મોટા થયા પછી પણ બાળપણની યાદો, રમકડાં અને જૂના પાત્રો પ્રત્યેનો લાગણીસભર સંબંધ માણસને માનસિક શાંતિ અને ખુશીની અનુભૂતિ કરાવે છે. નૉસ્ટાલ્જિયા માત્ર યાદો નહીં, પરંતુ પોતાની અંદરના બાળક સાથે ફરી જોડાવાનો પ્રયાસ છે.
યોગેશ શાહ
ઘરમાં સાફસફાઈ ચાલી રહી હતી. પત્નીએ એક જૂનું કાર્ટન ખોલ્યું અને પૂછ્યું, ‘આ તૂટેલો પ્લાસ્ટિકનો સિપાઈ હજી શા માટે રાખ્યો છે? ફેંકી દઉં?’
સામે ઊભેલા ૫૦ વર્ષના પતિએ તરત જ જવાબ આપ્યો, ‘અરે, એ રમકડું નથી, એ તો મારું બાળપણ છે.’
માણસ ગમે એટલો મોટો થાય તેની અંદર બાળપણ ક્યાંક છુપાઈને પડ્યું જ હોય છે. એટલે જ નાનકડી બસ કે એન્જિન કે સિપાઈ જેવાં રમકડાં દેખાય તો હાથમાં લઈને થોડું રમવાની ઇચ્છા થઈ જ જાય છે. વિક્રમ અને વેતાલની વાર્તાનું ચિત્ર જોવું ગમે છે. છકો-મકોની વાર્તા મળી જાય તો નજર નાખી લેવી ગમે છે. ટીવીનું પણ બાળપણ હતું ત્યારની કચ્ચી ધૂપ, સંતાકૂકડી, ખેલખિલૌને જેવી સિરિયલોની યાદ નૉસ્ટાલ્જિયા જગાવી જાય છે. માલગુડી ડેઝની ટ્યુન હજીયે ગણગણવી ગમે છે. ‘જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ’ સાંભળતાં જ ઊડતો ઊછળતો મોગલી આંખની સામે તરવરવા લાગે છે. ઘરમાં એક નાનકડું રમકડું ઘણી વાર આખા જીવનની સૌથી મોટી યાદ બનીને બેઠું હોય છે.
થોડાં વર્ષો પહેલાં બહુ લોકપ્રિય થયેલી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’માં મલ્ટિમિલ્યનેર બિઝનેસમૅન રામ કપૂરે તેની સંપત્તિની છાકમછોળ વચ્ચે પણ જૂનાં રમકડાં અને બાળપણની
નાની-નાની વસ્તુઓ એક ડ્રૉઅરમાં સાચવીને રાખી હતી અને એ ડ્રૉઅરને અડવાની બધાને મનાઈ હતી. બહારના સખત ધંધાદારી પુખ્ત ચહેરા પાછળ બાળપણનું કોમળ હૃદય ધબકતું હતું. માણસના મનના અનેક સ્તરો હોય છે. જે દેખાય છે એ તો ફક્ત બહારની પરત હોય છે. આપણે પોતે પણ આપણી અંદર ઝાંકીએ તો જરૂર કહી શકીએ કે આ જે બહાર હું દેખાઉં છું એ તો ખરેખર હું નથી જ.
પેલો પ્લાસ્ટિકનો તૂટેલો સિપાઈ હજી ઘણાના માળિયામાં ક્યાંય સંગ્રહાયેલો પડ્યો હશે. નહીં હોય તો આવાં ટૉય્ઝ ખરીદવાનો, જૂની કૉમિક બુક્સ (ફૅન્ટમ અને મૅન્ડ્રેક્સ યાદ છે?) ખરીદવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. મુંબઈના જ નહીં, દુનિયાભરના નવા જનરેશનના હજારો લોકો રમકડાંની કાર કે ટ્રેન-સેટમાં પોતાનું ખોવાઈ ગયેલું બાળપણ ખરીદી રહ્યા છે. બહારથી આ બધું બાલિશ લાગે, પણ અંદર જે માનસિક સંતોષ મળતો હોય છે એના માટે લોકો હજારો રૂપિયા ખર્ચતાં અચકાતા નથી. માનસશાસ્ત્રીઓ કહે છે કે એ લોકો રમકડાં નથી ખરીદતાં, પોતાનાં અધૂરાં સપનાંઓને સ્પર્શે છે. કદાચ એ વખતે આર્થિક સ્થિતિ નહીં હોય અથવા હતી તો પણ પૂરું રમી ન શક્યાનો વસવસો રહી ગયો હોઈ શકે.
