર જ કહેવાય.’

આવું-આવું કહી અતુલ્યએ મને મનાવી લીધી. હવે આવતા મહિને તેમનું નાટક રજૂ થઈ રહ્યું છે ત્યારે આરવનો નાટ્યાત્મક પ્રવેશ! પપ્પા-મમ્મીનો બોલ ઉથાપવાનું આજ સુધી બન્યું નથી, જે આ જોગાનુજોગે બનશે અને એના મૂળમાં દીકરીનો ત્રણ વર્ષ જૂનો પ્રેમ હોવાનું જાણી માબાપનો આઘાત બેવડાવાનો : તું અમને અણસારે આપતી નથી? માબાપનો મારા પરનો ભરોસો તૂટવાનો એની દહેશત અજંપો પ્રેરતી હતી. એમાં વળી હવે તો બી ગ્રેડના નાટકનિર્માણને કારણે મમ્મી-પપ્પાને મારી પસંદને નકારવાનું કારણ મળી રહેશે.

વિચારતી રેવાને ઝબકારો થયો : એવું હોય તો મારે પણ આરવમાં ઇનકારનું કોઈ ઠોસ કારણ ખોળી રાખવું જોઈએ. પહેલી ઇમ્પ્રેશનમાં થોડા કલાકના મેળાપમાં ભલે અણસાર ન આવે, પણ આરવમાં કોઈ ઊણપ હોય પણ ખરી!

મધદરિયે તોફાનમાં ફસાયેલી રેવાને જાણે દીવાદાંડી દેખાઈ : આરવની ઊણપ ખોળવા તેને મળવું પડે, તેને ખોતરવો પડે. આનો બીજો અર્થ એ કે હાલ અતુલ્યનો પ્રણય જાહેર કરી આરવને નકારવા કરતાં પહેલાં આરવના નેગેટિવ પૉઇન્ટ તારવી લઉં, પછી મારો ઇનકાર અને મારી પસંદ બેઉ મમ્મી-પપ્પાને ગળે ઊતરી જશે!       

અને રેવાએ હળવાશ અનુભવી.  

lll

રેવા!

આરવના ચિત્તમાંથી રેવા હટતી નથી.

‘આ વર્ષે તો તારાં લગ્ન લઈ જ લેવાની છું.’

શાવર લેતો આરવ વાગોળી રહ્યો:

છ મહિના અગાઉ આરવને પચીસમું બેઠું એના કેક-કટિંગ વખતે જ નીરુમાએ અભરખો જતાવી દીધેલો : ન્યુ જર્સીની આપણી આ વિલા પણ વહુનાં વધામણાં ઝંખે છે.

‘એ માટે તમારે પહેલાં દેશ જવું પડશે, મામી.’ આરવના કઝિન મિતાંગે હસતાં-હસતાં કહી દીધેલું, ‘તમારા કુંવરને મૉડર્ન કન્યા માફક આવે એમ જ નથી!’

ફોઈના તેડાએ અમેરિકા પહોંચેલા બિહારીભાઈ પછી તો આપબળે બે પાંદડે થયા, નીરુબહેન જોડે પરણ્યા અને રણઝણતા સંસારમાં આરવના આગમને સુખ છલકાતું જ રહ્યું. ઘરનું વાતાવરણ જ એવું કે આરવમાં આપોઆપ ભારતીય સંસ્કાર ગંઠાતા ગયા. ફોઈના દીકરા ભાઈનો દીકરો મિતાંગ વયમાં આરવ જેટલો જ અને બાળપણથી બેઉને ખૂબ ભળતું. મોટા થયા પછી ન્યુ યૉર્ક રહેતો મિતાંગ જોકે પાશ્ચાત્ય કલ્ચરને અપનાવતો ગયો પણ આરવની સવાર તો હજીયે લતા મંગેશકરની ગણેશ આરતીથી જ ઊગતી. તેના બંધારણનો માબાપને સ્વાભાવિક ગર્વ હોવાનો. મિતાંગને તેની ઠઠ્ઠામશ્કરીની છૂટ હતી. જોકે અંદરખાને તો તેનેય આરવનાં મૂલ્યોનું અભિમાન હતું.

