° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


બચાવેલા પૈસા માંદગીમાં જાય એવું શું કામ કરવાનું?

25 September, 2021 03:34 PM IST | Mumbai | The Great Khali (Dalip Singh Rana)

ઘણા એવું કહે છે કે હું તો બિઝનેસ કરું છું, મારે એક્સરસાઇઝની જરૂર નથી કે મારી પાસે ટાઇમ નથી તો એ બધી દલીલ છે અને આવી દલીલોનો હૉસ્પિટલમાં કોઈ અર્થ નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આજે સૌથી મોટું બહાનું જો કોઈની પાસે હોય તો એ છે ‘મારી પાસે ટાઇમ નથી.’ બીજું બહાનું, ‘મારે ક્યાં હીરો બનવું છે કે હું જિમમાં જાઉં કે એક્સરસાઇઝ કરું.’ પણ હું કહીશ કે એવી વાતોથી તમે તમારી જાતને છેતરી શકો, તમારી હેલ્થને નહીં. એને માટે તો તમારે મહેનત જ કરવી પડે. તમે ચાહે કોઈ પણ પ્રોફેશનમાં હો, બિઝનેસમૅન હો કે સેલ્સમૅન હો. હેલ્ધી રહેવું એ કોઈ પણ માણસની બેઝિક જરૂરિયાત છે અને તમારે એ પૂરી કરવી જ પડે.

હું ઘણા લોકોને જોઉં છું કે તેઓ સતત પૈસા બચાવ્યા કરે અને પછી જતી જિંદગીએ હૉસ્પિટલનાં મોટાં-મોટાં બિલ ભરીને પોતાની એ બચતને વાપરે. બચત વપરાઈ જાય એમાં કોઈ વાંધો નથી. તમે કમાયા અને તમારી પાછળ એ ખર્ચાયા, પણ એ બચત વાપર્યા પછી પણ જે પીડા સહન કરવાની, ડૉક્ટર જે મોટાં-મોટાં ઇન્જેક્શન મારે એ સહન કરવાનાં અને લાઇફનો કીમતી ટાઇમ હૉસ્પિટલમાં પસાર કરવાનો. અધૂરામાં પૂરું, તમારી આ માંદગીના સમયે તમારા ફૅમિલી-મેમ્બરને પણ દુખી કરવાના અને તેમનો પણ સમય બગાડવાનો. એવું ન થવા દેવું હોય તો આજે પૈસા અને સમય બન્ને થોડા કાઢો અને એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો. હેલ્ધી રહેવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને એ એક જ જરૂરિયાત એવી છે જે તમારાથી જ પૂરી થઈ શકે. એમાં બીજો કોઈ આવીને હેલ્પ ન કરી શકે. તમારે જ હાથ-પગને તસ્દી આપવી પડે અને તમારે જ મનમાં નક્કી કરવું પડે કે હવે તમે સમયસર એક્સરસાઇઝ કરશો.

મેં એક વાત નોટિસ કરી છે, મોટા ભાગના લોકો આળસુ થઈ ગયા છે. આળસનું જ આ પરિણામ છે કે લોકો શક્ય હોય ત્યાં સુધી ઊભા થવાનું પણ પસંદ નથી કરતા. કાં તો કોઈને કામ સોંપી દે અને કાં તો ઊભા થવું પડે એવી ડિમાન્ડ પોતે જ ન કરે. અરે, પાણી લેવા પણ જાતે ઊભા નહીં થતા લોકોને મેં જોયા છે. હમણાં જે આ કોરોનાનો પિરિયડ ચાલે છે એમાં મૅક્સિમમ આવા જ લોકો હેરાન થયા છે અને તેમણે જ ટ્રીટમેન્ટ દરમ્યાન તકલીફ સહન કરવી પડી છે. મેં અનેક લોકો એવા જોયા કે જેમને કોરોના થયા પછી એક પર્સન્ટ તકલીફ પણ નહોતી પડી અને હેમખેમ રીતે તેઓ બહાર આવ્યા હતા. આવું કેમ બન્યું, ડાયટ. લોકોએ સાચું છે એ બધું છોડી દીધું અને ખોટું છે એ બધું અપનાવી લીધું. પાણીપૂરી ખાવાની વાત આવે એટલે મોઢામાં પાણી આવે, પણ મકાઈની રોટી આપો તો સીધી ના પડી દે. કોઈને શું ફાવે અને કોઈને શું ન ફાવે એ જોવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. હું બધું ખાઉં છું, પણ એ બધું ખાઈને હું એને ડાઇજેસ્ટ કરવાની મહેનત પણ એટલી જ કરી લઉં છું. આ જે મહેનત છે એ કરવાની ક્ષમતા હોય તો જ એવું ખાવું જે શરીર માટે નુકસાનકર્તા છે.

નુકસાનને આજે તમે સાચવશો તો એવી પરિસ્થિતિ ઊભી થશે કે આવતી કાલે એ જ નુકસાન ઍડ્‍વાન્સ સ્ટેજમાં પહોંચશે અને એ તમને વધારે હેરાન કરશે. બહેતર છે કે સમજણ સાથે આગળ વધીએ અને સમજણને હંમેશાં સાથે રાખીએ. સૉરી, પણ આ વાત સાંભળવામાં જેટલી સહેલી લાગે છે એટલી જ અઘરી એનો અમલ છે. જો તમે એનો અમલ કરવામાં ક્યાંય પણ બેદરકાર રહ્યા તો ખરેખર એનો ભોગ બનવું પડશે અને હેરાન થવું પડશે.

એક્સરસાઇઝ કરવાની નથી હોતી એવા ઘણા લોકો એવું કહે છે કે આપણે ક્યાં કોઈ રેસમાં ઊતરવું છે, આપણે ક્યાં મારપીટ કરવા જવું છે, પણ હેલ્ધી રહેવાનો અર્થ એ નથી થતો કે તમે કોઈને મુક્કો મારો અને તે પડી જાય. હેલ્ધી રહેવાનો એક અર્થ એવો પણ છે કે કોઈ તમને મુક્કો મારે ત્યારે તમે તેને રોકી શકો, એનો પ્રતિકાર કરી શકો. આપણા દેશમાં એની બહુ જરૂર છે.

સારા લોકોની તુલનામાં ખરાબ લોકો બહુ ઓછા હોય છે. હજાર લોકોમાં માંડ ૫૦ લોકો એવા હોય જેઓ ખરાબ હોય છે, પણ એ ખરાબની જે બીક છે એ બીક તમારી અનહેલ્ધીનેસ સાથે જોડાયેલી છે. તંદુરસ્તી તમારા મનમાંથી બીક પણ કાઢે અને તંદુરસ્તી તમારા મનમાં હિંમત પણ ભરે. હિંમત બહુ જરૂરી છે. આજના સમયમાં તો એની ખૂબ જરૂર છે. મેં દુનિયા જોઈ છે એટલે કહું છું કે આપણા લોકોની માનસિકતા કરતાં દુનિયાના અન્ય દેશોની માનસિકતા જુદી છે.

આપણે દરેક વાતમાં બિઝનેસ જોતા હોઈએ છીએ. ગુજરાતી કે મારવાડીની જ વાત નથી, બીજી કમ્યુનિટીને પણ આ જ વાત લાગુ પડે છે હવે, પણ અમેરિકા અને યુરોપના દેશોના લોકોની માનસિકતા એવી નથી. તેઓ જીવવામાં માને છે, તેઓ પોતાને ટાઇમ આપવામાં માને છે અને એ સરળતાથી પોતાને સાચવે છે. આ જે સાચવવાની રીત છે એમાં આપણે લાપરવાહ છીએ. ‘આ નથી તો પેલું ચાલે’ અને ‘પેલું નહીં હોય તો નહીં જ ચાલે’ એવી જે માનસિકતા આપણે બનાવી લીધી છે એ સારી બાબતમાં બનાવી હોત તો વધારે સારું થાત, પણ આપણે ખોટી અને ખરાબ આદતોમાં આ માન્યતાને દૃઢ કરી. કેટકેટલું સરસ આપણું ફૂડ છે અને એ પછી પણ આપણે જન્ક ફૂડ પાછળ ભાગતા હોઈએ છીએ. મારે કહેવું છે કે આ બાબતમાં જેટલી ઝડપથી જાગૃતિ આવે એટલું બધા માટે સારું રહેશે, ખાસ કરીને બાળકો માટે. અત્યારે જે રીતે બાળકો જન્ક ફૂડ તરફ વળ્યાં છે એ જોતાં આપણને આપણા જ ભવિષ્ય પર શંકા જાગે એવું બની શકે.

બાળકોની વાત ચાલુ છે ત્યારે મારે કહેવું છે કે સમય આવી ગયો છે કે સ્કૂલમાં જ આ બાળકોને ફૂડ અને હેલ્થ તથા એક્સરસાઇઝ વિશે વધારે સારી રીતે સમજાવવામાં આવે જેથી બાળકો એ વાત ઘરમાં લઈ આવે, પણ એવું નથી થતું એ અફસોસ છે. અત્યારે આપણે ફક્ત સ્કૂલ-બુક્સને ફૉલો કરવામાં વિશ્વાસ રાખવા માંડ્યા છીએ, પણ એજ્યુકેશનનો અર્થ એટલે સ્કૂલ-બુક્સ નથી જ નથી. સ્કૂલ સર્વાંગી વિકાસ માટે છે. ત્યાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થવો જોઈએ. બાળકોની જે ઉંમર છે એ ઉંમરે જ જો તેમને સાચું ખાવાનું સમજાવી દેવામાં આવે તો એ બાળક ક્યારેય ખોટા રસ્તે નહીં જાય. બાળકોને જો એ જ સમયે એક્સરસાઇઝ માટે ગંભીર કરી દેવામાં આવે તો તેને પણ સમજાશે કે તેણે હેલ્ધી રહેવું બહુ જરૂરી છે.

બાળક બહુ મહત્ત્વનું ફૅમિલી-મેમ્બર છે. નાનાં બાળકો ધારે તો દાદા પાસેથી પણ કામ કઢાવી લે છે અને નાનાં બાળકો ધારે તો પપ્પા-મમ્મીને પણ સમજાવી શકે છે. આજે ઘરમાં એવું જ થતું હોય છે. બાળક નથી ખાતું તો મમ્મી તેને માટે તેને ભાવતું બનાવે જ છે. જો આ જ બાળક સાચું ખાવાનું શીખીને કે જાણીને આવશે તો તે આખા ઘરને ચેન્જ કરી શકશે, જે આપણા સૌ માટે સારું છે. મેં હમણાં જ આ વાત દિલ્હીમાં કરી અને દિલ્હીની કેટલીક સ્કૂલોએ પોતાના ટાઇમ-ટેબલમાં ચેન્જ કરીને એમાં એક્સરસાઇઝ, યોગ અને ફૂડ-પૅટર્ન વિશે જ્ઞાન આપવાના સબ્જેક્ટ ઉમેરી દીધા. આજે ગુજરાતી શું કામ બિઝનેસમૅન છે?

સિમ્પલ. તેને એ પ્રકારનું વાતાવરણ મળે છે. જો બાળકોને પણ હેલ્થ માટેનું યોગ્ય વાતાવરણ મળતું થશે તો એ પણ હેલ્ધી થવાની દિશામાં આગળ વધશે અને ફૅમિલી પાસે પણ એ જ કામ કરાવશે, જેનાથી ઘણી બધી સમસ્યાનો નિકાલ થશે. બાળક પછી મારે વાત કરવી છે યંગસ્ટર્સની. જો યંગસ્ટર્સ ધારે તો તેઓ પોતાના પેરન્ટ્સને જિમમાં જવા માટે તૈયાર કરી શકે છે. એવી જ તેમને ગિફ્ટ આપો કે તેમણે કમ્પલ્સરી જવું પડે. એવું તેમને માટે પ્લાનિંગ કરો કે તે યોગ કે પછી બીજી કોઈ પણ હેલ્ધી ઍક્ટિવિટીમાં નાછૂટકે ભાગ લેતા થાય. જો તમે એવું કરશો તો એનો લાભ પણ તમને જ મળવાનો છે. તમારે તમારા પેરન્ટ્સને બીમારીમાં હેરાન થતા નહીં જોવા પડે.

કોરોનાએ ભલભલાના સાચા રંગ ઉઘાડા કર્યા. મેં મારી આજુબાજુના ઘણા લોકોના સાચા રંગ જોયા. સારા રંગ પણ જોવા મળ્યા અને લોકોનું છીછરાપણું પણ જોવા મળ્યું અને નાના લોકોને પોતાનાથી નબળા લોકોની મદદ કરતા જોયા. હું કહીશ કે મહામારીએ આપણા સૌના જીવનમાં બ્યુટિફુલ ટીચર તરીકે કામ કર્યું છે.

25 September, 2021 03:34 PM IST | Mumbai | The Great Khali (Dalip Singh Rana)

અન્ય લેખો

શું તમને માનવામાં આવે કે કિંગ ખાન પૈસા દેવાને બદલે ઍફિડેવિટના રસ્તે ચાલે?

શું સમીર વાનખેડે ન જાણતો હોય કે પોતે કઈ ગલીમાં હાથ નાખે છે, શું એને ન ખબર હોય કે શાહરુખ ખાન નામના કિંગ ખાનની પહોંચ કયા લેવલ પરની છે? આવું બને ક્યારેય, પૉસિબલ પણ છે આવી વાત?

28 October, 2021 09:21 IST | Mumbai | Manoj Joshi

ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘માણસો કેવા ઇમોશનલફુલ હોય એ તારે જોવું હોય તો શિવાનીને મળી આવ...’

28 October, 2021 08:23 IST | Mumbai | Rashmin Shah

વિચાર આવવો જરૂરી છે, પ્રોડક્ટ તો પછી બની શકે છે

એક સમયના ‘ટાઇમ’ મૅગેઝિનના એડિટર વૉલ્ટર આઇઝેક્શને ૧૦૦થી વધુ પર્સનલ મીટિંગ કરીને તૈયાર કરેલી ‘સ્ટીવ જૉબ્સ’ની બાયોગ્રાફીમાં સ્ટીવ જૉબ્સે પોતે આ વાત કહી છે જે જીવનભર તેણે ફૉલો પણ કરી છે

27 October, 2021 12:54 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK