Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રકૃતિ પ્રત્યે તમને કેટલો પ્રેમ છે, બોલો તો?

પ્રકૃતિ પ્રત્યે તમને કેટલો પ્રેમ છે, બોલો તો?

05 June, 2023 03:16 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નેચરને સર્વેસર્વા ગણીને એકલપંડે કુદરતના સંવર્ધનમાં મચેલા ત્રણ નેચરના રક્ષકોને મળીએ આજે

પ્રતીકાત્મક તસવીર

World Environment Day

પ્રતીકાત્મક તસવીર


મૉડર્નાઇઝેશનની આડમાં કુદરતનું થઈ શકે એટલું પતન આપણે કરી ચૂક્યા છીએ અને એની આડઅસર રૂપે જ બદલાઈ રહેલા વાતાવરણે પોતાનો પરચો દેખાડવાનું શરૂ કરી દીધું છે. ઍટ લીસ્ટ, હજીયે આપણી આંખો ખૂલશે? નેચરને સર્વેસર્વા ગણીને એકલપંડે કુદરતના સંવર્ધનમાં મચેલા ત્રણ નેચરના રક્ષકોને મળીએ આજે

‘સોલ્યુશન ફૉર પ્લાસ્ટિક પૉલ્યુશન’ એ આ વખતના વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેની થીમ છે. દર વર્ષે ‘પ્રકૃતિને બચાવો’, ‘પ્રકૃતિને આપણી જીવનશૈલીને કારણે થઈ રહેલા નુકસાનથી રક્ષા કરો’ના નારા સાથે દુનિયાભરના પ્રકૃતિપ્રેમીઓ ઝુંબેશ ચલાવે છે. અત્યારે ઘણા અંશે પ્રકૃતિને ડૅમેજ કરવાને કારણે વણસેલી પરિસ્થિતિઓ છડેચોક વરતાવા માંડી છે, છતાં આપણે આપણા સ્તર પર કુદરતના સંવર્ધન માટે શું કરી રહ્યા છીએ? ખરેખર વ્યક્તિગત ધોરણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીએ કે કચરો ન ફેંકીએ કે નેચરની નજીક રહીને એના જતનના પ્રયાસ કરીએ તો કોઈ ફરક પડવાનો છે? જવાબ છે યસ, ફરક પડશે. પ્રકૃતિની રક્ષા માટે એકલપંડે થતા પ્રયાસોથી પણ પોતાનું યોગદાન આપી રહેલા ત્રણ એવા પ્રકૃતિપ્રેમીઓને આજે મળીએ જેમની વાતો અને વ્યવહારમાં ક્યાંક ને



ક્યાંક કુદરત પ્રત્યે પારાવાર પ્રેમ વરતાઈ આવે છે અને તેમનો અનુભવ કહે છે કે હા, માત્ર તમારા એકલાના પ્રયાસથી પણ ફરક પડશે. મળીએ તેમને...


ઘરમાં જાણે બગીચો


ભાઈંદરમાં રહેતા વેપારી વૈભવ ત્રિવેદી નાનપણમાં લખેલા નિબંધોને જાણે હવે જીવી રહ્યા છે. હું કચરો ન ફેંકું કે હું બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરું તો શું ફરક પડવાનો છે એવું વિચારનારાઓને વૈભવભાઈ ઘણું શીખવી જાય છે. તેઓ કહે છે, ‘મારા ઘરમાં એક મિની બગીચો જ બનાવ્યો છે જાણે. મુંબઈનાં નાનકડાં ઘરોમાં આમ તો આપણને બગીચાનું સુખ મળવાનું નથી, પણ મારી અગાસીમાં લગભગ પંચાવન જેટલાં કૂંડાંઓમાં મને એ સુકૂન મળી જાય છે. જેટલો કુદરતની નજીક રહું એટલું એને બચાવવાનું સૂઝે છે. ‘વધારે લાઇટ નહીં બાળો’, ‘બિનજરૂરી પેટ્રોલ ન બાળો’ એ હવે કહેવું પડે છે એ કેવી દયનીય વાત છે. મેં નિયમ રાખ્યો છે કે કચરો ગમે ત્યાં ન જ ફેંકવો, નિયમિત પીયુસી કરાવવું, ઍરકન્ડિશન પચીસથી ઓછું ન જ રાખવું, બને ત્યાં સુધી પ્લાસ્ટિક અવૉઇડ જ કરવું. પ્લાસ્ટિકની બાબતમાં મને લાગે છે કે સરકારે કડક નિયમ બનાવવા જોઈએ. જો બને જ નહીં તો વેચાવાનું ક્યાંથી. આજે મૉલમાં થેલીના પૈસા લેવાવાનું શરૂ થયું તો લોકો કેવા જાતે પોતાની થેલી લઈ જતા થયા. જો પ્લાસ્ટિક સંપૂર્ણ બૅન થાય અને એના પર હેવી ટૅક્સ લાગે તો ઑટોમૅટિક એનો વપરાશ ઘટશે. હું મારા પક્ષથી જેટલું રાખી શકાય એટલું ધ્યાન રાખી લઉં તો પણ ઘણો ફેર પડશે એટલી સભાનતા મને છે.’

તો જીવદયા નકામી તમારી

પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા પર્યાવરણનો વિચાર નથી કરતા, પણ અન્ય નિર્દોષ જીવોને હાનિ થાય છે એની પણ તેમને પડી નથી. સાપથી લઈને અનેક પક્ષીઓ, જળચર જીવોના રેસ્ક્યુ માટે છેલ્લાં ઘણાં વર્ષોથી સક્રિય પરિન કેતન શાહ આમ તો ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગનું કામ કરે છે, પરંતુ પ્લાસ્ટિકના દૂષણે કેટલા જીવોનું જીવવું દુષ્કર કરી દીધું છે એના ઘણા દાખલા તેમની પાસે છે. અત્યારનો એક લેટેસ્ટ કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે, ‘થોડા સમય પહેલાં અમે એક અલભ્ય પ્રજાતિનો કાચબો રેસ્ક્યુ કર્યો. નામશેષ થવા આવી હોય એવી પ્રજાતિઓમાંનો એક એ કાચબો હતો. જોયું તો એના ગળામાં શ્વાસનળી સુધીના ભાગમાં સ્ટ્રૉ ફસાઈ ગઈ હતી. એ શ્વાસ નહોતો લઈ શકતો. અધમૂઈ અવસ્થામાં હતો. એનું ઑપરેશન કરીને એ સ્ટ્રૉ કાઢવામાં આવી. એ કાચબો નસીબદાર હતો કે બચી ગયો, પણ ઘણા જીવ આટલા લકી નથી હોતા. એવું કેટલીયે વાર થયું છે કે કોલ્ડ ડ્રિન્કની બૉટલમાં મોઢું ફસાઈ જાય અને સાપ તડફડીને મૃત્યુ પામ્યો હોય. બહુ જ દયનીય અવસ્થા હોય છે. આપણને થાય કે નાનકડી સ્ટ્રૉ ફેંકી દીધી તો શું થાય, પણ એ સ્ટ્રૉ કોઈક પ્રાણીનો જીવ લઈ શકે એ દિશામાં તો આપણે વિચારતા જ નથી. પ્લાસ્ટિકનું યોગ્ય રીસાઇક્લિંગ થાય, ઍટ લીસ્ટ, એ દિશામાં હવે વિચારતા થાઓ એ જરૂરી છે. આટલી જીવદયા તો હોવી જ જોઈએને?’

પરિન રેસ્ક્યુઇંગ અસોસિએશન ફૉર વાઇલ્ડ લાઇફ સાથે જોડાયો ત્યારે રેસ્ક્યુઅર હતો, પણ હવે તે તેની કમિટીમાં મેમ્બર છે અને નિયમિત આજે પણ બર્ડ કે અન્ય કોઈ પણ ઍનિમલ રેસ્ક્યુનો ફોન આવે તો તે પહોંચી જાય છે. તે કહે છે, ‘મેં મારા ગાર્મેન્ટના બિઝનેસમાં પણ કડક નિયમ બનાવ્યો છે કે અમુક માઇક્રોબ્સની નીચે પ્લાસ્ટિક નહીં જ વાપરવું, એનો રીયુઝ કરવો અને સાવ યુઝ કરવા જેવું ન રહે ત્યારે એને રીસાઇક્લિંગ માટે આપી દેવું. હું કપડાની થેલી અને એક ડબો મારી સાથે રાખું. ક્યારેક બહાર જાઉં અને જૂસ પીવો હોય તો કાચના ગ્લાસમાં પીઉં. દરેક નાની-નાની વાતમાં આપણે બદલાવ લાવી શકીએ છીએ.’

આવું તો ભાગ્યે જ મળે

૧૦ વર્ષથી એક જોડી કપડાની શૉપિંગ નથી કરી એવા મેહુલ દેઢિયા બહુ જ ડેડિકેટેડ પ્રકૃતિપ્રેમી છે. અક્ષયકુમાર જે કંપનીનો પ્રેસિડેન્ટ છે ત્યાં તેઓ માર્શલ આર્ટના ટ્રેઇનર છે અને સાથે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં નેચરલિસ્ટ તરીકે ફ્રી લાન્સિંગ બેઝ પર કામ કરે છે. એક નૅચરલ ટ્રેઇલમાં પતંગિયાના વૈવિધ્યસભર રંગોએ તેમની જિંદગી બદલી નાખી અને આજે બર્ડ્સ, પતંગિયાં અને એની વિવિધ પ્રજાતિઓ પર તેઓ પોતાનું બીજું પુસ્તક લખી રહ્યા છે. મેહુલભાઈ કહે છે, ‘પ્રકૃતિ કેટલી વિવિધરંગી છે એ હું જ્યારે અમસ્તા જ નૅચરલ ટ્રેઇલમાં પહોંચી ગયો ત્યારે પહેલી વાર અનુભવ્યું હતું. કુદરત સતત તમને આપે છે અને આપણે એ જ કુદરતને પતન તરફ લઈ જઈએ એ કેવી વાત? મારા અનુભવો પરથી કહું છું કે હું પાકિસ્તાન સામે સરહદ પર જઈને લડવા નથી જઈ શકતો તો કમસે કમ હું મારા ઘરે રહીને દેશને સાફ રાખું, દેશની હવામાં પ્રદૂષણ ઓછું થાય એ રીતે જીવીને તો દેશસેવા કરી શકું. તમને લખતાં આવડે છે તો તમે કાગળ અને પેનથી કુદરતને બચાવી શકો, તમને બોલતાં આવડે છે તો લોકોમાં એના વિશે જગૃતિ લાવીને કુદરતને બચાવી શકો અને તમારું મગજ તેજ હોય તો તમે લીગલી કુદરતના સંવર્ધનમાં સપોર્ટ કરી શકો. આ કંઈ એવી અઘરી બાબત નથી.’

પ્લાસ્ટિકના કચરામાંથી વર્ગીકરણ કરીને ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ થાય એવું આદર્શ જીવન મેહુલભાઈ જીવી રહ્યા છે. તેઓ કહે છે, ‘અમારા એરિયામાં ગટરનું પાણી ભરાતું. એની તપાસ કરી તો ખબર પડી કે પ્લાસ્ટિકની કોથળીઓ નાળામાં ફસાઈ જવાથી પાણી બ્લૉક થઈ જાય છે. એ જ દરમ્યાન એક ગાયના પેટમાંથી લગભગ ચાર બકેટ ભરીને પ્લાસ્ટિક મળ્યું અને ત્યારે મને ઝટકો લાગ્યો અને નક્કી કર્યું કે આપણે આ પ્લાસ્ટિકના પ્રદૂષણમાં સહભાગી નહીં બનીએ. ત્યારથી અમારા ઘરમાં સૂકો કચરો અને ભીનો કચરો જુદો થાય. સૂકો કચરો દર અઠવાડિયે મારા ઘરે પ્લાસ્ટિક રીસાઇકલ કરતી એનજીઓ આવીને મફતમાં લઈ જાય અને ભીનો કચરો હું કોઈ ગાર્ડન કે ખેતરમાં જઈને હવા મળે એ રીતે ફેંકી આવું, જેથી એ ઝડપથી ડીગ્રેડ થઈને ખાતર બની જાય. ત્યાં સુધી કે કચ્છમાં મેં ચૉકલેટ ખાધી હોય તો એનું રૅપર પણ મુંબઈ મારી સાથે આવે અને રીસાઇક્લિંગમાં જાય. આપણા એકથી પણ ખૂબ ફરક પડે છે એ વાત સૌએ યાદ રાખવા જેવી છે. પ્લાસ્ટિકનો પર્યાય નથી એવું નથી, પણ આપણી આદત આપણે બગાડી નાખી છે. પ્લાસ્ટિક વિના પણ થોડી સભાનતા રાખો તો પણ જીવી શકાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 03:16 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK