અમિતાભે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો કર્યો હતો સ્વીકાર
અમિતાભ અને જયાની ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ગણતરી બૉલીવુડના પાવર કપલમાં થાય છે. હાલમાં જાણીતાં પત્રકાર પૂજા સામંતે એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડમાં પોતાના કામ કરવાના અનુભવ વિશે વાત કરતી વખતે અમિતાભ બચ્ચનના એક ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો છે. પૂજાએ જણાવ્યું હતું કે ‘અમિતાભ બચ્ચન સાથેના એક ઇન્ટરવ્યુ દરમ્યાન અમિતજીએ કહ્યું કે હું મારાં માતા-પિતાનો આભારી છું, કારણ કે તેમને કારણે હું આજે જ્યાં છું ત્યાં પહોંચ્યો છું. જોકે હું જયાનો વિશેષ આભારી છું, કારણ કે જ્યારે હું દિવસ-રાત કામ કરતો હતો ત્યારે તેણે પોતાની કરીઅર છોડીને અમારાં બન્ને બાળકોનો ઉછેર બહુ સારી રીતે કર્યો હતો. તેણે બાળકોમાં મજબૂત મૂલ્યોનું સિંચન કર્યું છે.’
જયા બચ્ચનની ગણતરી બૉલીવુડની ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે થાય છે. ૧૯૭૩માં તેમણે અમિતાભ સાથે લગ્ન કર્યા પછી થોડા સમય સુધી અભિનય ચાલુ રાખ્યો હતો, પરંતુ ૧૯૭૪માં દીકરી શ્વેતાના જન્મ અને ૧૯૭૬માં અભિષેકના જન્મ પછી જયાએ ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.