મુંબઈનું જીવન માણસને ઝડપથી મોટો બનાવી દે છે. લોકલ ટ્રેન, ઑફિસ, ટ્રાફિક, EMI અને ઘરની જવાબદારીઓ વચ્ચે માણસ પોતાને જ ગુમાવી દે છે. ત્યારે એક નાનકડો સ્પાઇડરમૅન કે કાળી મોટી આંખોવાળી ડોકું હલાવતી લાલ ઢીંગલી ભૂતકાળના દરવાજા ખોલી દે છે. અચાનક પેલી રવિવારની અલ્લડ સવાર ઊઘડી જાય છે અને દૂરદર્શન પરનાં કાર્ટૂનો અને ફૂલવાડી આંખોના પડદા પર ઝગમગવા લાગે છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે આ પોતાના મૂળ સ્વભાવ સાથે, મહોરા વગરના ચહેરા સાથે ફરી જોડાવાનો સ્વયંનો પ્રયાસ હોય છે. દુનિયા જેટલી ઝડપથી દોડે છે એટલી જ ઝડપથી માણસ પોતાની અંદર સુરક્ષિત જગ્યા શોધે છે. બાળપણ એ સૌથી સુરક્ષિત સરનામું છે. હમણાં-હમણાં તમે ટીવી ચાલુ કરો કે મોબાઇલ સ્ક્રોલ કરો કે કોઈ મૉલમાં જાઓ, એક લાલ લંબગોળ ચહેરો અચૂક સામે આવી જાય છે. સ્પાઇડરમૅનની આ નવી ફિલ્મનો ઉત્સાહ બાળકો સાથે જ મોટાઓમાં પણ દેખાય છે. કોઈ આ નવા ટૉયનું પ્રી-બુકિંગ કરે છે તો કોઈ જૂની કૉમિક્સ ખરીદે છે. પ્રશ્ન એ છે કે શું આ માત્ર સુપરહીરોનો જાદુ છે કે પછી બાળપણને ફરી એક વાર સ્પર્શી લેવાની ઇચ્છા?
સ્પાઇડરમૅન, બૅટમૅન કે સુપરમૅન વગેરે પાત્રો માત્ર ફિલ્મોના હીરો નથી, દરેક પેઢી માટે એ યાદોનાં સરનામાં છે. જ્યારે નવી ફિલ્મ આવે છે ત્યારે જૂનાં રમકડાં, જૂની ફ્રેમ, પોસ્ટર, કી-ચેઇન અને એવી બધી કલેક્ટિબલ્સનું બજાર પણ જીવંત થઈ ઊઠે છે. સિનેમા અને નૉસ્ટાલ્જિયાની આ પાર્ટનરશિપ એક નવી આર્થિક વ્યવસ્થા બની ગઈ છે. લાખો કરોડોનું ટર્નઓવર થઈ જાય છે. આ એક અનોખું પરિમાણ છે. આજે ઘણી કલેક્ટિબલ્સ વસ્તુઓ રોકાણ (Investment) બની ગઈ છે. લિમિટેડ એડિશન ટૉય્ઝ, મૂળ પૅકિંગમાં રહેલી ઍક્શન ફિગર્સ કે જૂનાં કૉમિક્સની કિંમત વર્ષો પછી અનેકગણી વધી જાય છે. એટલે કેટલાક માટે જો આમાં લાગણીનું રોકાણ છે તો બીજા કેટલાક માટે સંપત્તિનું.
આપણે બાળકોને કહીએ છીએ કે ‘મોટાં થાઓ’, પણ મોટા થયા પછી આપણે જ ફરી બાળપણને શોધતા ફરીએ છીએ. કદાચ માણસ ક્યારેય સંપૂર્ણપણે મોટો થતો જ નથી. માત્ર રમકડાં બદલાય છે, રમકડાંની કારથી સાચી કાર. જીવનનું સંતુલન એ જ છે : જવાબદારીઓ નિભાવવી અને સાથે જ અંદરના બાળકને જીવતું પણ રાખવું, કારણ જે દિવસે માણસ રમવાનું ભૂલી જશે, આશ્ચર્ય પામવાનું ભૂલી જશે એ દિવસે તેની ઉંમર ખરેખર વધી જશે.
