ગામડામાં છોકરી પરણીને આવવા રાજી નથી ને છોકરાને શહેરમાં ટકવાની ગતાગમ નથી એટલે બાપાને આ મોબાઇલની દુકાનવાળો મસ્તીનો રસ્તો મળી ગ્યો છે. શહેરમાં દુકાન કરો, છોકરો પયણાવો ને લગ્ન થઈ જાય એટલે સીધા ગામભેગા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ખરખરામાં જેમ નેગેટિવ માણસનો પૉઝિટિવ ખરખરો કરાય છે એવું જ સગાઈમાં પણ થાય છે. અમારા મુરતિયાને કોઈ પણ જાતનું વ્યસન નથી એવું સાબિત કરવા માટે આખું કુટુંબ કન્યાપક્ષ સામે ખૂબ મહેનત કરે, પણ મુરતિયાના મોઢામાંથી આવતી ગુટકાની માથું ફાડે એવી વાસ અને તેના સડેલા દાંત ડામચિયામાંથી મોઢું બહાર કાઢતાં ગોદડાં જેવા હોય છે. સંતાડી જ નો શકાય. કન્યાપક્ષમાં પણ એવું જ હોય. ધરાહાર સાબિત કરવા મથતું રહે કે અમારી દીકરી ખૂબ સોજી ને ઘરરખ્ખુ. હકીકતમાં તે દીકરી સોજી નઈ, સોજા ચડાવી દે એવી માથાભારે હોય. ઘરમાં કોઈના બાપનું માનતી નથી અને દસ જણની દાળ તો દૂર રહી, એક કપ ચા બનાવતાં પણ આવડતું નથી. આવી બધી વાતુંથી પચાસ ટકાથી વધારે સગાઈ થઈ જાય ને આપણને આપણા જેવું મળી ગયાનો આનંદ લેતાં બેઉ જણ મનોમન સમજી જાય કે એકબીજાને બટકી ગ્યા!
સગાઈને સફળ બનાવવા સામેવાળાને તમારા ઘર સુધી પહોંચવા જ ન દો, કારણ કે તમારા ઘરની દીવાલો તમારા કંકાસની ચાડી ખાતી હોય છે. વળી ફૂવડ બાયુનો ગોબરો સ્વભાવ સામેવાળા તરત જ પકડી લેતા હોય છે તો અમુક લોકો સોફા અને દીવાલના પ્લાસ્ટર પરથી બૅન્ક-બૅલૅન્સનો ક્યાસ કાઢવામાં માહેર હોય છે. દીકરીની મોંફાડ જેટલું જ માહાત્મ્ય શેટી પલંગના ઓછાડનું હોય છે. તમારી ડગુમગુ થતી ટિપાઈ તમે કંજૂસ કાકડી છો એ ચરિતાર્થ કરી દયે છે.
ADVERTISEMENT
હું ગોંડલમાં રહેતો ત્યારની વાત કરું. ન્યાં રેડીમેડ કપડાંની એક એવી દુકાન જેમાં દર છ મહિને બોર્ડ બદલે, અંદરનું બધું એમ ને એમ રહે. મને અચરજ થયું એટલે એક દિવસ હું ઘરાકી વગરની એ દુકાનમાં ચડ્યો. જેવો દુકાનમાં દાખલ થ્યો કે તરત એક ફાંદાળા કાકાએ મને આવકાર્યો અને કહ્યું, ‘સાંઈરામ આવો, તમારેય કુટુંબમાં કોઈનું સગપણ કરવાનું છે?’
મને નવાઈ લાગી એટલે મેં સામો સવાલ કર્યો, ‘કાં, આ કપડાંની દુકાન છે કે મૅરેજ-બ્યુરોની?’
કાકા બરાબરના હોશિયાર. મને ક્યે, ‘બેયની!’
‘કાકા, મેળો ગ્યો ને મેં ચકેડીમાં ગોળ-ગોળ બોઉં ફરી લીધું...’ કાકાને મેં કીધું, ‘સીધો ને સટ્ટ જવાબ દયો...’
કાકાએ ફાકી ચોળીને જે જવાબ આપ્યો એ સાંભળીને હું તો ગોથું વળી ગ્યો.
