રાજગોપાલ જતો રહ્યો, તેણે કુસુમના ચહેરા સામે એક વાર જોયું પણ નહીં; કઈ જાતનો માણસ હતો આ?
સુખી તો છોને? અસ્તિત્વના અંગાર વચ્ચે પ્રેમના બે છાંટા (પ્રકરણ-૨)
નોકરીનો આજે પહેલો દિવસ હતો. કુસુમ ઘરથી નીકળી ત્યારથી જ સહેજ ગભરાટમાં હતી. રાજગોપાલ નામના કાળાસરખા ઓછાબોલા માણસે તેને નોકરી તો અપાવી દીધી, પણ હવે ઑફિસમાં શું થશે?
ઘાટકોપરથી બસ પકડીને અંધેરીની ઑફિસ પહોંચી ત્યારે ઑફિસ ખૂલી ગઈ હતી. એક પટાવાળો સાફસૂફી કરી રહ્યો હતો અને રાજગોપાલ જાણે ક્યારનો આવી ગયો હોય એમ કમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો.
ADVERTISEMENT
‘ગુડ મૉર્નિંગ,’ કુસુમે કહ્યું.
જવાબમાં રાજગોપાલે ઊંચું પણ ન જોયું. ‘ડાબી બાજુએ છેલ્લું તમારું ટેબલ છે. ઉપર છ લેટર પડ્યા છે. ટાઇપ કરી નાખો. અર્જન્ટ છે.’
કુસુમ ભણવામાં તો ઠોઠ હતી જ, તેને ટાઇપિંગ પણ ક્યાં બરોબર આવડતું હતું? રાજગોપાલે ઇન્ટરવ્યુ માટે તેની ટેસ્ટ જાતે આપી દીધી હતી પણ હવે તો કુસુમે જ કામ કરવાનું હતું.
મન મક્કમ કરીને કુસુમ ટેબલ પર બેસી ગઈ. કહેવાય છ લેટર, પણ દરેક લેટર ત્રણ-ત્રણ પાનાંના હતા. કમ્પ્યુટર સ્ટાર્ટ કરીને કુસુમ હજી લેટર ઊથલાવીને જોતી હતી ત્યાં પાછળથી રાજગોપાલનો અવાજ આવ્યો:
‘અર્જન્ટ છે, જોયા ન કરો. શરૂ કરો. જલદી. ચા પીશો?’
‘હેં?’
‘ચા પીતાં હો તો પ્યુનને કહી દઉં છું. ટેબલ પર મૂકી જશે. ટાઇપિંગની સ્પીડ કેટલી છે?’
‘હેં? સાઠ.’
‘હમણાં ખબર પડી જશે.’ રાજગોપાલે પોતાની ઘડિયાળમાં જોયું. ‘અત્યારે નવ ને પાંત્રીસ થઈ છે. સાઠની સ્પીડના હિસાબે છ લેટર દસ ને પાંચે પતી જવા જોઈએ.’
રાજગોપાલ જતો રહ્યો. તેણે કુસુમના ચહેરા સામે એક વાર જોયું પણ નહીં. કઈ જાતનો માણસ હતો આ? ગઈ કાલે ચપટીમાં નોકરી અપાવી દીધી અને આજે એવું વર્તે છે જાણે તેને ઓળખતો જ નથી!
ખેર, કુસુમે દુપટ્ટાનો છેડો કમરે બાંધીને ટાઇપિંગ કરવા માંડ્યું. બરોબર દસ ને પાંચે રાજગોપાલ પાછળ આવીને ઊભો રહ્યો.
‘હં. હજી દોઢ પાનું બાકી છે. પતાવો. ચા પીધી?’
‘હેં?’ કુસુમે જોયું, ટેબલ પર ચા ઠરી ગઈ હતી. તે જવાબ આપે એ પહેલાં રાજગોપાલ જતો રહ્યો હતો.
કુસુમને પરસેવો છૂટી ગયો. કેવી રીતે થશે આ નોકરી?
દોઢ પાનું પત્યું કે તરત રાજગોપાલ ફરી આવી પહોંચ્યો. તેણે કહ્યું, ‘ખબર છે? આમાં કેટલી ભૂલો છે?’
‘ભૂલો તો હશે. મને ખાસ આવડતું નથી.’
‘કેવું આવડે છે એ નહીં, મેં પૂછ્યું કે કેટલી ભૂલો છે...’ રાજગોપાલે કમ્પ્યુટરની એક ચાંપ દાબી કે તરત સ્ક્રીન પર સ્પેલિંગ મિસ્ટેકવાળા તમામ શબ્દો નીચે લાલ અન્ડરલાઇન થઈ ગઈ.
‘આ સ્પેલચેક નામનો પ્રોગ્રામ છે.’ રાજગોપાલ બોલ્યો, ‘આમાં ભૂલો પકડાય પણ ખરી અને સુધરે પણ ખરી. કેવી રીતે સુધારવાનું એ તમને શીખવાડું છું. એ પહેલાં આ છએ છ લેટરમાં કેટલી સ્પેલિંગ મિસ્ટેક છે એ ગણી કાઢો.’
‘હેં?’
‘મિસ્ટેકો ગણવાની છે. એક, બે, ત્રણ, ચાર એમ કરીને. ત્રીજા ધોરણનું મૅથ્સ છે. ગણો. હું આવું છું.’
કુસુમ ડઘાઈ ગઈ. તેના ગળામાં શોષ પડવા લાગ્યો. કારણ કે સ્ક્રીન ૫૨ જ્યાં જુઓ ત્યાં લાલ-લાલ લીટીઓ જ હતી, પણ રાજગોપાલ કહે એમ કર્યા વિના બીજો છૂટકો પણ ક્યાં હતો? કુસુમે ગણવા માંડ્યું...
‘એકસો ચાર ભૂલો છે.’ કુસુમે ગણી રહ્યા પછી ડરતાં-ડરતાં રાજગોપાલને કહ્યું.
‘ગુડ.’ રાજગોપાલે ટેબલ પર મૂકેલી એક લાકડાની ફુટપટ્ટી ઉઠાવી. ‘આ શું છે, એક લાકડાની ફુટપટ્ટી છે. ભૂલો આના વડે સુધારવાની છે.’
કુસુમને કંઈ સમજાયું નહીં.
‘જુઓ, આમ...’ રાજગોપાલે ફુટપટ્ટીને ઊભી પકડીને એની જાડી ધાર કુસુમના માથા તરફ ધરી, ‘હવે બરાબર કપાળની ઉપર, જ્યાં તમારી પાંથી છે ત્યાં, એક ભૂલ બદલ એક વાર આ ફુટપટ્ટી મારવાની છે, જાતે. આ રીતે, આટલા જ જોરથી.’
એમ કહીને રાજગોપાલે કુસુમના વાળની પાંથી પર ફુટપટ્ટી મારી, પ્રહાર સાવ હળવી ટપલી જેવો નહોતો, સખત હતો. થોડી વાર લગી કુસુમના કપાળે ચચરાટ થતો રહ્યો. આ ‘સજા’ હતી : થર્ડ કલાસ મ્યુનિસિપાલિટી સ્કૂલના માસ્તર કરે એવી સજા.
‘આવું એકસો ને ત્રણ વાર કરવાનું છે.’ આટલું કહીને રાજગોપાલ જતો રહ્યો. પોતાના ટેબલ પર બેસીને તે કામ કરવા લાગ્યો. કુસુમ તેના કહ્યા મુજબ કરે છે કે નહીં એ જોવા માટે તેણે ગરદન પણ ફેરવી નહીં.
કુસુમે આસપાસ જોયું. આખા સ્ટાફની નજર તેના તરફ હતી. કુસુમ સમસમી ગઈ હતી. થયું કે હમણાં જ ઊભી થઈને તે ચાલતી થાય. પણ ના, આ નોકરીની તેને જરૂર હતી. જો રાતના બબ્બે વાગ્યા સુધી જાગીને મજૂરીમાંથી છૂટવું હોય તો આ કરવું જ પડશે. કુસુમે આંખો બંધ કરી... પછી દાંત ભીંસીને એક... બે... ત્રણ. ચાર... એમ ગણતાં-ગણતાં કપાળ પર ફુટપટ્ટીના ઘા કરવા માંડયા. પચીસ- ત્રીસ વાર ફુટપટ્ટી ટકરાઈ ત્યાં સુધીમાં તો કુસુમના મગજ પર જાણે ઘણ પડ્યા હોય એવું લાગતું હતું. પણ પછી મન મક્કમ કરીને તે હોઠ બીડીને આંખો ખોલ્યા વિના કપાળે ટકોરા મારતી રહી.
છેલ્લા પાંચ ટકોરા તો તેણે એવા કચકચાવીને માર્યા કે કપાળમાં નાનું ઢીમચું થઈ આવ્યું.
આંખો ખોલી ત્યારે પટાવાળો સામે ઊભો રહીને મૂછમાં મલકાઈ રહ્યો હતો. ઠંડા પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકતાં એ ગાયનની ટ્યુનમાં ગણગણ્યો, ‘પટ્ટી કી પાઠશાલા .. અપની યે પાઠશાલા...’
કુસુમે જોયું કે આખો સ્ટાફ હોઠ બીડીને મલકાઈ રહ્યો હતો. કુસુમ સમસમી ગઈ.
‘એ બધાને હસવા દો, તમે તમારું કામ કરો,’ રાજગોપાલ આવીને ઠંડકથી બોલ્યો, ‘હવે જુઓ, સ્પેલચેકમાં મિસ્ટેક્સ શી રીતે કરેક્ટ થાય છે...’
કમ્પ્યુટરની ચાંપો દબાવીને તેણે કુસુમને સમજાવ્યું. કુસુમને તરત આવડી ગયું. તે બોલી, ‘આ તો સહેલું છે.’
‘કશું સહેલું નથી હોતું. મહેનત તો કરવી જ પડે.’ રાજગોપાલનો ચહેરો રુક્ષ થઈ ગયો. ‘કુસુમ, તમને ખબર છે, તમારી ટેસ્ટ ગઈ કાલે નહીં, આજે હતી. પોતાની ભૂલ સ્વીકારવાની ટેસ્ટ. આ ફુટપટ્ટી છેને, એને યાદ રાખજો. પોતાનું કપાળ ટીચીને ભૂલ સ્વીકારવાની ટેસ્ટ કદી સહેલી નથી હોતી.’
કુસુમ બે ક્ષણ માટે રાજગોપાલનો ચહેરો જોઈ રહી. તેની ઊંડી આંખોમાં શું હતું? ભલમનસાઈ કે ગુસ્સો? અને જો ગુસ્સો હતો તો કોની સામે?’
તે સતત ટાઇપિંગ કરતી રહી. આખરે જ્યારે તેની ગરદન અકડાઈ ગઈ ત્યારે તેણે પીઠ મરડીને આજુબાજુ જોયું. ઑફિસ અડધી ખાલી થઈ ગઈ હતી. લંચ-ટાઇમ ક્યારનો થઈ ગયો હતો. અમુક સ્ટાફ મેમ્બરો જમવા માટે નીચે ગયા હતા. બાકીના એક કૉર્નરમાં હા-હા હી-હી કરતા એકબીજાનાં ટિફિનમાંથી ખાઈ રહ્યા હતા.
કુસુમે પોતાના ઝોલામાંથી ટિફિનનો ડબ્બો કાઢ્યો. અંદર એ જ, ત્રણ સૂકી રોટલી અને બટેટાનું કોરું શાક હતું. પેલા ટોળટપ્પા કરી રહેલા કર્મચારીઓ જોડે બેસીને ખાવાનું મન તો થયું, પણ ત્યાં શું લઈને જાય? એ ચીજો, જે ગઈ કાલે ઇન્ટરવ્યુ પહેલાં અહીંની ફર્શ પર વેરણછેરણ થઈને ફેલાઈ ગઈ હતી? અને પેલી જાડી રિસેપ્શનિસ્ટે તેને ‘તુમ્હારી જુઠન ઉઠાઓ’ એમ
કહ્યું હતું...
કુસુમના ગળે કોળિયાનો ડૂમો બાઝી ગયો. ગરીબીનું દુઃખ સુખી લોકો વચ્ચે વધારે તીવ્ર લાગતું હોય છે. રોટલીનો ડૂચો ગળે ઊતરતો જ નહોતો. તેને થયું, મારા નસીબમાં આ જ છે?
એવામાં પ્યુન આવીને એક છાશ ભરેલો ગ્લાસ મૂકી ગયો. સાથે રાજગોપાલની ચબરખી હતી : ‘બટેટાનું સુક્કું શાક ગળે નહીં ઊતરે. છાશ પીઓ. માત્ર ૧૦ રૂપિયામાં મળે છે.’
આ અપમાન હતું કે મદદ?
એક દિવસ લંચ-ટાઇમે પોતાનો ડબ્બો ખોલતી હતી ત્યારે પ્યુન ગોવિંદરાવે છાશના પ્યાલા સાથે રાજગોપાલની ચબરખી આપી. ‘આજની છાશ મારા તરફથી. આજે ટાઇપિંગમાં એકેય ભૂલ નથી.’
આ રાજગોપાલનું ઇનામ હતું! દસ રૂપિયાનું ઇનામ! ગુડ. કુસુમે વિચાર્યું, ‘હું ફુટપટ્ટીથી છાશ સુધી પહોંચી ખરી...’
lll
આજે પગાર થવાનો હતો.
કુસુમ ત્રણચાર દિવસથી રસ્તે આવતાં-જતાં શોરૂમોમાં જોયા કરતી હતી. ‘શું લઉં? નવાં સેન્ડલ? નવું પર્સ? એક મેકઅપ કિટ લેવાય? નવો પંજાબી ડ્રેસ કેટલામાં મળતો હશે?’
રાજગોપાલ વારાફરતી બધાના ટેબલ પર જઈને પગારનાં કવરો આપીને રસીદમાં સહી લઈ રહ્યો હતો. કુસુમ ઉત્તેજિત હતી. હાથમાં કડકડતી સો-સોની નોટો આવશે!
‘તમે ૧૯ તારીખે જૉઇન થયાં એટલે મહિને ૧૨,૦૦૦ રૂપિયાના હિસાબે તમારા ૧૨ દિવસના ૪૮૦૦ રૂપિયા થાય છે. લો, સહી કરો.’
રાજગોપાલે કવર આપ્યું. રસીદમાં સહી લેતાં પૂછ્યું, ‘શું લેવાનું નક્કી કર્યું?’
‘ખાસ નક્કી નથી પણ...’
‘ફક્ત પોતાનું ન વિચારો, ઘરનું વિચારો, નાની બહેન માટે સ્કૂલબૅગ લેવાય. બાપુજી માટે આખી બાંયનું શર્ટ સારું લાગે, હાથ ઢંકાયેલો રહે. અને ચંપલ-સૅન્ડલની જરૂર તમને નથી, તમારી મમ્મીને છે. રોજ ૧૦ કિલોનાં પાપડ-ગુલ્લાં લેવા આપવા માટે ચાલીને જાય છે.’
કુસુમ દંગ થઈ ગઈ. ‘આ બધાની તમને ક્યાંથી ખબર?’
‘હું બહુ વાતો કરતો નથી, પણ તમે સુશીલાબહેન જોડે જે વાતો કરો એ સાંભળતો હોઉં છું. જુઓ, પહેલાં ઘરનું વિચારવાનું.’
ઑફિસથી છૂટ્યા પછી રાજગોપાલ તેને અંધેરી રેલવે-સ્ટેશનની પાછળની બાજુએ આવેલી તંબુ-ટાઇપની દુકાનોમાં લઈ ગયો. દુકાનદારો મોટા ભાગે ભૈયાઓ અથવા મુસલમાનો હતા અને ગ્રાહકો ગરીબ મજૂરવર્ગના લાગતા હતા. અહીં મળતી ચીજો સસ્તી હતી. છતાં રાજગોપાલે બધી દુકાનોવાળા જોડે ભાવતાલની રકઝક કરી. જાણે પોતે જ ખરીદવાનો હોય એમ કુસુમને જરાય બોલવા ન દીધી.
ખરીદીઓ પત્યા પછી બધી થેલીઓ કુસુમના હાથમાં પકડાવતાં તેણે કહ્યું,
‘લો, બધું થઈને ૭૨૧ રૂપિયા થયા. તમારે મને ૯૨૧ આપવાના.’
‘નવસો એકવીસ? કેમ?’
‘ભૂલી ગયા. ઇન્ટરવ્યુના દિવસે તમારું પર્સ ચોરાયું ત્યારે મેં આપ્યા હતા. રૂપિયો છૂટો આપજો.’
‘હેં?’
દર વખતે કુસુમના મોંમાંથી ‘હેં’ નીકળી જતું અને દર વખતે રાજગોપાલ કામ સિવાય કશી બીજી વાત કરતો નહોતો. કુસુમ પાસે રૂપિયો છૂટો નહોતો તોય તેણે બાકી ન રાખ્યો. ગણીને નવ રૂપિયા છૂટા આપ્યા.
કુસુમને હજી સમજાતું નહોતું કે આ માણસ એક ગહન કોયડા જેવો શા માટે લાગતો હતો? તેણે ઉપકાર પર ઉપકાર કર્યા છે છતાં તેની આંખોમાંથી દયાનો છાંટો સુધ્ધાં કેમ દેખાતો નથી?
ઘરે જઈને તેણે પહેલા પગારની ખરીદી બતાડી, સ્મિતા તો નવું દફતર લઈને રીતસર નાચવા લાગી! પપ્પાએ અડધી બાંયના સદરા પર જ આખી બાંયનું શર્ટ પહેરી લીધું. અને મમ્મી? નવાં ચંપલ જોઈને તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
કેટલાં વર્ષ પછી આ ઘરમાં આટલીબધી ખુશીઓ એકસાથે આવી હતી?
(ક્રમશઃ)

