રતનભાભીનો હાથ સરકાવીને પાંચ વરસનો બચુડો ઊલટો થઈને મસ્તી કરતો હતો એમાં બૅલૅન્સ ન રહ્યું અને તે પાણીમાં ખાબક્યો એટલું કળાતાં સીમાએ નદીમાં ઝંપલાવીને તેને તો નાવડીમાંથી હાથ લંબાવતી માને સોંપી દીધો, પણ પછી ભારે વહેણમાં તે તણાવા લાગી
ઇલસ્ટ્રેશન
દિલ દીવાના...
દૂર ક્યાંક ગુંજતા લતાના ચિરંજીવ કંઠે તેના હોઠ મલકાવી દીધા : આ તો અમરેન્દ્રનું પ્રિય ગીત! અમારા ગામની કાવેરી નદીના કોતરમાં મારી સંગેમરમર જેવી ગોરી કાયા સાથે લપાઈને તે કહેતો : મારું દીવાનું દિલ પણ તારા વિના નથી માનતું હોં સીમા!
ADVERTISEMENT
‘ક્યાંથી માને!’ છણકો જતાવીને પોતે તેને અળગો કરતી, ‘તારા રોમેરોમમાં જવાની ફાટ-ફાટ થાય છે ને મારા જોબનમાં તને તારું મારણ દેખાતું હોય એમ મળતાંવેંત તૂટી પડે છે. મને હંધુંય હમજાય છે હોં અમરા!’
‘ઉફ્ફ! રૂપથીયે તીખી તારી આ અદા છે જિસ પે હમ ફિદા હુએ હૈં.’
એવી નાટકીય ઢબે તે બોલતો કે હસી જ પડાતું. અવશપણે પોતે તેનો ગાલ ચૂમી લેતી : એમ તો તું પણ મને એટલો જ વહાલો છે અમરા!
તેના ખભે માથું ઢાળીને હું કહેતી : એય અમરા! ઘોડે ચડીને આવ ને હથેવાળો કરીને લઈ જાને મને તારા ઘેર! હું ગામ આખાની દીકરી-વહુઓને મેંદી મૂકું, મારા હાથે તારા નામની મેંદી ક્યારે મુકાશે?’
‘હું તો કાલે જાન લઈને આઉં, પણ તારા બાપુ માનશે?’
- ત્યારે ફેલાયેલી ફીકાશ અત્યારે પણ સીમાના વદન પર પથરાઈ ગઈ. નિ:શ્વાસ સરી ગયો : કેટલીક પ્રણયકથાઓ અધૂરી રહેવા જ આરંભાતી હશે?
એમાં આ તો સૌરાષ્ટ્રના સીમાડે ન્યાતજાતના ઉગ્ર ભેદમાં માનનારા પંથકમાં બે દાયકા અગાઉના સમયગાળામાં પાંગરેલી પ્રણયગાથા!
એનો સાદ પોકારતો હોય એમ ઘડીકમાં સીમા અંધેરીના ઘરની બાલ્કનીમાંથી વીત્યા સમયખંડમાં પહોંચી ગઈ.
lll
સૌરાષ્ટ્રના ભાવનગરથી અંતરિયાળ આવેલું દેવલા ગામ. બે-ત્રણ હજારની વસ્તી, છૂટાંછવાયાં ખોરડાં, જ્ઞાતિભેદની કટ્ટરતા એવી કે રોટીબેટીના વહેવારે સીમમાં ધીંગાણું ખેલાઈ જાય... છોકરી ચણિયાચોળી પર ઓઢણી ઢાંકતી થઈ જાય કે તેને પરણાવી દેવાની રિઢુવાળો એ જમાનો.
પણ સીમાને તો એની હવા સ્પર્શતી ન હોય એમ અલ્લડપણે ઘૂમતી રહે, શેરીનાં ટાબરિયાં જોડે લખોટી રમે. આંબાવાડીમાં ગોફણના ઘાથી કેરી તોડી લાવવામાં પહેલો નંબર.
‘છોકરીને જરા દાબમાં રાખ જીવણ!’
આંગણામાં ખાટલો ઢાળીને હુક્કો ગગડાવતા બિરાદરીના મુખિયા નંદનલાલ જેવા વડીલ સીમાના પિતાને ટકોરતા પણ ખરા : છોરીની મા અકાળે સિધાવી એટલે તું તેને માનાં લાડ લડાવે એ બધું બરાબર, પણ સીમા હવે ઓગણીસની થઈ. તેની સખીઓ ક્યારની પરણીને સાસરે વિદા થઈ. જમનાવહુ હયાત હોત તો અટાણે તો તેણે સીમાનું આણું વળાવી દીધું હોત... પણ તને ભોળારામને એવી સૂઝ ક્યાં! અરે ઘેલા, તારી છોકરીનું જોબન ઓઢણીમાં સંકોરાય એવું નથી રહ્યું ને ગામ-પરગામનો કોઈ પરનાતનો જુવાન તેને સોનચિરૈયાની જેમ ઉડાવી જાય તો કાવેરીનાં જળ હિંગળાક બની જશે...
‘ઠીક બાપલા. આવતો વૈશાખ આવે કે દીકરીને પરણાવી દઈશ.’
ઘરના દરવાજાની આડશે ઊભા રહીને ફળિયામાં થતી તેમની વાતો સાંભળતી સીમાના વદન પર લગ્નની વાતે લજ્જા ઊભરાતી, હૈયે મીઠાં સ્પંદન જાગતાં; પણ પછી હોઠ મક્કમપણે ભિડાતા.
‘હું તને ભારે પડું છું કાં!’
રાતે પિતાની થાળીમાં ગરમાગરમ રોટલો પીરસતાં તેનું દીકરીપણું બોલી ઊઠતું, ‘મને વળાવી દેશે તો તને ભાથું કોણ દેશે? માંદે-સાજે તારી ચાકરી કોણ કરશે? તારામાં જ મેં તો મા જોઈ છે. મને સાવકી માનું દુખ ન પડે એ માટે તું ફરી પરણ્યો નહીં બાપુ અને હું તારું ઘડપણ વણદેખ્યું કરીને પરણી જાઉં?’
‘ધન્ય દીકરી!’ ભીનું મલકીને જીવણભાઈ રણકો ઊપસાવે, ‘મારું ઘડપણ સાચવવા તને સાસરે ન વળાઉં તો-તો બાપનો અવતાર એળે જાય! દીકરી તો પારકી થાપણ. જેની છે તેને સોંપવાનો વખત આવી ગયો. તને કોઈ છોરો ગમતો હોય તો બોલ.’
અને રોટલાના બાંધેલા લોટમાં મુક્કો વીંઝતી સીમા બોલી ગઈ : મારા બાપુથી મને દૂર કરનારો તો મારો દુશ્મન જ હશે!
- પણ ના, આના ત્રીજા મહિને દિલડે દસ્તક દેનારો દુશ્મન તો નહોતો જ લાગ્યો...
ખરેખર તો દિવાળી ટાણે શહેરમાં મોટો મેળો ભરાતો. એને માટે નાવડીમાં કાવેરીનો પટ ઓળંગવો પડતો. ગામની સખી-ભાભીઓ સાથે મેળો માણવા ગયેલી સીમા નાવડીમાં બેસીને પાણીમાં હાથનાં હલેસાં મારતી હતી કે ચીસ ઊઠી : હાય-હાય, મારો બચુડો પાણીમાં પડ્યો!
