Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વો હી તો મેરી માં થી

વો હી તો મેરી માં થી

Published : 11 May, 2025 01:16 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

સંબંધોની જે નાજુક પરિપાટી જે ગઈ કાલે હતી એ ભલે આજે ન રહી હોય પણ મા એ મા ને બીજા બધા વગડાના વા

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


આજનો દિવસ તો રોજના જેવો જ ચીલાચાલુ દિવસ છે. સૂરજ રોજની જેમ જ સવારે પૂર્વમાં ઊગ્યો છે અને સાંજે પશ્ચિમમાં આથમી જશે. પણ કેટલાક દિવસને આપણે ચોક્કસ નામ આપીએ છીએ. આ નામ ક્યારેક વારતહેવારને કારણે હોય છે. હોળી, દિવાળી ઇત્યાદિ. જ્યારે વારતહેવારનું નામ ન આવે ત્યારે આપણે ચોક્કસ દિવસને જાતજાતનાં અને ભાતભાતનાં નામ આપીએ છીએ. જેમ કે પંદર ઑગસ્ટ, છવ્વીસ જાન્યુઆરી ઇત્યાદિ-ઇત્યાદિ. જ્યારે આવાં ચોક્કસ નામ મળતાં નથી ત્યારે એ દિવસને ખાસ નામ આપીને આપણે આપણી પોતાની પીઠ ઉપર ધબ્બો મારીએ છીએ, શાબાશ-શાબાશ. આજે આપણે આવો ધબ્બો મારી રહ્યા છીએ. આજના ધબ્બાનું નામ છે માતૃત્વ દિન.


વર્ષના ૩૬૫ દિવસ. આ ૩૬૫માંથી એક દિવસ આપણે માતાના નામે જમા કર્યો! શાબાશ- શાબાશ. જે માના ગર્ભમાં નવ મહિના રહ્યા ત્યારે પણ શ્વાસ તો માએ જ પૂરા પાડ્યા હતા. આજે સાઠ, સિત્તેર કે એંસી વર્ષની ઉંમરે પણ આપણું હોવું એ જ સ્ત્રીના કારણે છે જેને આપણે માતા કહીએ છીએ. માતા જીવંત જ હોય એ જરૂરી નથી. માતા જીવંત ન પણ હોય અને છતાં આપણે એક મુઠ્ઠી ભરીને હવાને ઉડાડીએ છીએ. મુઠ્ઠીમાં જેમ હવા ભરાય નહીં એમ ૩૬૫માંથી એક દિવસ ભરી શકાય નહીં અને છતાં આપણે એક દિવસ ભરીએ છીએ! આ છે આપણો માતૃત્વ દિન. જે માતાને બધા જ ૩૬૫ દિવસ પૂરેપૂરા આપી દઈએ તોય ઓછા પડે એ માતાને આપણે આજનો એક દિવસ આપીએ છીએ અને પછી કહીએ છીએ કે શાબાશ-શાબાશ, આજે માતૃત્વ દિન છે. આવું કહીએ છીએ ત્યારે એક વાત નજરે ચડતી નથી અને એ વાત એટલે આ માતૃત્વ દિન નથી, માતૃત્વ દીન છે.



માતા માતા માતા


માતા શબ્દ સામાન્ય રીતે કુળદેવી એટલે કે અંબા અંબાજી કે એવી દેવીઓ માટે જ વપરાતા. માતા એટલે મા. એટલે કે જનેતા, એટલે કે જેણે છાતીએ વળગાડીને પોતાનું દૂધ પાઈને એક નવા અસ્તિત્વને ધરતીના પટ પર મૂક્યું છે એ મા. આ મા વિશે બીજી કોઈ જાણકારી ભલે ન હોય પણ એ મા છે અને એ છે એને કારણે જ મારું કે તમારું આ જીવન છે. આ એટલી અમથી વાત કહેવાની હોય? આવું કોઈને સમજાવવાની જરૂર ખરી? કોને આ ખબર નથી પડતી? અને આમ છતાં મા વિશે પુસ્તકો લખાય, મા વિશે પ્રવચનો થાય, મા વિશે દુનિયાના દરેક ધર્મ પાર વિનાની કથાઓ આપે ત્યારે એમ થાય કે આટલી સમજ કેળવવા માટે આપણે આટલું બધું કરવું પડતું હોય તો માએ આપણને અહીં લાવવાની જરૂર જ નહોતી.

સામાન્ય રીતે વ્યવહારિક જીવનમાં આપણે જે નથી કરતા અને છતાં એ કામ કરવું જ જોઈએ એનાથી આપણે માહિતગાર હોઈએ. આ નથી કરતા કામને આપણે કરીએ છીએ એવું બહારના લોકોને ગળે ઉતારવા માટે એ કામ કરી રહ્યા છીએ એવો ઢોલ વગાડી રહ્યા છીએ. માતૃત્વ દિન આવો જ એક ઢોલ છે. જો એ ઢોલ ન હોત તો આપણે કદાચ આવી ઉજવણી કરતા જ ન હોત. આપણને ઢોલની નહીં પણ વાંસળીની જરૂર છે. આવડે છે કોઈને વાંસળી વગાડતાં?


હા, કોઈને નથી આવડતું એમ ન કહેવાય. ઘણા રૂડા રૂપાળા બાળ કનૈયા વાંસળી વગાડતા પણ હોય છે. વાંસળી વાગતી રહે એ જોવાની આપણા સહુની ફરજ છે - ઢોલવાળાની પણ.

એવું કહેવાય છે કે કન્યા અઠ્ઠાવીસની ઉંમરે માતૃત્વ હાંસલ કરે એ તેના જીવનચક્રનું મહત્ત્વનું સોપાન છે. આજે બન્યું છે એવું કે માતા તો ઠીક, પત્ની બનવા માટે પણ આ હોનહાર જનેતાઓ ઇનકાર કરે છે. હવે પહેલો શ્વાસ પૃથ્વી પર લેતાં પહેલાં જ જેમનું જીવન આટોપાઈ જાય એ સંખ્યા કદાચ નાનીસૂની નહીં હોય. માતા પોતે જ પોતાના જ અસ્તિત્વના આ એક અંશને એ આવે એ પહેલાં જ વિદાય કરી દે છે. આ વિદાય માતૃત્વ વિશે સનાતન કાળથી જે ગાયું કે ગવાયું છે એનો છેદ ઉડાડી દે એવી હોય છે.

वो ही तो मेरी मां थी!

પ્રતિક્ષણ વિશ્વ તીવ્ર ગતિએ ગમે એટલું બદલાતું હોય, માણસ સ્થૂળ અર્થમાં કે ભાવનાત્મક અર્થમાં ભલે બદલાતો રહેતો હોય, સંબંધોની જે નાજુક પરિપાટી જે ગઈ કાલે હતી એ ભલે આજે ન રહી હોય પણ મા એ મા ને બીજા બધા વગડાના વા. આ સૈકાઓ પહેલાં જે સંબંધ રચાયા હશે એને દુનિયાનું કોઈ પરિવર્તન બદલી શક્યું નથી.

ચાળીસેક વર્ષ પહેલાં અમે થોડાક મિત્રો પ્રયાગરાજની યાત્રાએ ગયા હતા. ઉનાળાનો વખત હતો, રાતનો સમય હતો, એક સામાન્ય કક્ષાના ઉતારામાં અમે રોકાયા હતા. રાત્રે અગિયારેક વાગ્યાને સુમારે ગરમીને કારણે અમે મિત્રો બહાર રસ્તા પર આંટા મારી રહ્યા હતા. રસ્તાની સામે બાજુએ એક ઘરના ઓટલા પાસે પાંચ-સાત વર્ષનું એક બાળક મેલું-ઘેલું ઉઘાડા ડીલે ઊભું-ઊભું રડી રહ્યું હતું. એ ઘરના દરવાજેથી એક ત્રીસ-ચાળીસ વર્ષની સ્ત્રી ધમ-ધમ કરતી બહાર નીકળી. તે ગુસ્સામાં હતી એમ લાગ્યું. તેણે પેલા બાળકને કાન પકડીને બેત્રણ હળવી લપાટો મારી. બાળક લાચાર અવસ્થામાં વધુ જોસથી રડી પડ્યું અને પેલી સ્ત્રી તેને હડસેલીને અંદર ચાલી ગઈ. સ્ત્રી અંદર ચાલી ગઈ એટલે પેલું બાળક રડતું-રડતું ઓટલા ઉપરથી નીચે રસ્તા પર ઊતરી આવ્યું. રાતના આવા સૂમસામ સમયે બાળક રસ્તા પર એકલું પડ્યું એટલે મારા મનમાં તેના પ્રત્યે કરુણા ભાવ જાગ્યો. મેં બાળક પાસે જઈને તેને હળવેકથી કહ્યું – ‘બેટા રાત બહુત હો ગયા હૈ, અભી આગે મત જાઓ. અપની માં કે પાસ ઘર પે ચલે જાઓ.’

રડતું બાળક એકાએક અટકી ગયું. તેણે મોઢું ઊંચું કર્યું. બન્ને ગાલ પર મેલ, પરસેવો અને આંસુ સેળભેળ થઈ ગયાં હતાં. મારી સામે જોઈને તે બોલ્યું, ‘કહાં જાઉં? વો હી તો મેરી માં થી.’

બાળકના આ વાક્યમાં માનવીય લાચારી પ્રગટ થતી હતી. માણસ ગમે તે અવસ્થામાં મુકાયો હોય, ખોળો તો આખરે માનો જ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2025 01:16 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK