Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વરસાદ, વ્યવસ્થા-તંત્ર અને પ્રજા : દાયકાઓથી સમસ્યાઓ ત્યાંની ત્યાં

વરસાદ, વ્યવસ્થા-તંત્ર અને પ્રજા : દાયકાઓથી સમસ્યાઓ ત્યાંની ત્યાં

Published : 16 July, 2026 11:21 AM | IST | Mumbai
Jayesh Chitalia

ચોમાસું બેસે એટલે દર વર્ષે જળબંબાકાર થતાં શહેરો, રસ્તાઓ, ગલીઓ, મકાનો, ખોરવાતો વાહનવ્યવહાર, મિલકતો, જીવોની હાનિ વગેરે નક્કી થઈ જાય છે. દર વખતે તંત્ર કેમ નિષ્ફળ જાય છે? કોના વાંકે લોકો આટલું બધું સહન કરે છે? શું આનો કોઈ જ આગોતરો ઉપાય નથી?

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


જ્યારથી અથવા જે ઉંમરથી અખબારો વાંચવાનું શરૂ કર્યું ત્યારથી આપણને સૌને અમુક ટાઇટલ અને અહેવાલ દર વર્ષે ચોક્કસ જોવા મળ્યાં હશે. જેમ કે તોફાની પવન સાથેના વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, મહાનગરપાલિકા ઊંઘતી ઝડપાઈ, દર વર્ષની જેમ વ્યવસ્થા-તંત્ર આગોતરી તૈયારી રાખવામાં અને પરિસ્થિતિને મૅનેજ કરવામાં સદંતર નિષ્ફળ, ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો બંધ અથવા કલાકો મોડી, બહારગામની ટ્રેનો અનિશ્ચિત, ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં અનેક ઘરો-મકાનો ડૂબ્યાં, ટ્રાફિક જૅમ, સ્કૂલોમાં રજા જાહેર, ક્યારેક યલો અલર્ટ તો ક્યારેક રેડ અએલર્ટ. આ સમાચારો માત્ર મુંબઈ પૂરતા સીમિત ન રહેતાં આખા દેશ માટે લગભગ કૉમન રહેતા. ક્યાંક વળી સંજોગો મુંબઈ કરતાં પણ બદતર રહેતા. છાપાંઓનાં પાનાં ન જોઈ શકાય એવા ફોટોથી છલકાતાં જોવા મળતાં. ક્યાંક લોકોની વરસાદી મસ્તી પણ જોવા મળતી, જેમાં તેઓ સમસ્યાઓ વચ્ચે પણ વરસાદનો આનંદ લેતા જેને લોકોનો સ્પિરિટ તરીકે બિરદાવવામાં આવતી.

વાંક કોનો અને સહન કોણ કરે?



કેટલાય દાયકાઓથી આપણે એની એ જ સ્થિતિ જોઈ રહ્યા છીએ, સહન કરી રહ્યા છીએ. માનીએ કે કુદરત આગળ કોઈનું કંઈ ન ચાલે, પરંતુ ટેક યુગમાં આવનારા સંભવિત સંકટનો સામનો કરવા તંત્ર કંઈ જ કરી શકે નહીં? લોકોની જાનહાનિ રોકી શકે નહીં? લોકોના માલસામાનનું રક્ષણ કરી શકે નહીં? પાણી ભરાય નહીં એવાં પગલાં લઈ શકે નહીં? વરસાદનાં એંધાણ મળ્યાં હોય તો પણ પૂર્વતૈયારી થઈ શકે નહીં? હજારો-લાખો લોકો તારાજ થઈ જાય અને તંત્ર માત્ર ઠાલું બની જોયા કરે? શું ખરેખર આ કુદરતના આક્રમણ સામેની લાચારી ગણાય કે તંત્રની પોતાની નિષ્ફળતા ગણાય? આ બધામાં સામાન્ય લોકોનો શું વાંક? ગરીબોનો એ જ વાંક કે તેઓ ગરીબ હોવાથી ઝૂંપડાંઓમાં રહે છે? લોઅર મિડલ ક્લાસનો એ વાંક કે તેઓ આર્થિક રીતે નબળા હોવાથી ચાલીઓમાં અથવા નીચાણવાળાં ઘરોમાં રહે છે અથવા એવાં સ્થળોએ રહે છે જ્યાં સુવિધા ઓછી અથવા અધૂરી છે? વરસાદ કોના પર રોષ ઉતારી રહ્યો હોય છે? એ તો કુદરત છે, પરંતુ કુદરત સાથે ચેડાં પણ માણસજાત જ કરતી રહેતી હોય છે. અલબત્ત, આવા સમયમાં લાખો લોકોની લાઇફ પર પાણી ફરી જતું હોય છે. તેમણે આખું જીવન રીસ્ટાર્ટ કરવું પડે છે જે માત્ર એક બટન દબાવા જેટલું સરળ હોતું નથી.


મસમોટો સવાલ એ જ છે કે આટલા દાયકાઓથી પાલિકાનું તંત્ર, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ સમસ્યાનો કેમ કોઈ નક્કર ઉકેલ શોધી શક્યાં નથી? શું ખરેખર ઉકેલ છે જ નહીં કે પછી તંત્ર બિનકાર્યક્ષમ યા બેદરકાર જ રહ્યું છે? આપણા દેશમાં માણસોની જિંદગીની કિંમત કાયમ ઓછી રહી છે. શું આ સમસ્યાનો ઉકેલ પણ વિકસિત રાષ્ટ્ર બન્યા પછી જ આવશે? પછી પણ આવશે? કચાશ ક્યાં છે? કોની છે? શા માટે છે? ખરું જવાબદાર કોણ છે? એ સવાલો થવા જોઈએ અને એના સચોટ ઉપાય પણ થવા જોઈએ.

આગોતરા ચોક્કસ ઉપાયો તો છે, પરંતુ...


આના કોઈ ઉપાય નથી એવું નથી; પણ આ માટેનું કમિટમેન્ટ નથી, રાજકીય કે વહીવટી નિષ્ઠા કે જવાબદારીનો અભાવ છે. ઝૂંપડાંઓ કે નીચાણવાળા વિસ્તારોને પહેલેથી સુરક્ષા આપવાના માર્ગ કાઢી શકાય. પાણી ભરાવાનું મુખ્ય કારણ ડ્રેનેજ સિસ્ટમની કચાશ હોય છે. એનો ઉપાય પણ થઈ શકે.

ગટર-વ્યવસ્થા સુધારી શકાય, વરસાદના તોફાની પ્રવાહને અંકુશમાં રાખવા સ્ટૉર્મ વૉટર ડ્રેઇન્સ અપગ્રેડ કરાય, ગાર્બેજ અને પ્લાસ્ટિક વેસ્ટને અટકાવી શકાય, ચોક્કસ સ્થળોએ બાંધકામ ટાળી શકાય, વરસાદી પાણીને ઍબ્સૉર્બ કરવાની વ્યવસ્થા થઈ શકે, મોટાં મકાનો માટે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનાવી શકાય, ફ્લડ (પૂર)ને ટાળવાની યંત્રણા મજબૂત બનાવી શકાય, નીચાણવાળા વિસ્તારોમાં પમ્પિંગ-સ્ટેશન વધારવાં જોઈએ.

હવે કેટલાક સમયથી આગાહી બાબતમાં હવામાન ખાતું વધુ કાર્યક્ષમ બન્યું હોવાથી અલર્ટ સિસ્ટમ પણ વધુ પર્ફેક્ટ બનાવી શકાય. સ્માર્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ કરી શકાય. આ સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ નક્કર સુધારા થઈ શકે. રોડ-ડિઝાઇનથી લઈને ઇમર્જન્સી રૂટ બનાવી શકાય. ચોક્કસ વિસ્તારોમાં રેસ્ક્યુ ટીમ તહેનાત રહેવી જ જોઈએ. ઇલેક્ટ્રિસિટીનું બૅકઅપ રાખવું જોઈએ. દરેક નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ક્લાઇમેટનો સામનો કરવાની સજ્જતા હોવી જોઈએ. નેતાઓ ચૂંટણી સમયે મત માગવા ઝૂંપડીઓ-સ્લમ એરિયામાં જાય છે. શું તેઓ વરસાદ પહેલાં પણ જઈને તેમની તકલીફો જાણીને તેમને આગોતરી સહાય ન કરી શકે? પોતે જે વિસ્તારમાં ઊભા છે, જ્યાંના લોકો તેમને વોટ આપીને સત્તા પર બેસાડે છે તેમના હિતમાં આ લોકોએ નક્કર ઉપાય પહેલેથી જ કરવા જોઈએ. પછીથી મદદ કરીને ફોટો પડાવવા દોડતા આ લોકો પહેલેથી આ કામ કરી નાખે તો અનેક લોકો પર પડનારી આફત દૂર યા ઓછી કરી શકે.

અર્બન પ્લાનિંગ સુધારવું અનિવાર્ય

આપણા સરકારી અધિકારીઓ પૂર, ડ્રેનેજ સિસ્ટમ, સહિત અનેક હવામાન કે કુદરત સંબંધી આફતોનો સામનો કરવા કેવી યંત્રણા હોવી જોઈએ એનો અભ્યાસ કરવા વિવિધ દેશોની મુલાકાતે જાય છે, પરંતુ સરવાળે એના અમલનું શું? વિવિધ દેશોમાં ભારે વરસાદ સામે જનજીવનની સુરક્ષા માટે જોગવાઈઓ-વ્યવસ્થા છે, આપણા દેશમાં શા માટે નહીં? દર વર્ષે કમસે કમ એક-બે વાર તોફાની બનીને વરસાદી આફતો લોકો પર ઊતરે જ છે, જેમાં સૌથી વધુ સહન સામાન્ય પ્રજા જ કરે છે. આની સામે અગમચેતીનાં પગલાં તરીકે દર વર્ષે ચોમાસા પહેલાં ડ્રેનેજ સિસ્ટમ ચેક થવી જોઈએ અને ક્લીન થવી જોઈએ, તળાવો પાસેનાં એન્ક્રોચમેન્ટ અટકાવવાં જોઈએ, સ્ટૉર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ આધુનિક બનાવવી જોઈએ, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ વિસ્તારવું જોઈએ, પબ્લિક વૉર્નિંગ સિસ્ટમ વધુ સક્ષમ બનાવવી જોઈએ અને અર્બન પ્લાનિંગ સુધારવું જોઈએ. દર વર્ષે વરસાદી આફતોમાં જનજીવન સાથે દેશને અને પ્રજાને ભારે આર્થિક નુકસાન પણ થાય છે.

હાલ જ્યારે શહેરો-મહાનગરો માનવમહેરામણથી છલકાઈ રહ્યાં છે, માળખાકીય દૃષ્ટિએ સતત વિસ્તરી રહ્યાં છે ત્યારે જનજીવનની સુરક્ષા માત્ર વરસાદ જ નહીં, બલકે દરેક પ્રકારની અણધારી આફતો સામે કરી શકવાની સુવિધા અને સજ્જતા પણ વિકસવી જ જોઈએ. દર વખતે માત્ર કુદરતી આફત કે પ્રકોપ ગણાવીને બેસી રહેવાય નહીં. દર વખતે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા ન બેસાય.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 11:21 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK