તે સિંગર બનવા માટે પદ્ધતિસરની તાલીમ લઈ રહ્યો છે
આમિર ખાન
‘સિતારે ઝમીન પર’માં આમિર ખાને પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલ જીતી લીધાં છે અને હવે તે ઍક્ટિંગ પછી સિન્ગિંગમાં હાથ અજમાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આમિરે સૌપ્રથમ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘ગુલામ’માં ‘આતી ક્યા ખંડાલા...’ ગીત ગાયું હતું અને તેનું આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. હવે આમિર પ્રોફેશનલી સિંગર બનવા માટેની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે.
સિન્ગિંગના પોતાના આ નવા પ્લાનિંગ વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘જ્યારે મેં ‘આતી ક્યા ખંડાલા’ ગાયું હતું ત્યારે એ મજાકમાં કરાયેલો પ્રયાસ હતો, પરંતુ હું નસીબદાર હતો કે એ ચાલી ગયું. હવે હું છેલ્લાં કેટલાંક વર્ષોથી સિંગર બનવા માટે નિયમિત તાલીમ લઈ રહ્યો છું. આ હું મારી અનટાઇટલ્ડ કૉમેડી ફિલ્મ માટે કરી રહ્યો છું. આ ફિલ્મ બાસુ ચૅટરજી કે હૃષીકેશ મુખરજીની ફિલ્મો જેવી હશે. હું ફિલ્મમાં નાનકડો કૅમિયો કરી રહ્યો છું અને બે ગીતો પણ ગાઈ રહ્યો છું. આ માટે હું સુચેતા ભટ્ટાચાર્ય પાસેથી તાલીમ પણ લઈ રહ્યો છું.’