આરવને મૉડર્ન કન્યા માફક આવે એમ નથી એમ કહેવા પાછળ કારણ હતું, જેની ઘરે મિતાંગ સિવાય કોને જાણ હતી?

આરવે વાગોળ્યું :

કૉલેજકાળની એ વાત. આરવ રૂપાળો હતો, સ્કૉલર હતો. અમેરિકાના પાટનગરની શ્રેષ્ઠ ગણાતી કૉલેજનો ટૉપર. છોકરીઓમાં સ્વાભાવિકપણે તેની ઝંખના હતી. એમાંય નૅન્સી નામની છોકરી તો તેની પાછળ જ પડી ગયેલી : લેટ્સ મેક લવ!

બેચાર વાર કૅમ્પસમાં આરવને આંતરી તેણે ઇજન આપતાં આરવે કહેવું પડ્યું : એમ કહેવાથી પ્રેમ નહીં થાય, નૅન્સી, એની કૂંપળ તો હૃદયમાં ફૂટવી જોઈએ.

‘તું તો કવિ જેવું બોલે છે.’ નૅન્સી તેની નિકટ સરકી, ‘પણ તું કંઈક ઊંધું સમજ્યો. હું તો પથારીમાં થાય એવો લવ કરવા કહું છું!’

ચોંકીને આરવ દૂર થયો : સૉરી, અમારી ભારતીય પરંપરામાં આવો સંબંધ પતિ-પત્ની વચ્ચે જ માન્ય છે. એને વળોટવાના મારા સંસ્કાર નથી.

અજાયબ પ્રાણી નિહાળતી હોય એમ નૅન્સી આરવને તાકી રહી, પછી ઇરાદો ઘૂંટ્યો : હવે તો તારા સંસ્કારને વળોટી ન બતાઉં તો હું રૂપસુંદરી નહીં!

નૅન્સી રૂપાળી હતી, પોતાને ગમતા જુવાનને માણી લેવામાં તેને પડકાર દેખાયો. વીક-એન્ડની રાતે તે કોઈક રીતે આરવની હૉસ્ટેલના રૂમમાં પહોંચી ગઈ.

ખરેખર તો મિત્રો સાથે સાંજ વિતાવી આરવ રૂમ પર પરત થયો, ફ્રેશ થવા બેડરૂમના અટૅચ્ડ બાથરૂમમાં જતો હતો કે પરફ્યુમની ગંધે બ્રેક લાગી ગઈ. હવે ધ્યાન ગયું. બેડ પર માથે ઓઢી આ કોણ સૂતું છે?

તેણે બ્લેન્કેટ સરકાવ્યું ને નૅન્સીએ આળસ મરડી : હાય, હની!

આરવ પીઠ ફેરવી ગયો. નૅન્સી સાવ જ વસ્ત્રહીન દશામાં હતી. સાથે લાજશરમ પણ નેવે મૂક્યાં હોય એમ ઊભી થઈ આરવની પીઠે ચંપાઈ: નજર કેમ ફેરવી લીધી? લેટ મી ચેક, મારું હુસ્ન જોઈ તને ક્યાંય કંઈ જ નથી થતું?

પોતાના શરીર પર ફરવા જતા તેના હાથને આરવે અધવચાળ રોકી પાડ્યો : બિહૅવ યૉરસેલ્ફ નૅન્સી ઍન્ડ ગેટ આઉટ!

આરવના સ્વરમાં તિરસ્કાર હતો, અકળામણ હતી, સ્પષ્ટ જાકારો હતો. નૅન્સી માટે એ અસહ્ય બન્યું.

‘હાઉ ડેર યુ!’ તે આરવની સામે આવી ઉશ્કેરાટમાં તેનાં તંગ ઉરજો હચમચી ઊઠ્યાં, ‘સ્ત્રીની મદભરી કાયા જોઈને પણ ચલિત ન થનારો પુરુષ પુરુષમાં નથી હોતો આરવ, મને ખબર નહોતી કે તું ઇમ્પોટન્ટ છે!’

આરવના પુરુષાતનને મેણું મારવાનો નૅન્સીનો છેલ્લો દાવ પણ નાકામ રહ્યો એટલે જતાં-જતાં કહેતી ગઈ : તેં મને તરછોડી છે, હવે તને કેવો બદનામ કરું છું એ તું પણ જોઈ લેજે!

અને ખરેખર તે આરવ વિશે એલફેલ વાતો ફેલાવતી રહી : આરવ પુરુષમાં નથી... તેને સ્ત્રીઓમાં રસ જ નથી.

કૅમ્પસમાં પોતે ગૉસિપનો વિષય બની ગયો એનો આરવને બહુ રંજ નહોતો. ખુલાસા કરી નૅન્સીની બદનામી પણ શું કામ કરવી? પોતે ચારિત્ર જાળવી શક્યો એનો સંતોષ હતો. નૅન્સીની હરકતનો આડલાભ એ થયો કે ફરી કોઈએ આરવને આ મામલે છેડ્યો નહીં.

‘તું આને લાભ કહે છે!’

મિતાંગથી કશું છૂપું નહોતું. તે ખિજવાતો : એક અપ્સરા તને સામેથી રિઝવવા આવી ને તેં એને તગેડી મૂકી? તું આ જમાનામા ક્યાં જન્મ્યો બ્રહ્મચારી! વૉટ ડૂ યુ થિન્ક, તને પરણનારી તારી રાહમાં કુંવારી – આઇ મીન, વર્જિન બેઠી હશે?

અને આરવ ઊંડો શ્વાસ લઈ બોલી જતો : જેની સાથે ભવનું ભાથું બાંધવાનું થશે હું તેનું હૈયું જોઈશ, જો એ સોનેરી હોય તો માટીની કાયાનું કૌમાર્ય રહ્યું હોય કે ન હોય, શું ફરક પડે છે?

- એટલે જ પછી મિતાંગ આરવનાં લગ્નની વાતે કહેતો : તેને માટે તો કોઈ ગામડિયણ કન્યા જ ગોતવી રહી.

અને દેશમાં જવાનો યોગ પણ ગોઠવાઈ ગયો. બિહારીભાઈના મામાના દીકરા ભાઈને ત્યાં મોટા દીકરાનાં બહુ ધામધૂમથી લગ્ન લેવાનાં હતાં. એ નિમિત્તે લાંબા ગાળે વતન આવતાં બિહારીભાઈ-નીરુબહેન ત્રણ માસનું રોકાણ ઠેરવીને આવ્યાં હતાં, આરવને એટલી રજા નહીં મળે તોય તેનેય મહિનોમાસ રોકાવા માએ મનાવી લીધો હતો. મિતાંગ વગેરે લગ્નના અઠવાડિયા અગાઉ સીધા જામનગર પહોંચવાના હતા. દરમ્યાન બિહારીભાઈને બાળપણના ભેરુનું સ્મરણ થતાં વાત અનાયાસ જ તેમની દીકરીને જોવા સુધી પહોંચી ગઈ.

મુંબઈ ઊતરતાં પપ્પાએ મિત્રની કન્યા જોવા બાબત કહી રાખેલું એટલે પોતે માનસિક રીતે તૈયાર હતો, પણ લાગે છે રેવાને આની ભનક નહોતી.

નૉબ ઘુમાવી શાવર બંધ કરતાં આરવે સંભાર્યું : રેવા થોડી ગૂંચવાયેલી લાગી. ઘર જોવાને બહાને વડીલોએ અમને એકલાં મોકલ્યાં. તેના રૂમની બાલ્કનીમાં ગોઠવાઈ અમે કેટલીયે વાતો કરી એમાં ક્યારેક તે વિચારમાં સરી જતી એટલું તો અનુભવાયું. બાકી અમારા સંસ્કાર, મૂલ્યોનો મેળ તો દેખીતો હતો.

