જયા બચ્ચને કહ્યું કે તેમનાં લગ્ન પહેલી નજરના પ્રેમનું પરિણામ છે
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ફાઇલ તસવીર
જયા બચ્ચન પોતાની વાત સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે જાણીતાં છે. હાલમાં જયાએ એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન સાથેના પોતાના લગ્નજીવન વિશે રસપ્રત વાત કરી છે અને એક તબક્કે તો તેમણે કહી દીધું કે અમિતાભ બચ્ચન કદાચ અમારાં લગ્નને પોતાના જીવનની ‘સૌથી મોટી ભૂલ’ ગણી શકે.
ઇન્ટરવ્યુમાં જ્યારે જયાને પૂછવામાં આવ્યું કે શું તમે ક્યારેય અમિતાભ સાથે પોતાનાં લગ્ન વિશે વાત કરો છો? ત્યારે જયાએ કહ્યું કે ‘મેં તેમની સાથે ક્યારેય આ વિશે વાત નથી કરી. કદાચ તેઓ લગ્નને ‘મારા જીવનની સૌથી મોટી ભૂલ’ પણ કહે, પણ હું એ સાંભળવા માગતી નથી.’
ADVERTISEMENT
ઇન્ટરવ્યુમાં જ્યારે જયાને પૂછવામાં આવ્યું કે શું તમને એ ક્ષણ યાદ છે જ્યારે તમે પ્રેમમાં પડ્યાં? ત્યારે તેમણે મજાકના સૂરમાં કહ્યું, ‘શું તમને જૂના ઘાને ખોતરવામાં મજા આવે છે? હું છેલ્લાં બાવન વર્ષથી એક જ માણસ સાથે લગ્નમાં છું. હું આનાથી વધારે પ્રેમ કરી શકતી નથી. અમારી વચ્ચે પહેલી નજરનો પ્રેમ હતો. અમારા સ્વભાવ એકબીજાથી સાવ અલગ હતા. તેઓ વાત કરતા નથી, મારી જેમ પોતાનો મત સ્પષ્ટ રીતે વ્યક્ત નથી કરતા. તેઓ વાતોને પોતાના સુધી જ રાખે છે, પરંતુ યોગ્ય સમયે અને યોગ્ય રીતે પોતાની વાત કઈ રીતે કહેવી એની તેમને વધારે ખબર છે અને મને એ નથી આવડતું. તેમનો સ્વભાવ અલગ છે. કદાચ એ કારણથી જ મેં તેમની સાથે લગ્ન કર્યાં.’


