ભાવફેરને લઈને ૧૫૦૦થી વધારે મહિલાઓ સહિત પશુપાલકોએ કર્યું હલ્લાબોલઃ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ : પથ્થરમારો થયો, પોલીસ-વાહનોની તોડફોડ થઈઃ પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટોળાને કાબૂમાં લેવા માટે ટિયરગૅસના સેલ છોડ્યા
સાબર ડેરી પાસે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા હિંમતનગર પાસે સાબર ડેરીનો વિસ્તાર ગઈ કાલે સવાર-સવારમાં જાણે કે સમરાંગણમાં ફેરવાઈ ગયો હતો. ભાવફેરના મુદ્દે મહિલાઓ સહિત ૧૫૦૦થી વધુ પશુપાલકોએ સાબર ડેરી પર હલ્લાબોલ કર્યું હતું. પશુપાલકોએ સાબર ડેરીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે ડેરીનો દરવાજો બંધ કરી દેવાયો હતો જેને પગલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો એવો ઉગ્ર બન્યો હતો કે પોલીસે ટોળાને વિખેરવા માટે પચાસથી વધુ ટિયરગૅસના સેલ છોડવા પડ્યા હતા. ધમાલના કારણે ત્રણ પોલીસ-કર્મચારીઓ સહિત પશુપાલકો પણ ઇન્જર્ડ થયા હતા.
ADVERTISEMENT
પોલીસનાં વાહનોની તોડફોડ થઈ હતી.
આ પ્રદર્શનમાં હિંમતનગર, મોડાસા, મેઘરજ, માલપુર, ઇડર, ભિલોડા, વડાલીના પશુપાલકો સાબર ડેરી પર ઊમટી પડ્યા હતા. ડેરીનો દરવાજો બંધ કરી દેવા છતાં પણ પશુપાલકોએ અંદર જવાનો પ્રયાસ કર્યો હતો જેને લીધે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમ્યાન પથ્થરમારો થયો હતો અને પોલીસે લાઠીચાર્જ કરતાં ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે એક પછી એક ટિયરગૅસના ૫ચાસથી વધુ સેલ છોડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સાબર ડેરી હાઇવે પર આવેલી હોવાથી હાઇવે પરનો વાહનવ્યવહાર અટકી ગયો હતો અને સાબર ડેરીથી હિંમતનગરના મોતીપુરા સુધી અને બીજી તરફ અમદાવાદ સાઇડ પર પણ ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
પોલીસ શું કહે છે?
સાબર ડેરી પાસે થયેલા તોફાનના મુદ્દે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા વિજય પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે સાબર ડેરીના સભાસદોએ ભાવવધારાની માગણીને લઈને સાબર ડેરી આગળ એકત્રિત થવાનો કૉલ આપ્યો હતો. તેમની માગણી છે કે દર વર્ષે ભાવવધારો આપવામાં આવે છે એ હજી સુધી આપવામાં આવ્યો નથી. રવિવારે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે હજી ઑડિટ ચાલુ છે એટલે ભાવવધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ વચગાળાનો ભાવવધારો જાહેર કર્યો હતો છતાં ગઈ કાલે સવારે લગભગ ૧૫૦૦થી ૨૦૦૦ લોકો ભેગા થયા હતા. પોલીસે તેમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે કહ્યું હતું અને તેમનામાંથી ૧૫–૨૦ કે ૫૦ લોકોને ડેરીના ચૅરમૅન, મૅનેજિંગ ડિરેક્ટર સાથે વાત કરવી હોય તો અમે તેમને લઈ જવા તૈયાર હતા, પરંતુ ટોળાએ ઉશ્કેરાઈને અહીં જે પોલીસનાં વાહનો હતાં એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે બળપ્રયોગ કરવાની જરૂર પડી હતી. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે, ભાવવધારો ડેરી તરફથી આપવામાં આવતો હોય છે, છતાં આ લોકોએ પોલીસને ટાર્ગેટ કરી છે. ચાર વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે. પોલીસ માટે ખૂબ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે સંયમપૂર્વક કામ લઈને ટોળાને વિખેરવાનું કામ કર્યું હતું.’
સાબર ડેરી પાસે થયેલી દોડાદોડીમાં નીચે પડેલા એક પશુપાલકનું મૃત્યુ લોકોએ ગામોમાં દૂધ ઢોળીને કર્યો વિરોધ : પશુપાલકોમાં ભારે રોષ
હિંમતનગર પાસે આવેલી સાબર ડેરી પાસે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં થયેલી દોડાદોડીમાં એક પશુપાલક નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી છે. આ મૃત્યુના પગલે સત્તાધીશો સામે પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે. બીજી તરફ ભાવફેરના મુદ્દે બપોર બાદ જુદાં-જુદાં ગામોમાં લોકોએ મંડળીઓની ઑફિસમાં દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો.
સાબર ડેરી ખાતે થયેલા વિરોધ-પ્રદર્શનમાં ઇડરના ઝિંઝુવા ગામના અશોક પટેલ પણ આવ્યા હતા. પોલીસ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણના કારણે લાઠીચાર્જ થતાં અને ટિયરગૅસ છોડવામાં આવતાં દોડાદોડી થતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમને ઘરે લઈ જતા હતા એ દરમ્યાન છાતીમાં દુખાવો થતાં તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
કેવો રૂપાળો લાગે છે આ ખાડો, નહીં?
સુરતમાં રસ્તા પર પડેલા ઊંડા ખાડાને જોઈને બે સિનિયર સિટિઝન કદાચ આવું કહી રહ્યા હોય તો નવાઈ નહીં. જયપુરમાં પણ રેલવે-સ્ટેશન મેટ્રો સ્ટેશન પાસે મોટો ગોળાકાર ખાડો પડી ગયો છે.

