મતગણતરી કરનારા કર્મચારીઓને અને એજન્ટોને ઓળખપત્ર ઉપરાંત માત્ર QR કોડથી જ એન્ટ્રી મળશે
કલકત્તાના મતદાન ગણતરી મથકો પર જડબેસલાક સિક્યૉરિટી ગોઠવવામાં આવી છે.
આજે મતગણતરી શરૂ થાય એ પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. ચૂંટણીપંચે આ માટે ૧૬૫ ઍડિશનલ કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ અને ૭૭ પોલીસ ઑબ્ઝર્વર્સ તહેનાત કર્યા છે. દરેક કાઉન્ટિંગ સેન્ટર પર સખત પ્રોટોકૉલ અનુસરવામાં આવશે. વિધાનસભાની ૧૬૫ બેઠકો પર મતગણતરી માટે એક કરતાં વધુ કક્ષ બનાવવામાં આવ્યા છે. પોલીસ ઑબ્ઝર્વર્સ, કાઉન્ટિંગ ઑબ્ઝર્વર્સ અને ચૂંટણીપંચના અધિકારીઓ સમન્વય સાથે કામ કરશે જેથી કોઈ પણ પ્રકારની ગરબડ તરત રોકી શકાય.
તમામ રિટર્નિંગ ઑફિસરો, મતગણતરી કરનારા કર્મચારીઓ અને ઉમેદવારો અને તેમના એજન્ટોને ઓળખપત્ર આપવામાં આવ્યાં છે. તેઓ QR કોડથી જ એન્ટ્રી મેળવી શકશે. મતગણતરી રૂમમાં માત્ર એ જ લોકોને એન્ટ્રી મળશે જેમની પાસે ફોટોવાળું ઓળખપત્ર અને QR કોડ હશે.
ADVERTISEMENT
ભવાનીપુરનું કાઉન્ટિંગ સેન્ટર બન્યું અભેદ્ય કિલ્લો
મમતા બૅનરજી અને BJPના સુવેન્દુ અધિકારી ભવાનીપુરની બેઠક પર સીધી ટક્કર લઈ રહ્યાં છે. અહીં પાંચ લેયરની સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટેનો સ્ટ્રૉન્ગરૂમ શખવાત ગર્લ્સ કૉલેજમાં બનાવવામાં આવ્યો છે. અહીં બહાર બંગાળની પોલીસની સાથે સેંકડો કેન્દ્રીય સુરક્ષાદળોના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
મતગણતરી પહેલાં સ્ટ્રૉન્ગરૂમની દીવાલ ચડતો માણસ દેખાયો

ચૂંટણીપંચ દ્વારા મતગણતરીમાં કોઈ પક્ષપાત ન થાય એ માટે સતત વિરોધ અને ફરિયાદો કરી રહેલા TMCના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે જ્યાં મતગણતરી થવાની છે એ સ્ટ્રૉન્ગરૂમની બહાર BJPના ઝંડાવાળી કાર આવનજાવન કરે છે, ત્યારે BJPના ઉમેદવાર સંજય દાસે એક વિડિયો શૅર કરીને પોલીસને અલર્ટ કરી હતી. આ વિડિયોમાં વર્ધમાન વિસ્તારના સ્ટ્રૉન્ગરૂમની ઊંચી દીવાલ પર એક માણસ ચડી રહ્યો છે. BJPના એક નેતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘TMCનો સ્પાઇડરમૅન’. સંજય દાસે આરોપ મૂક્યો હતો કે સ્ટ્રૉન્ગરૂમની અંદરથી રાતે કંઈક તોડવાનો અવાજ આવી રહ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં ઠેર-ઠેર મીઠાઈઓ બનવા લાગી છે. બિરભૂમમાં કારીગરો જથ્થાબંધ ગ્રીન મૅન્ગો રસગુલ્લા બનાવી રહ્યા છે.
