Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પિતાએ પ્રસ્તાવ સ્વીકાર્યો હોત તો રવીન્દ્રનાથ મુંબઈના જમાઈ થયા હોત

પિતાએ પ્રસ્તાવ સ્વીકાર્યો હોત તો રવીન્દ્રનાથ મુંબઈના જમાઈ થયા હોત

Published : 06 May, 2025 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વાર રવીન્દ્ર તેમની કવિતાનો અંગ્રેજી અનુવાદ ગાઈ રહ્યા હતા. રવિના મધુર સ્વરના આસવને જાણે ઍના આકંઠ પી રહી હતી.

રવીન્દ્રનાથ ટાગોર

સોશ્યોલૉજી

રવીન્દ્રનાથ ટાગોર


૭ મે ૧૮૬૧, રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. આજે તેમના જીવનની એક ઓછી જાણીતી ઘટનાની વાત કરવી છે.


એ તો સૌ જાણે જ છે કે રવિ નાનપણથી જ કળા અને સાહિત્યના ચાહક હતા. ૮ વર્ષની ઉંમરે તેમણે પ્રથમ કાવ્ય લખ્યું હતું. શાળા તેમને જેલ જેવી લાગતી હતી. અભ્યાસમાં અરુચિ જોઈ પિતા દેવેન્દ્રનાથે તેમને વિદેશ મોકલવાનું નક્કી કર્યું પણ એ પહેલાં વિદેશી માહોલ અને રીતભાત માટે તૈયાર કરવાનું મોટા ભાઈ સત્યેન્દ્રનાથે વિચાર્યું એટલે તેમણે મુંબઈ રહેતા મિત્ર ડૉ. આત્મારામ પાંડુરંગને વાત કરી કારણ કે ડૉક્ટરનો પરિવાર સુધારાવાદી હતો. અંગ્રેજી ભણતર અને રીતભાતથી ટેવાયેલો હતો. રવીન્દ્ર મુંબઈ આવી ગયા. આ મરાઠી કુટુંબમાં ડૉક્ટરનાં પત્ની અને પુત્રીઓ પણ મુક્ત વિચારોવાળાં હતાં. પુત્રીઓ અંગ્રેજી ઢબનાં વસ્ત્રો પહેરતી. જમવાનું ડાઇનિંગ ટેબલ પર પિરસાતું. ત્રણમાંની એક પુત્રી અન્નપૂર્ણા (અંગ્રેજોની અસર હેઠળ ‘ઍના’ ) બોલકી, ઊછળતી, મસ્તીખોર હતી. ઍનાએ રવીન્દ્રનું મન મોહી લીધું. રવિના મધુર અવાજ અને કવિતાઓથી ઍના પણ આકર્ષિત થઈ હતી. રવિ બંગાળી કવિતાઓનો મર્મ અંગ્રેજીમાં સમજાવતા. તેમણે ઍનાને નવું નામ નલિની આપ્યું. ઍના પણ અંગ્રેજીની સારી જાણકાર હતી. અનુવાદ કરવામાં તે પણ સૂચનો આપતી.



એક વાર રવીન્દ્ર તેમની કવિતાનો અંગ્રેજી અનુવાદ ગાઈ રહ્યા હતા. રવિના મધુર સ્વરના આસવને જાણે ઍના આકંઠ પી રહી હતી. કવિતા જ્યારે પૂરી થઈ ત્યારે તેની આંખમાં આંસુ હતાં. ‘ઍના, તું રડે છે?’


‘રવિ, હું તારી કવિતામાં વહી રહી છું. હું મરણપથારીએ હોઉં ને ત્યારે તું તારી કવિતાઓ સંભળાવીશ તો હું પાછી વળી જઈશ.’
આ પ્રસંગ બાદ તેમની મિત્રતા વધુ ગાઢ થઈ. ઍનાએ એક વાર રવિને કહેલું, ‘તારો ચહેરો એટલો સરસ છે કે ક્યારેય દાઢીથી ઢાંકી ન દેતો.’ રવિએ ત્યારે તો વાત માની પણ આગળ જતાં લખ્યું કે  ‘બધા જાણે છે એમ હું એ વચન પૂરું કરી શક્યો નથી.’

ઍના અને રવિ વચ્ચે ફૂટી રહેલી પ્રેમની કૂંપળો ડૉ. પાંડુરંગના ધ્યાનમાં આવી ગઈ હતી. તેમના કુટુંબને પણ આ બન્ને યોગ્ય સાથી લાગતાં હતાં. રવિ ઇંગ્લૅન્ડ જાય એ પહેલાં આ સંબંધ બંધાય એ માટે ડૉક્ટરે મિત્ર સત્યેન્દ્રને વાત કરી. મોટા ભાઈને પણ આ સંબંધ બંધાય એ યોગ્ય જ લાગ્યું. તેમણે પિતા દેવેન્દ્રનાથને વાત કરી. પણ પિતા જુનવાણી વિચારો ધરાવતા હતા. તેમણે ડૉક્ટરનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં અને રવીન્દ્રનાથ મુંબઈના જમાઈ થતા રહી ગયા. વિદેશથી પરત આવ્યા પછી રવીન્દ્ર ઍનાને મળ્યા કે નહીં એવો કોઈ ઉલ્લેખ નથી.


ઍનાએ તો વાતચીતમાં હૃદયની લાગણી વ્યક્ત કરી જ હતી, પણ રવીન્દ્રએ પોતાના હૃદયને ક્યારેય ખોલ્યું નહીં.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK