આલિયા ભટ્ટે ડિલિવરી પછી તરત ફિટ થઈ જવા માટે મદદરૂપ થનારાં કારણોની ચર્ચા કરી
આલિયા ભટ્ટ
બૉલીવુડ સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ૨૦૨૨માં પ્રથમ સંતાન દીકરી રાહાનો જન્મ થયો હતો. આલિયા દીકરીના જન્મ પછી બહુ ઓછા સમયમાં કામ પર પરત ફરી હતી. તેણે દીકરીના જન્મ પછી ગણતરીના દિવસોમાં ફિટનેસ ટ્રેઇનિંગ શરૂ કરી હતી અને પછી ડિલિવરી પછી સૌથી પહેલાં ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે રણવીર સિંહ સાથે ‘તુમ ક્યા મિલે’ ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ગીતનું શૂટિંગ ફિલ્મેકર યશ ચોપડાની સ્ટાઇલની ફિલ્મોના રોમૅન્ટિક ટ્રૅક્સથી પ્રેરિત હતું. આ ગીતમાં આલિયા કાશ્મીરના બરફાચ્છાદિત પર્વતો પર શિફોન સાડીમાં પર્ફોર્મ કરતી જોવા મળી હતી અને તે હૉટ લાગી રહી હતી.
આલિયાએ આ ગીત માટે દીકરીના જન્મના ગણતરીના મહિનાઓમાં શૂટિંગ કર્યું હતું. આ ગીત માટે તેણે કઈ રીતે વધારાનું વજન ઉતાર્યું હતું એ વિશે આલિયાએ કરીના કપૂર ખાનના ચૅટ-શોમાં વાત કરી હતી. આ ચૅટ-શોમાં આલિયાએ જણાવ્યું હતું કે ‘મારા માટે આ વજન ઉતારવાનું સહેલું તો નહોતું પણ મેં સ્વસ્થ ખોરાકનો વિકલ્પ પસંદ કર્યો હતો અને લાંબા સમય સુધી બ્રેસ્ટ-ફીડિંગ કરાવ્યું હતું. બ્રેસ્ટ-ફીડિંગને કારણે હું સ્ટ્રિક્ટ ડાયટ કરી શકતી નહોતી. મેં મારી દીકરીના જન્મનાં ૧૨ અઠવાડિયાં પછી જ યોગ્ય રીતે વર્કઆઉટ શરૂ કર્યું. મને લાગે છે કે સ્તનપાન કરાવવાથી ઘણી કૅલરી બર્ન થાય છે, જેનાથી મને વજન ઉતારવામાં ઘણી મદદ મળી. ગર્ભાવસ્થામાં પણ મેં સ્વસ્થ ખોરાક પસંદ કર્યો હતો. હું બને ત્યાં સુધી શુગરથી દૂર જ રહેતી હતી અને ડાયટ પણ થોડી જ વધારે હતી. મેં પ્રેગ્નન્સીમાં હેલ્ધી ચૉઇસ કરી હતી જેનો મને લાભ મળ્યો હતો’.
ADVERTISEMENT
પોતાની ફિટનેસ જર્ની વિશે આલિયાએ જણાવ્યું હતું કે ‘મેં પ્રેગ્નન્સી દરમિયાન પણ સ્ટ્રેન્ગ્થ પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી. મારા ડૉક્ટરને મને ત્રણ મહિના પછી યોગ અને સ્ટ્રેન્ગ્થ પ્રૅક્ટિસ કરવા માટે મંજૂરી આપી હતી, પણ રનિંગ ટાળવાનું કહ્યું હતું.’