‘સાંઈ, આ મારી જ દુકાન છે. લગ્નવાંછુક યુવકોને ભાડે આપું છું. ગોંડલની આજુબાજુના ગામડાનો કામધંધા વગરનો કોઈ જુવાન અહીં દુકાનને પોતાનું મનગમતું નામ રાખે અને એકાદ-બે મહિના બેસે એટલે આજુબાજુનાં ગામડાંમાંથી તેને માગાં આવવા માંડે ને તેની સગાઈ થઈ જાય. જેવી સગાઈ થાય કે છોકરો દુકાનનો કબજો મને આપીને પાછો ગામડે પોતાના મૂળ ધંધે વળગી જાય. તૈયાર દુકાનમાં થડે બેસી માલિક બનવાનું ૧૫,૦૦૦ રૂપિયા ભાડું અને સગાઈ થઈ જાય એટલે ૫૦,૦૦૦ રૂપિયા રોકડ માલિકને આપવાના! વળી છ મહિનામાં સગાઈ નો થાય તો ટોટલ રૂપિયા પાછા!’
આ આખી કથા સાંભળીને સાચે જ મારો તો શ્વાસ અધ્ધરતાલ થઈ ગ્યો. દરેક શહેરમાં આમ ને આમ સગાઈ કરાવવાવાળી સ્પેશ્યલ દુકાનો કે શોરૂમ હોતાં જ હશે. આ તો અમે જેવું હોય એવું મોઢામોઢ સંભળાવીએ અને તમે નથી બોલતા, બસ એટલો જ ફરક. બાકી મુંબઈમાં પણ આવી દુકાનોનો ઢગલો હોતો જ હોય. મોબાઇલની દુકાનું આટલી બધી હોવાનું કારણ શું, ઈ જ. ગામડામાં છોકરો હોય તો કોઈ છોકરી દયે નઈ એટલે પછી મુંબઈમાં ભાઈડો એક દુકાન ગોતે ને મોબાઇલનો સ્ટોર ચાલુ કરી દયે. લાંબું કામ તો આવડતું નો હોય એટલે ભડવીર એકાદ મા’ણા રાખી દયે. મા’ણા મોબાઇલ દેખાડ્યા કરે ને ભડવીર સગાઈનાં સપનાં જોતો થડે બેસી રયે.
ફરી આવી જઈએ સગાઈની વાત પર.
સગાઈ સફળ કરવી જ હોય તો દીકરો-દીકરી જેવાં જુવાન થાય એટલે આખી શેરી કે સોસાયટી સાથે સંબંધો સુધારી લેવા. પાણી માટે હાંડે-હાંડે આવ્યા હો તો પણ તેને ઘરે બોલાવીને ચા-પાણી પીવડાવી દેવાં, કારણ કે અમુક એક્સપર્ટ તજ્જ્ઞો પ્રથમ મુલાકાત પછી તમારી સામેવાળાની નેમપ્લેટ વાંચીને પોતાના સોર્સ લગાવી સીધું ‘આ ફલાણાભાઈનું કુટુંબ કેવું?’ એવું પૂછતા હોય છે. આમ શેરીના રિપોર્ટની કિંમત CID કે EDના રિપોર્ટ જેટલી જ અગત્યની હોય છે.
છોકરીએ માંડ-માંડ બારમું ત્રીજી ટ્રાયે પાસ કર્યું હોય તો પણ ટિપાઈ પર રૅપિડેક્સ ઇંગ્લિશ અને વિવેકાનંદજીનાં પુસ્તકો મૂકી રાખવાં, જેથી સામેવાળાને એમ લાગે કે કુટુંબમાં પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો સુમેળ સધાયો છે!
કન્યાપક્ષવાળાઓને વિનંતી કે શક્ય હોય તો સામેવાળાને ગરમાગરમ બટાટાપૌંઆ કે પૅટીસ કે ભજિયાંનો નાસ્તો કરાવવો, કારણ કે પામોલીન તેલનું હવાઈ ગયેલું ચવાણું કોઈ વાર આખી વાત બગાડી નાખે છે. ફાઇનલ ટિપ : ‘સગાઈ થાય કે ન થાય, અમારા ઘરેથી જમ્યા વગર નહીં જવાય’ આવો હૃદયપૂર્વક આગ્રહ કરનાર વર કે કન્યાપક્ષવાળાને સામેવાળા તેમના જ કુટુંબમાંથી બીજો મુરતિયો એક મહિનામાં જ જોવા મોકલે છે. આમ તમારી પાંચ જણની પ્રેમપૂર્વકની મહેમાનગતિ વાઇરલ બની જાય તો વૈકલ્પિક યોગથી પણ તમારાં છોકરા-છોકરી વાંઢાં ન રહે! બાકી ૫૦ ટકા કન્યાઓ તેમના બાપાના સડી ગયેલા મગજ અને સ્વભાવને લીધે કુંવારી છે તો ૫૦ ટકા છોકરાઓ તેમની બાના બાધોડકા સ્વભાવને લીધે એ પણ ભૂલવું નહીં.

