રામાયણમાં યશનો રોલ રણબીર કરતાં વધારે સારો હોવાના આક્ષેપ વિશે અનુપમ ખેરે સ્પષ્ટતા કરી
અનુપમ ખેર
‘રામાયણ’ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને બૉક્સ-ઑફિસ પર પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે ફિલ્મને કેટલીક ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અનેક દર્શકોએ એવો આક્ષેપ કર્યો છે કે ફિલ્મમાં રાવણને ખૂબ જ દમદાર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ટીકાઓ વિશે અનુપમ ખેરે કહ્યું, ‘મને ખબર છે કે આ ફિલ્મ બે ભાગમાં વહેંચાયેલી છે. મેં ટીકાઓ કરતી અનેક ક્લિપ્સ જોઈ છે. મારા મતે આ ફિલ્મ સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષની આસપાસ ફરે છે. જ્યાં સુધી તમે બૂરાઈને ખૂબ મોટા સ્તરે નહીં દર્શાવો ત્યાં સુધી બૂરાઈ પર સારાઈનો વિજય એટલો ભવ્ય નહીં લાગે. આ બન્ને વચ્ચેનો તફાવત નહીં હોય તો એનો કોઈ અર્થ જ નહીં રહે. હવે બીજા ભાગમાં ભગવાન રામ જ્યારે રાવણનો વધ કરશે ત્યારે એ ખરેખર બૂરાઈ પર સારાઈનો વિજય લાગશે. ભગવાન રામ બીજા ભાગમાં રાવણનો વધ કરશે ત્યારે દર્શકોને ખરેખર લાગશે કે તેમણે એવી વ્યક્તિને હરાવ્યો છે જે ખરેખર ખતરનાક અને ભ્રષ્ટ હતો. તેથી હું આ વાતને એક ચોક્કસ અર્થમાં જોઉં છું. આ એવું નથી કે પાછળથી અચાનક વિચાર આવ્યો હોય અને તેમણે ફિલ્મને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લીધો હોય. તેમણે શરૂઆતથી જ આનું આયોજન કર્યું હતું.’
જટાયુના પાત્ર માટે માત્ર અવાજની નહીં પણ આત્માની જરૂર હતી ઃ અનુપમ ખેર
ADVERTISEMENT
અનુપમ ખેરે ‘રામાયણ’માં જટાયુને પોતાનો અવાજ આપ્યો છે. આ માટે તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. દર્શકો તરફથી મળી રહેલા પ્રતિસાદથી અનુપમ પણ ખુશ છે. તેમણે એ પણ જણાવ્યું કે સામાન્ય રીતે તેઓ ડબિંગનું કામ ઝડપથી પૂરું કરી લે છે, પણ આ ભૂમિકા માટે તેમણે ઘણો સમય લીધો હતો.
‘રામાયણ’માં જટાયુના પાત્ર માટે ડબિંગ કરવાનો પોતાનો અનુભવ જણાવતાં અનુપમે કહ્યું હતું કે ‘જટાયુની ભૂમિકા ભજવવા બદલ મને ગર્વ છે. જ્યારે તમે કોઈ પાત્રને રજૂ કરતા હો અને એ પણ ખાસ કરીને જટાયુ જેવું પાત્ર હોય જે મનુષ્ય નથી ત્યારે માત્ર અવાજના માધ્યમથી એની પીડા, એની જબરદસ્ત ઇચ્છાશક્તિ અને માતા સીતાને બચાવી ન શકવાની એની લાચારી વ્યક્ત કરવી જરૂરી હતી. આટલી પ્રશંસા મળી રહી છે એનો મને ખૂબ આનંદ છે. સામાન્ય રીતે જ્યારે મારી પ્રશંસા થાય છે ત્યારે હું શરમાતો હોવાનો દેખાવ કરું છું, પણ આ વખતે મને જરાય શરમાવાનું મન થતું નથી. ભગવાન ખૂબ મહેરબાન છે. સામાન્ય રીતે હું ખૂબ ઝડપથી ડબિંગ પૂરું કરવા માટે જાણીતો છું. મેં આખી ફીચર ફિલ્મોનું ડબિંગ માત્ર ૮થી ૯ કલાકમાં પૂરું કર્યું છે પણ આ વખતે મેં ઘણો સમય લીધો, કારણ કે આ પાત્ર માટે માત્ર અવાજની નહીં, પણ આત્માની જરૂર હતી.’
