ઇન ફૅક્ટ ૧૪ હેક્ટર જેટલી જંગલની જમીન રોડ બનાવવામાં વપરાઈ એ માટે જંગલ ખાતાએ વળતરની ડિમાન્ડ કરી હતી. જેહાનાબાદ પાસે રોડને પહોળો કરવાનો પ્રોજેક્ટ બનાવી દીધો
વૃક્ષો કાપવાની પરવાનગી ન મળી તો ૧૦૦ કરોડનો રોડ વૃક્ષોની આજુબાજુ જ બનાવી દીધો
બિહારમાં પટનાથી ગયા તરફ જતા ૫૦ કિલોમીટરના અંતરે જેહાનાબાદ આવે છે. જોકે આ રોડ પર લગભગ ૭.૪૮ કિલોમીટરનો એક લાંબો પટ્ટો આવે છે જેમાં રસ્તાની વચ્ચે જ્યાં-ત્યાં વૃક્ષો ઊગેલાં જોવા મળે છે. પટના-ગયા રોડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યારે અધિકારીઓએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી વચ્ચે આવી રહેલાં વૃક્ષો કાપવાની પરવાનગી માગી હતી, પરંતુ જંગલ ખાતાએ એની સ્પષ્ટ ના પાડી દીધી. ઇન ફૅક્ટ ૧૪ હેક્ટર જેટલી જંગલની જમીન રોડ બનાવવામાં વપરાઈ એ માટે જંગલ ખાતાએ વળતરની ડિમાન્ડ કરી હતી. જેહાનાબાદ પાસે રોડને પહોળો કરવાનો પ્રોજેક્ટ બનાવી દીધો, એ માટે ફન્ડ ફાળવી દીધું, પરંતુ જંગલ ખાતાની પરવાનગી ન મળતાં વાત અટકી ગઈ. જોકે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પંગો લેવાને બદલે રોડ બનાવનારા અધિકારીઓએ રસ્તા પર જ્યાં, જેવાં અને જેટલાં વૃક્ષો હોય એને એમ જ રહેવા દઈને એની આજુબાજુ રોડ બનાવીને વાઇડનિંગનું કામ પૂરું કરી નાખ્યું. હવે રોડની વચ્ચે વાંકીચૂંકી લાઇનમાં વૃક્ષો છે એને કારણે આ રસ્તો ઍક્સિડન્ટ પ્રોન ઝોન થઈ ગયો છે. સોશ્યલ મીડિયા પર કમેન્ટમાં એકે લખ્યું હતું કે આ તો રિયલ લાઇફમાં ઝિગઝૅગ બાઇકિંગ ગેમ રમવાનો ટ્રૅક હોય એવું લાગે છે.

