ભારતના ફૉરેન સેક્રેટરીએ રાત્રે છેક ૧૧ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને ફરી શરૂ થયેલા નાપાક હુમલાની માહિતી આપી, કહ્યું કે આપણી સેના તેમને જડબાતોડ જવાબ આપી રહી છે
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું એ પછી ગઈ કાલે શ્રીનગરમાં બ્લૅકઆઉટ કરવામાં આવ્યો હતો.
યુદ્ધવિરામ જાહેર કર્યાના કલાકોમાં જ પાકિસ્તાને એનું ઉલ્લંઘન કરીને પોતાની જાત દેખાડી હતી અને ભારતીય સશસ્ત્ર દળોએ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો. રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ભારતના ફૉરેન સેક્રેટરી વિક્રમ મિસરીએ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે ‘પાછલા ત્રણ કલાકમાં સાંજે થયેલી સમજૂતીનું વારંવાર ઉલ્લંઘન કરતા બનાવ બન્યા છે. આ ઉલ્લંઘનને અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને આપણાં સશસ્ત્ર દળો યોગ્ય અને પૂરતો જવાબ આપી રહ્યાં છે. સેનાને આ ઉલ્લંઘન સામે જવાબ આપવાની પૂરી છૂટ આપવામાં આવી છે’
શનિવારે રાત્રે પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાને અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર તોપમારો કર્યો હતો. આ દરમ્યાન બારામુલ્લામાં ડ્રોન હુમલો થયો હતો. પાકિસ્તાને જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે ભારતીય સેનાએ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનાક્રમને પગલે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘યુદ્ધવિરામનું શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટો સંભળાયા.’
ADVERTISEMENT
કચ્છમાં ફરી બ્લૅકઆઉટ, ભુજમાં સાઇરન ધણધણી ઊઠી બનાસકાંઠા, પાટણ જિલ્લાનાં સરહદી ગામડાંઓમાં પણ ફરી અંધારપટ
યુદ્ધવિરામ પહેલાં ભારતનો મોટો નિર્ણય : હવે કોઈ પણ આતંકવાદી કૃત્ય ઍક્ટ ઑફ વૉર ગણાશે