રેવા મને ગમી છે એવો ઇશારો મારા તરફથી મળતાં પપ્પાએ વિકાસઅંકલને જતાવી દીધું. તેમને પણ હું ગમ્યો છું. બસ, રેવાની પણ હા થવી જોઈએ.

આરવે ફિંગર્સ ક્રૉસ કરી.

lll

‘અતુલ્ય, ક્યાં છો તમે!’

બપોરની વેળા થિયેટરની ઑફિસે પહોંચેલી રેવા થોડા આવેશમાં હતી, ‘રાતે તમને રિંગ કરી, માન્યું તમે સૂઈ ગયા હશો પણ પછી સવારે તો કૉલ કે મેસેજ થાયને!’

આમ તો ઘરે મહેમાન ભાળી રેવાએ અતુલ્યને મેસેજ કરી જ દીધેલો કે આજે આપણી વાત થાય એમ નથી, પછીથી આરવ બાબત કહેવા અતુલ્યને કૉલ જોડ્યોય ખરો, પણ બહુ મોડું થવાથી તે સૂઈ ગયો હશે એમ માની પોતે જ બે રિંગમાં કૉલ કાપી નાખેલો. એક તો આરવનો ફણગો એમાં અતુલ્યએ ફોન નહીં કરતાં તેની અકળામણ સ્વાભાવિક હતી.

‘અરે, પણ મેં તારો મિસકૉલ જોયો જ નહીં.’ અતુલ્યએ બગાસું ખાળ્યું એમાં ખરેખર તો તેનો ઉજાગરો પડઘાતો હતો. તેનો ખુલાસો આપતો હોય એમ તેણે દિલગીરી દર્શાવી, ‘સૉરી યાર, નાટકની છેવટની તૈયારીમાં અટવાઈ ગયો છું.’

ત્યારે રેવાની રીસ ઓગળી. તેણે જોકે આરવ બાબત કહેતાં અતુલ્ય ડઘાયો : આ કોણ મારો રકીબ ફૂટી નીકળ્યો!

‘આરવ માટે રકીબ શબ્દ યોગ્ય નથી.’ અજાણતાં જ રેવાથી બચાવ થઈ ગયો, પછી પોતાની ગણતરી સમજાવી: તેના માટે નકારનું મજબૂત કારણ જોઈશે. એ માટે આરવને જાણવો-પારખવો પડશે. એટલે તો મેં તેની સાથે થોડો સમય વિતાવવાનો પ્રસ્તાવ મમ્મી સમક્ષ મૂક્યો.

દીકરી આરવ જેવા હીરાને પારખવા માગે એ અચલાબહેનને ગમ્યું નહોતું પણ વિકાસભાઈએ સમજદારી દાખવી: રેવાના મનનું સમાધાન તો થવું જ જોઈએ. ઊલટું આરવને જાણતી જશે એમ તેને તે ચાહતી થશે એમાં મને સંદેહ નથી.

સદ્ભાગ્યે સામેથી નીરુબહેને પણ આને મળતો પ્રતિસાદ પાડ્યો : એક કામ કરો. તમે રેવાને લગ્ન માણવા જામનગર મોકલો. પ્રસંગ નિમિત્તે બે અઠવાડિયાં બેઉ ભેળાં રહેશે તો અંતરના તાર આપોઆપ જોડાશે.

‘સો બે દિવસ પછી હું જામનગર જઈ રહી છું.’ રેવાએ ચપટી વગાડી : આરવની કોઈ એબ તો મને જરૂર મળી રહેવાની!

અતુલ્ય તેને તાકી રહ્યો. આરવને ચકાસવાના બહાને રેવા મારા હાથમાંથી સરકી રહી છે?

ના, એમ તો હું રેવાને સરકવા નહીં જ દઉં!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 12:09 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK