૩૭ વર્ષનો અમોલ કહે છે, ‘મેં મારા જીવનનો મોટા ભાગનો સમય ફ્રેન્ડ્લીઝમાં કામ કરીને વિતાવ્યો છે. ભણતો હતો ત્યારે અહીં કામ કરતો હતો, પછી જૉબ પણ અહીં જ શરૂ કરી, એક ફ્રૅન્ચાઇઝી લઈને બિઝનેસ શરૂ કર્યો અને હવે આખી રેસ્ટોરાં-ચેઇન મૅનેજ કરું છું.
અમોલ કોહલી
અમેરિકાની પ્રસિદ્ધ રેસ્ટોરાં-બ્રૅન્ડ ફ્રેન્ડ્લીઝમાં ૧૫ વર્ષની ઉંમરે જોડાયેલા અમોલ કોહલીએ બે દાયકા પછી એ આખી રેસ્ટોરાં-ચેઇનને ખરીદી લીધી: કોરોનાકાળમાં નાદારી નોંધાવનારી ફ્રેન્ડ્લીઝને ફરી ધમધમતી કરવાના મિશન સાથે આજે એનાં ૧૦૦થી વધુ આઉટલેટને મૅનેજ કરવા સાથે બીજી પણ અનેક બ્રૅન્ડ્સ મળીને ૨૫૦થી વધુ રેસ્ટોરાંની માલિક છે તેની કંપની
૨૦૦૩માં ૧૫ વર્ષની ઉંમરે અમોલ કોહલી નામના ટીનેજરે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફ્રેન્ડ્લીઝ રેસ્ટોરાંમાં પાર્ટટાઇમ નોકરી શરૂ કરી હતી. ત્યારે તો તેમના મગજમાં માત્ર થોડી પૉકેટમની કમાવાનો જ વિચાર હતો. જોકે તે ટીનેજરે પોતે પણ કલ્પના નહોતી કરી કે બે દાયકામાં તેનું નસીબ તેને ક્યાં લઈ જશે, તે પોતે એ જ રેસ્ટોરાં-ચેઇનનો માલિક બની જશે જ્યાં એક સમયે તે લોકોને આઇસક્રીમ સર્વ કરતો હતો. ટીનેજ અમોલ ફ્રેન્ડ્લીઝમાં કલાકના પાંચ ડૉલર કમાતો હતો. અહીં તે કુક, ડિશવૉશર, સર્વર અને આઇસક્રીમ સ્કૂપર તરીકે અનેક કામ કરતો હતો. રેસ્ટોરાંમાં આવાં સામાન્ય કામ કરવાથી શરૂ કરીને એ જ રેસ્ટોરાંના એમ્પાયરને લીડ કરવા સુધીની અમોલ કોહલીની ઑન્ટ્રપ્રનર તરીકેની જર્ની રોચક જ નહીં, રોમાંચક પણ રહી છે.
આ વર્ષની બાવીસ જુલાઈએ અમોલે ફ્રેન્ડ્લીઝને ટેકઓવર કરી અને પોતે આ રેસ્ટોરાં-ચેઇનનો માલિક બન્યો. આ ટેકઓવર માટે જ અમોલે લેગસી બ્રૅન્ડ્સ ઇન્ટરનૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપની સ્થાપના કરી હતી. જોકે ફ્રેન્ડ્લીઝની ડીલ કેટલા અમાઉન્ટમાં ડન થઈ એ બહાર પાડવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
કરીઅર એટલે ફ્રેન્ડ્લીઝ
ભારતીય મૂળનો અમેરિકન અમોલ કોહલી ફર્સ્ટ જનરેશન ઇમિગ્રન્ટ્સ પેરન્ટ્સનું સંતાન છે. તેણે ફાઇનૅન્સ અને માર્કેટિંગમાં ડબલ મેજર કર્યું છે. ભણવાના આ સમય દરમ્યાન તેણે રેસ્ટોરાંમાં અઠવાડિયામાં પાંચથી ૬ દિવસ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને આ જ બિઝનેસમાં માસ્ટર થવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૦માં ગ્રૅજ્યુએશન પૂરું થયા પછી તેણે ટ્રેડિશનલ કરીઅરને બદલે ફ્રેન્ડ્લીઝમાં જ રીજનલ મૅનેજરની જવાબદારી સ્વીકારી. થોડાં વર્ષો પછી જ્યારે ફ્રેન્ડ્લીઝની એક ફ્રૅન્ચાઇઝી બંધ થઈ રહી હતી ત્યારે તેણે ‘લીપ ઑફ ફેથ’ લેવાનું નક્કી કર્યું અને એ ફ્રૅન્ચાઇઝી પોતે ખરીદી લીધી.
રીજનલ મૅનેજર પછી તે સીધો આ ફ્રૅન્ચાઇઝીનો માલિક બન્યો. આ બંધ થયેલી ફ્રૅન્ચાઇઝીને શરૂ કરવા માટે તેણે પોતાની સેવિંગ્સ તોડી, લોન લીધી અને મિત્રો પાસેથી પણ ફન્ડ ભેગું કર્યું. આ સાથે તેની નવી કારકિર્દીની શરૂઆત થઈ એટલું જ નહીં, એક ફ્રૅન્ચાઇઝી શરૂ થયેલી આ યાત્રામાં ધીમે-ધીમે ફ્રેન્ડ્લીઝનાં ૩૧ આઉટલેટ્સ સમાયાં અને અંતે તો આખી બ્રૅન્ડનો તે માલિક બની ગયો.
આખું જીવન ફ્રેન્ડ્લીઝમય
૩૭ વર્ષનો અમોલ કહે છે, ‘મેં મારા જીવનનો મોટા ભાગનો સમય ફ્રેન્ડ્લીઝમાં કામ કરીને વિતાવ્યો છે. ભણતો હતો ત્યારે અહીં કામ કરતો હતો, પછી જૉબ પણ અહીં જ શરૂ કરી, એક ફ્રૅન્ચાઇઝી લઈને બિઝનેસ શરૂ કર્યો અને હવે આખી રેસ્ટોરાં-ચેઇન મૅનેજ કરું છું. મને એવું લાગે છે આ બહુ ઓછી એવી ઇન્ડસ્ટ્રીઝમાંની એક ઇન્ડસ્ટ્રી છે જ્યાં તમે ખરેખર એકદમ બૉટમથી લઈને ટૉપ સુધી પહોંચી શકો છો. મેં કૉલેજના સમયમાં જ આ બિઝનેસને સમજવાની શરૂઆત કરી દીધી હતી. એ સમયે મેં અમુક ફ્રૅન્ચાઇઝીને હેલ્પ કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે હું ઑબ્ઝર્વ કરવા લાગ્યો હતો કે આ બિઝનેસમાં પૈસા કેવી રીતે ફરે છે. ઇન્શ્યૉરન્સ, પેરોલ, ફૂડ-કૉસ્ટ અને એવા બધા ખર્ચનો મેં અભ્યાસ કરી લીધો હતો.’
આપદાને અવસરમાં બદલી
ફ્રેન્ડ્લીઝ માટે સૌથી મોટો ફટકો ૨૦૨૦નો કોવિડકાળ હતો. કોરોના દરમ્યાન વેચાણમાં ઘટાડાને કારણે ફ્રેન્ડ્લીઝે નાદારી નોંધાવી હતી. ૧૯૯૦માં ૮૦૦થી વધુ રેસ્ટોરાંની ચેઇન ત્યારે માત્ર ૧૦૦ જેટલી રેસ્ટોરાંની થઈ ગઈ હતી. ૨૦૨૧માં બ્રિક્સ હોલ્ડિંગ્સે માત્ર બે મિલ્યન ડૉલરમાં આ ચેઇન ટેકઓવર કરી લીધી હતી.
જોકે અમોલ કોહલી માટે ફ્રેન્ડ્લીઝ માત્ર બિઝનેસ નહીં, ઇમોશન પણ હતી. એની માલિકી લેવાના હેતુથી તેણે બ્રિક્સ હોલ્ડિંગ્સને ખરીદી શકાય એવી ઇન્વેસ્ટમેન્ટ કંપની બનાવવાનું નક્કી કર્યું અને લેગસી બ્રૅન્ડ્સ ઇન્ટરનૅશનલનો જન્મ થયો જેણે બ્રિક્સ હોલ્ડિંગ્સ અને એ સાથે ફ્રેન્ડ્લીઝને ટેકઓવર કરી. આ ઉપરાંત અમોલની ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ ક્લીન જૂસ, ઑરેન્જ લીફ, રેડ મૅન્ગો, સ્મૂધી ફૅક્ટરી જેવી બીજી બ્રૅન્ડ્સ પણ ખરીદી લીધી જેને પરિણામે આજે તેની કંપનીના નામે અમેરિકામાં ૨૫૦થી વધુ રેસ્ટોરાં છે.
મોટા પડકારો હજી બાકી છે
એક રીતે આ બધું એકસાથે બન્યું એમાં નસીબનો પણ સાથ મળ્યો એમ જણાવીને અમોલ કહે છે, ‘ઘણા લોકોએ સપોર્ટ આપ્યો, વિશ્વાસ રાખ્યો, એકસાથે ઘણીબધી ગુડવિલ ભેગી થઈ એટલે આ શક્ય બન્યું. હતું. હા, રેસ્ટોરાંમાં એક વેઇટર કે ડિશવૉશરથી એ જ રેસ્ટોરાં-ચેઇનના માલિક સુધીની સફર અકલ્પનીય લાગે છે, પણ મોટા પડકારો તો હજી બાકી છે. નવા જમાનામાં બ્રૅન્ડને રિવાઇવ કરવાની છે, એના મૉડર્નાઇઝેશન અને ટેક્નૉલૉજી પર ધ્યાન આપવાનું છે.’
કોઈ કામ નાનું નથી
અમોલ કોહલીની ફિલોસૉફી તેણે એક ઇન્ટરવ્યુમાં શૅર કરી હતી. તે કહે છે, ‘કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. જ્યારે તમે ટૉપ પર પહોંચો અને બીજા લોકોને કામ કરવાના ઑર્ડર આપવાની જવાબદારી લો ત્યારે તમારે એ માટે પણ પૂરી તૈયારી રાખવી પડે કે એ જ કામ તમે જાતે પણ સારી રીતે કરી શકો.’