રતનભાભીનો હાથ સરકાવીને પાંચ વરસનો બચુડો ઊલટો થઈને મસ્તી કરતો હતો એમાં બૅલૅન્સ ન રહ્યું અને તે પાણીમાં ખાબક્યો એટલું કળાતાં સીમાએ નદીમાં ઝંપલાવીને તેને તો નાવડીમાંથી હાથ લંબાવતી માને સોંપી દીધો, પણ પછી ભારે વહેણમાં તે તણાવા લાગી. નાવડીમાં ચીસાચીસ થઈ રહી ને એ પોકારે કાંઠાના ટેકરા પરથી એક જુવાને નદીમાં છલાંગ લગાવી. તણાતી જતી સીમાની પાછળ કુશળ તરવૈયાની જેમ પાણી કાપતો તે સડસડાટ પહોંચી તેને કેડમાંથી પકડીને કિનારે તાણી ગયો એ જોઈને નાવમાં બેઠેલાને હાશકારો થયો. પછી ખારવાને ઉતાવળ કરવા કહ્યું : નૈયા હવે પેલા ઘાટે જ લઈ લે...
ત્યારે જુવાને સીમાને ઊલટી કરી તેની પીઠે દબાણ આપતાં પાણીનો ગળફો નીકળ્યો ને સીમા જાગ્રત થઈ.
‘અચ્છા હુઆ આપ બચ ગઈ...’ જુવાનના ચહેરા પર રાહત વર્તાઈ. ઓઢણી સરખી કરતી સીમાને જોઈને તે નજર ફેરવી ગયો. ‘તરતાં આવડતું નહોતું તો પાણીમાં કૂદીએ જ નહીંને.’
તેના ડહાપણ પર સીમાના હોઠ વંકાયા, ‘તે તમે મને શું કામ બચાવી? કુંવારી કન્યા પેટથી હોય તો નદી પૂરવા સિવાય બીજો આરો હોય છે? એમાંય તમે મને બચાવી તો હવે તમારે જ મારી હારે પરણવું પડશે.’
‘પરણવું પડશે!’ હાંફ ખાળતો જુવાન ભડકી ગયો.
‘હાસ્તો, નહીં પરણો તો હું આ હાલી નદીમાં કૂદવા...’
તેણે આવેશમાં કદમ ઉપાડતાં હેબતાયેલા જુવાને હાથ પકડી લીધો, ‘આ શું ગજબ કરો છો! પેટમાં પાંગરતા બાળકનો તો વિચાર કરો!’
‘એનું જ વિચારીને તમને પૂછું છું, મને પરણશો તો બાળકના માથે અનૌરસનું મેણું નહીં ચોંટે... બાકી તો આ કાવેરીમાની ગોદમાં...’
‘બસ... બસ... રોકાઈ જાવ, હું તમને પરણીશ.’
- એ જ વખતે નાવ લાંગરી ને સખી-ભાભીઓના કલબલાટમાં સત્ય પરખાતાં જુવાન હેરતથી, પ્રશંસાથી સીમાને નિહાળી રહ્યો : બાળકને બચાવવા તમે હોડીમાંથી કૂદી પડ્યાં! એનો ઢોલ પીટવાને બદલે આખી વાતને મજાકમાં વાળી લીધી...
‘મારું બોલ્યું મન પર ન લેતા. ગામના વડીલો સાચું કહે છે, મારામાંથી હજી બચપણ ગયું નથી.’ નીકળતી વેળા જુવાન પાસે અટકીને સીમાએ હાથ જોડ્યા, ‘મને બચાવી એ બદલ તમારો ગણ માનું એટલો ઓછો છે.’
- તે જુવાન સાંજે ફરી મેળામાં ભટકાઈ ગયો. ચગડોળ તરફ દોડતી સીમાને તેણે હાથ ઝાલીને રોકી : જરા ધીરે, તમારા પેટમાં પાંગરતા જીવનો તો વિચાર કરો!
‘એ...ય!’ સીમાએ હાથ ઘસતાં અકળામણ ઠાલવી, ‘એ તો મજાક હતી અને તમેય કેવા કે સાવ અજાણી છોકરીને, એય પાછી મા બનવાની હોય તેને પરણવા તૈયાર થઈ ગયા? વાહ ભાઈ વાહ, આવું કોણ કરે?’
‘તમારા દલડાને પૂછજો આવું કોણ કરે?’ મુસ્કુરાઈને માથાનો સાફો સરખો કરતો તે ભીડમાં ખોવાણો.
હા, આવું કોણ કરે?
મેળેથી પરત થયેલી સીમા રાતભર પડખું ઘસતાં તે જુવાન વિશે જ વિચારી રહી. અજાણી વ્યક્તિનો જીવ બચાવવા નદીમાં ઝંપલાવનારો ખરો મરદ કહેવાય. સાવ અજાણી, કુંવારી મા બનનારીને જાતપાત પૂછ્યા વિના સ્વીકારનારો પુરુષ દેવતાથી કમ ન ગણાય...
‘એમ!’ હવામાં જીન પ્રગટ થાય એમ સામા બિસ્તરમાં તેને જોઈને સીમા ચમકી. તે આડો લેટીને સ્મિત ફરકાવે છે : તો આ દેવતાને તમારા દલડામાં જગ્યા મળશે?
‘હાય-હાય... તમે અહીં આવ્યા કેમના! જાઓ અહીંથી...’
એવો જ બહાર સૂતા પિતાનો ખોંખારો સંભળાયો : દીકરી, શું થયું?
‘નહીં બાપુ, એ તો...’ સીમાએ ડોક ફેરવી અને આશ્ચર્ય! સામે તો કોઈ નથી!
વહેમ. સપનું.
સીમાએ જાતને ટપારીને પથારીમાં લંબાવ્યું કે તે સાવ લગોલગ પ્રગટ્યો : બોલોને, મને તમારા હૈયે ઉતારો મળશે?
ઉફ્ફ!
બીજી સવારે મોડું ઉઠાયું. નદીએ પાણી ભરવા એકલીએ જવું પડ્યું. ત્યાં પેલો જુવાન દેખાતાં તે દોડી ગઈ : અલા એય!
‘કોણ, હું? મારું નામ અમર છે - અમરેન્દ્ર.’ તે મલક્યો. એવો તો મીઠડો લાગ્યો.
‘હા, તે તને જ કહું છું. આખી રાત શાનો મારા ઓરડે ભરાઈને મને તારા દલડામાં લઈ લે એવું કહેતો રહ્યો?’
તે હસી પડ્યો, ‘વાહ, અને તમે મારા ઓરડે આવી મને ખખડાવી ગયાં એનું કંઈ નહીં? કહ્યું, અમરા, ખબરદાર જો આજ ફરી કોઈ બીજી છોકરી પર નજર નાખી તો. આજથી તારી નજર, તારું હૈયું હંધુંય મારું!’
સીમાએ ઓઢણીનો છેડો આંગળીમાં રમાડ્યો : બહુ હાજરજવાબી છો. લાગો છો એટલા ભોળા નથી. તમારા ઓરડે આવે મારી બલારાત.’
કહી બેડલાં સંભાળતી તે દોડવા ગઈ કે અમરે તેનું કાંડું પકડ્યું, ‘જરા ધીરે... તમારા પેટમાં...’
‘મારા પેટમાં કાંઈ નથી.’
‘એ તો અત્યારે! આપણે પરણીશું પછી પ્રીતનું પરિણામ તમારા ઉદરમાં પાંગરશેને...’
‘સાવ મોંફાટ છો!’ શરમથી લાલ થતી સીમા તો ત્યાંથી ભાગી, પણ હૈયું અમર પાસે જ રહી ગયું!
lll
અમરેન્દ્ર. મારો અમરો!
અત્યારે પણ સીમાના ચહેરા પર પ્રીતભર્યું સ્મિત ફરકી ગયું.
ખરેખર તો કાવેરી નદી પર બંધ બાંધવાના પ્રોજેક્ટના અભ્યાસ અર્થે સરકારી અધિકારી તરીકે અમરેન્દ્રની નિમણૂક તાલુકા મથકે થઈ હતી. અવારનવાર તે દેવલા ગામે પણ આવતો. મા-બાપના દેહાંત પછી સંસારમાં તે એકલો હતો. ગામની ગોરી હૈયું હરી લેશે એવું અમરેન્દ્રએ પણ નહીં ધાર્યું હોય.
પણ બાવીસના જુવાન અને ઓગણીસની કન્યા વચ્ચે પ્રીત પુરબહાર પાંગરી. નદીનાં કોતરો એનાં સાક્ષી બન્યાં.
અમરેન્દ્ર તો લગનની જાન જોડવા તૈયાર હતો અને બાપુ તો માનીયે જાય, પણ પંચ? સીમા સહેમી જતી.
એનું કારણ હતું. અમરની ન્યાત તો જુદી હતી જ, તે પરપ્રાંતીય હતો. અલબત્ત, બે પેઢીથી તેનો પરિવાર ગુજરાતમાં વસ્યો હતો. અહીં જ જન્મેલો અમર નખશિખ સવાયા ગુજરાતી જેવો હતો. તાલુકામાં તેનું પોતાનું મકાન કર્યું, પણ એનાં મૂળિયાં બિહારના વતનમાં નીકળે એટલે આ લગ્ન માટે પંચ ક્યારેય સંમતિ નહીં આપે... આમાં બાપુની સ્થિતિ સૂડી વચ્ચે સોપારીની થઈ જાય!
સીમા ક્યારેક અમરને કહેતી પણ: મને ભૂલી જા અમરા! મારે તો મારા બાપુનું ઘડપણ જોવાનું હતું. એને બદલે તે વખ ઘોળવું પસંદ કરે એવી પરિસ્થિતિ મેં સર્જી દીધી!
આનો કોઈ મારગ સૂઝે એ પહેલાં કોતરમાં જતાં તેમને કોઈ જોઈ ગયું ને ગામમાં છાનગપતિયાની કૂથલી શરૂ થઈ ગઈ.
અને પછી...
lll
ફોનની રિંગે સીમા ઝબકી, વર્તમાનમાં આવી જવું પડ્યું.
સામા છેડે વીણા હતી : દીદી, આજે આપણી જુહુમાં મેંદીની અપૉઇન્ટમેન્ટ છે એ યાદ અપાવવા જ ફોન કર્યો... બપોરે બે વાગ્યે સીધા નીરવભાઈના બંગલે જ મળીશું.
સીમાએ હકાર તો ભણ્યો, પણ મેંદીના ફંક્શનમાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll
‘એક્સલન્ટ!’ રેકૉર્ડિસ્ટે થમ્બ દેખાડીને સિંગરને પૂછી લીધું : તમે ગુજરાતી લોકગીતોના ગાયક તરીકે ફેમસ છો, આટલા યંગ છો પણ હમણાંના ભજન-મંત્રો બહુ ગાતા હો એવું થઈ ગયું છે... તમારે તો રોમૅન્ટિક સૉન્ગ્સ ગાવાં જોઈએ.
‘એ પણ ગાશે... દેવવ્રતસાહેબ માટે કશું અશક્ય નથી...’
મૅનેજરની ટિપ્પણી સામે હેડફોન ઉતારતા દેવવ્રતે મલકી લીધું, ચિત્તમાં જુદો જ પડઘો પડ્યો : ન્યાતજાતની વાડાબંધીમાં પરન્યાતની કન્યાને પરણવું પૉપ્યુલર ગણાતા સિંગર માટે પણ શક્ય નથી એની કોઈને ક્યાં ખબર છે!
(ક્રમશ:)
