ડૉ. સરકારે કોઈ પ્રતિભાવ ન આપ્યો. હૃદયભંગ થયેલા ડૉ. રૉય પછી ક્યારેય પરણ્યા નહીં પણ શાહજહાંના પગલે ચાલી એક આખું પ્લાન્ડ સિટી બનાવ્યું ને એનું નામ ‘કલ્યાણી’ રાખ્યું.
પ્રતીકાત્મક તસવીર
ભારતના કોઈ શહેરના મેયરને કે કોઈ રાજ્યના ચીફ મિનિસ્ટરને કે કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સર્વોચ્ચ ઇલકાબ ‘ભારતરત્ન’થી સન્માનવામાં આવ્યા હોય એવું તમારા ધ્યાનમાં છે? કોઈ મેડિકલ ડૉક્ટર રાજ્યનો મુખ્ય પ્રધાન બન્યો હોય એવું તમારા ધ્યાનમાં છે? કોઈ ડૉક્ટરે FRCS અને MRCP બન્ને ડિગ્રી એકસાથે મેળવી હોય એવું તમારા ધ્યાનમાં છે? જો ન હોય તો તમારી જાગેલી ઉત્કંઠાને હમણાં જ શમાવી દઉં. આ બધી જ વિશિષ્ટતાઓ એક જ વ્યક્તિમાં હતી. એ હતા ડૉ. બિધાનચંદ્ર રૉય. આ એ જ ડૉ. બી. સી. રૉય છે જેમણે ‘ગ્રૅન્ડ ઓલ્ડ મૅન ઑફ બેન્ગૉલ’ એવા સુરેન્દ્રનાથ બૅનરજીને ચૂંટણીમાં હરાવ્યા હતા (૧૯૨૮). આ એ જ વ્યક્તિ છે જેમણે સવિનય કાનૂનભંગ ચળવળનું બંગાળમાં નેતૃત્વ કર્યું (૧૯૨૯) અને તેથી બ્રિટિશ સરકારે અલીપોર (કલકત્તા) જેલમાં પૂર્યા હતા. પછી એ જ શહેરના મેયર (૧૯૩૦માં) અને એ જ રાજ્ય પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન (૧૯૪૮માં) પણ બન્યા.
એક ફિલ્મી વાર્તા જેવી તેમની જિંદગી હતી. હૃદયની સારવાર કરનારનું હૃદય પણ રોમૅન્ટિક હતું. કહે છે કે બીજા એક પ્રસિદ્ધ ડૉ. નીલરતન સરકારની પુત્રી કલ્યાણી સાથે તેમને પ્રેમ હતો. તેની સાથે ‘કલ્યાણમ્’ કરવા હાથની માગણી કરી, પણ ડૉ. સરકારે કોઈ પ્રતિભાવ ન આપ્યો. હૃદયભંગ થયેલા ડૉ. રૉય પછી ક્યારેય પરણ્યા નહીં પણ શાહજહાંના પગલે ચાલી એક આખું પ્લાન્ડ સિટી બનાવ્યું ને એનું નામ ‘કલ્યાણી’ રાખ્યું.
ADVERTISEMENT
બાળપણમાં જ માતાને ગુમાવનાર બિધાને એન્જિનિયરિંગ અને મેડિકલ બન્ને કોર્સ માટે અરજી કરી. બન્નેમાં પાસ થઈ ગયા પણ તેમણે મેડિકલ ફીલ્ડ પસંદ કર્યું. તેથી જ ભારતને આગળ જતાં તેમના નેતૃત્વમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (MCI) જેવી માતબર સંસ્થા મળી અને જનતા જેના માટે કાયમ ઋણી રહેશે એવી દેશ આખામાં ફેલાયેલી ચૅરિટેબલ હૉસ્પિટલ્સ અને દવાખાનાંઓની શૃંખલાનું ફ્રેમવર્ક પણ મળ્યું.
૧ જુલાઈ, ૧૮૮૨એ જન્મ અને એ જ તારીખે ૧૯૬૨માં અવસાન. આજીવન જનસેવકને ભારતે ૧૯૬૧માં ‘ભારતરત્ન’ આપી સન્માન કર્યું અને તેમની સ્મૃતિમાં દર વર્ષે પહેલી જુલાઈએ નૅશનલ ડૉક્ટર્સ ડે ઊજવવામાં આવે છે. નેક્સ્ટ ટુ ગૉડ એવા અથક સેવાઓ આપનારાઓ માટે (યાદ કરો કોવિડ-19નો એ અતિ જોખમી કાળ) આજે ‘થૅન્ક યુ’ની એક મીઠી કૅપ્સ્યુલ તો જરૂર મોકલાવજો. પુત્ર/પુત્રી/પુત્રવધૂ હોય તો તેમને પણ થૅન્ક યુ’ કહેજો. ઘરવાળા સાથે શું ફૉર્માલિટી એમ ન ગણતા, ફક્ત એક શબ્દથી સ્ટેથોસ્કોપના બન્ને છેડે આખી સુરીલી સરગમ ગુંજી ઊઠશે.
-યોગેશ શાહ

