થાણેની રૂપલ સત્રાનો ડાબો હાથ જન્મથી જ ટૂંકો છે, તેનાં અનેક ઑપરેશન થયાં છે, અંગૂઠા પણ કામ નથી કરતા
થાણેની રૂપલ સત્રા
જન્મથી જ ડાબો હાથ ટૂંકો, બન્ને હાથના અંગૂઠા પણ કામ ન કરે તો આંગળીઓની મદદથી પેન્સિલ પકડીને ભણી. મમ્મી રસોઈ બનાવવા જાય અને પપ્પા શરાબની લત છોડાવવા ચાર મહિના રીહૅબમાં ગયા હતા. આવી પરિસ્થિતિમાં પણ જાતે ભણીને ૭૫.૨ ટકા મેળવ્યા છે થાણે-વેસ્ટમાં રહેતી SSC બોર્ડની BSM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થિની રૂપલ સત્રાએ.
આઠમા મહિને જન્મેલી રૂપલનો એક હાથ પહેલેથી જ ટૂંકો અને વળેલો હતો. એ હાથના પંજામાં અંગૂઠો જ નહોતો અને જમણા હાથમાં અંગૂઠો સાવ ટૂંકો અને કોઈ કામ જ ન કરે એવો હતો. રૂપલ પાંચ વર્ષની થઈ ત્યાં સુધી તેના હાથને સીધો કરવા માટે ૬ ઑપરેશન કર્યાં હતાં. તેની હાઇટ પણ બીજાં બાળકો જેમ વધતી નહોતી. આ બધા શારીરિક પડકારો છતાં તેને ભણાવવા માટે તેના પેરન્ટ્સ મક્કમ હતા.
ADVERTISEMENT
રૂપલની મમ્મી મનીષા સત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘રૂપલને ભણવા માટે થોડી મદદ કરવી પડતી હતી. ઑપરેશન અને શારીરિક અક્ષમતાને લીધે તેનું ભણવાનું બગડતું હતું. પાંચમા, છઠ્ઠા અને સાતમા ધોરણમાં લૉકડાઉનને કારણે તે બરાબર ભણી ન શકી. આઠમા અને નવમા ધોરણમાં ફરીથી તેનાં ૪ ઑપરેશન થયાં. તેના પગનું હાડકું કાઢીને હાથમાં બેસાડ્યું હતું. તેને આરામ કરવાનો હતો એથી તે માંડ એકાદ મહિનો જ સ્કૂલ જઈ શકી. એને કારણે ભણવામાં તે થોડી પાછળ રહી ગઈ. ટેન્થમાં તેના સ્કૂલ-ટીચર, પ્રિન્સિપાલ અને ફ્રેન્ડ્સે તેને બહુ સપોર્ટ કર્યો હતો. મેં તેનું ટ્યુશન પણ રખાવ્યું, પણ મારા કામને કારણે હું તેને બહુ સમય નહોતી આપી શકતી. તેના પપ્પા રીહૅબમાં ગયા હતા તો પણ હિંમત હાર્યા વગર જાતે જ બધું મૅનેજ કરીને આટલા સારા ટકા લાવી રૂપલ. તેના પર મને બહુ ગર્વ છે.’
રૂપલની હાઇટ અત્યારે ૪ ફુટ જેટલી જ છે, પણ ઇરાદાઓ ઘણા ઊંચા છે. સ્કૂલમાં ડાન્સ અને મોનો ઍક્ટિંગમાં રસપૂર્વક ભાગ લેતી રૂપલને આર્ટ્સમાં આગળ ભણવાની ઇચ્છા છે.

