ચોરોએ મૃતદેહનો પણ મલાજો ન જાળવ્યોઃ મુલુંડમાં મૃત વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે તેના ખિસ્સામાંથી ૫૦૦૦ રૂપિયા અને મોબાઇલ તફડાવી લેવાયા, પાછળથી તેની સાઇકલ પણ ચોરાઈ ગઈ
ડમ્પર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજયકુમાર, ફૂડ-ડિલિવરી માટેની સંજયકુમારની સાઇકલ, સંજયકુમારને અડફેટે લેનાર ડમ્પર.
મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક આવેલી કીર્તિ મહેલ હોટેલમાં ફૂડ-ડિલિવરીનું કામ કરતો ૩૯ વર્ષનો સંજયકુમાર સોમવારે બપોરે સાઇકલ પર ફૂડની ડિલિવરી કરવા સર્વોદયનગર જઈ રહ્યો હતો ત્યારે પી. કે. રોડ પર રત્ના સુપરમાર્કેટ નજીક ડમ્પરની અડફેટે આવતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે ડમ્પરચાલક રામસુંદર અહીરવાલ સામે ફરિયાદ નોંધીને અને તેની ધરપકડ કરીને ડમ્પર જપ્ત કરી લીધું હતું. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજયની ડેડ-બૉડીને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે કોઈએ મોકાનો ફાયદો ઉઠાવીને સંજયના ખિસ્સામાંથી ૫૦૦૦ રૂપિયા અને મોબાઇલ તડફાવી લીધો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે એટલું જ નહીં, સંજયને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો એ સમયે તેની સાઇકલ પણ કોઈ ચોરી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મારા ભાઈની ડેડ-બૉડીને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવીને તેનો મોબાઇલ ચોરી લીધો હતો એમ જણાવતાં સંજયના નાના ભાઈ અનુજકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઉત્તર પ્રદેશના રાયબરેલીના છીએ. સંજયની પત્ની અને દીકરો ત્યાં જ રહે છે. સંજય નોકરી માટે છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈમાં રહેતો હતો. સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ તે હોટેલમાંથી ઑર્ડર લઈને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો એ સમયે પાછળથી આવતું એક ઓવરસ્પીડિંગ ડમ્પર તેના પર ફરી વળ્યું હતું. તેના શરીર પરથી ડમ્પર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. એ સમયે ડમ્પરચાલકે તેને ડમ્પર નીચેથી કાઢીને હૉસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મદદ માટે આવેલા લોકોમાંથી કોઈએ સંજયના ખિસ્સામાં રાખેલો મોબાઇલ અને ૫૦૦૦ રૂપિયા સેરવી લીધા હતા જેની માહિતી અમને પાછળથી મળી હતી. ડેડ-બૉડી પરથી મોબાઇલ અને પૈસાની ચોરી કરનાર આવી ક્રૂર વ્યક્તિની પોલીસે ધરપકડ કરવી જોઈએ.’
ADVERTISEMENT
પૈસા અને મોબાઇલ તો ચોરી ગયા, પણ પાછળથી સાઇકલ પણ ચોરી ગયા એમ જણાવતાં કીર્તિ મહેલ હોટેલના મૅનેજર અક્ષય શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે સમયે આ ઘટના બની ત્યારે જે સાઇકલ પર ડિલિવરી કરવા સંજય ગયો હતો એના પર અમારી હોટેલનું નામ વાંચીને ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિએ અમારી હોટેલમાં ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. એ સમયે શું થયું એની માહિતી લેવા અમે સંજયના મોબાઇલ પર ફોન કર્યો ત્યારે પહેલાં બેથી ત્રણ વાર ફોન લાગ્યો હતો, પણ પછી મોબાઇલ બંધ થઈ ગયો હતો. એ દિવસે સવારથી સંજયે ડિલિવરી કરેલા ફૂડના પૈસા આશરે ૫૦૦૦ રૂપિયા તેની પાસે હતા એ પણ ચોરાઈ ગયા હતા એટલું જ નહીં, સંજયને હૉસ્પિટલમાં લઈ આવ્યા ત્યારે જે સાઇકલ પર અકસ્માત થયો હતો એ પણ ચોરાઈ ગઈ હતી. સંજયે ત્રણ મહિના પહેલાં જ નવો મોબાઇલ લીધો હતો.’

