Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સત્ય, સ્વચ્છતા, સંવેદના

સત્ય, સ્વચ્છતા, સંવેદના

Published : 02 October, 2022 12:20 AM | IST | Mumbai
Hiten Anandpara

બીજી ઑક્ટોબર એટલે ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મજયંતી

સત્ય, સ્વચ્છતા, સંવેદના

સત્ય, સ્વચ્છતા, સંવેદના


બીજી ઑક્ટોબર એટલે ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મજયંતી. બન્ને પાસે સાદગીનું પોતીકું સરોવર હતું. શરીર પણ એવું ભરાવદાર નહીં કે બધા પર રોફ ઝાડી શકે, પણ ખમીર એવું મક્કમ કે દેશ માટે મરી પડે. મોહનમાંથી મહાત્મા થવાની અને શ્રીવાસ્તવમાંથી શાસ્ત્રી થવાની સફર અનેરી છે. ગાંધીજીએ સત્યાગ્રહનો અભિનવ સિદ્ધાંત આપ્યો તો શાસ્ત્રીજીએ ‘જય જવાન, જય કિસાન’નો નારો આપીને ખેતર અને ખમીર બન્નેની મહત્તા કરી જાણી. પારુલ ખખ્ખરના એકત્વના સંદેશ સાથે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર મહાપુરુષોને વંદન...
તું ગીતાના શ્લોકોનો દીવો પેટાવે
હું અહીં આયાત ઘસું છું ઓરસિયા પર
ઓશો, લલ્લી, સુર, ગાંધીની સાથે-સાથે
મીરાં ને સુકરાત ઘસું છું ઓરસિયા પર
ઓરસિયા પર ન્હોરસિયા ઘસાઈ રહ્યા હોય એવા દિવસો ચાલી રહ્યા છે. સેવાના અંચળા ઓઢીને કટ્ટરવાદનો પ્રચાર કરનાર પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પર અનેક રાજ્યોમાં રેઇડ પડી. અજિત ડોભાલ જેવી મુત્સદ્દી પ્રતિભાનું માર્ગદર્શન અને નિગરાની હોય એટલે વાતમાં ચોકસાઈ પણ હોવાની અને વાતનાં મૂળિયાં પણ ઊંડાં હોવાનાં. ૨૦૪૭ સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના એજન્ડા સાથે કાર્યરત દેશવિરોધી તત્ત્વો રાષ્ટ્ર માટે ઘાતક છે. નરેન્દ્ર જગતાપ નરેન કહે છે એવી પ્રતિભા અને તકેદારી બન્નેની આવશ્યકતા આપણને છે...
કલયુગે અવતાર જેવું જોઈએ
ગાંધી કે સરદાર જેવું જોઈએ
જો કલંકિત એમ કરવા જગ મથે
દૃષ્ટિમાં પણ ધાર જેવું જોઈએ
કામ કરનારા પર કાદવ ઉછાળવા અમુક લોકો સદૈવ તત્પર હોય છે. ગાંધીજીએ સ્વચ્છતાને કાયમ મહત્ત્વ આપ્યું હતું. ભારત સરકારે બીજી ઑક્ટોબર ૨૦૧૪ના રોજ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનની અસરો આજે દેખાઈ રહી છે. આ અભિયાન હેઠળ દસ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું. બાહ્યશુદ્ધિ અને આંતરશુદ્ધિ બન્ને પરત્વે ગાંધીજી જાગૃત હતા. તેમણે અઘરાં લાગતાં અનેક કામ પાર પાડી બતાવ્યાં. પ્રવીણ શાહ આશાનો માર્ગ ચીંધે છે...
રાખ, ચિનગારી છુપાવી રાખશે
એનાથી સંભાળવું અઘરું નથી
રોજ તૂટે તાર કે ચરખો તૂટે
રોજ પાછું કાંતવું અઘરું નથી
ગાંધીજીની આગવી ઓળખ બનેલો ચરખો માત્ર કાંતવાનું ઓજાર નથી, પણ લાખો લોકોને રોજીરોટી આપતો આવિષ્કાર છે. જાત પર દૃઢ વિશ્વાસ હોય તો નાની લાગતી વાત મોટી સિદ્ધ થઈ શકે છે. નવજીવન ટ્રસ્ટના પ્રકાશનમાં ગાંધીજીએ જોડણીકોશ તૈયાર કરાવ્યો એ પણ ખરેખર ભાષા-પ્રવર્તક કાર્ય ગણાય. આઝાદીની તોતિંગ લડત હોવા છતાં તેમણે નાની લાગતી બાબતોને ઉવેખી નહીં. મૂલ્યો પર તેમણે પોતાની આગવી છાપ મુદ્રિત કરી. તેઓ પાસેનું અનુભવી શકતા હતા અને દૂરનું જોઈ શકતા હતા. જયંત વસોયા સ્વરૂપની ખોજ કરે છે...
ગ્રંથમાં કે અન્ય ઘટનામાં નથી
છે ખરું પણ સત્ય અથવામાં નથી
બિંબને ઓળખ, ત્યજી પ્રતિબિંબ તું
તારું સાચું રૂપ તક્તામાં નથી
ગાંધીજીનું સત્ય ચિંતન, મનન અને અનુભૂતિમાંથી નીપજેલું. તેમના માટે સત્ય એ જ ઈશ્વર. તેમણે આત્મકથાનું નામ `સત્યના પ્રયોગો’ રાખ્યું, પણ સત્યનો યોગ તેમના જીવનમાંથી દેખાયા કરે. સાંપ્રત સમયમાં આ સત્ય ઉઝરડાયું છે, રહેંસાયું છે, કરમાયું છે. ડૉ. નીલેશ રાણાના લઘુકાવ્યમાં એની વ્યથા ઝિલાઈ છે. ‘વર્ષો પહેલાં ગોળી મારી ગોડસેએ અને હજીયે રુધિર ઝર્યા કરે છે મારા હાથમાંથી. આજે પિસ્તોલ મારી, જખમ પણ મારો. કહો મારામાંથી વહી જતા ગાંધીને જીવાડું શી રીતે?’ 
દેહ વિદાય લે છે. સિદ્ધાંતો, આદર્શો યુગો સુધી પથદર્શન કરતા રહે. માન્યતામાં નૂર હોય તો એ દૃઢ થઈને મૂલ્ય બને. ડૉ. દિલીપ મોદી કહે છે એ અવલોકન ગાંધીજી બાબતે ખોટું પુરવાર થયું છે એનો આનંદ છે...
પંખી ટહુકો લઈ જુઓ ઊડી ગયું
પીંજરાનું રૂપ બદલાતું રહ્યું
આખરે મેં સત્ય સ્વીકારી લીધું
ટોળું શ્રદ્ધાનું વિખેરાતું રહ્યું


લાસ્ટ લાઇન
ચોખ્ખું તન હો, ચોખ્ખું મન હો, ચોખ્ખું ગામ ને શેરી
ચોખ્ખાઈથી ઊકલે મિત્રો, હરપળ સર્વ પહેલી



ઝાડુ જાણે ચીજ અહિંસક, ગાંધી ચીંધી વેણુ
જેના સૂરે ભાગે ગંદી આદત ભાયું-બેનું
લાંબા સમયે સાચી સમજણ હાથ પડી છે બેલી 


ગામ, શહેરો, સઘળી વસ્તી ચોખ્ખી થશે જ્યારે
દેશ-દેશના મન મૂકીને વસવાને લલચાશે
સદી ગયેલાં રોગ-ગરીબી નાસે વંડી ઠેકી

મંત્ર સ્વચ્છતા જપતાં જપતાં હોશ થકી જોડાશો નબળા-સબળા એકીસાથે પળમાં ઊભા થશો નવતર જીવન-નૌકા થશે પગલે પગલે વહેતી!! 


- ગુણવંત ઉપાધ્યાય

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2022 12:20 AM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK