Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પાંચ દિવસ પહેલાં જ દીકરીને જન્મ આપનારી મમ્મી ૧૭ વર્ષથી બની રહી છે દીકરીઓને ભણાવવામાં મદદગાર

પાંચ દિવસ પહેલાં જ દીકરીને જન્મ આપનારી મમ્મી ૧૭ વર્ષથી બની રહી છે દીકરીઓને ભણાવવામાં મદદગાર

Published : 27 September, 2026 04:24 PM | IST | Vadodara
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વડોદરાની ૩૩ વર્ષની નિશિતા રાજપૂતે અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ ગર્લ સ્ટુડન્ટ્સ માટે દાતાઓના સહયોગથી સ્કૂલોમાં જમા કરાવી છે ૬ કરોડથી વધુ ફી. આ કામની સુવાસથી નિશિતાને અમેરિકા, ઇંગ્લૅન્ડ અને દુબઈથી પણ મદદ મળી રહી છે

નિશિતા રાજપૂત અને સ્કૂલ-ગર્લ્સ.

નિશિતા રાજપૂત અને સ્કૂલ-ગર્લ્સ.


દીકરી વ્હાલનો દરિયો કહેવાઈ રહ્યું છે એનું ઉદાહરણ આપવું હોય તો કદાચ વડોદરાની નિશિતા રાજપૂતનું ઉદાહરણ આપી શકાય, કેમ કે આ દીકરી વડોદરામાં છોકરીઓના અભ્યાસ માટે અભિયાન ચલાવી રહી છે. પૈસાના અભાવે છોકરીઓ ‍અભ્યાસ છોડી ન દે એ માટે તે પોતે જ્યારે ટીનેજર હતી ત્યારથી એક ખાસ મિશન ચલાવતી હતી. દાતાઓના સહયોગથી નિશિતા રાજપૂતે જરૂરિયાતમંદ છોકરીઓની સ્કૂલની ફી ભરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં ૧૭ વર્ષમાં હજારો ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે તેણે અંદાજે ૬ કરોડ રૂપિયાથી વધુ ફી વડોદરાની વિવિધ સ્કૂલોમાં જમા કરાવી છે. તેના આ સદ્કાર્યની સુવાસ ૭ સમુંદર પાર ફેલાઈ છે અને અમેરિકા, ઇંગ્લૅન્ડ તેમ જ દુબઈથી પણ લોકો તેને મદદ કરી રહ્યા છે જેને કારણે દીકરીઓનાં શિક્ષિત થવાનાં સપનાં સાકાર થઈ રહ્યાં છે. 
નબળા અને મધ્યમ વર્ગમાં આજે પણ એવા કેટલાય પરિવારો છે કે જેઓ કોઈની સામે હાથ ફેલાવતા નથી કે એ માટે બોલી શકતા નથી. એવા પરિવારોની દીકરીઓને જ્યારે પૈસાની ખેંચના કારણે અભ્યાસ છોડવો પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ દીકરીઓનાં ભણતરનાં સપનાં અધૂરાં રહી જતાં હોય છે. આવી દીકરીઓના પડખે નિશિતા રાજપૂત આવીને ઊભી રહી છે. સમાજમાં ઉદાહરણીય અને અનુકરણીય સદ્કાર્યને કારણે આજે પરિણામ એ આવ્યું છે કે કેટલીયે દીકરીઓ ઉચ્ચ અભ્યાસ પૂરો કરીને, પોતાનો મુકામ હાંસલ કરીને પગભર થઈ છે અને  પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે.    

દીકરીઓ બેઝિક એજ્યુકેશન મેળવે  



દીકરીઓના અભ્યાસ માટે અભિયાન ચલાવી રહેલી નિશિતા રાજપૂત ‘મિડ-ડે’ને કહે છે, ‘ઍક્ચ્યુઅલી, મારા પિતા ગુલાબસિંહ રાજપૂત મારા રોલમૉડલ છે. તેઓ જરૂરિયાતમંદ બાળકોને ઘરે લાવતા. તેમની સાથે અમે બધા ફેસ્ટિવલ મનાવતા હતા એટલે ઘરમાં એક પ્રકારે એવું વાતાવરણ હતું. તેમનાથી હું ઇન્સ્પાયર્ડ થઈ અને ગર્લ્સ એજ્યુકેશન માટે છેલ્લાં ૧૭ વર્ષથી કામ કરી રહી છું. ઘણાબધાનાં ઘરે ઘરકામ કામ કરવા માટે બહેનો અને ભાઈઓ આવતાં હોય છે. આમાંથી કેટલાંક એવાં પણ હોય છે જેઓ પૈસાના અભાવે દીકરીઓ પાસે પણ કામ કરાવતાં હોય છે. એને કારણે ઘણી દીકરીઓ ભણવાનું છોડી દેતી હોય છે. આ વાતનો જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે મને એમ થયું કે આ દીકરીઓ બેઝિક એજ્યુકેશન મેળવે અને બારમા ધોરણ સુધી અભ્યાસ કરે તો તેમનામાં સમજદારી આવે, સમાજમાં આગળ વધી શકે, તેમને સારી તક મળી શકે. આ વાતને લઈને જે દીકરીઓનો અભ્યાસ પૈસાને કારણે અટકે છે એવી જરૂરિયાતમંદ દીકરીઓની સ્કૂલ-ફી ભરવાનો વિચાર કરીને કામ શરૂ કર્યું હતું.’    


પપ્પા અને તેમના ફ્રેન્ડસર્કલે કરી મદદ અને શરૂ થયું અભિયાન  

૧૭ વર્ષ પહેલાં આ કામ શરૂ કર્યું ત્યારે નિશિતા પોતે એક સ્ટુડન્ટ હતી. એ કુમળી વયે શરૂ થયેલું કામ ખૂબ જ રંગ લાવ્યું. એ સમયે પરિવારની મદદથી વડોદરાની જુદી-જુદી સ્કૂલની ૧૫૧ દીકરીઓને ફીમાં સપોર્ટ કર્યો હતો એ વિશે વાત કરતાં નિશિતા કહે છે, ‘એ સમયે મારા પપ્પા અને તેમના ફ્રેન્ડસર્કલે મને ફી ચૂકવવામાં મદદ કરી હતી. એનાથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું અને મારું અભિયાન શરૂ થયું. આજ સુધી એ અટક્યા વિના નિરંતર ચાલી રહ્યું છે. મારા પિતા જરૂરિયાતમંદ દીકરીઓને મદદરૂપ થાય છે એટલે મને ખબર પડે કે કોને તકલીફ છે. તેથી એવી દીકરીઓ અને તેમના પેરન્ટ્સને મળીને, તેમની ફી વિશે જાણીને તે દીકરીની ફી ચૂકવતી. હવે તો ઘણાબધા લોકોને ખબર પડતાં આવી દીકરીઓ વિશે માહિતી મળે છે. શરૂઆતમાં તો એવું પણ થયું કે દીકરીઓની સ્કૂલ-ફી ભરી દઈએ એટલે ઘણા પેરન્ટ્સ કૅરલેસ થઈ જતા કે હવે ફીની ચિંતા નથી. જોકે પેરન્ટ્સની પણ પોતાનાં સંતાનો પ્રત્યે રિસ્પૉન્સિબિલિટી છે એ ન ભૂલવું જોઈએ. આવા અનુભવ થતા હોવાથી થોડીક ગંભીરતા ઉમેરવી જરૂરી લાગી. હવે જે દીકરીઓ પાંચમા ધોરણમાં ‘A’ ગ્રેડ સાથે પાસ થાય તેમની આખા વર્ષની ફી ભરી દઈએ છીએ અને આગળ ભણાવવા માટે મદદ કરીએ છીએ. બાકીના ધોરણની દીકરીઓની ફી પણ ભરીએ છીએ.’  


૧૪૦ સ્કૂલોની દીકરીઓને કરી મદદ  

વડોદરા શહેરમાં નબળા કે મધ્યમ વર્ગને પોસાય એવી ઓછી ફીવાળી ૧૪૦ જેટલી પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરતી દીકરીઓ સુધી ફીની મદદ પહોંચી છે એ વિશે વાત કરતાં નિશિતા કહે છે, ‘વડોદરામાં એવી કેટલીયે લોઅર મિડલ ક્લાસ ફૅમિલી છે જેઓ પોતાની તકલીફ વિશે બીજાને કહી શકતી નથી કે નથી મદદ માગી શકતી. એવી ફૅમિલીની દીકરીઓને મદદ કરીએ છીએ. વડોદરામાં નાની-નાની અંદાજે ૧૪૦ જેટલી સ્કૂલમાં અમે મદદરૂપ થયા છીએ. આવી સ્કૂલોમાં એટલી બધી ફી હોતી નથી. વર્ષની ૧૫,૦૦૦ રૂપિયાની અંદર ફી હોય છે. અમે ૧૦૦૦ રૂપિયાથી લઈને ૩૦૦૦ અથવા તો આખા વર્ષની પણ ફી ભરીએ છીએ. દાતાઓ પાસેથી ૧૦૦૦ રૂપિયાથી વધુના જે ચેક આવે છે એ સીધા જ સ્કૂલમાં આપવામાં આવે છે.’  

૬ કરોડથી વધુની ફીમાં કરી મદદ  

છેલ્લાં ૧૭ વર્ષથી ફી ભરવાનું અભિયાન ચાલી રહ્યું છે એમાં કરોડો રૂપિયાની ફી ચૂકવાઈ છે એ વિશે વાત કરતાં નિશિતા કહે છે, ‘છેલ્લાં ૧૭ વર્ષમાં અંદાજે ૫૦,૦૦૦થી વધુ દીકરીઓની ફી ભરવામાં મદદરૂપ થયા છીએ. અત્યાર સુધીમાં અંદાજે ૬ કરોડ રૂપિયાથી વધુની ફી જુદી-જુદી સ્કૂલોમાં ચૂકવી છે. જે દાતા ફી ભરવામાં મદદરૂપ થાય છે તેમને જે દીકરીની ફી ભરી હોય તેનું રિઝલ્ટ, ફીની વિગત તેમ જ માતા-પિતા શું કરે છે એની માહિતી આપીએ છીએ. દાતા જે ચેક આપે એના પર સ્કૂલનું નામ લખાય છે. મારો જે પગાર આવે છે એમાંથી પણ હું આ દીકરીઓની ફી ભરવામાં મદદ કરી રહી છું. આ ઉપરાંત લંડન, દુબઈ તેમ જ અમેરિકાથી પણ ફી ભરવા માટેના ચેક દાતાઓ મોકલાવે છે. એક વખત અમેરિકાથી પટેલ સમાજે ૧૪ લાખ રૂપિયા ફીરૂપે મોકલ્યા હતા. એટલે વડોદરા સહિત ગુજરાતમાંથી તેમ જ વિદેશોમાંથી પણ હવે લોકો દીકરીઓનો અભ્યાસ ન અટકે એ માટે મદદરૂપ થઈ રહ્યા છે. આ દીકરીઓને સ્કૂલ-બૅગ તેમ જ દિવાળીમાં તેમની ચૉઇસનાં કપડાં લેવા માટે પણ મદદ કરીએ છીએ.’  

૭ પેઢીનું જીવન બદલી શકે છે દીકરીઓ  

દીકરીઓની ફી ભરવાનું અભિયાન ચલાવી રહેલી નિશિતા રાજપૂત આ પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં કહે છે, ‘ફી ભરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ ભણશે તો તેમના જીવનમાં આગળ વધશે. કહેવાય છે કે પાણીનું દાન કરીશું તો ૪ કલાક ચાલશે, અન્નદાન કરીશું તો ૭૨ કલાક ચાલશે, વસ્ત્રદાન કરીશું તો એક કે બે વર્ષ ચાલશે; પરંતુ વિદ્યાદાન કરીશું અને એ પણ દીકરીને કરીશું તો તે આવનારી ૭ પેઢીનું જીવન બદલી શકે છે. ૧૭ વર્ષમાં જે દીકરીઓની ફી ભરી છે એમાંની ઘણી દીકરીઓએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને આજે નોકરી કરી રહી છે. આ દીકરીઓ પૈસા કમાઈને તેમના ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે.’  

 ફી ભરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ ભણશે તો તેમના જીવનમાં આગળ વધશે. કહેવાય છે કે પાણીનું દાન કરીશું તો ૪ કલાક ચાલશે, અન્નદાન કરીશું તો ૭૨ કલાક ચાલશે, વસ્ત્રદાન કરીશું તો એક કે બે વર્ષ ચાલશે; પરંતુ વિદ્યાદાન કરીશું અને એ પણ દીકરીને કરીશું તો તે આવનારી ૭ પેઢીનું જીવન બદલી શકે છે.
- નિશિતા રાજપૂત

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 04:24 PM IST | Vadodara | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK